પરિભ્રમણ ખંડ 1/એવરત–જીવરત: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એવરત–જીવરત}} {{Poem2Open}} [એવરત એટલે આષાઢી અમાવાસ્યાનો દિવસ. પરણી...") |
(No difference)
|
Revision as of 11:42, 17 May 2022
[એવરત એટલે આષાઢી અમાવાસ્યાનો દિવસ. પરણીને આવેલી હિન્દુ નારી તે દિવસે ઉપવાસ કરે; નાહી, ધોઈ, નીતરતી લટે બ્રાહ્મણને ઘેર જઈ ઘીને દીવે, એવરત–જીવરત નામનાં દેવીઓ આલેખ્યાં હોય તેનાં દર્શન કરે; સાંજે ફળાહાર કરે; રાત બધી જાગરણ કરે; એવું વ્રત પાંચ વર્ષ સુધી કરે; પાંચ વર્ષ પૂરાં થાય એટલે ઉજમણું કરે. ઉજમણું કેવી રીતે કરે? પહોંચ હોય તો પાંચ ગોરાણીઓ નોતરીને લૂગડાં કરે; પહોંચ હોય તો પાંચ ટોપરાંના વાટકા, પાંચ પૈસા, પાંચ સોપારીઓ, પાંચ નાડાછડીઓના કટકા, પાંચ ચાંદલા — એટલી ચીજો આપે. આ વ્રત કરનારીઓ આ વાર્તા સાંભળે.]
બામણ અને બામણી હતાં. એને પેટજણ્યું ન મળે. બામણ તો રોજ મા’દેવજીની પૂજા કરીને માથે ફૂલ ચડાવે, એટલે મુસલમાન રોજ બામણની પૂજા ભૂંસીને મા’દેવજીને માથે માછલાં ચડાવે. બામણને તો વિચાર થયો છે કે — અરેરે! આ ન કરવાનાં કામાં કરનારો મુસલમાન; એને ઘેર ઘેરો એક જણ્યાં, ને મારે ઘેર ઘોડિયું બાંધવાયે છોરુ નહિ! દેવળમાં જઈને બામણ તો પેટ છરી નાખવા તૈયાર થાય છે. ત્યાં તો મૂર્તિના મોંમાંથી માકારો થાય છે, કે — “મા! મા!” બામણ કહે : “કાં!” મહાદેવજી પૂછે છે કે “ભાઈ રે ભાઈ, પેટ કટાર શીદને નાખછ?” “અરે મહારાજ! ઓલ્યો મુસલમાન રોજ માછલાં ચડાવે એને ઘેર ઘેરો જણ્યાં; ને હું ફૂલ ચડાવું તો ય મારે ઘેર ઘોડિયું બાંધવા યે છોરુ ન મળે!” “એને ઘેર જઈને જોઈ આવો તો ખરા!” બામણ તો મુસલમાનને ઘેર જઈને જોઈ આવ્યો છે. મા’દેવજી તો પૂછે છે, “ભાઈ, ભાઈ, તેં શું જોયું?” “મા’રાજ, મેં તો છાણનો પોદળો જોયો, ને માલીપા કીડા ખદબદતા જોયા!” “હે ભાઈ, એનાં ઘેરો જણ્યાંની દશા તો એ પોદળામાં ખદબદતા કીડા જેવી જાણજે; જા, તને એક દીકરો દઉં છું. પણ દીકરાને ભણાવીશ મા, ને ભણાવ તો પરણાવીશ મા.” બામણને તો વિચાર થઈ પડ્યો છે. એના મનમાં તો થયું કે ‘ઠીક જીતવા, અટાણે તો દીકરો લઈ લેવા દે! પછીની વાત પછી જોવાશે.’ સ્વસ્તિ કહીને બામણ તો ઘેર ગયો છે. ગોરાણીને તો મહિના રહ્યા છે. નવ મહિને દૂધમલ દીકરો આવ્યો છે. દીકરો તો દીએ ન વધે એવો રાતે વધે, ને રાતે ન વધે એવો દીએ વધે છે; અદાડે ઊઝર્યો જાય છે, હાં હાં! કરતાં તો દીકરો છ મહિનાનો, બાર મહિનાનો, બે વરસનો થયો છે. એને તો રમાડે છે, ખવરાવે ને પીવરાવે છે. દીકરો તો શો મોંઘો! શો મોંઘો! કોઈ વાત નહિ એવો મોંઘો! સાત ખોટ્યનો એક જ દીકરો. એમ કરતાં તો દીકરો પાંચ વરસનો થયો છે. માબાપને તો વિચાર થયો છે કે અરેરે, દીકરાને નહિ ભણાવીએ તો પેટ ખાશે શું? ને નહિ પરણાવીએ તો વસતી રે’શે શું? ઠીક, જે થાય તે ખરું! વધાવી લો નાળિયેર. નાળિયેર તો વધાવી લીધું છે. એમ કરતાં તો લગન આવ્યાં છે. દીકરાને તો પરણાવવા ચાલ્યાં છે. જાડેરી જાન જોડી છે. બેન્યું, ભાણેજું, કાકા, મામા, કળશી કુટુંબ જાનમાં સોંડ્યું છે. પરણાવીને જાન તો પાછી વળી છે. સાંજ પડ્યે ગામનો સીમાડો આવ્યો છે. સૂરજ તો આથમી ગયો છે અને આભમાં વાદળાં ઘેરાણાં છે. અનરાધાર મે તૂટી પડ્યો છે. બરાબર શ્રાવણ મહિનાની અમાસ અને એમાં ભળ્યો મે. અંધારું! અંધારું! ઈ તો કાંઈ અંધારું! અને ધરતી માથે તો પાણી! પાણી! પાણી તો ક્યાંય માતાં નથી. ઢાંઢા હાલતા નથી. એટલે સૌ ગાડામાંથી ઊતરી જાય છે. વરઘોડિયાં કહે, અમેય ઊતરી જઈએ. ઊતરીને વરવહુ તો બેય હેઠે હાલવા મંડ્યાં છે. એમાં વરના જમણા પગને અંગૂઠે સરપડંસ થયો છે. વીજળીના અંજવાસમાં જોયું તો પાણીના વહેણને માથે વેંત એકનો પટો પડ્યો જાય અને કાળોતરો એરુ હાલ્યો જાય છે. વર કહે, “મા! બાપા! મારાથી હલાતું નથી. મારી આંખે લીલાં-પીળાં આવે છે.” એમ કહીને વર તો બેસી ગયો છે. એનું તાળવું તો ફાટી ગયું છે. એ ટાણે તો ત્યાં ધાપોકાર થઈ રહ્યો છે. જાનૈયા બોલ્યા, “અરે ભાઈ, આ માથે મેની રમઝટ : આ અનગળ પાણી પડે છે : આ અંધારી રાત : અટાણે આંહીં રહીને શું કરશું? આપણેય જીવના જાશું. અટાણે આ મડદું ભલે આંહીં પડ્યું. સવારે આવીને આપણે એને અગનદાહ દેશું. અટાણે હાલો સૌ ગામમાં.” સૌ તો ગામમાં હાલ્યાં છે, ત્યારે વહુ તો એકલી થંભીને ઊભી રહી છે. સાસુ-સસરો તો બોલ્યાં છે કે — “અરે માડી! વહુ દીકરા! હવે એની માયા મેલી દ્યો અને ગામમાં હાલો.” વહુ કહે, “હવે તો હાલી રિયાં! જ્યાં ઈ ત્યાં જ હું.” માવતર અને સગાંવા’લાં તો મડદાને મેલીને હાલી નીકળ્યાં છે. બાઈ એકલી મડદાનું માથું ખોળામાં લઈને બેસી રહી છે. અઘોર રાત જામી છે. મે’નાં પાણી તો માતાં નથી. બાઈ તો વિચાર કરે છે કે અરે જીવ! આંહીં બેસી રહીશ તો આને નાર ખોર ને સાવજ દીપડા ઢરડી જાશે. મારા પંડની તો મને ભે’ નથી, પણ મડાની ભે’ છે. મડાને જો જાનવર તાણશે તો બામણના દીકરાની અસદ્ગતિ થાશે. પણ હું શું કરું? ક્યાં લઈ જાઉં? ત્યાં તો વીજળીનો એક અંજવાસ થયો છે. અંજવાસમાં આઘેરું એક દેરું કળાણું છે. હાં! કાંઈક દેરા જેવું લાગે છે. મડાને લઈને ત્યાં પહોંચી જાઉં તો મડું ઊગરે. મડાને પગેથી ઢરડું તો તો મારા સ્વામીનાથનું માથું રગદોળાય, માટે માથું જ ઝાલીને ઢરડું. પગ ભલે ઢરડાતા આવે. એનો તો કાંઈ વાંધો નહીં. બાઈએ તો ધણીનું માથું ઝાલીને મડું ઢસડવા માંડ્યું છે. વીજળીનો અંજવાસ રહે એટલી ઘડી હાલે છે. વળી અંધારું થઈ જાય એટલે ઊભી થઈ રહે છે. વીજળીને સબકારે સબકારે દેરાની દશ્ય સાંધે છે. એમ કરતી કરતી બાઈ તો દેરે પહોંચી છે. મડાને માલીપા લઈ ગઈ છે. અંદરથી બાર બીડીને સાંકળ ચડાવી છે. અને એકલી સ્વામીનાથનું માથું ખોળામાં લઈને બેઠી છે. હાશ! હવે ભે’ નથી. હવે મારું ગમે તે થાઓ.
અધરાત થઈ ત્યાં તો એવરત મા આવ્યાં છે. જુઓ તો દેરું માલીપાથી દીધેલું છે. અરે, આ મારા થાનકની સાંકળ કોણે વાસી છે? ઉઘાડ, ઝટ ઉઘાડ! નીકર બાળીને ભસમ કરું છું. બાઈએ તો દ્વાર ઉઘાડ્યાં છે. આંખો તો માતાજીના તેજમાં અંજાઈ જાય છે. અંધારી રાતે અજવાળાં સમાતાં નથી. “અરરર! એલી, તું છો કોણ? ડેણ છો? ડાકણ છો? આ મડાને દેરામાં આણીને અમને આભડછેટ લગાડનારી તું છો કોણ? બોલ, નીકર બાળીને ભસમ કરી નાખું છું.” “માતાજી, ખમૈયાં કરો. હું નથી ડેણ કે નથી ડાકણ. પરણીને આવતાં અંતરિયાળ મારા સ્વામીનાથને એરુ ડસ્યો છે. જનાવરની બીકે રાત કાઢવા તમારો આશરો લીધો છે.” “બાઈ બાઈ, તારો ધણી સજીવન થાય તો? તો મારે બોલે પળીશ?” “અરેરે માતાજી, એવાં મારાં ભાગ્ય ક્યાંથી?” “તારો કોલ છે?” “હા, મારો કોલ છે.” ત્યાં તો મડાના જમણા પગનો અંગૂઠો હલ્યો છે. એવરત મા તો અંતર્ધાન થયાં છે. બીજો પહોર થયો ને જીવરત મા આવ્યાં છે. માજીએ તો દેરાનાં બાર બંધ દેખ્યાં છે. એણે તો ત્રાડ દીધી છે : “ઉઘાડ! ઉઘાડ! અમારા થાનકમાં બેસનાર તું જે હો તે ઝટ ઉઘાડ. નીકર બાળીને ભસમ કરું છું.” બારણાં ઉઘાડીને બાઈએ તો બીજાં માતાજીને જોયાં છે. તે તેજના અંબાર પથરાણા છે. મેઘલી રાતે જાણે ચંદરમા ઊગ્યો છે. “અરરર! એલી, તેં અમારું થાનક અભડાવ્યું! બોલ, તું કોણ છો? ડેણ છો? ડાકણ છો? બોલ. નીકર સરાપ દઉં છું.” ‘માતાજી, હું ડેણે નથી, ડાકણેય નથી. છું તો કાળા માથાનું માનવી, અને વખાની મારી આંહીં આવી છું. મારા સ્વામીનાથનું મોત બગડે નહિ, માટે બેઠી છું.’ “બાઈ બાઈ, તારો ધણી જીવતો થાય તો? તો અમારે બોલે પળ્ય ખરી!” “હા જ તો માતાજી! કેમ ન પળું?” “કોલ દઈશ?” “કોલ દઉં છું.” એટલું કીધું ને મડાનું જમણું પડખું ફર્યું છે. જીવરત મા તો અંતર્ધાન થયાં છે. ત્રીજો પહોર મંડાય છે. ત્યાં વળી અજૈયા માતા આવે છે. ‘ઉઘાડ ઉઘાડ!’ કહીને કમાડ ઊઘડાવે છે. અજૈયાએ તો દેરામાં મડું દીઠું છે. ડોળા ફાડી ફાડીને બાઈને તો ડારા દીધા છે. કીધું છે કે “ઝટ બા’ર નીકળ, નીકર બાળીને ભસમ કરીશ.” બાઈ તો કહે છે કે “નહિ નીકળું, સળગાવી દો તો ય મારા સ્વામીનાથના મડાને નહિ રઝળાવું.” અજૈયાએય બામણને સજીવન કરવાનાં વરદાન દીધાં છે. બોલે પળ્યાના કોલ લીધા છે. લઈને અંતર્ધાન થાય છે. બામણનું ડાબું અંગ તો હાલવા માંડે છે. ચોથે પહોંચે વજૈયાજી પધાર્યા છે એણેય કોલ લીધા છે. વરરાજા તો આળસ મરડીને બેઠો થયો છે. એ તો વહુને પૂછે છે : “અરે હે અસ્ત્રી! આપણે આંહીં દેરામાં ક્યાંથી? મારા માબાપ ક્યાં? જાનૈયા ક્યાં?” “હે સ્વામીનાથ! રાતે મૂરત સારું નહોતું. તમને નીંદર આવી ગઈ’તી. સવારે સારું ચોઘડિયું આવે ત્યારે સામૈયું કરવાનું કહી માબાપ ગામમાં ગયાં છે.” વાટ જોઈ જોઈને તો પરોઢ થયું છે. સોનાનો તો સૂરજ ઊગ્યો છે. “હે અસ્ત્રી! મને તો ભૂખ લાગી છે ને થાક લાગ્યો છે. વાટ જોતાં વેળા ખૂટશે નહિ. માટે હાલો આપણે નવકૂકરી રમીએ.” દેરાને ઓટે પ્રભાતને પો’રે વર–વહુ તો નવકૂકરી રમે છે. પ્રભાતે બે ગોવાળિયા એનાં વાછરું ખોવાણાં છે તે ગોતવા નીકળ્યા છે. બેય જણાએ વર-વહુને નવકૂકરી રમતાં દીઠાં છે. બેય જણ વાતો કરવા મંડ્યા છે : “એલા એય! ઓલ્યાં મૂરખ્યાં બામણિયાં તો જો! ઘરે આરડભેરડ કરી રિયાં છે. દીકરાને કૂટી રિયાં છે. અને આ તો મારાં દીકરાં બેય જણાં નવકૂકરી રમે છે.” “હાલ્ય, હાલ્ય, આપણે ગામમાં જઈને વાત કરીએ.” બેય ગોવાળિયાએ તો હાથમાં પગરખાં લઈને હડી મેલી છે. ઘેર જઈને બામણને તો વાત કરી છે. રોકકળ તો થંભી ગઈ છે. ડોસો કહે છે કે “અરે ભાઈ, તમે શીદ અમારી ઠેકડી કરો છો?” ડોસો તો ભાંગ્યે પગે દેરે દોડ્યો જાય છે. જઈને જુએ ત્યાં સાચોસાચ વહુ–દીકરો નવકૂકરી રમે છે! વરઘોડિયાંને તો ગામમાં લાવી વાજતેગાજતે સામૈયું કર્યું છે.