પરિભ્રમણ ખંડ 1/શ્રાવણિયો સોમવાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|શ્રાવણિયો સોમવાર}} {{Poem2Open}} [શ્રાવણ માસના ચારેય સોમવારે, પ્રભ...")
(No difference)

Revision as of 09:21, 18 May 2022

શ્રાવણિયો સોમવાર


[શ્રાવણ માસના ચારેય સોમવારે, પ્રભાતે, નદીતીરે, કાં કોઈ પીપળાને છાંયે, ને કાં કોઈ ફળિયામાં વ્રતિનીઓ ટોળે વળીને બેસે છે. હાથમાં ચપટી ચપટી ચોખા રાખે છે. અને એક સ્ત્રી સુકોમલ લહેકાથી વાર્તા કહે છે. પ્રત્યેક વાક્યના વિરામ સાથે જ, અન્ય સ્ત્રીઓ “મા’દેવજી!” એટલો શબ્દ બોલી હોંકારો દે છે. વાર્તાને અંતે ચોખા ચકલાંને નાખે છે. એક જ વાર જમે છે. ચારેય સોમવારની જુદી જુદી વાતો છે.]

ઈસવર–પારવતી હતાં.

ઈસવર કહે, “હું તપ કરવા જાઉં” પારવતી કહે, હું હારે આવું. “અરે પારવતીજી! એવી તે કાંઈ હઠ હોય! વનમાં તમને થાક લાગે, ભૂખતરસ લાગે, ને મારા તપમાં ખામી આવે. મને કેટલી વપત પડે!” “લઈ જાઓ તોય આવું, ને નો લઈ જાઓ તોય આવું; આવું ને આવું!” પારવતીએ હઠ લીધી છે, અને મહાદેવજીની સાથે ચાલતાં થયાં છે. ચાલતાં ચાલતાં એક ગામ મૂક્યું છે, બીજું ગામ મૂક્યું છે, અઘોર વનમાં આવ્યાં છે. ત્યાં પારવતીજી કહે છે કે ‘મહારાજ, મને તરસ લાગી છે. મારાથી તો હવે ચલાશે નહિ.’ શંકર કહે, ‘જોયું! મેં તમને નહોતાં વાર્યાં? હવે હું આંહીં પાણી ક્યાંથી લાવું?’ પારવતીજી કહે કે ‘હોય તો ય લાવો ને ન હોય તો ય લાવો; લાવો ને લાવો.’ મહાદેવજી તો ઝાડની ડાળે ચડ્યા છે. ચડીને ચારે કોર જોયું છે. આઘેરા કાગડા ઊડતા જોયા છે. છેટેથી પાણી તબકે છે. ‘જાઓ પારવતીજી, સામે વીરડો દેખાય છે, ત્યાં જઈને ત્રણ ખોબા પાણી પીજો. ચોથો ખોબો પીશો મા. પીશો તો પસ્તાશો.’ પારવતીજી તો વીરડાને માથે ગયાં છે. મોતી જેવાં રૂપાળાં પાણી ભર્યાં છે. એમાંથી એક ખોબો પીધો. બીજો ખોબો પીધો, ત્રીજો ખોબો પીધો. તોય તરસ છીપતી નથી, પેટમાં સંતોષ વળતો નથી, એટલે પારવતીજીએ તો ચોથો ખોબો ભર્યો છે. ભરીને બહાર કાઢવા જાય ત્યાં તો હાથમાં કંકુની પડીકી અને નાડાછડી આવ્યાં છે. એની આંગળીએ તો દોરા દોરા અટવાઈ જાય છે. પારવતીજીને તો કોત્યક થયું છે. દોરા હાથમાંથી નીકળતા નથી. એમ ને એમ હાથ લઈને સતી શંકર પાસે આવ્યાં છે. ‘જુઓ પારવતીજી, મેં તમને નહોતું કહ્યું કે ચોથો ખોબો પીશો મા!’ ‘હે સ્વામીનાથ, મારી ભૂલ થઈ. હવે આ દોરાનું શું કરવું?’ ‘હવે એનું વ્રત ચલાવવું પડશે. ચાલો પડખેના ગામડામાં.’ ઈસવર–પારવતીજી તો ચાલ્યાં છે, એમ કરતાં તો ગામ આવ્યું છે. શંકર કહે, ‘હે પારવતીજી, હું આંહીં પાદર બેઠો છું. તમે ગામમાં જાઓ અને દોરા આપો.’ ‘હે મહારાજ, દોરા કેવી રીતે આપું?’ શંકરે તો પારવતીજીને દોરો દેવાની રીત શીખવી છે. ‘લ્યો દોરા! લ્યો મા’દેવજીના દોરા!’ એમ બોલતાં બોલતાં સતી ગામમાં જાય છે. ગામને પાદર કુંભારવાડો છે. સામું જ એક કુંભારનું ઘર છે. ઊંબરામાં કુંભારણ બેઠી છે. કુંભારણ પૂછે છે કે ‘બાઈ બાઈ, શેના દોરા છે? દોરો લીધ્યે શું થાય?’ ‘દોરા તો મા’દેવજીના છે. દોરા લીધ્યે નોંધનિયાંને ધન થાય, વાંઝિયાંને પૂતર થાય, મંછાવાંછા પૂરી થાય. મા’દેવજી સૌ સારાં વાનાં કરે.’ ‘ના રે બાઈ, મારે દોરા નથી લેવા. મારે તો બધું ય છે. સામે ખોરડે જા, મારી શોક્ય રે’ છે. ઈ કામણ ટૂંમણ કરે છે, દોરા ધાગા કરે છે. જા, ઈ તારા દોરા લેશે.’ ‘દોરા લ્યો, દોરા! મા’દેવજીના દોરા લ્યો!’ એમ સાદ પાડતાં પાડતાં પારવતીજી સામે ઓરડે જાય છે. ત્યાં કુંભારની અણમાનીતી વહુ બેઠી છે, એણે તો પૂછ્યું કે ‘બાઈ બાઈ બેન, શેના દોરા આપછ? ઈ દોરા લીધ્યે શું થાય?’ ‘દોરા તો છે મા’દેવજીના. ઈ લીધ્યે નોંધનિયાંને ધન થાય, વાંઝિયાને પૂતર થાય, મા’દેવજી મંછાવાંછા પૂરી કરે. સૌ સારાં વાનાં થાય. દોરાંનાં તો વ્રત લેવાય.’ કુંભારણ તો પૂછે છે કે ‘બાઈ બાઈ, વ્રત કહે, વ્રતની વિધિ કહે.’ ‘શ્રાવણ માસ આવે, અંજવાળિયું પખવાડિયું આવે, ચારે સરે, ચારે ગાંઠે દોરા લેજે, નરણાં ભૂખ્યાં વાર્તા કરજે; વાર્તા ન કરીએ તો અપવાસ પડે.’ ‘બાઈ બાઈ, વ્રત કહે, વ્રતનું ઊજવણું કહે.’ ‘કારતક માસ આવે, અજવાળિયું પખવાડિયું આવે, વ્રતનું ઊજવણું કરજે. શેર ઘી : શેર ગોળ : ચાર શેર લોટ : છ શેરના ચાર મોદક કરજે. એમાંથી એક મોદક મા’દેવજી જઈને મેલજે.’ બાઈએ તો દોરો લીધો છે. વ્રત કરવા માંડ્યાં છે. ત્યાં તો ધણી ઘેરે નહોતો આવતો તે આવતો થયો છે. બાઈને તો ઓધાન રહ્યું છે, નવમે માસે દૂધમલ દીકરો આવ્યો છે. દીકરો તો દીએ ન વધે એટલો રાતે વધે છે, અને રાતે ન વધે એટલો દીએ વધે છે. એ તો અદાડે ઊઝર્યો જાય છે. એમ કરતાં તો દોરાનું ઊજવણું આવ્યું છે. મા દીકરાને કહે કે ‘જા ભાઈ, સામે ચાકડે તારો બાપ બેઠા છે, તાંસળી લઈને જા, ભાઈ, તે તને ઘી-ગોળ અપાવશે.’ બાપે તો દીકરાને ઘી-ગોળ અપાવ્યાં છે. બાઈએ તો લાડવા કર્યા છે. એક લાડવો દીકરાને આપીને કહે છે કે ‘જા, જઈને મા’દેવજીને મૂકી આવ.’ દીકરો તો તાંસળીમાં લાડવો લઈને મા’દેવજી પાસે જાય છે. ઊભો ઊભો કહે છે કે ‘લે માદે’વ, લાડવો, લે મા’દેવ, લાડવો!’ પૂજારી તો હસીને કહે કે ‘મૂરખા રે મૂરખા! મા’દેવજી કંઈ હાથોહાથ લાડવો થોડો લેવાના હતા! સહુ આ ચરુમાં મૂકી જાય છે તેમ તું પણ મૂકી જા.’ ‘ના, ના, મારો લાડવો તો મા’દેવ હાથોહાથ લેશે તો જ દેવો છે. નીકર હું લાડવો પાછો લઈ જઈશ.’ ત્યાં તો મા’દેવજીએ હાથ કાઢીને હાથોહાથ લાડવો લીધો છે. પૂજારીઓ તો વિસ્મે થઈ ગયા છે. ઓહોહોહો! આપણે તો પૂજા કરી કરીને થાક્યા તોય મા’દેવે દર્શન ન દીધાં. અને આ કુંભારના છોકરાના હાથનો લાડવો તો હાથોહાથ લીધો! છોકરો તો પાછો જાય છે. સામા ઘરના ઊંબરામાં તો અપર મા બેઠી છે. ‘આવ ને, દીકરા!’ કહીને અપર માએ તો છોકરાને બોલાવ્યો છે. ઘરમાં લઈ જઈ, કચરડી મચરડી, નીંભાડાનાં માટલાંમાં ભંડારી દઈ, નીંભાડો તો સળગાવ્યો છે. મા તો ઘેર વાટ જોઈ રહી છે. દીકરો હમણાં આવશે! હમણાં આવશે! પણ દીકરો તો આવતો નથી. નાનકડું ગામ હતું તે મા ઘર ઘર જોઈ વળી છે. નદી, પાદર અને વાવ–કૂવા પણ તપાસ્યાં છે. તોય દીકરો તો ક્યાંય જડતો નથી. ‘હશે જીવ! જેણે દીધો’તો એણે જ પાછો લઈ લીધો હશે. મારે તો ક્યાં કાંઈ હતું જ તે! હશે!’ એમ કહીને માએ તો ઊંડો નિસાસો નાખ્યો છે. ઉંબરનું ઓશીકું કરીને સૂતી છે. ભૂખે દુઃખે એની તો આંખ મળી ગઈ છે, ત્યાં તો મા’દેવજી સ્વપનામાં આવ્યા છે. ‘બાઈ બેન, સૂતી છો કે જાગછ?’ ‘અરે મા’દેવજી, સૂવું તે શે સુખે? તમે મારો દીકરો લઈ લીધો છે ને!’ મા’દેવજી કહે, ‘દીકરો દઉં નહિ, ને દઉં તો પાછો લઉં નહિ. જા તારી શોક્યે નીંભાડામાં સંતાડ્યો છે.’ બાઈની તો આંખ ઊઘડી ગઈ છે. નીંદરમાંથી બાઈ તો ઝબકી ઊઠી છે. ‘અરેરે, આ શું કોત્યક! ના રે ના, ઈ તો અભાગિયો જીવ ઉધામે ચડ્યો છે.’ વળી પાછી બાઈની તો આંખ મળી ગઈ છે. વળી પાછા મા’દેવજી સ્વપ્નામાં આવ્યા છે અને પૂછે છે કે ‘બાઈ બાઈ બેન, સૂતી છો કે જાગછ!’ ‘અરે મા’દેવજી, સૂવું તે શે સુખે? તમે દીધેલો તમે જ લઈ લીધો ને!’ ‘હું દીકરો દઉં નહિ, ને દઉં તો પાછો લઉં નહિ. દીકરાને તો તારી શોક્યે નીંભાડામાં ભંડાર્યો છે. સળગતા નીંભાડામાં તારો દીકરો જીવતો જાગતો બેઠો છે. જા, ઝટ ગામના રાજાને જાણ કર.’ ‘અરે મા’દેવજી, આ વાત સાચી એની એંધાણી શી?’ ‘ઊઠીને જોજે, તારા ખોરડા માથે સોનાને હાથે અને રૂપાને દાંતે ખંપાળી પડી હશે; આંગણે તુલસીનો લીલો કંઝાર ક્યારો હશે. ગોરી ગાય હીંહોરાં કરી રહી હશે. ઘર વચ્ચે કંકુનો સાથિયો હશે. ઈ એંધાણી હોય તો સમજજે કે હું મા’દેવ આવ્યો’તો.’ બાઈએ તો ઊઠીને ખોરડા માથે સોનાને હાથે ને રૂપાને દાંતે ખંપાળી ભાળી છે, આંગણે તુલસીનો ક્યારો ભાળ્યો છે, હીંહોરાં કરતી ગોરી ગા ભાળી છે, ઘરમાં કંકુનો સાથિયો ભાળ્યો છે. એણે ધણીને વાત કરી છે. રાજાને જઈને ફરિયાદ કરી છે. રાજા તો બાઈની સાથે શોક્યના નીંભાડા આગળ ગયા છે. રાજા તો કહે છે કે ‘બાઈ બાઈ બેન, તારો નીંભાડો ઉખેળવા દે.’ ‘મારો તો સવા લાખનો નીંભાડો છે. ઈ હું કેમ ઉખેળવા દઉં?’ રાજાએ તો પોતાની આંગળીમાંથી સાચા હીરાની વીંટી કાઢી છે. વીંટી તો બાઈના હાથમાં આપીને બોલ્યા છે કે ‘આ લે, બાઈ, તારા સવા લાખના નીંભાડા સાટે આ અઢી લાખની મારી વીંટી આપું છું.’ વીંટી આપીને રાજા તો નીંભાડો વીંખવા મંડ્યા છે. બીજી કોર રાંડ શોક્ય પણ વીંખે છે. શોક્ય ઉખેળે તે ઠામ ગારા કચરાનાં થઈ પડે છે ને રાજા ઉખેળે તે વાસણ ત્રાંબા–પિત્તળનાં થઈ પડે છે. છેલ્લે તો ચાર માટલાં બાકી રહે છે. એ માટલાં ઉખેળે ત્યાં તો માલીપા બેઠો બેઠો કુંભારનો દીકરો લાડવો ખાય છે. બાઈને તો હેત આવ્યું છે. દીકરાને તેડી લીધો છે. એની છાતીએથી તો ધાવણની શેડ વછૂટી છે. દીકરો તો માને ધાવવા માંડ્યો છે. મા પૂછે છે છે કે ‘ભાઈ રે ભાઈ, તું ક્યાં ગ્યો’તો?’ ‘મા, મા, હું તો મા’દેવજીના ખોળામાં બેસીને લાડવો ખાતો’તો.’ માને તો હરખનાં આંસુડાં માતાં નથી. રાજાએ તો રાંડ શોક્યનાં નાક, ચોટલો કાપી, માથે ચૂનો ચોપડી, અવળે ગધેડે બેસાડી, ગામ બહાર કાઢી મૂકી છે. મો’લમાં જઈને રાજા રાણીઓને કહે છે કે ‘અરેરે રાણિયું, તમે તે શું વ્રત કરશો? વ્રત તો કર્યાં ઓલી કુંભારણે, તે બળતા નીંભાડામાંથી રમતો જમતો દીકરો બહાર નીકળ્યો.’ રાણીઓ કહે, ‘ચાલો ચાલો, એનાં વ્રત વધાવવા જઈએ.’ રાણીઓએ તો વાજાં ને ગાજાં લીધાં છે. સોળ સાહેલીઓનો સાથ લીધો છે. મોતીનો થાળ ભરીને કુંભારણનાં વ્રત વધાવવા જાય છે. વાજાં સાંભળીને દીકરો માને પૂછે છે કે ‘મા મા, આ વાજાં ક્યાં વાગે છે? ચાલ આપણે જોવા જઈએ.’ મા તો દીકરાને તેડીને વાજાં જોવા જાય છે. રાણીઓને પૂછે છે કે ‘આ બધું શું છે?’ રાણીઓ કહે, ‘કુંભારણનાં વ્રત વધાવવા જઈએ છીએ.’ ‘અરે માતાજી, મારાં વ્રત તે શું વધાવશો? વધાવો ભોળા મા’દેવજીને, જેણે સહુ સારાં વાનાં કર્યાં.’ મા’દેવજી એને ત્રુઠમાન થયા એવા સહુને થાજો