ગુજરાતી એકાંકીસંપદા/ઝાંઝવાં: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ઝાંઝવાં|}} {{Poem2Open}} <center>'''પાત્રો'''</center> <center>'''જગતપ્રસાદ''', '''વિહારી''',...")
(No difference)

Revision as of 08:23, 23 May 2022


ઝાંઝવાં
પાત્રો
જગતપ્રસાદ, વિહારી, સારિકા

(સાક્ષરશ્રી જગતપ્રસાદ નિમગ્ન ચિત્તે કંઈક વાંચતા જણાય છે. વય ૫૦થી ૭૫ વચ્ચે ગમે તે હોવા સંભવ છે. ગાલના ખાડા સૂચવે છે કે ૬૫ ઉપરાંત હશે; કપાળની કરચલી કહે છે કે ૬૦થી વિશેષ ન હોઈ શકે. એટલે ૬૧થી ૬૪ વચ્ચેનું જ હોવું જોઈએ. પણ ના, જન્માક્ષર પ્રમાણે ૫૮મું ઊતરવા આવ્યું છે. કોઠાર કે રસોડાનો ખ્યાલ આપે એવા ઓરડામાં, મનમાં એને દીવાનખાનું માનીને, એઓ બેઠા છે. નાનું ટબેલ, સાદી ખુરશી છે. સાધારણ સગડી છે. કાગળ છે, કલમ છે, કોલસા છે. આંખે નહિ જ, કપાળે ચડાવેલાં ચશ્માંમાંથી એમનું વ્યક્તિત્વ તરવરી આવે છે.) જગતપ્રસાદઃ (ચોપાનિયાને હાથમાંથી સરકવા દઈ) થયું. આ વિવેચકો તે માણસો છે કે ખાટકી? મારું પુસ્તક પચાવવાની એમની બુદ્ધિમાં શક્તિ નહિ એટલે જેમ આવડે એમ એને વખોડવું? મૂંગા રહીને ઈશ્વરભજન કરતા હોય તો શું ખોટું? (હળવેથી ચોપાનિયું ઊંચકી) દુનિયા એટલી અંધી છે કે બહુધા પારકા અભિપ્રાયો ઉપર એ જીવ્યે જાય છે. એવા આળસુ બબૂચકોને આવા અફીણી વિવેચકો મળે પછી પ્રગતિની આશા કેવી? (ખૂની કટાર સમી નજરે એઓ ચોપાનિયાના પૂંઠાનું નિરીક્ષણ કરે છે.)

‘રાજહંસ’! કેવું કલામય નામ! ને કેવું કળામય કામ! મારી લગભગ અર્ધી સદીની મહેનત પર જલપ્રલય ફેરવનાર કેવો નરાધમ હોવો જોઈએ!

(ચીડમાં ને ચીડમાં જગત ‘રાજહંસ’ને દૂરસુદૂર ફેંકી દે છે. જુવાનીમાં ઝોલાં ખાતો વિહારી પ્રવેશે છે. નોધારાને આધાર મળ્યાના આનંદથી)

કોણ, વિહારી? આવ. બોલ, શી નવાજૂની?

વિહારીઃ શાની, મુસાદજી? જગતપ્રસાદઃ સાહિત્યની સ્તો. જગતપ્રસાદઃ (મોટપથી) સાહિત્યના ગગનમાં તું ઊગતો તારો છે. (હસીને) અમારે હવે બધા સમાચાર તારી કનેથી સાંભળવા રહ્યા. વિહારીઃ (મનમાં) આજ આવા ઢીલા કાં લાગે છે? જગતપ્રસાદઃ ભાઈ, અમારાં તે વળતાં પાણી! એની ન હોય કોઈને ચિંતા, એની ન હોય કશી મહત્તા! (ચિંતા શબ્દ સાંભળતાં વિહારીને ચિંતા સાંભરે છે. ખભે હાથ મૂકી)

વિહારી, કેમ કંઈ બોલતો નથી?

વિહારીઃ પ્રસાદજી, તમે નિરાશાના સૂર કાઢો છો ત્યારે મારી આશાનો કચ્ચરઘાણ સાથે વાળો છો. જગતપ્રસાદઃ (અનેરી આશામાં) હેંએ? શું કહ્યું? વિહારીઃ વરસ પછી તમને સાઠ થશે. સમસ્ત ગુજરાત ત્યારે તમારો મણિમહોત્સવ ઊજવે એ તમારી આશા છે – એટલે કે મારી અંતરની અભિલાષા છે. જગતપ્રસાદઃ (એકદમ) છેવટે તારે ગળ વાત ઊતરી કે શું? (વિહારી શિર નમાવે છે.) તો તો મારી ખ્યાતિકીર્તિ દિગદિગંતમાં વ્યાપી જાય. વિહારીઃ તમારી એકની નહિ, મારીય તે. ભવિષ્યમાં લોક મનેય નહિ ભૂલે. જેવા તમે એના ઉપભોગક, એવો હું એનો ઉત્પાદક! કૃષ્ણસુદામા જેવી જગતવિહારીની જોડલી પણ અજોડ જામશે! જગતપ્રસાદઃ (સસ્મિત) તારામાં સ્વતંત્ર કલ્પના ખીલતી જાય છે, હોં. (વિહારી ફુલાય છે. જગતને ‘રાજહંસ’ સાંભરે છે.)

વિહારી, અત્યારે તું આવ્યો એ બહુ સારું કર્યું. એકાદ જણની મારે જરૂર જ હતી. (વિહારી વિચારમાં પડે છે) જો, થોડું નહોતું ધાર્યું એવું બન્યું છે.

વિહારીઃ શું વળી? જગતપ્રસાદઃ (શાંતિથી) આફત આવી છે. વારુ, ‘મનોમંથન’ તેં ક્યાં ક્યાં અવલોકન અર્થે મોકલેલું? વિહારીઃ મેં નોંધ રાખી છે. જગતપ્રસાદઃ (‘રાજહંસ’ ચીંધી) આને? વિહારીઃ હા. જગતપ્રસાદઃ (જરી અશાંત થઈ) શું કામ? વિહારીઃ જાહેરખબર પરથી લાગેલું કે નીર ને ક્ષીર એ ઠીક જુદાં પાડતું હશે. જગતપ્રસાદઃ (કટાણું મોં કરી) તું હજુ ન સમજ્યો કે દરેક પ્રશ્ન પોતાનામાં જે નથી હોતું તેને જ પોતાની વિશિષ્ટતા લેખે ખપાવે છે? (વિહારી શરમિંદો બને છે. ઊભો થઈને ‘રાજહંસ’ લઈ આવે છે.)

વાંચ, ‘મનોમંથન’ને એણે પીંખી નાખ્યું છે. (વેઢા ગણતાં) મારું ગદ્ય, મારું પદ્ય, મારું અપદ્યાગદ્ય, મારું ગદ્યપદ્યમ, મારું આ ને મારું તે: વાર્તા, નાટક, નિબંધ, કાવ્ય, રાસ, ગરબી: ટૂંકામાં મારું લેખન ને કવન: મારા મનસાગરના સમુદ્રમંથનમાંથી જન્મેલાં એવાં આ ચૌદ ચૌદ રત્નોમાંથી એને એક પણ પસંદ નથી પડ્યું! અંતમાં એ અભિપ્રાય આપવાનુંય નથી ભૂલતા કે ગુર્જરવાડીમાં આવી ખીચડી કોઈએ પકાવી જ ન હોય તો સમાજને સાહિત્યનો અપચો થતો અટકત.

(જગતનો સાદ ગળગળવા માંડે છે, વિહારી વહારે ધાવા પ્રેરાય છે.) વિહારીઃ ખીચડીથી અપચો? – કેવી વાહિયાત વાત! એનું વૈદકનું જ્ઞાન, અરે અજ્ઞાન, તો જુઓ! (જગતને આથી જંપ નથી વળતો.) પ્રસાદજી, તમે આમ હતાશ થઈ જાઓ એ અદ્‌ભુત છે! જગતપ્રસાદઃ અદ્‌ભુત? મારા કહેવાનો ભાવ કે અર્થ ઉકેલ્યા વિના ગમે તે ગમે તેમ બોલે – લખે એ મારે સાંખી રહેવું, એમ? વિહારીઃ (સરળતાથી) ના. જગતપ્રસાદઃ ત્યારે? વિહારીઃ સાંભળવું જ નહિ. સર્જકે તો સર્જ્યે જવું – વિવેચક ભલે એને મારે કે તારે. જગતપ્રસાદઃ મારે તોય? વિહારીઃ (કૃત્રિમ હાસ્યથી) મારું કહેવું બરાબર ન ઝિલાયું. વાતની વાત એ કે પુસ્તક કે પુસ્તકકારની જિંદગીને વિવેચન કે વિવેચક કાપી શકે એ મને તો નાનું-શું જોડકણું લાગે છે. (જગત વિહારી પર અભિનંદનની આંખ ઠારે છે.) જગતપ્રસાદઃ ત્યારે તું શું માને છે? વિહારીઃ લોકમત, સર્જનમાં ઓજસ હશે તો આપોઆપ અજવાળું આપશે. જગતપ્રસાદઃ છટ્. આવા શબ્દોથી તો કેવળ કવિતા કરાય. પણ વિહારી, જગતના વાયરા તેં જાણ્યા નથી. એક સરસ પુસ્તકને દાબી દેવા માટે એટલું બસ છે કે એકસામટા એના પર ઊતરી પડવું. એના શબ્દ કર્કશ કહેવા, અર્થ અપૂર્ણ ગણાવવા, રસ લુખ્ખો મનાવવો એટલે જોઈ લો! ગાડરિયાં મેઢાં જેવા આપણા લોકો પછી એનું પૂંઠું સુધ્ધાં નહિ સૂંઘવાના! વિહારીઃ (મનમાં) આ કકળાટ અર્થહીન નથી. ગમે તેવા સરસ પુસ્તકને પણ, ખળભળાટ વિના, ભૂખમરો વેઠવા વારો આવે છે અને ફાવે તેવું અમસ્તું થોથું, ધાંધલ મચાવતાં, ઊપડી જાય છે! જગતપ્રસાદઃ ભાઈ વિહારી, ધર્મ-ઇતિહાસ-તત્ત્વજ્ઞાન વગેરેમાં તારે માનવું હોય તેનું માનજે. પણ સાહિત્યમાં મારામાં શ્રદ્ધા રાખજે. વિહારીઃ તમે આ શું કહો છો! તમારી મમતા ન હોય તો મારો ઉદ્ધાર નહોતો. જગતપ્રસાદઃ (હળવે હળવે) અને હવે એ વેળા આવી ગઈ છે કે જ્યારે મારો ઉદ્ધાર હું તારા હાથમાં જોઉં છું. (વાતાવરણ ગમગીન બને છે.) વિહારીઃ (આશ્ચર્યથી) પણ જાણે રાજપાટ લૂંટાઈ ગયું હોય તેમ… (એવામાં સગડીમાં એક કોલસો ફૂટે છે; તડતડ થતાં એના કણ બન્નેને સાવચેત અને ટટ્ટાર બનાવે છે.) જગતપ્રસાદઃ જોયું? આ સગડીમાં કોલસો ફૂટ્યો… એના અંગારા તડતડ કરતા ઊડ્યા! સાહિત્યના પંથમાં આવા ઈર્ષ્યાળુ, વિઘ્નસંતોષી, માત્ર મૂરખ વિવેચકો ડગલે ને પગલે સામા મળશે. તું એમનાથી ચેતીને ચાલજે. વિહારીઃ (સંમતિથી) સાચું છે. વિવેચકોમાં ઈર્ષ્યાનો અગ્નિ ભારોભાર ભર્યો હોય છે. એક વાર એ વિચારો કે વિવેચક થાય કોણ? જેનામાં ન હોય કલ્પના, ન હોય ભાવના ને ન હોય હૃદય: ને તો પણ જેને લેખક લેખે ખપવું જ હોય એને વિવેચક વિના બીજો કયો આરો છે! જગતપ્રસાદઃ (ખુશ થઈ) તું આટલું જાણે છે એ તો મેં અત્યારે જ જાણ્યું! (વિહારીના હોઠ મરકે છે.)

પ્રિય વિહારી, મારા સાહિત્ય-જીવનની ઉષા કેમ પ્રગટી, કેમ ફૂલીફાલી, એ મેં તને જાણીજોઈને નહોતું કહ્યું.

વિહારઃ (વાત જતી કરવા) હું ધારું છું કે તમે કહ્યું હતું. જગતપ્રસાદઃ (વિશ્વાસથી) ના, મને ચોક્કસ યાદ છે. વિહારીઃ તો કદાચ તમારાં સ્મૃતિચિત્રોમાં વાંચ્યું હશે. જગતપ્રસાદઃ ના; એમાં એની વિસ્મૃતિ થયેલી. વિહારીઃ (આખરે) તો હવે આત્મકથામાં અચૂક ગોઠવજો. જગતપ્રસાદઃ એ તો ગોઠવાશે ત્યારે. અત્યારે તું તો સાંભળ. (હોઠ કરડી વિહારી બીજી બાજુ ફરે છે.)

(ગાંભર્યથી) હા; આત્મકથા કરતાં સ્મૃતિચિત્રોમાં એ ટપકાવ્યું હોત તો વિશેષ આનંદ આવત.

વિહારીઃ કારણ? જગતપ્રસાદઃ આત્મકથા સો ટકા સાચી લખવા જઈએ તોય જૂઠી લખાયા વિના રહેતી નથી. એમાં અલંકાર વપરાય તે કેવળ અતિશયોક્તિ. એટલે તેમાં તો તદ્દન સાચાં સત્યો પણ માર્યાં જવાનો સંભવ છે. (વિહારી સાંભળી રહે છે.) સ્મૃતિચિત્રોની મજા ઓર છે. પહેલે પગલે લખીને જ સ્વર્ગસ્થોનાં કે ગમે તેવાં ગપ્પાંની સામેય ચર્ચાપત્રો ન આવે! એવા ટુચકા વણી લઈએ કે સ્વર્ગસ્થની જિંદગીનો ખરો આધાર આપણે હતા એ વગર કહ્યે પુરવાર થઈ જાય! વિહારીઃ ખરું કહું. (એ ‘રાજહંસ’માંનું ‘મનોમંથન’નું વિવેચન શોધવું શરૂ કરે છે.) જગતપ્રસાદઃ (‘રાજહંસ’ ખૂબીથી પોતે લઈ) પણ હવે એવાં પોલ પકડાઈ જાય છે. (‘રાજહંસ’ ઉઘાડી) સાંભળ. (ચશ્માં આંખે લાવી) “…રા. જગતપ્રસાદનાં સ્મૃતિચિત્રોનું તરી આવતું લક્ષણ એ છે કે લગભગ બધાં ચિત્રો એઓએ પોતાનાં સ્નેહી-સંબંધીઓ વિષે ન લખ્યાં હોય, કિન્તુ એ સ્નેહી-સંબંધીઓએ જાણે જગતપ્રસાદ વિષે જ દોર્યાં હોય એવી પાને પાને આપણે ભ્રાન્તિ થાય છે.” (વિહારી આવેશમાં ઊભો થઈ જાય છે. જગત એને ‘રાજહંસ’ પાછું સોંપે છે.) વિહારીઃ મારે એનો અક્ષરે વાંચવો હરામ છે. જગતપ્રસાદઃ (મૂછ મરડતાં, મનમાં) ઉશ્કેરાયો ખરો. બરાબર. (પ્રકાશ) અરે, આ તો તદ્દન સામાન્ય ગણાય. એવા એમાં અનેક રાક્ષસી કટાક્ષ છે! વિહારીઃ એ અશક્ય છે. જગતપ્રસાદઃ (બરડો પંપાળી) ઠંડકથી થશે એટલું ગરમીથી નહિ થાય. (હસી પડી) હું તને કહેવા માંગતો હતો કે જ્યારે મારો પહેલો લેખ છપાયેલો ત્યારે… વિહારીઃ (વચ્ચેથી) પહેલો જ લેખ છપાયેલો? જગતપ્રસાદઃ એટલે કે છપાયેલા લેખોમાં પહેલો. વિહારીઃ ત્યારે? જગતપ્રસાદઃ ત્યારે મેં સરસ યુક્તિ અજમાવેલી. બે-ચાર દોસ્તદારો પાસે તંત્રીને લખી મોકલાવ્યું કે આજ લગી એ પત્રમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાં મારો નિબંધ કંઈક અનોખી ભાત પાડતો હતો. વિહારીઃ (આતુરતાથી) પછી…? જગતપ્રસાદઃ (ખૂબીથી) પછી ગાંડો હોય તે તંત્રી બીજા લેખનું આમંત્રણ ન મોકલે! વિહારીઃ પછી? જગતપ્રસાદઃ ગાડું ચાલ્યું, ને દોડ્યું. આજે હું સાક્ષરસંઘમાં ખપું છું. (વિહારી દૂર પડેલું ‘રાજહંસ’ જુએ છે. નજર જતાં)

હા, આટલાં વર્ષે આ એક ‘રાજહંસ’ નીકળ્યું જે મારો યશ સાંખી શકતું નથી!

(વિહારીની નજર હજુ ‘રાજહંસ’ને લાગેલી છે. સ્નેહથી)

વિહારી, આ કોઈ નવતર માસિક છે, ખરું? કોનું નગારું – વાજિંત્ર છે? (તુચ્છકારથી હસી) મેં તો આજે પહેલવહેલું જોયું.

વિહારીઃ (‘રાજહંસ’ લઈ) સાચી વાત છે. એના ઝાઝા અંક નીકળ્યા લાગતા નથી. (પૂંઠા પર નજર નાખી) આ તો એ વાર્ષિકનો ત્રીજો જ અંક છે! (ખ્યાલ લંબાતાં બંને ચૂપચાપ થાય છે.) જગતપ્રસાદઃ પણ વિહારી, મને શ્રદ્ધા છે કે ‘રાજહંસ’નું છાપ્યું ધૂળધાણી કરવું એ રમતવાત છે. વિહારીઃ એ તો હું તમને ક્યારનો કહેવા માંગું છું. જગતપ્રસાદઃ (હોંશથી) તે કઈ રીતે વારુ? વિહારીઃ એ ઉપર જ મારે તમારી સલાહ લેવાની છે. જગતપ્રસાદઃ વિહારી, તને કશી રીત સૂઝતી નથી? વિહારીઃ ના. જગતપ્રસાદઃ તો હું કહું તેમ કરીશ? વિહારીઃ એમાં પૂછો છો શું? (જગત વ્યૂહરચના વિચારે છે. વિહારીની સાહિત્યસેવાની સુંદર ભાવનાઓ ઝંખવાતી જાય છે, પણ મોહ નથી મરતો.) જગતપ્રસાદઃ સૌથી સરલ ખેલ એ છે કે ‘મનોમંથન’નું તારે ફક્કડમાં ફક્કડ અવલોકન લખી નાખવું. ટૂંકમાં તારે મન ‘મનોમંથન’ એટલે નવગીતા. વિહારીઃ ના નથી. કહેતા હો તો તમે લખાવો એ લખું અને નીચે સહી કરું. પણ પછી એ છાપશે કોણ? જગતપ્રસાદઃ (નાના નિઃશ્વાસથી) અત્યારે ‘મયૂર’ જીવતું હોત તો કોઈની પરવા નહોતી. વિહારીઃ મયૂર? જગતપ્રસાદઃ હા. (હળવેથી) એના તંત્રી મારા સગા, સ્નેહી ને સમવયસ્ક હતા. એટલા ભલા કે મારાં લખાણ તો તેઓ વિના વાંચ્યે સીધાં છાપખાને મોકલતા. પછી છપાઈને બહાર આવે ત્યારે નવરાશે ઉમંગે વાંચે! વિહારીઃ પણ પ્રૂફ વખતે… જગતપ્રસાદઃ ના. ત્યારે મારાં પ્રૂફ હું પોતે જ તપાસતો. (વિહારીને શું કરવું – બોલવું, બેસવું, ઊઠવું કે ઊંઘી જવું એની ગમ નથી પડતી.)

કેમ? યુક્તિ કેવી લાગે છે?

વિહારીઃ ખાસ ખોટી નથી. પણ એક બીક જબરી છે. બધા જ એમ કહેશે કે વિહારીની આ જગતપ્રસાદ પ્રત્યેની ગુરુદક્ષિણા છે. એટલે મારે બદલે કોઈ બીજાને પકડો તો… જગતપ્રસાદઃ (શ્રદ્ધાથી) ના. છે એ ઠીક છે. વિહારીઃ એટલે? – ગુરુદક્ષિણા શબ્દ તમને પાલવશે ખરો? જગતપ્રસાદઃ (બેફિકરાઈથી) પણ એ વપરાશે તો ને? વિહારીઃ (ચેતવણી જેમ) માત્ર વપરાશે નહિ, એક વાપરશે એટલે બીજા બધા એનાં અવતરણ ઉતારશે! જગતપ્રસાદઃ (શાંતિથી) એમ તપી ન જા. એક વાર મારું કહ્યું સાંભળ. (સાદી સમજ જેમ) તારે એ અવલોકન વિહારીને નામે છપાવવું જ શા માટે? એકાદ તખલ્લુસનો આશરો લીધો એટલે બસ. વિહારીઃ પણ તંત્રીને તો સાચું નામ… જગતપ્રસાદઃ એવું કાંઈ નહિ. એ માટે એકાદ આખા નામને તખલ્લુસ લેખે ચલાવવું. વિહારીઃ પણ સરનામું? જગતપ્રસાદઃ (તરત) એનુંય તખલ્લુસ. ભલે ને લખ્યું હોય ચમારવાડેથી; પણ અહીં લખવું અંત્યજાશ્રમ. (વિહારી સીધો દોર થઈ જાય છે. વીજળી જેમ)

પ…ણ વિહારી! એક ઉત્તમોત્તમ અખતરો કરવો છે? (વિહારીથી ના નથી પડાતી) તે એ કે આપણે એકઠા થઈને બધું લખી નાખીએ. ‘રાજહંસ’ને જવાબ આપવો જરૂરનો છે.

વિહારીઃ આમાં નવું શું આવ્યું? જગતપ્રસાદઃ પછી એકાદ સ્ત્રીના નામે એ રવાના કરી દઈએ. વિહારીઃ પણ એવી સ્ત્રી કાઢવી ક્યાંથી? જગતપ્રસાદઃ અરે, સ્ત્રીનામી તખલ્લુસથી લેખ રવાના કરવો. (વિહારી મનમાં ધૂંવાંપૂંવાં થાય છે. એને આવું ગમતું નથી.)

એટલું થયું એટલે આપણા ચીલામાં એક કાંટો તો શું પણ રડ્યુંખડ્યું પાંદડુંય આડું નહિ આવે. (જુવાનીથી) વિહારી, સ્ત્રી એ ઈશ્વરની અજબ કૃતિ છે. એના નામની અસર કેવળ સંસારમાં જ થઈ છે એમ માનવું મૂર્ખાઈ ભરેલું છે. સાહિત્યમાં સુધ્ધાં એની સત્તા હતી, છે અને હશે! – સમજ્યો?

(વિહારી કાંઈ બોલતો નથી.)

(દયા જેમ) અને બિચારા તંત્રીઓ એનાથી મુક્ત નથી! કોઈ સ્ત્રીની સહીથી લેખ આવ્યો એટલે નહિ જુએ તેનું મથાળું, નહિ વાંચે લખાણ અને તરત જ બીજા લેખોનું આગ્રહભર્યું આમંત્રણ મોકલી આપશે! દુનિયાની વાત આવી ન્યારી છે! બોલ, હવે તું શું કહે છે?

વિહારીઃ (દબાયેલા ભાવથી) તમારું કહેવું સાચું હોય તોય સારું તો નથી જ. જગતપ્રસાદઃ એનો અર્થ? વિહારીઃ એટલે કે આપણે પુરુષોએ કોઈ સ્ત્રીના નામે લખવું એ એક જાતના ઉઘાડા બાયલાવેડા છે. જગતપ્રસાદઃ (સંભાવથી) ઉઘાડા કઈ રીતે? આપણા બે સિવાય કોણ ત્રીજું જાણવાનું છે? વિહારીઃ (ઊભા થઈ જઈ) કેવી વાત કરો છો? આપણે આપણા જ આત્માને જાણીજોઈને છેતરીએ એ કેવી કાયરતા કહેવાય! (જગત જરા વાર મૂંઝાય છે.) જગતપ્રસાદઃ એમાં કાયરતા ક્યાં આવી? (સમજાવટથી) પહેલાં તું શાંત થા. ગુસ્સાના આવેશમાં માણસ જે તે બોલી નાખે છે તો ખરો, પણ સરખું સાંભળી પણ શકતો નથી! (વિહારીને મૌન વિના માર્ગ નથી. હસી પડી)

વહાલા વિહારી, મીરાં પછી કોઈ સ્ત્રીને લખતાં આવડ્યું હોય એ માનવા જેવું નથી.

બિહારીઃ (ભડભડ જીભથી) એટલે પ્રસાદજી? તમે શું એમ ઠસાવવા માગો છો કે અત્યાર લગી સ્ત્રીઓનાં નામે ચડેલું બધું સાહિત્ય પુરુષોએ લખેલું છે? જગતપ્રસાદઃ (હળવે) હા. (વધુ હળવે) ઘણુંખરું. (એથી વધુ હળવે) પચાસ ટકા ઉપરાંતનું. વિહારીઃ (લાગ લઈ) ત્યારે મારે એમ નક્કી માનવું ને કે સ્વર્ગસ્થ સરિતાબહેનની સાહિત્યસેવાના સાચા સેવક તો તમે જ હતા? જગતપ્રસાદઃ (પ્રશંસાપાત્ર બેજવાબદારીથી) હા. હતો ને હજુ છું. વિહારીઃ (બેસી જતાં) હેંએ? જગતપ્રસાદઃ હા. હજુ ક્યારેક શોખ થઈ આવે ત્યારે કંઈક એના નામે ધકેલી મારું છું. વિહારીઃ (સંદેહથી) કોઈ અક્કલવંત એમના હસ્તાક્ષરનું નથી પૂછતું? જગતપ્રસાદઃ હું એવી વેળા આવવા દઉં તો ને? લેખની સાથે જ લખી મોકલું છું કે સરિતાના અક્ષર ન ઊકલે એવા હોઈ મારે એની નકલ ઉતારવી પડી છે. (વિહારી બરફ બની જાય છે. ખંધાઈથી) કેમ? વિહારી! કેમ કાંઈ બોલ્યો નહિ? વિહારીઃ (નીચી નજરે) હજુ મને મારી માન્યતા બરાબર લાગે છે. (જગતપ્રસાદ દલીલ શોધે છે) વળી તમારી ને સરિતાબહેનની જેવી લેવડદેવડ હતી એવી દરેક દંપતીની હોય જ એ નિરાકરણ અક્ષમ્ય છે. ઘણી બહેનોની સાહિત્યશક્તિની સ્વતંત્રતામાં મને પૂરેપૂરી શ્રદ્ધા છે. જગતપ્રસાદઃ (બાજી હાથમાંથી જતી જોતાં) કબૂલ. વિહારીઃ વળી લેખક પતિ વિના પણ પત્ની લેખિકા ક્યાં નથી થઈ શકતી? જગતપ્રસાદઃ (અકળાઈ) પણ ના કહી કોણે? મેં ક્યારે કહ્યું કે કુંભો રાણો રાજકવિ હતા? (વિહારી ધીરો પડે છે.)

(બાજી હાથમાં લેવા) ભાઈ, વિહારી, દલીલ તરીકે તારી લડત સુંદર છે, આકર્ષક છે, અદ્‌ભુત છે.

વિહારીઃ અને એટલું હું એને વળગી રહીશ. (જગત મૂંઝાય છે.) જગતપ્રસાદઃ (મનમાં) આ શું મારો મણિમહોત્સવ ઊજવશે? (નહિ મુગ્ધા ને નહિ યુવતી એવી કોઈ સ્ત્રી સંકોચાતી દાખલ થાય છે. પહેલાં જગત સામું, પછી વિહારી સામું, વળી જગત સામું એમ વારાફરતી જોયા કરે છે.) જગતપ્રસાદઃ કોનું કામ છે, બહેન? સ્ત્રીઃ આપના બેમાંથી જગતપ્રસાદજી કોણ? (પોતાનું નામ ભૂલી ગયા હોય તેમ જગત-વિહારી) (સ્ત્રી જગત તરફ ફરે છે.) વિહારીઃ હું નહીં. જગતપ્રસાદઃ હા. હું જ એ, બેસો. ક્યાંથી આવો છો? સ્ત્રીઃ (બેસતાં) ‘મનોરંજન’ના કર્તાને નજરે જોવાની હોંશ હતી એટલે અહીં આવી ચડી છું. (જગત ઉલ્લાસથી વિહારી સામે નજર નાખે છે. જગત જુએ એમ વિહારી ‘રાજહંસ’ સંતાડે છે.) જગતપ્રસાદઃ ઉપકાર થયો. તમે એ પુસ્તક વાંચી ગયાં? – કેવુંક લાગ્યું? – ગમ્યું ખરું? સ્ત્રીઃ વાંચી ગઈ. બાકી અમારા અભિપ્રાય આપને શા ખપના? (જગત વાત વહેતી મૂકવામાં સાર સમજે છે.) જગતપ્રસાદઃ અહીં જ રહો છો? કોઈ સાહિત્યસભામાંય તમને દીઠાંનું સ્મરણ નથી. સ્ત્રીઃ ના જી. પ્રવાસે નીકળતાં એક દિવસ ઊતરી છું. બાકી અહીં જ હોઉં તો તો અત્યાર અગાઉ આપને મળી ન હોઉં? વિહારીઃ ખરું છે. પ્રસાદજી, સાહિત્યના શોખીનોનો તો આ ઘર અખાડો છે. જગતપ્રસાદઃ બહેન, તમારું નામ? સ્ત્રીઃ સરિકા. જગતપ્રસાદઃ કેટલું પ્રમાળ નામ! (આનંદપૂર્વક) હવેની ફોઈઓ પણ ઠીક ઠીક રસિક થવા લાગી છે. વિહારીઃ અને જગત નામ પણ ક્યાં કમ છે? જગતપ્રસાદઃ (ચિડાઈ, મનમાં) આ શું કરવા બેઠાં છે? (હસી, પ્રકાશ) એનો ઇતિહાસ વળી અનેરો છે. સારિકાબહેન… સારિકાઃ મને સૌ સરુબહેન કહે છે. જગતપ્રસાદઃ (અચંબાથી, મનમાં) સરુ? સરિતાને પણ હું સરુ કહી સંબોધતો! વિહારીઃ પ્રસાદજી, તમે શું કહેવા જતા હતા? જગતપ્રસાદઃ હંઅ, સારું સંભાર્યું. પ્રથમ મારું નામ જગજીવન હતું. પણ પછીથી મેં જગત કરી નાખેલું. (હોશિયારીથી) ખબર છે ને કે કેટલાંક પુસ્તકો તો એના લેખોનાં નામાલાં નામો અંગે ખરીદાતાં જ નથી? વિહારીઃ પરંતુ વધુ સાચી હકીકત તો એ છે લેખકના નામને ને કામને પરસ્પર કશી સગાઈ હોતી જ નથી. સારિકાઃ (વિવેકથી) ના, પણ એટલું ખરું કે સારા લેખનું નામ સારું હોય એ વધારે સારું. જગતપ્રસાદઃ (રાજી થઈ) તમે પણ સાહિત્યનાં સારાં રસિયાં લાગો છો! સારિકાઃ હા જી. જોકે હું સાહિત્યખોર નથી, સાહિત્યકાર નથી, પણ સાહિત્યપ્રેમી હોવાનો દાવો તો ધરાવું છું! વિહારીઃ (મનમાં) કેવી આબેહૂબ ઓળખાણ! જગતપ્રસાદઃ સુંદર. કંઈ લખો છો ખરાં? – ક્યાંય છપાવો છો ખરાં? સારિકાઃ લખું છું. ખાસ છપાવતી નથી. એકાદ અલ્પ પ્રયાસ આપને બતાવવા લાવી છું. (જગતમાં ઊંડી ઊંડી અભિલાષા જન્મે છે કે કદાચ સારિકા દ્વારા પોતાનો અર્થ સરશે. લગભગ બસો પાનાની એક નોટ જગતના હાથમાં મૂકે છે.) જગતપ્રસાદઃ (નામ વાંચતાં) જીવનનાં જળ! (પાનાં ઉથલવતાં) જાણે મોતીની માળ! સરુબહેન, આમાં શું છે? સારિકાઃ માનવજીવનની આછીઅધૂરી રેખાઓ છે. રસમય નવલિકાઓ દ્વારા સંસારનો પ્રવાહ રજૂ કરવાના મારા અભિલાષ છે. જગતપ્રસાદઃ (મનમાં) પ્રસ્તાવના તો નહિ લખાવવી હોય? (પ્રકાશ) એ ઉપરાંત કાંઈ ઉદ્દેશ છે? મારા સરખું કાંઈ કામ હોય તો અવશ્ય કહેજો. સારિકાઃ વાર્તાઓને તમે નજર નીચેથી કાઢી જશો તો આભાર થશે. મારા ઉદ્દેશ મેં શરૂઆતમાં જણાવ્યા પણ છે. (પાનાં ફેરવતાં ‘અનિવાર્ય નિવારણ’ના મથાળાથી પ્રસ્તાવના જેવું કંઈક જોતાં જગતના કેટલાક કિલ્લા કડડભૂસ હેઠા પડે છે.) જગતપ્રસાદઃ વા…આ…રુ. (અમર આશામાં) સંગ્રહ કોને અર્પણ કરવા ધાર્યો છે? વિહારીઃ (મનમાં) તમને નહિ જ. સારિકાઃ કોઈને નહિ, અર્પણ એ પુસ્તકનું અનિવાર્ય લક્ષણ ક્યાં છે? વિહારીઃ બરાબર. જગતપ્રસાદઃ અનિવાર્ય ન હોય તોય આવશ્યક તો ગણાય છે ને? વિહારીઃ ખરેખર? જગતપ્રસાદઃ હાલ ને હાલ ખાતરી કરાવી આપું. (ઊભા થઈ) સરુબહેન, બેસજો. ઉતાવળ નથી ને? સારિકાઃ (હસવું ખાળી) બેઠી છું. સજ્જન સમાગમ તો સૌ કોઈ વાંચ્છે. પછી જેને પ્રાપ્ત થયો હોય તે બને તેટલો કાં ન માણે? (હસતાં હસતાં જગત અંદર જાય છે.)

આપ પ્રસાદજીને શું થાઓ?

વિહારીઃ સગપણમાં શૂન્ય. એ સિાય શિષ્ય, સ્નેહી, જે ગણો તે. સારિકાઃ એમની સાહિત્યસેવા વષે આપનો શો અભિપ્રાય છે. વિહારીઃ મારા કરતાં એમનો પોતાનો અભિપ્રાય વિશેષ રસિક, આશાભર્યો અને જાણવા જેવો છે. સારિકાઃ (રસથી) કહો જોઉં. વિહારીઃ એમનું સાહિત્ય અમર છે તેમ તેઓ નમ્રપણે માને છે. સારિકાઃ અને તમે? વિહારીઃ મારી કે તમારી માન્યતાની તેમને શી પાડી છે? એઓ તો ક્યારે એમને સાઠમું વર્ષ બેસે અને ક્યારે ગુજરાત એમનો મણિમહોત્સવ ઊજવે તેના સતત ચિંતનમાં છે. છેલ્લા છ મહિનામાં જ્યારે જ્યારે હું એમને મળ્યો હોઈશ ત્યારે મણિમહોત્સવ શબ્દ મારે કાને અથડાયા વિના નથી રહ્યો. એ શબ્દના ઉચ્ચારમાત્રથી એઓ ભારે ઉલ્લાસમાં આવી જાય છે. તમે આવ્યાં ત્યારે એ જ પુરાણ ચાલતું હતું. સારિકાઃ તોયે હું દાખલ થઈ ત્યારે વિષાદનું વાતાવરણ કેમ હતું? (વિહારીને સારિકા પ્રત્યે માન થાય છે.) વિહારીઃ હા; આ ‘રાજહંસ’ વાંચીને જરાતરા વ્યાકુળ થયેલા ખરા. સારિકાઃ (તરત) તો તો એનો અર્થ એવો થયો કે મારી ને તમારી તો શું પરંતુ ગમે તેવા અજાણ્યાની માન્યતાની પણ એઓને બહુ બહુ પડી છે. (વિહારીની સ્થિતિ કફોડી થાય છે.) વિહારીઃ સાચી વાત. મારે જે નહોતું કહેવું જોઈતું તે તમે કબૂલાવ્યું ખરું. સારિકાઃ સારું થયું. પોતાની નબળાઈઓ કોઈ જાણી ન જાય એટલા વાસ્તે કેટલાક લોક – અને પ્રસાદજી તો માત્ર ઉદાહરણ ગણાય – જીવનની જુદી જુદી દિશામાં દંભની ઊંચી દીવાલો ઊભી કરે છે. પરંતુ સત્ય એટલું તો બળવંત છે કે જ્યારે ત્યારે પણ આ દીવાલોને તોડીફોડીને બહાર આવ્યા વિના રહેતું નથી. જ્યારે આમ બને છે ત્યારે મનુષ્યને પોતાનું સાચું મૂલ્ય સમજાય છે. જે સ્વપ્નસૌંદર્યમાં, જે મોહમાયામાં તે જીવન ગુજારતાં હોય છે તેનો ત્યારે અંત આવે છે, પછી તે જગતને તેના શુદ્ધ રૂપે જોઈ શકે છે એટલું જ નહિ પણ પરિણામે પોતાને પણ પૂરેપૂરો પિછાણે છે. (સારિકાની વિદ્વત્તાથી વિહારી અંજાય છે. પાંચ-પંદર પુસ્તકોના ઢગ સાથે જગત પ્રવેશે છે.) વિહારીઃ તમે જો બોલી ગયાં તે બધું પ્રસાદજીએ સાંભળવા જેવું છે. સારિકાઃ (શાંતિથી) મેં કહ્યું છે. જગતપ્રસાદઃ (હોંશથી) શું? વિહારીઃ (આશ્ચર્યથી) ક્યારે? જગતપ્રસાદઃ મેં તો કશું સાંભળ્યું નથી. સારિકાઃ (મનમાં) સાંભળ્યું છે; સમજાયું નથી. (સહેજ વાર ચુપકીદી ચાલે છે.) જગતપ્રસાદઃ (એક પછી એક પુસ્તક ઉથલાવતા) સાંભળો, સમજો. આ કાવ્યસંગ્રહ કવિએ પોતાની પ્રાણેશ્વરીને અર્પણ કર્યો છે. આ નિબંધમાળાને લેખકે પોતાના પ્યારા દેશને ચરણે ધરી છે. આ નાટકને કર્તાએ અંદરના જ એક પાત્રને ભેટ કર્યું છે. આ વાર્તાગુચ્છને લેખકે પોતાના વાચકવર્ગને સમર્પ્યો – એમ સમજીને કે આવો કોઈ વર્ગ જ ન હોત તો તેમની કલમની કદર કોણ કરત? (મુખ મલકાવી) સરુબહેન, અર્પણનાય કેટકેટલા પ્રકાર છે! વિહારીઃ તોયે એક પ્રકાર રહી ગયો – લેખકે પોતાને જ પુસ્તક સમર્પવાનો, એમ કહીને કે પોતે જો હોત નહિ તો એ લખાત જ ક્યાંથી? (જગતપ્રસાદ મોં મચકોડે છે. સારિકા સ્વસ્થ છે.) જગતપ્રસાદઃ એટલે તમેય તે અર્પણ સામે આંખમીંચામણાં ન કરશો. સારિકાઃ પણ હું તરખડમાં નથી પડવાની. કોને કરવું, એ પણ મારે મન મુશ્કેલ છે. જગતપ્રસાદઃ (અઠંગાઈથી) કેવી વાત કરો છો! સાહિત્યમાં ઝંપલાવવા સજ્જ થયાં છો ત્યારે કોઈ ને કોઈ લેખક કે કવિને આદર્શ તરીકે સ્વીકારતાં હશો ને? સારિકાઃ ના રે ના. જગતપ્રસાદઃ જોજો. હોં, એવી ભૂલ ન કરશો કે જે કદી ન સુધરે. વિહારીઃ એટલે, પ્રસાદજી? જગતપ્રસાદઃ સાહિત્યમાં એકલહાથ સેવા અસંભવિત છે. એટલે બે માર્ગ બાકી રહે છે. કાં તો કોઈના ભક્ત બની જવું; નહિ તો કેટલાક ભક્ત મેળવી લેવા. (વિહારી અને સારિકા સંદેહપૂર્વક સામાસામે જુએ છે.)

(ચિંતનના ડોળથી) તમે બન્ને જુવાન છો. જુવાનીની અસ્વસ્થતા, અસહ્યતા તમારામાં ભરચક ભરી છે. એટલે મારા સમા અનુભવવૃદ્ધનું કહેવું તમને અકારું લાગે છે. બાકી સાહિત્યસેવક થવું હોય, સાક્ષર થવું હોય, સાહિત્યસમ્રાટ થવું હોય તો તે કેવળ શક્તિથી નહિ થવાય. ગંગા ને જમના જેવો શક્તિ ને યુક્તિનો સંગમ તમારામાં જો થતો હશે તો જ તમારી અસ્મિતામાં પ્રયાગની પરમ પવિત્રતાનો વાસ થશે.

(સારિકા ને વિહારી સ્તબ્ધ બને છે.)

(ઊંચી છાતીથી) મારું કહ્યું માનજો,. ભલાં ન થશો; ભોળાં થશો નહિ. આવું આવડશે તો જ તમારો ઉદ્ધાર છે.

(જગત શ્વાસ ખાય છે.) વિહારીઃ (ઠાવકાઈથી) સરુબહેન, પેલી દંભની દીવાલો વચ્ચેનું તમારું ભાષ્ય વારંવાર સાંભળવું ગમે તેટલું સરસ હતું. ફરી સંભળાવશો? પ્રસાદજી પણ પ્રસન્ન થશે. (જગતનું ધ્યાન ‘જીવનનાં જળ’માં હોય છે.)

પ્રસાદજી? હું કહું છું એ ઠીક કહું છું ને?

જગતપ્રસાદઃ વિહારી, અત્યારે આ ‘જીવનનાં જળ’ જોવા દે. સરુબહેન, તમારી કલમ કહે છે કે એ સારી રીતે કસાયેલી છે. ‘જીવનનાં જળ’ પહેલાં પણ તમે ઘણું લખ્યું હોવું જોઈએ. સારિકાઃ થોડુંઘણું. જગતપ્રસાદઃ (આતુરતાથી) પરંતુ શું શું? સારિકાઃ (શાંતિથી) ક્યારેક કોઈ પ્રવાસનું વર્ણન, ક્યારેક કોઈ પુસ્તકનું અવલોકન… જગતપ્રસાદઃ (ભારથી) અવલોકન પણ? સારિકાઃ હા જી. છેલ્લા ‘રાજહંસ’માં… જગતપ્રસાદઃ (ઊભા થઈ જઈ) શું બોલો છો? સારિકાઃ (નરી નિખાલસતાથી) સત્ય. એની અસર જોવા તો હું અહીં આવી હતી. (આગ્રહથી) પણ આપ બેસો. હું જ જાઉં છું. જય જય. (સારિકા ચાલતી થાય છે. જગતની આંખોમાં ઝળઝળિયાં જણાય છે. વિહારી ‘રાજહંસ’માંથી ‘મનોમંથન’ પૂરતાં પાનાં ફાડીને સીધાં સગડીને સોંપે છે.) વિહારીઃ (મનમાં) ખરેખર, સુંદરીનું સર્જન તો ભલા ભગવાનની પરમ કલાકૃતિ છે! (પડદો) (યશવંત પંડ્યાનાં એકાંકી)