ગુજરાતી એકાંકીસંપદા/દિન પલટ્યો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|દિન પલટ્યો}}<br>{{color|blue|જયંતિ દલાલ}}}} {{center block|title='''પાત્રો'''| '''સોમ...")
(No difference)

Revision as of 17:12, 23 May 2022

દિન પલટ્યો
જયંતિ દલાલ
પાત્રો

સોમ
બુધ
અવનીશ
મંગળ
શેઠ
છોકરો
(‘હિતસ્વી’ પત્રના તંત્રીખાતાનું દફતર)

(દફતરમાં વ્યવસ્થિત અવ્યવસ્થા એવી હોય છે કે એનું વર્ણન કરવું એ નિરર્થક બની જાય છે. અત્યારે નોંધપાત્ર તો એનું વાતાવરણ છે, કશું વિદેશી, કશું અજુગતું, કશું દફતર સાથે સાંકળી ન શકાય, આવા દફતરમાં ઘટાવી ન શકાય એવું, અહીંના વાતાવરણને ભરી રહ્યું છે. ‘ટેલિપ્રિન્ટર’ની સતત ટકટકમાંય જ્યારે ભર્યા ઓરડામાં કોઈ બોલતું ન હોય ત્યારે કાગળ પર કલમનો ચિત્કાર બોલી જાય છે. પડદો ઊપડે છે ત્યારે ટેલિફોનની ઘંટડી બજી રહી હોય છે. પડદો ઊઘડતો જાય અને રિસીવર ઊપડતું જાય છે.) સોમઃ હિતસ્વી, બોલો. મંગળઃ બોલે શું? એ જ સવાલ હશે. સોમઃ ધાંધલ? હા, એવું કશું છે ખરું, હં. બુધઃ ધાંધલ! ધાણી ફૂટે એમ ગોળી છૂટે છે અને કહેવાય ત્યારે ધાંધલ! સોમઃ હવે ચૂપ રહીશ? ના, ના, આપને નહિ. આ તો અહીં અમારા એક ભાઈ ગરબડ કરે છે. અમે પણ સાંભળ્યું છે. અમારા વૃત્તાંતનિવેદક ત્યાં પહોંચી ગયા છે. હા, હા, રિપોર્ટર, રિપોર્ટર. અને અમારા તંત્રીમંડળના સભ્યો પણ ત્યાં પહોંચી ગયા છે. સાચા સમાચાર આવવામાં જ છે. હં. હા, હા, એમ જ… (રિસીવર ભરાવી દે છે.) સોમઃ ઇડિયટ. બુધઃ ગુજરાતી, મિત્રવર્ય, બોધભાષા. મંગળઃ ગાળભાષા. બુધઃ મારો તો આજે ભ્રમ ભાંગ્યો. સોમઃ છાપાંમાં કામ કરે છે અને ભ્રમ રહ્યો હતો! મીરાંબાઈને વ્રજમાં વસનાર પુરુષમાં વિવેક દેખાયો! મંગળઃ એવી વાતનું આજ હવામાન જ નથી. બુધઃ સાચું કહું છું. સોમઃ પણ શું સાચું? મંગળઃ અને હવે સત્ય એટલે શું? એવો સવાલ ન પૂછતા. સોમઃ તમે બધા આજે વેવલા બની ગયા છો. અલ્યા એ તો વિચાર કરો કે ખૂન ન થાય, લૂંટ ન પડે, ભૂખમરો ન હોય, હડતાળ ન પડે, પોલીસ, કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી એટલા બળનો ઉપયોગ ન કરે તો તમે અને હું ભૂખે મરતા હોત. બુધઃ ભૂખે મરતા હોત? સોમઃ આપણી શક્તિ વિષે અનહદ આદર હોવા છતાં એવું કહેવાનું તો પ્રાપ્ત થાય જ છે કે છાપાંની કટારો ભરવા સિવાયની અન્ય કશી લાયકાત આપણામાં નથી. મંગળઃ માનો કે એવું છે તોય શું? સોમઃ તોય આટલું: ખૂન, લૂંટ, આગ, ઉઠાંતરી, પ્યારમહોબ્બતના ચીલા બહારના કિસ્સા, મારફાડ, ગોળીબાર – આ સહુ ન હો તો આપણા જેવા કસબીનેય કટારો ભરવી મુશ્કેલ પડે. માટે આ સહુ તો આપણા અન્નદાતા. અને અન્નદાતાની ઠેકડી ન હોય, મંગળ-બુધ! બુધઃ મંગળ, બુધ! સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ – અમારાં મૂળ નામ પણ ગયાં! મંગળઃ તમને આવા ક્ષુલ્લક વિચારો ક્યાંથી આવ્યા કરતા હશે? નજર સામે… સોમઃ નજર સામે! શું નજર સામે? છાપાંમાં કામ કરવું હોય તો બે વાત ન જોઈએ. બુધઃ એ શું? સોમઃ અંગત લાગણી અને અંગત અભિપ્રાય… મંગળઃ આ શું બોલો છો? બુધઃ જાહેરમાં સત્ય, ખાનગીમાં અભિપ્રાય… (ટેલિફોનની ઘંટડી વાગે છે.) મંગળઃ ઉપાડો. બુધઃ અને લાગણી વિનાનો અભિપ્રાય કહી સંભળાવો. સોમઃ હલ્લો અવનીશ, અવનીશભાઈ? ચાલુ રાખો. (ટેલિફોન નીચે મૂકી દે છે.) મંગળઃ કોણ વળી, એનું પૂછનાર નીકળ્યું? સોમઃ હું એટલું જ કહી શકું કે અવાજ ખાસ કોમળ… બુધઃ એટલે કે સ્રૈણ ન હતો. (સોમ ટેબલ પરથી ઘંટડી મારે છે.) સોમઃ જો અવનીશભાઈ છે? (ઑફિસબૉય આવ્યો એવો જાય છે.) સોમઃ પણ આપણેય ભૂલી જઈએ છીએ. અવનીશ તો આંખોદેખ્યા હાલ માટે ઊપડ્યા છે. મંગળઃ છછુંદર કે સર પે ચમેલી કા તેલ. (સોમ ટેલિફોન ઉપાડે છે.) સોમઃ હલ્લો, જી. અવનીશભાઈ તો નથી. (કશો આંચકો લાગ્યો હોય એમ લાગે છે. આસ્તેથી ગળું ખંખારી, કપડાં સમારી બોલે છે) ક્યારના ગયા છે. જી. હા જી. બુધઃ (અધખૂલા અવાજે) શેઠ? (સોમ આંખથી હા પાડે છે. મંગળ-બુધ વિરાટદર્શન જોતા અર્જુનની દશામાં મુકાયેલા લાગે છે.) સોમઃ હા જી, જી. (જરાકે અવાજ ન થાય એમ રિસીવર ટેલિફોન પર મૂકે છે. ધોતિયાનો છેડો ઊંચ લાવી મોં પર આવેલો પરસેવો લૂછે છે.) સોમઃ હાશ. (મોંએથી લાંબો શ્વાસ લે છે.) મંગળઃ સોમ, સત્યયુગમાં એક વાર તમે ‘હિટલર ચેત’ એવું એક કાવ્ય લખેલું? સોમઃ હા, પણ તેનું અત્યારે શું છે? મંગળઃ કાંઈ નહિ. એ તો તમને ટલિફોન પર પરસેવો છૂટ્યો ત્યારે મને યાદ આવી ગયું. બુધઃ હિટલરને ચેતવવામાં ક્યાં કોઈને કશોય ભાર પડે એમ હતું? પણ… પણ… મંગળઃ બરાબર છે. આ તો જુદું, શેઠ. સોમઃ અહીં આવે છે. મંગળ-બુધઃ અહીં આવે છે? શેઠ અહીં આવે છે? સોમઃ હા. મંગળઃ ગઈ કોઈની નોકરી. બુધઃ કે મળી કોકની બઢતી. ખુશામદખોર. સોમઃ દલપતરામની એક સાદી કવિતા છેઃ નાથ નકરનો કોણ? સાર દહીંનું શું કહીએ? મંગળઃ એ બધો સાર શોધ્યા કરવાનું છે એ જ કરો. બુધઃ આપણે શું કરવાનું? વૃત્તાંતનિવેદક બંગલામાં બેસીને ચાનો કપ પીતાં પીતાં મેળવેલો આંખોદેખ્યો હાલ લાવશે. તંત્રીશ્રી એનું સંમાર્જન કરશે. કંપૉઝ કરશ. છપાશે, વંચાશે. તમારે તો બનામે ખુદાય નથી લખવાનું કે તમામશુદ પણ નથી લખવાનું. પેલો પહાડ જવો રાઈ કહે છે તેમઃ ‘પ્રવેશ પૂરો કરી નાટ્ય અંતે…’ કાંઈ કરતાં કાંઈ નહિ. મંગળઃ તમારી આ જડતા કે વાંકદેખાપણું… સોમઃ જવા દો એ બધી વાતો. અંતે આવી આવીને વાત ઊભી રહેશે એક જ વાત ઉપરઃ શું બન્યું? કેમ બન્યું? બનવું જોઈતું હતું? બનવાજોગ હતું? બુધઃ તડબૂચ અને છરીવાળી વાત છે. તડબૂચ છરી પર પડ્યું કે છરી તડબૂચ પર પડી. મંગળઃ મને ઊંડે ઊંડે એમ લાગે છે… સોમઃ ઊંડે ઊંડે? અરે જ્યાં બધું જ સપાટ છે ત્યાં ઊંડે ઊંડેની શી વાત કરો છો? કરતા હો સો કીજિયે… હવે તાર લો. બુધઃ પણ આજે તારને સ્પેસ જ ક્યાંથી મળશે? મંગળઃ એ પણ ખરું. આજે તો બસ આ ગોળીબાર અને ધાંધલ અને નિવેદનો, શાંતિસંદેશા જ હશે. પછી જગા જ ક્યાં હશે? બુધઃ અને ચાર્ટમાં તો પહેલે પાને બે મોટી જા x ખ છે. સોમઃ પણ તોય તાર તો કરી રાખવા જોઈએ. મંગળઃ અરે કરશે ‘ડે-વાળા’. બુધઃ એ પણ શું કામ કરશે? કલમ કરતાં કાતરમાં વધુ ધાર હોય છે. કરશે ‘કટિંગ’. સોમઃ પેલા દિવસની વાત ખબર છે? ‘અંદરવાળા’એ ફોરમૅનને બધાંના દેખતાં કહી દીધું કે કોઈએ કાપલી કંપૉઝમાં ન લેવી. મંગળઃ તો તો ‘ડે-વાળા’એ ગાળાગાળ કરી મૂકી હશે? સોમઃ ના રે ના. એમણે નકલ કરીને આપવા માંડી. ઊંટ ઢેકા કરે તો માણસ કાંઠલા કરે. બુધઃ હશે ભાઈ! પણ એનું છાવરવાવાળા મળશે. આપણું તો કોઈ માનશે પણ નહિ, માટે થાય એટલું કરો. મંગળઃ બરાબર છે, થાય એટલું કરો. (ઊભો થઈને ટેલિપ્રિન્ટરમાંથી તાર કાઢવા જાય છે.) સોમઃ અને એટલું ઉમેરોઃ થતું હોય તો એમ કરો. કોણ આવ્યું? બુધઃ અવનીશભાઈ! (અવનીશ દાખલ થાય છે. પચીસથી પાંત્રીસ લગીની ગમે તે વય લાગે એવી દેહાવસ્થા. અત્યારે અત્યંત ક્ષુબ્ધ લાગે છે.) સોમઃ આવો, અવનીશભાઈ. મંગળઃ તમે આ વિષે… બુધઃ તમારો ટેલિફોન. (આ બન્ને સાથે બોલે છે અને સાથે અટકી જાય છે.) અવનીશઃ હા, લખીશ. જરૂર લખીશ. સોમઃ કેટલું ઊતરશે? અવનીશઃ કેટલું ઊતરશે? સોમઃ આ તમે લખશો તે. અવનીશઃ ઓહ, એ પણ મારે કલમથી લખવું છે, ફૂટપટ્ટીથી નહિ. આજે શું શું બન્યું છે તેની સાચેસાચી વાત લખવી છે. આ તે કાંઈ રાજ ચલાવવાના ઢંગ છે? મંગળઃ તમારો ટેલિફોન હતો. (અવનીશ એના સામે જુએ છે, એટલે સહેજ મલકી પડીને) મંગળઃ ના, ના. શેઠસાહેબનો હતો. (અવનીશની ભ્રમર સહેજ ખેંચાય છે.) અવનીશઃ શેઠસાહેબ? સોમઃ જી. એ અહીં આવે છે. અવનીશઃ શેઠ અહીં આવે છે? મંગળઃ હા. એમણે પૂછ્યું: ‘અવનીશ છે?’ એટલે અમે કહ્યું કે એ તો ‘ઑન ધ સ્પૉટ…’ અવનીશઃ અને એટલે એ આવે છે! હં. (ટેબલ પાસે બેસી જાય છે. પેડ લઈ લખવાની જાણે તૈયારી કરતો હોય એમ લાગે છે.) સોમઃ તે એમને ખરો અહેવાલ જાણવો હશે. અવનીશઃ હં. મંગળઃ પણ તે તો અવનીશભાઈ આવે એટલે પોતાને ટેલિફોન કરવાનું કહ્યું હોત તોય ખબર પડત. બુધઃ હા, એટલા માટે અહીં આવવાનું? સોમઃ પણ આજના બનાવની અગત્ય… મંગળઃ એમને નજરે ન જ વસી હોય એવું તે બને? અવનીશઃ (લખતાં લખતાં કલમ ટેબલ પર મૂકી) એમને તો વસી પણ તમને વસી છે? (ટેલિફોનની ઘંટડી વાગે છે.) સોમઃ (ઉપાડી) હલ્લો. કોણ શુક્ર? અવનીશઃ શુક્ર છે? (ટેલિફોન હાથમાં લઈને) હલ્લો, શુક્ર, અવનીશ. કમિશનરે ના પાડી? ઇસ્પિતાલ પર જાઓ. ત્યાંય એમણે ના ફરમાવી છે? પણ કોણ મર્યું, કોણ ઘાયલ થયું, કેટલા મર્યા, કેમ કરતાં મર્યા એ તો આપણે કાલે સવારે જ છાપવું જોઈએ. વી મસ્ટ. મારે તો છબીઓ પણ જોઈએ છે. શુક્ર, તમે આમ કહો છો? શું કહ્યું? બૉસના ઑર્ડર્સ! હુ ઈઝ બૉસ? કોણ છે બૉસ? શુક્ર, તમે… તમે… ઓહ (ધીમેથી રિસીવર પર ટેલિફોન મૂકતાં) મૂકી દીધો, સારું (પોતાના ટેબલ પાસે મક્કમ પગલે જાય છે.) અર્થ સાફ છે. જે બન્યું છે એની ભયંકરતા લોકની નજરે ચડવા નથી દેવી. પડદો ઢાંકવો છે. સોમઃ પણ આ બધું છે શું, અવનીશભાઈ? મંગળઃ શુક્ર આમ કરે? બુધઃ પણ સાંભળ્યું નહિ? બૉસના ઑર્ડર્સ! ત્યારે ભાઈ એમને જ છાપામાં આવું કશું… સમજ્યા? માટે આ તાર કરી નાખો, ભઈલા. સોમઃ બુધભાઈ, જરા અવનીશભાઈને તો કહેવા દ્યો. અવનીશઃ બુધ સાચું કહે છે. આજે જે બન્યું એમાંનું કશું છાપામાં ન આવે એમ એમને જોઈએ છે. મંગળઃ પણ બન્યું છે શું? અવનીશઃ શું બન્યું છે એમ પૂછવા કરતાં શું નથી બન્યું એમ પૂછો. શું બન્યું છે? ધોળે દહાડે ખૂન થયાં છે. વગોવાયેલ પિંઢારા ફરીથી આવ્યા છે. સત્તાનું ગુમાની પ્રદર્શન થયું છે. સોમઃ પણ એવું કેમ બને? અવનીશઃ સોમ, મને પણ ક્યારનો એ જ સવાલ મૂંઝવે છે. પડેલા ઘાને વીંછણ ચાટ્યા કરે એમ આપણે કરીએ છીએ. આ એક જ વિચાર-મૂંઝવણ-સમસ્યા વારે વારે વધુ અને વધુ જટિલ બનીને ડંખ માર્યા કરે છે. આવું કેમ બને? મંગળઃ આપણે સ્વતંત્ર છીએ. અવનીશઃ સ્વતંત્ર, સ્વાધીન, આઝાદ! સ્ટેનગનની ગોળીઓ જે શબ્દ બોલતી હતી તેનો ઉચ્ચાર એવો ન હતો. એ ઉચ્ચાર તો ’૪૨માં હતો એવો જ આજે પણ હતો. રણકારમાંય ફરક ન હતો. સોમઃ ત્યારે ફરક ક્યાં હતો? અવનીશઃ ફરક મેં જોયો દેહ છોડતો પ્રાણ આંખમાં જે ચમક લાવતો હતો તેમાં. ’૪૨ અને બાદનાં વર્ષોમાંય મેં ગોળીબારનો ભોગ બની જાન ગુમાવતા લોકને જોયા છે. પ્રાણ જતો હતો ત્યારેય ચહેરે આનંદ અને સંતોષ હતા. આંખમાં મુદિતા હતી. સુરખીભર્યો પડકાર હતો. મરવામાંય ખુમારી હતી. ક્યાં ગઈ એ ખુમારી? મંગળઃ આજે તમને શો ફેર લાગ્યો? અવનીશઃ ફેર? ગોળીનું નિશાન બન્યાનું વિસ્મય એ દૃષ્ટિમાંથી જતું જ ન હતું. બુધઃ કોક ખ્વાબી હશે. અવનીશઃ એને તમે માત્ર ખ્વાબી જ કહેશો? એટલે વહેવારિયાએ તો બારે પહોર અને બત્રીસે ઘડી ગોળી ઝીલવા માટે, લાઠી ખાવા માટે, તૈયાર રહેવું? સોમઃ એ તો એક અળગતનો સવાલ છે. એ વિશે તો મતભેદ પણ હોઈ શકે. હકીકત શું છે? અવનીશઃ હકીકત! આટલું જ. સદાના ભૂખાળવા લોક, સદા ટાઢ, તાપ, વરસાદ વેઠતા લોક, સદાના માગણ લોક, સદાના અસંતુષ્ટ લોક, સદાના તોફાની લોક, તોફાને ચડ્યા. અને શાંતિ અને વ્યવસ્થા જાળવવાની ફરજ જેને માથ છે, એમણે આ ભૂતાવળને શાંત રહેવા કહ્યું અને… અને લાઠીથી સમજાવ્યા, ગોળીથી સમજાવ્યા, ટિયરગૅસથી સમજાવ્યા. આટલી હકીકત. હા, એક વાત ભૂલી ગયો, ભૂલી ગયો. આકાશમાંથી વરસાદ વરસાવવાનું વર્ષોથી ભૂલી ગયેલા ભગવાને સર્વને સદ્‌બુદ્ધિ આપવા પથરા વરસાવ્યા. શાંતિ અને વ્યવસ્થાના ઉચ્ચાટનના પહેલા પ્રકારનો પ્રયોગો પૂરો થયો. સોમઃ અવનીશભાઈ, તમે હાલી ગયા છો. અવનીશઃ સાચી વાત છે તમારી, સોમ, હું હાલી ગયો છું. જડમૂળથી હાલી ગયો છું. આપણા હાથે આપણે શું કરી બેઠા છીએ એનું ચિત્ર નજર સામે આવી જાય છે. ત્રીજે મજલે ઊભી ઊભી બાળકને નીચનો કોલાહલ જોતાં વારતી માતાના હાથમાંનું બાળક ગોળીનો શિકાર થાય તે જોઈને હું હાલી ઊઠ્યો છું. બીજે મજલે આંખનું નેજવું કરી તડકો ખાતી સિત્તેર વર્ષની ડોશી પોતે મચાવી મૂકેલી અવ્યવસ્થાની સજારૂપે ખોપરીમાં એક ગોળી ઝીલે એ જોઈને હું હાલી ઊઠ્યો છું. મંગળઃ અવનીશભાઈ, તમે સ્વસ્થ થાઓ. અવનીશઃ સ્વસ્થતા! તમે શુક્રની વાર્તા સાંભળી? એ સાંભળ્યા બાદ સ્વસ્થ પણ શી રીતે થવું? છાવરવું છે? પડદા પાડી દેવા છે? મૌનમાં હકીકતને ભંડારી દેવી છે? બુધઃ એ તો રાજકારણની વાત થઈ. અવનીશઃ રાજકારણ? આ સ્વતંત્ર દેશમાં જીવવું એ પણ રાજકારણ છે? સોમઃ તમે નાહકના એક્સાઇટ થાવ છો, અવનીશભાઈ. અવનીશઃ એક્સાઇટ! ત્યારે તો થીજી જવું એ જ જિંદગી કહેવાય, ખરું ને? મંગળઃ એમ વાત કરે કોઈનાય પાર નહિ આવે. તમે એટલું મેટર આપશો? અવનીશઃ દસ, બાર, સોળ કૉલમ. સોમઃ ટેલિફોન પરનું સાંભળ્યા પછી પણ! અવનીશઃ હા, એ સાંભળ્યા પછી પણ! (ઉતાવળમાં લખવા માંડે છે. સોમ, મંગળ, બુધ એકમેકના સામું જોઈ રહે છે.) મંગળઃ ઊંહું (ડોકું ધુણાવી) આમ તો… (સહુને જાણે કશી ઉકલત સૂઝી હોય તેમ, આટલો સમય બગાડ્યાના કંટાળાને મોં પર આવવા દઈ, સહુ પોતપોતાના કામે વળગે છે. ટેલિપ્રિન્ટરની ટકટક. કાગળ પર કલમનો ચિત્કાર. થોડી પળ બાદ બહારથી અવાજ આવે છે.) અવાજઃ અવનીશભાઈ આવી ગયા? બીજો અવાજઃ હા જી. અવાજઃ હશે? બીજો અવાજઃ હા જી. (પગલાં પાસે આવતાં લાગે છે. અવનીશ એના લખવામાં મશગૂલ છે. બાકીના ત્રણ સાવ અસ્વસ્થ થતા જણાય છે. બારણું ખૂલે છે. બારણું ખોલીને પટાવાળો ઊભો હોય છે. બારણાથી સહજ દૂર વિશ્વવિજયી મલકાટ પ્રદર્શતા ઊભા છે.) શેઠઃ અંદર આવું કે? (સોમ, મંગળ, બુધ ઊભા થઈ જાય છે. અવનીશ બેધ્યાન છે. શેઠ અંદર આવી જાય છે.) શેઠઃ અવનીશભાઈનું ધ્યાન નથી લાગતું. બેસો બેસો તમે. (આને બેસવાનો આગ્રહ ‘તમે તમારું કામ કેમ છોડી દીધું છે?’ એવી પૃચ્છા તરીકે ગણીને સહુ પોતાના કામે વળગે છે.) શેઠઃ (બે પળના મૌન બાદ) અવનીશભાઈ! (ધ્યાનભંગ થયેલો અવનીશ ઊંચું જુએ છે. શેઠને જોઈ સાહજિક આદરની ભાવનાથી ખુરશીમાં બેઠો થવા જાય છે.) શેઠઃ અરે, તમે તમારું કામ જ કરો. એવા વિવેકની જરૂર જ ક્યાં છે? (અવનીશને અસ્વસ્થ જોઈ, વાત કરવાના ઇરાદે તંતુ લંબાવે છે.) શેઠઃ આજે તમે પોતે રિપોર્ટ લેવા ગયા? અવનીશઃ જી, પરિસ્થિતિ એવી ભયંકર હતી. શેઠઃ હં. પણ તમને કાંક થયું હોત તો અમારું શું થાત? અવનીશઃ એ તો આપની માયા છે. બાકી આ કામ તો મારે પોતે જ કરવું જોઈએ એમ મને લાગ્યું, પણ આપ… શેઠઃ કાંઈ નહિ. આ દફ્તરમાં તો હું જિંદગીમાં પહેલી વાર જ આવ્યો, નહિ? અવનીશઃ હા જી. ચાલુ દફ્તરે પહેલી વાર. શેઠઃ ચાલુ દફ્તરે? ઓહ, તમે તો આ ભવન બંધાતું હતું તેની વાત કરતા લાગો છો? અવનીશઃ જી. શેઠઃ અને બધું બરાબર ચાલે છે ને? અવનીશઃ આપની કૃપા. શેઠઃ પણ આજે આ શું થયું છે, અવનીશ? અવનીશઃ શેનું? શેઠઃ અરે ભગવાન, આ તમે બહાર જોવા ગયા એનુંસ્તો. અવનીશઃ ગોળીબારનું? (અને એનો પ્રયત્નપૂર્વક દબાવેલો ઉશ્કેરાટ બહાર આવે છે.) એમને સ્વરાજ્યનો પરચો મળે છે. પરદેશી ગોળીબાર કરીને પોતાની હકૂમતની જડ નાંખતા દેશી… શેઠઃ (વચ્ચેથી અટકાવી) તમારા જેવો ઠરેલ માણસ આવો ઉશ્કેરાટ અનુભવે? તમારે તો ઊલટું સ્વસ્થ રહેવું જોઈએ. અવનીશઃ આ મારા ભાઈઓ… શેઠઃ તે ભલે ને રહ્યા. આપણી વાત એ સાંભળે એમાં કશુંય ખોટું નથી. ઊલટું… અવનીશઃ હું એમની હાજરીની વાત નહોતો કરતો. હું તો આ ભાઈઓ પણ મને ક્યારનો સ્વસ્થ થવાનું કહે છે એ કહેતો હતો. શેઠઃ એમ ત્યારે! ત્યારે હું એકલો જ એવો નથી. અવનીશ! અવનીશઃ જી. શેઠઃ શું જોયું તમે? અવનીશઃ મેં? આંધળો ગોળીબાર… હેતુ વિનાની નિર્દોષની ભયંકર કતલ, અને… અને… (બોલતાં બોલતાં અટકી જાય છે.) શેઠઃ બોલો, જે જોયું હોય એ કહેવાનું છે ને? અવનીશઃ (સ્વસ્થ થવાના યત્નમાં) ચિમૂર અને આષ્ટિને યાદ કરાવે એવાં નહિ, પણ ભુલાવે એવાં… શેઠઃ ઘણું ખોટું કહેવાય. ઘણું ખોટું. ટૂ બૅડ. પણ તમે અહેવાલ તૈયાર કર્યો? અવનીશઃ કરતો જ હતા. ત્યાં આપ આવ્યા. શેઠઃ એ તો મેં તમારી તપાસ બધે કરાવી પણ જ્યાં ટેલિફોન કરું ત્યાંથી એમ જ જવાબ મળે કે પાંચ મિનિટ પહેલાં નીકળી ગયા. શુક્ર મળ્યો હતો. (અવનીશના કાન સરવા બને છે. પેલા ત્રણ પણ કશું ન સાંભળવાનો નિર્ણય કરીને બધું સાંભળે છે.) શેઠઃ અને મેં એને કહ્યું કે આપણે કશાં ખાંખાંખોળાં કરવાં નથી. અવનીશઃ એ મને ન સમજાયું. શુક્રે મને ટેલિફોનમાં કહ્યું… શેઠઃ (અધૂરેથી ઉપાડી લેતાં) તમને કહ્યું ને? મેં એને કહ્યું હતું કે તમને કહી દે. અવનીશઃ પણ ગોળીબારમાં કોણ ગુજરી ગયા તેનાં નામ પણ… શેઠઃ બરાબર છે. આપણે એમાં પડવું નથી, પછી કેટલી ગોળી છૂટી કે કેટલા અને કોણ મર્યા એની પંચાતમાં ક્યાં પડવું? નાહકનો કોઠી ધોઈ અને કાદવ કાઢવો? કાંઈ હશે તો સરકાર આફૂડી યાદી પ્રગટ કરશે. અવનીશઃ એટલે આપણે શહેરમાં ગોળીબાર થયો તેટલી વાત પણ નહિ છાપીએ? શેઠઃ નહિ છાપીએ તો કાંઈ આકાશ ધરતી પર ધસી આવવાનું નથી. (અવનીશને રોષમાં શું બોલવું તે સૂઝતું નથી.) શેઠઃ તમારો રોષ હું સમજું છું. તમે એમ પણ કહેશો કે દાતણની સોટી હવામાં વીંઝી હોય તેની બેફામ લાઠીમાર તરીકે જાહેરાત કરનાર છાપાં, આમ ડી.ડી.ટી. છંટાય અને જીવાત મરે એમ માણસ મરતાં હોય ત્યારે ચૂપ શી રીતે રહે? મારો જવાબ એટલો જ છે. જે પલટાયેલા સમયની તમે વાત કરો છો તેને તમે જ નથી ઓળખતા. અવનીશઃ એટલે સ્વાધીન થયા એનો અર્થ આ ગોળીબાર? શેઠઃ ગોળીબાર શું, ટૅન્કો ખડી કરવી પડે ને આકાશમાંથી બૉમ્બમારો પણ કરવો પડે. રાજ ચલાવવાનું છે, સમજ્યા? અવનીશઃ પણ તો તો પરદેશીનેય અહીં રાજ જ કરવું હતું ને? શેઠઃ અને આપણે એ કાઢવું હતું ને! અવનીશઃ કાઢવું હતું તે આ માટે? કોઈની સત્તાની ભૂખ સંતોષવા? શેઠઃ પાંચ વર્ષ પહેલાંનો કોઈ અગ્રલેખ મોંએથી બોલી જવાનો કશો અર્થ નથી. અવનીશઃ પણ સત્ય પર, હકીકત પર, આમ ઢાંકણ મૂકવાં? પડદા પાડવા? શેઠઃ નાહકના તમે સત્યને અંદર લાવ્યા! આપણે જાણીએ એટલું બધું જ કહી દઈએ એવું ઓછું છે? જરૂર હોય એટલું કહીએ. ધીરે ધીરે કહીએ. અવનીશઃ ગોળી વાગ્યા પછી ધીરે ધીરે મરવાનું કહીએ. શેઠઃ વ્યંગ અને કટાક્ષની આ જગા નથી, અવનીશ. હું અહીં આવીને તમારી સાથે આમ વાત કરું છું એટલે તમારે ઘણું માની લેવાની જરૂર નથી. અવનીશઃ પણ… શેઠઃ પણ શું? રાજ ચલાવનારા આપણા જ છે. અરે આપણે જ રાજ ચલાવીએ છીએ. અને માનો કે તમે કહો છો એવું બન્યું હોય અને આપણે એવું છાપ્યું. તો શું થવાનું? મરેલા પાછા આવવાના નથી. અવનીશઃ એ પાછા આવવાના નથી એટલે કે કેમ મર્યા એ પણ ન છાપવું? શેઠઃ તમે તો પેલા – આ તમે શું શબ્દ વાપરો છો? ઊર્મિશીલ, હા ઊર્મિશીલ છો. મરેલા માણસને એનું નામ છપાયું તોય શું અને ન છપાયું તોય શું? અવનીશઃ પણ એમના ખૂનીઓની તપાસ થવી જોઈએ. સજા થવી જોઈએ. શેઠઃ હં, ત્યારે તમારે એ અહેવાલ છાપીને તપાસ કરાવવી છે? અવનીશઃ હા. મારું ચાલે તો એમને ગામ વચ્ચે ફાંસી અપાવવી જોઈએ. શેઠઃ જવાહરલાલ પણ એક વાર આવું બોલ્યા હતા ને! મને આછું આછું યાદ છે. ત્યારે તો આપણું આ ભવન બંધાતું હતું, નહીં? અવનીશઃ હા જી, આપણે એનું તો ‘બેનર’ હતું. શેઠઃ તો આવી ગયેલું ‘બેનર’ બીજી વાર છાપવામાં મજા પણ શી? હેં! અવનીશઃ એટલે તમે, આપ રિપોર્ટ તો નહીં છાપવાના, પણ અભિપ્રાય પણ નહીં આપવાના? શેઠઃ છાપાને તે વળી અભિપ્રાય હોતો હશે? મેં તમને કહ્યું ને અવનીશ, ગઈકાલના દિગામ સાથે આજે ન જિવાય. આજના મિજાજ સાથે આવતીકાલે ન જિવાય, જમાનો બદલાય છે. અવનીશઃ પણ ન્યાય, નીતિ, સત્ય તો એક જ હોય છે. શેઠઃ એ ભલે ને એક રહે. એ સાથે મારે શી લેવાદેવા? હું તો આટલું જ જાણું. ગોળીબાર વિશે સરકારી યાદી સિવાય ‘હિતસ્વી’માં બીજું કાંઈ નહિ આવે. અવનીશઃ આપ આવો હુકમ ફરમાવો છો? શેઠઃ આટલું કહ્યાં છતાંય તમારું મન શાંત ન થતું હોય તો હુકમ માનો. અવનીશઃ આ જ શબ્દો મને અનેક વાર કહેવામાં આવેલા, શેઠસાહેબ. શેઠઃ બરાબર છે. એ જ દિવસે, એ જ ઘડીએ તો હું તમને અહીં લાવેલો. યાદ છે ને? અવનીશઃ યાદ? શેઠસાહેબ, અને તમારી રમતનાં પ્યાદાં સમજતાં પહેલાં એટલું જાણી લેજો કે અમનેય સ્વમાન છે. શેઠઃ સ્વમાન, ટેક, પ્રતિજ્ઞા, આદર્શ, વિવેક: કોને આમાંનું કશું નથી હોતું? પણ એ બધુંય એને ટેકો દેનાર મળે ત્યારે આપે. તમને દાખલો દઉં. પેલા નાટકની આપકરમી કુંવરી કઠિયારાને પરણી તે સાચે કઠિયારો જ હોત તો એના આપકરમની કદર થાત? અવનીશઃ એટલે તમે એમ કહેવા માંગો છો કે એ ઘડીએ મેં નોકરી છોડી, તે તુરત તમે રાખ્યો એથી દીપી ઊઠી? શેઠઃ એવી વાત નાહકની યાદ જ ન કરીએ. અવનીશઃ અને તમને એમ લાગે છે કે આજે તમે એ જ ધમકી આપીને મને આ લખતાં અટકાવી શકશો? શેઠઃ મારા જુવાન મિત્ર, ઊંચે સાદે તો મનેય બોલતાં આવડે છે. પણ સાવ સ્પષ્ટ એક વાત તો તમને કહી જ દઉં. ‘હિતસ્વી’માં આમાંનો એક અક્ષર નહીં આવે. (ખિસ્સામાંથી કાઢીને) આ સરકારી યાદી પૂરી છપાશે. (સોમને) આને બરાબર ગોઠવીને આપી દો. (અવનીશ ઊઠવાનું કરે છે.) શેઠઃ ચાલુ રોજીને ઠોકર મારવામાં ડહાપણ નથી, અવનીશ. (અવનીશની નજરમાં એક અજબ ચમક આવે છે. સાવ સ્વસ્થ બનીને એ પોતાના ટેબલના ખાનાની ચાવી બંડીના ખિસ્સામાંથી કાઢે છે. શેઠ પાસે ટેબલ પર મૂકે છે. બેતમાના વિજયનું મલકતું સ્મિત એને ચહેરે ફરફરે છે. બે ડગલાં ચાલ્યા બાદ કશું યાદ આવતાં એ ઊભો રહે છે.) અવનીશઃ માફ કરજો. હું ભૂલી જ ગયો. (સર્વ વિસ્મયપૂર્વક એના સામું જોઈ રહે છે.) અવનીશઃ (ખિસ્સામાંથી કાઢતાં) આ આપનો પેન્સિલનો ટુકડા મારા ખિસ્સામાં જ રહી ગયો હોત! (ચાવી સાથે પેન્સિલનો ટુકડો મૂકી ખુમારીભેર ચાલી નીકળે છે.) શેઠઃ હં. શું અભિમાન છે? દિન જ પલટ્યો છે!

(પડદો પડે છે.)

(જયંતિ દલાલનાં પ્રતિનિધિ એકાંકીઓ)