ગુજરાતી એકાંકીસંપદા/પેન્સિલની કબર અને મીણબત્તી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|{{color|red|પેન્સિલની કબર અને મીણબત્તી}}<br>{{color|blue|‘આદિલ’ મન્સૂરી}}}} {{c...")
(No difference)

Revision as of 04:46, 24 May 2022

પેન્સિલની કબર અને મીણબત્તી
‘આદિલ’ મન્સૂરી
પાત્રો

અસ્તિ
બામજી
વૃદ્ધ

(પરદો ૧/૩ જેટલો જ ઊઘડે છે. પરદાના ૧/૩ ઉઘાડમાંથી પ્રથમ નજરે આટલું જોઈ શકાય છેઃ એક વ્યગ્ર માણસ કોદાળીથી મોટી ખોદી રહ્યો છે. એના પગ પાસે ખોદેલી માટીનો બે ફૂટ ઊંચો ઢગલો છે જેમાં એક ત્રિકમ ઊંધો ખોડાયો છે. ત્રિકમમાં એક કાળી થેલી ભરાવેલી છે. દૂર… સામે એક તૂટેલી દીવાલ પાસે જમણા ખૂણામાં એક સૂકું વૃક્ષ છે જેની ડાળી પર એક ઉલૂક બેઠું છે. ડાબા ખૂણામાં બે મોટા પથ્થર છે. એક પથ્થર ઉપર એક ખૂબ જ ઘરડો માણસ, ધોળી દાઢી અને લાંબા, ધોળા વાળવાળો, જમીનને અડકતા સફેદ, પહોળા ઝભ્ભામાં સજ્જ, બેઠો છે. બીજા પથ્થર ઉપર એક મોટી મીણબત્તી બળે છે, એની બાજુમાં બીજી બે મોટી મીણબત્તીઓ છે, જે નથી બળતી. મીણબત્તીના પ્રકાશમાં પેલો વૃદ્ધ એક બુઠ્ઠા ચપ્પુથી પેન્સિલ છોલી રહ્યો છે. બે મિનિટ સુધી પ્રથમ માણસ કોદાળીથી માટી ખોદ્યા કરે છે. જમીનમાં ત્રણચાર ફૂટ જેટલો ખાડો થાય છે. બે મિનિટ માટી ખોદી પેલો માણસ હાંફી જાય છે અને કોદાળી એક બાજુએ મૂકી કેડે હાથ રાખી શ્વાસ ખાવા ઊભો રહે છે. ૧/૩ ઊઘડેલો પરદો હવે પૂરો ઊઘડે છે. પેલો માણસ કોદાળી ઊંચકી ફરી ખોદવા જાય છે ત્યાં તો ખાડામાંથી કફનમાં લપેટાયેલો એક માણસ ‘સબૂર સબૂર’ની બૂમો પાડતો બહાર ધસી આવે છે (એના ડાબા હાથમાં વગર સળગાવેલી એક બીડી છે.) અને ફાટી આંખે માટી ખોદનારને જોયા કરે છે, પછી એકદમ તેને કહે છેઃ) જરા માચીસ હોય તો આપને. નથી. તું કોણ છે? નથી. અહીં શું કરે છે? નથી. આ બધું શું છે? નથી. હું ક્યાં છું? નથી. તારું નામ…? તારું નામ…? અસ્તિ બામજી અસ્તિઃ અંદર શું કરતો હતો? બામજીઃ તું પહેલાં એ બતાવ કે બહાર શું કરતો હતો? અસ્તિઃ કબર ખોદતો હતો. બામજીઃ કોની? અસ્તિઃ મારી. બામજીઃ કારણ? અસ્તિઃ (ત્રિકમમાં લટકતી થેલી તરફ ઇશારો કરે છે.) બામજીઃ એમાં શું છે? અસ્તિઃ મારા ચોર્યાશી લાખ જનમોનાં પાપ છે. બામજીઃ જા જા, એ બધાં પાપ તો મારાં છે, તારાં નથી. અસ્તિઃ એ પાપ મારાં છે. બામજીઃ ના, એ તારાં નથી, મારાં છે. અસ્તિઃ તને જોઈતાં હશે તો આપી દઈશ; પરંતુ આ વાતનો સ્વીકાર કર કે એ પાપ મારાં છે. બામજીઃ જો હું એ પાપ તારાં છે એનો સ્વીકાર કરી લઉં તો તારા ચોર્યાશી લાખ જનમોનો પણ સ્વીકાર કરવો પડે. અસ્તિઃ હાસ્તો. બામજીઃ ના, ના, મારાથી એ નહીં બને, પરંતુ એ પાપ મારાં જ છે, મારાં જ છે, મારાં જ છે, (બામજી એકદમ થેલી તરફ ધસી જઈ થેલી ઉઠાવી લે છે. ઉતાવળમાં થેલીમાંથી થોડાક ચણા બહાર વેરાઈ જાય છે, જેમાંથી થોડાક કબરમાં પણ પડે છે.) બામજીઃ અલ્યા, આ તો શેકેલા ચણા છે. અસ્તિઃ એ ચણા નથી પણ ખરેખર મારાં પાપ છે. આ પાપ મેં ચોર્યાશી લાખ જનમોની યાતના વેઠીને ભેગાં કર્યાં છે. એક એક દાણા ખાતર એક એક જનમની યાતના વેઠી છે. જો જો (બામજીની એકદમ નજીક જઈ એને પોતાની ડાબી આંખ પાંપણ ઊંચકીને બતાવે છે.) જો… દેખાય છે કશું…? બામજીઃ (ખૂબ ધારીને જોતાં) આ તો મોતિયો છે, તને મોતિયો થયો છે. ઑપરેશન કરાવવું પડશે. જા જલદી જા, આંખની કોઈ સારી હૉસ્પિટલમાં… અસ્તિઃ હા, મોતિયો જરૂર છે, પરંતુ હવે ઑપરેશનની જરૂર નથી. બામજીઃ કેમ? અસ્તિઃ મોતિયાના ઑપરેશન વખતે મારું હૃદય બંધ પડી ગયું હતું. શહેરના બધાય મોટા ડૉક્ટરોએ મારા દેહને તપાસી મારા મૃત્યુની જાહેરાત કરી હતી, અને હવે હું આ મોતિયાની આરપાર બધું જોઈ શકું છું. બધુંય જોઈ શકું છું. તનેય જોઈ શકું છું અને તારી આરપાર મારા ચોર્યાશી લાખ જનમનાં પાપ પણ જોઈ શકું છું. બામજીઃ હું આ ચણા ખાઉં? બહુ ભૂખ લાગી છે. અસ્તિઃ પહેલાં તારે એક વાતનો ખુલાસો કરવો પડશે. બામજીઃ ખુલાસો! કઈ વાતનો? અસ્તિઃ તું અંદર કબરમાં શું કરતો હતો? બામજીઃ એની તો એક લાંબી કથા છે, યાર! અસ્તિઃ એ કથા તારે મને સંભળાવવી પડશે. બામજીઃ સાંભળ ત્યારે, આ કબરમાં હું પચીસ વરસથી રહું છું. અંદર ખૂબ ગંદકી થઈ ગઈ છે. મચ્છરોનો ત્રાસ પણ ઘણો છે. મોટું દુઃખ તો શહેરની બધીય ગટરોનું પાણી મારા પગને અડકીને વહે છે, તેનું છે. ભેજવાળી માટીના લીધે સતત સળેખમ રહ્યા કરે છે. શરદી પણ સાલી મટતી જ નથી – તારી પાસે માચીસ હોય તો આપને, હવે બીડી પીધા વગર નહીં જીવી શકાય. અસ્તિઃ મારી પાસે પણ બીડીઓ જ છે. (ખીસામાંથી બીડીનું બંડલ કાઢીને બતાવે છે.) હું પણ માચીસની શોધમાં ઘરેથી નીકળ્યો છું. બામજીઃ સૂરજ પણ હજી નથી નીકળ્યો નહિતર એની પાસે કાયમ માચીસ હોય છે. અસ્તિઃ ઊભો રહે, હું માચીસ લઈ આવું. (પ્રેક્ષકો તરફ થોડું ચાલી, પ્રેક્ષકોને ઉદ્દેશીને) અસ્તિઃ કોઈની પાસે માચીસ હોય તો આપો ને! (પ્રેક્ષકવર્ગમાંથી કોઈ માચીસ મંચ ઉપર ફેંકે છે.) અસ્તિઃ લે, દોસ્ત, સળગાવ. (બંને બીડીઓ સળગાવી માટીના ઢગલા ઉપર બેસે છે.) બામજીઃ (બીડીનો ઊંડો દમ ખેંચી હવામાં ધુમાડાનાં વર્તુલો કાઢતાં) અસ્તિ! અસ્તિઃ (બીડીનો ઊંડો દમ ખેંચી હવામાં ધુમાડાનાં વર્તુલો કાઢતાં) હં. બામજીઃ (” ” ” ”) અસ્તિ! અસ્તિઃ (” ” ” ”) હં… બામજીઃ (બીડીનો ઊંડો દમ ખેંચી હવામાં ધુમાડાનાં વર્તુલો કાઢતાં) અસ્તિ! અસ્તિઃ (” ” ” ”) હં… બામજીઃ (” ” ” ”) અસ્તિ! અસ્તિઃ (” ” ” ”) હં… (બંને જણા ચણા ખાતા જાય છે.) બામજીઃ તારાં લગ્ન થઈ ગયાં? અસ્તિઃ હા, અને તારાં? બામજીઃ ના, મારે બાકી છે. પણ એક્કેય ચીજ શુદ્ધ ક્યાં મળે છે હવે? અસ્તિઃ ઈંડાં સિવાય દરેક ચીજમાં ભેળસેળ થાય છે. આ વેપારીઓને તો ગોળીએ દેવા જોઈએ. બામજીઃ ઈંડાંમાંય ભેળસેળ ચાલે છે. મરઘીના બદલે કાચબાનાં ઈંડાં પધરાવી દેવાય છે. અસ્તિઃ જા જા હવે. મરઘીનાં ઈંડાં અને કાચબાનાં ઈંડાંમાં કાંઈ ફરક જ નહીં હોય? બામજીઃ (ગળા ઉપર હાથ મૂકી) મારા સમ, કાચબાનાં ઈંડાં આબેહૂબ મરઘીનાં ઈંડાં જેવાં જ હોય છે. માણસજાત તો શું પણ ખુદ મરઘી અને કાચબા પણ ઓળખી ન શકે એવાં આબેહૂબ મળતાં હોય છે. અસ્તિઃ પણ આ બધું ક્યાં સુધી ચાલ્યા કરશે? શું આનો ક્યારેય અંત નહીં આવે? બામજીઃ ના, બામજી, ના. આનો ક્યારેય અંત નહીં આવે. આ બીડીઓનો અંત આવી જશે. આ ચણાનો અંત આવી જશે. આ ખોદકામનો અંત આવી જશે. પણ એનો અંત નહીં આવે, એ તો ચાલ્યા જ કરશે. કયામત સુધી ચાલ્યા જ કરશે. ચાલ્યા જ કરશે. અસ્તિઃ તારી પરીક્ષાનું શું થયું? કશું વાંચેબાંચે છે કે એમ જ? બામજીઃ પરીક્ષાને અઠવાડિયું બાકી છે પણ આ નવરાત્રિના ગરબાઓના કારણે વાંચવાનું બંધ પડ્યું છે. અસ્તિઃ આ ગરબાની શરૂઆત કોણે કરી? બામજીઃ એમાં વળી શું પૂછવાનું હોય? અંબાજીએ જ સ્તો. અસ્તિઃ એમ કે? બામજીઃ હા. ત્યારે બોલો, શ્રીઅંબે માતકી જય! અસ્તિઃ અંબે માતકી જય! બામજીઃ અંબે માતકી જય! અસ્તિઃ અંબે માતકી જય! બામજીઃ અંબે માતકી જય! અસ્તિઃ અંબે માતકી જય! બામજીઃ અંબે માતકી જય! અસ્તિઃ અંબે માતકી જય! બામજીઃ બીજા ચણા કાઢ ને! અસ્તિઃ આમ ને આમ જો તું બધા ચણા ખાઈ જઈશ તો હું ઈશ્વરને શું મોઢું બતાવીશ? મારે ત્યાં એક એક દાણાનો હિસાબ આપવો પડશે. બામજીઃ કહી દેજે કે બામજીને બહુ ભૂખ લાગી હતી તે એ ખાઈ ગયો. અસ્તિઃ ના, ના. મારાથી એવું નહીં કહી શકાય. લે, આ છેલ્લી મુઠ્ઠી ખાઈ લે, હવે નહીં મળે. (બામજી એક મુઠ્ઠી ભરીને ચણા આપે છે. બંને જણ ચણા ખાય છે. બામજી ચણાનો એક દાણો અધ્ધર હવામાં ઉછાળી મોં ફાડીને મોંમાં ઝીલે છે. અસ્તિ પણ તેમ કરવા જાય છે ને ચણો ઝીલવા મોં ફાડીને આકાશ તરફ જોઈ એક બે ડગલાં ચાલતાં ખાડામાં પડી જાય છે. ખાડામાં અંધારું હોવાથી કશું જોઈ શકાતું નથી. બામજી ખાડાની ધાર પર બેસી અંદર માથું નમાવી જોરથી બૂમ પાડે છે.) બામજીઃ અસ્તિ… અસ્તિ… અસ્તિ… બામજીઃ અસ્તિ… અસ્તિ… અસ્તિ… બામજીઃ અસ્તિ… અસ્તિ… અસ્તિ… (બામજી દીવાસળી સળગાવી અંદર જુએ છે. અંદર ધૂળમાં અસ્તિ બેશુદ્ધ થઈ પડ્યો હોય છે.) બામજીઃ અરે, આ તો મરી ગયો લાગે છે! (બામજી ખાડામાં ઊતરી બેશુદ્ધ અસ્તિને ઉપાડીને બહાર લાવે છે. અને એના ચહેરા ઉપર હળવે હળવે ફૂંકો મારવાનું શરૂ કરે છે. લગભગ એકાદ મિનિટ સુધી એને ફૂંકો માર્યા કરે છે. પછી અસ્તિ ભાનમાં આવે છે.) અસ્તિઃ બા.…મ…જી… બામજીઃ હં… અસ્તિઃ માચીસ તારી પાસે છે? બામજીઃ હા. અસ્તિઃ એક બીડી સળગાવીને આપ ને. (બામજી બે બીડીઓ સળગાવે છે, એક પોતાના દાંતોમાં દબાવે છે, બીજી અસ્તિના હોઠ વચ્ચે ગોઠવે છે. પોતાની બીડીના જલદી જલદી ત્રણચાર કશ ખેંચી અસ્તિની બીડી બદલી લે છે.) અસ્તિઃ (ધીરેથી આંખો ઉઘાડી) બીડી બદલી લીધી? બામજીઃ ના, આ લવિંગિયા નાની જ આવે છે. અસ્તિઃ (કશ ખેંચતાં) એક બીજી સળગાવી દે. (બામજી તેમ કરે છે.) બામજીઃ એકદમ બેશુદ્ધ કેવી રીતે થઈ ગયો? અસ્તિઃ થઈ ગયો નહીં, બનાવી દેવામાં આવ્યો. બામજીઃ કેવી રીતે? અસ્તિઃ ક્લોરોફોર્મ દ્વારા. બામજીઃ પણ આ બધું આ કબરમાં કેવી રીતે બન્યું? મને તો કશી સમજ નથી પડતી. અસ્તિઃ સમજાતું તો મને પણ નથી. પરંતુ હકીકત મેં કહી તેમ જ બની છે. બામજીઃ જરા વિગતવાર વાત કર ને. અસ્તિઃ અંદર પડતાં જ રબરનાં સફેદ ઠંડાં મોજાંઓ પહેરેલા હાથોએ મને ઝીલી લીધો. પછી મને ઑપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યો. એક વિશાળ ખંડમાં મોટા ટેબલ પર ચત્તોપાટ સુવડાવી દેવામાં આવ્યો. ચાર ડૉક્ટરો અને પાંચ યુવાન નર્સો મોં પર બુકાની બાંધી ભાવશૂન્ય આંખોથી મને જોઈ રહ્યાં હતાં. હું ખૂબ જ અકળામણ અનુભવી રહ્યો હતો. એક નર્સે મારા મોંમાં ચણાનો દાણો મૂકી હળવેથી કાનમાં કહ્યું કે આજે તમારા મોતિયાનું ઑપરેશન છે. પછી… પછી… મને ક્લોરોફોર્મ સૂંઘાડી બેશુદ્ધ બનાવી દેવામાં આવ્યો. બામજીઃ પછી… પછી… શું થયું? અસ્તિઃ હું એક હજાર વરસ સુધી બેશુદ્ધ પડ્યો રહ્યો અને દર સો વરસે અસ્તિ… અસ્તિ…ની તારી બૂમો મને સંભળાતી રહી. હું ઇચ્છા હોવા છતાંય તને જવાબ ન વાળી શક્યો. બામજીઃ એમ કેમ બન્યું? અસ્તિઃ એનું કારણ બેશુદ્ધ થયા પહેલાં નર્સે મારા મોઢામાં મૂકેલો ચણાનો પેલો દાણો હતો. એ દાણો મારા ગળામાં જઈ એકદમ ફૂલી ગયો હતો અને હું ઇચ્છા હોવા છતાંય બોલી નહોતો શક્યો. શ્વાસ પણ ન લઈ શક્યો. અને મારું હૃદય બંધ પડી ગયું. (બામજી મોટેથી હસવા લાગે છે. એના પ્રચંડ અટ્ટહાસ્યના પડઘાથી આખું વાતાવરણ હચમચી ઊઠે છે.) અસ્તિઃ તને હસવું આવે છે? કેમ હસે છે? બામજીઃ (મોટેથી હાસ્ય કરે છે. ખડખડાટ હાસ્યના પડઘાઓથી ફરી પાછું વાતાવરણ ગુંજી ઊઠે છે.) અસ્તિઃ તું કહે તો ખરો, કેમ હસે છે? (બામજી ખડખડાટ હસ્યા જ કરે છે. દરમિયાન દૂર તૂટેલી દીવાલ પાસેના પથ્થર ઉપર બેઠેલો પેલો વૃદ્ધ બુઠ્ઠા ચપ્પુથી ખૂબ જ જહેમત ઉઠાવી પેન્સિલ છોલ્યા કરે છે અને પછી જ્યાં કાગળ પર લખવા જાય છે કે પેન્સિલની અણી તરત તૂટી જાય છે ને વૃદ્ધ અવિતરણપણે પેન્સિલ છોલ્યા જ કરે છે, છોલ્યા જ કરે છે.) બામજીઃ એક વાત કહું? અસ્તિઃ એક શું, બે કહે. બામજીઃ ના, ના, એક જ. અસ્તિઃ સારું બાપા, કહી નાખ ને જલદી. બામજીઃ થોડાક ચણા આપ ને. અસ્તિઃ ના, હવે નહીં મળે. બામજીઃ પ્લીઝ આપી દે ને. અસ્તિઃ તને ખબર નથી, એકઠા કરતાં મારે કેટલું કષ્ટ સહન કરવું પડ્યું છે. પૂરા ચોર્યાશી લાખ જનમ અને ચાર્યાશી લાખ વાર મૃત્યુના ખોળામાં માથું મૂકી સૂઈ જવું એ કાંઈ સહેલું નથી. આ ચોર્યાશી લાખ જનમોની યોનિમાંથી પસાર થતાં મારી ચામડી બહેરી બની ગઈ છે, મારી આંખોના ઊંડાણમાં કેટલાય સૂરજોનાં હાડપિંજર લટકે છે, મારા કાનમાં દિશાઓના કપાયેલા હાથોની મુઠ્ઠીઓ ખૂલી ગઈ છે, મારી જીભ નીચે પવનની પાંસળીઓનું પોલાણ છતું થઈ ગયું છે. બામજીઃ પ્લીઝ… અસ્તિઃ એકેય દાણો નહીં મળે. (બામજી જમીન પર ઢળેલા દાણા વીણી વીણીને ખાય છે. લગભગ દોઢ મિનિટ સુધી બામજી જમીન પરથી દાણા વીણી વીણીને ખાયા કરે છે. પછી એકદમ થૂ… થૂ… કરતો ઊભો થઈ જાય છે અને મોઢામાંથી ચાવેલા દાણા થૂંકી નાખે છે.) અસ્તિઃ શું થયું એકદમ? બામજીઃ ચણાના બદલે કાંકરો આવી ગયો. મારાથી આ સહન નથી થતું. મને લાગે છે મારું માથું ફાટી જશે. ઓ…હ… (બામજી બે હાથથી માથું દબાવી બેસી પડે છે. અસ્તિ એની નજીક દોડી આવી વ્યાકુળ થઈ એને પૂછે છે…) અસ્તિઃ શું થયું? એકદમ શું થયું? (બામજી બોલવા જાય છે પણ બરાબર બોલી શકતો નથી. ફરી પ્રયત્ન કરે છે અને) બામજીઃ બી…ડી… (… અને બામજી બેશુદ્ધ થઈ જાય છે. બેશુદ્ધ બામજીના ચહેરા ઉપર અસ્તિ ધીમેધીમે ફૂંકો મારવાનું શરૂ કરે છે. થોડી વાર ફૂંકો માર્યા પછી બામજી ભાનમાં આવે છે અને ધીરેકથી આંખ ઉઘાડી કહે છે…) બામજીઃ અસ્તિ. અસ્તિઃ હં… બામજીઃ બી…ડી… બી…ડી… (અસ્તિ બામજીના ખીસામાંથી બીડીનું બંડલ કાઢી બે બીડીઓ સળગાવે છે, એક પોતે પીએ છે અને બીજી બામજીના હોઠો વચ્ચે ગોઠવી દે છે. બામજી અર્ધ મૂર્છાવસ્થામાં છે. અસ્તિ પોતાની બીડીના બેચાર ઊંડા કશ ખેંચી બામજીની મોટી બીડી સાથે બદલી લે છે.) બામજીઃ બી…ડી… બદલી લી…ધી… અસ્તિઃ ના, પણ આ લવિંગિયા નાની જ આવે છે. બામજીઃ એક બીજી સળગાવી આપ ને. (અસ્તિ તેમ કરે છે.) અસ્તિઃ તું એકદમ બેહોશ કેવી રીતે થઈ ગયો? બામજીઃ થઈ ગયો નહીં બનાવી દેવામાં આવ્યો. અસ્તિઃ કેવી રીતે– બામજીઃ હું ભોંય પર વેરાયેલા ચણા વીણી વીણીને ખાઈ રહ્યો હતો. પછી અચાનક એક કાંકરો મોઢામાં આવી ગયો. જેવો કાંકરો મારી દાઢો વચ્ચે દબાયો કે બે અદશ્ય હાથોએ મારું મોઢું જોરથી દાબી દીધું અને મારા નાક પાસે એક વિચિત્ર રૂમાલ રાખવામાં આવ્યો અને હું બેભાન થઈ ગયો. હું ઘણો લાંબો સમય બેભાન રહ્યો. અસ્તિઃ હજાર વરસ સુધી. બામજીઃ હું ચોક્કસ ન કહી શકું, લગભગ એટલો કે એથી લાંબો સમય પણ હોય. અસ્તિઃ પછી…? બામજીઃ પછી જોરથી કૂતરાનો અવાજ આવવાથી મારી જમણી આંખ સહેજ ઊઘડી ગઈ અને જોઉં છું તો એક વિકરાળ, કાળો કૂતરો પોતાના લોહિયાળ જડબામાં મારા બંને પગ દબાવી ક્ષિતિજ તરફ મન ખેંચી જતો હતો. હું ભયથી છળી મર્યો અને ફરી બેશુદ્ધ બની ગયો. અસ્તિઃ પછી… પછી… શું થયું? બામજીઃ ઘણા લાંબા સમય પછી… મારી ડાબી સાથળમાં કૂતરાએ પોતાના દાંત ભરાવ્યા અને ફરી પાછું ક્ષિતિજ તરફ દોડવા માંડ્યું. હવે મારી સાથળમાંથી લોહી વહેવા લાગ્યું હતું – એ લોહીમાંથી મેં સૂર્યનું સર્જન કર્યું. અને પૃથ્વી પર પહેલી વાર સવાર થઈ. અસ્તિઃ પછી પેલા કૂતરાનું શું થયું? બામજીઃ સવાર થતાં એણે મને છોડી સૂર્ય તરફ દોટ મૂકી. એ દોડતો જ રહ્યો, દોડતો જ રહ્યો. એનો શ્વાસ ફૂલી ગયો. એની લાંબી જીભ બહાર લબડી પડી, એના મોઢામાંથી ફીણ ઊભરાવા લાગ્યું છતાંય એ દોડતો જ રહ્યો. મેં તિમિ તિમિ કહી એને ઘણી બૂમો પાડી – તિમિ, તિમિ. છતાંય એણે પાછું ફરીને જોયું પણ નહીં અને અંતે એક મોટી છલંગ મારી એ સૂર્યમાં કૂદી પડ્યો. અસ્તિઃ હં… પછી? બામજીઃ જોરદાર પવન ફૂંકાવા માંડ્યો. ચારે દિશાએથી આંધીઓ ચડી આવી, અને બધું ઊડવા લાગ્યું. વૃક્ષો, પર્વતો, મકાનો, રસ્તાઓ, માણસો, અવાજો, અવાજો, અવાજો. ઘૂમરીઓ ખાતા વંટોળનું એકેક વર્તુલ મારા ચહેરાને અથડાઈ તૂટતું રહ્યું, ધીમે ધીમે હું ફરી ભાનમાં આવવા લાગ્યો. (બામજી ખીસામાંથી બીડી કાઢી દાંતોમાં દબાવે છે અને માચીસ માટે ખીસાં ફંફોળે છે.) બામજીઃ માચીસ ક્યાં ગઈ? તારી પાસે છે? અસ્તિઃ (પોતાનાં ખીસાં ફંફોળી) ના રે ભાઈ, તારી પાસે જ હશે. જરા બરાબર જો. બામજીઃ (ફાંફાં મારતાં) પાછી સાલી ક્યાં જતી રહી? અણીની ઘડીએ જ મળતી નથી– (બામજી અને અસ્તિ બંને આમતેમ માચીસની શોધ કરે છે.) અસ્તિઃ માટીમાં દટાઈ ગઈ હશે! બામજીઃ થેલીમાં મુકાઈ ગઈ હશે! અસ્તિઃ કબરમાં પડી ગઈ હશે! (બામજી ચણાની થેલીમાં હાથ નાખે છે. અસ્તિ કબરમાં ઊતરે છે. અસ્તિ એકદમ ખાંસી ખાતો કબરમાંથી બહાર નીકળી આવે છે અને જોરજોરથી ખાંસી ખાધા જ કરે છે. બામજી ખોળામાં થેલી રાખી મૂઠી ભરી ભરી ચણા ખાધા કરે છે.) અસ્તિઃ (ખાંસી ખાતાં ખાતાં) રહેવા દે… રહેવા… દે… (ખાંસી) બામજીઃ (મોઢામાં ચણા ભર્યા હોવાથી સ્પષ્ટ બોલી શકતો નથી.) શું… રહેવા… દઉં…? અસ્તિઃ (દોડીને બામજીના ખોળામાંથી થેલી ઉપાડી લેતાં) મારા પાપનું અસ્તિત્વ રહેવા દે. મારા અસ્તિત્વનો એ એકમાત્ર પુરાવો છે. મારાં પાપ નહીં રહે તો મારું અસ્તિત્વ પણ નહીં રહે. એના વગર હું મારું અસ્તિત્વ પુરવાર કરી શકું એમ નથી. મારા ચોર્યાસી લાખ જનમોનું અસ્તિત્વ પણ આની સાથે જ સંકળાયેલું છે. બામજીઃ મારું અસ્તિત્વ પણ આની સાથે જ સંકળાયેલું છે. અસ્તિઃ ના. ના. તારું અસ્તિત્વ તો કબર સાથે જોડાયેલું છે. મારી સાથે જોડાયેલું છે. મચ્છરો સાથે જોડાયેલું છે. તારું અસ્તિત્વ… તારું અસ્તિત્વ તો ગટરોના ગંદા પાણી સાથે સંકળાયેલું છે. સળેખમ સાથે… બીડી… સાથે, માચીસ સાથે… બામજીઃ ચાલ, ત્યારે આપણે અસ્તિત્વવાદનો એક મહેલ બનાવીએ. અસ્તિઃ સાત માળનો. બામજીઃ પણ એમાં બારીઓ નહીં મૂકવાની. અસ્તિઃ નિસરણી પણ નહીં. બામજીઃ નિસરણીની જગ્યાએ દોરડાં લટકાવીશું. અસ્તિઃ દોરડાં તો ઊતરવા માટે, ચઢીશું કેવી રીતે? બામજીઃ દોરડાંનો પડછાયો પકડી. અસ્તિઃ બીજા માળે હું રહીશ. બામજીઃ ત્રીજો માળ મારો. અસ્તિઃ ચોથો માળ ખાલી રાખીશું. બામજીઃ ના, ભાડેથી આપી દઈશું, થોડીક આવક પણ થશે. અસ્તિઃ પાઘડી પણ લઈશું. બામજીઃ પાંચમા માળે પરમેશ્વર. અસ્તિઃ છઠ્ઠો માળ… (માથું ખંજવાળે છે.) બામજીઃ છઠ્ઠા માળે બાથરૂમ બનાવીશું. અસ્તિઃ પણ ત્યાં સુધી પાણી નહીં આવે. બામજીઃ તો પછી બાથરૂમ સાતમા માળે. અસ્તિઃ પણ પાણી… બામજીઃ પાણીની જરૂર નહીં પડે. સનબાથ લઈશું. અસ્તિઃ તો તો સાબુના પૈસા પણ બચશે. બામજીઃ હા અને ટુવાલ પણ નહીં ઘસાય. અસ્તિઃ નીચે એક ભોંયરું પણ બનાવવાનું. બામજીઃ મહેમાનો માટે. અસ્તિઃ દરવાજા કાચના ઠીક રહેશે. બામજીઃ ના, દરવાજા જોઈએ જ નહીં. અસ્તિઃ છત પણ નહીં. બામજીઃ પૂર્વ દિશાની દીવાલ પણ નહીં. અસ્તિઃ દીવાલ ઉપર ખીંટીઓ પણ નહીં. બામજીઃ ખીંટીઓ પર કપડાં પણ નહીં. અસ્તિઃ કપડાંમાં ખીસાં પણ નહીં. બામજીઃ ખીસામાં બીડીઓ પણ નહીં. અસ્તિઃ માચીસ પણ નહીં. બામજીઃ થેલી પણ નહીં. બામજીઃ મોતિયો પણ નહીં. અસ્તિઃ મચ્છર પણ નહીં. બામજીઃ બીડી કાઢ ને. અસ્તિઃ તું બહુ પીએ છે. તને કૅન્સર થશે. બામજીઃ બીડી પીવાથી કૅન્સર ન થાય. અસ્તિઃ ત્યારે કૅન્સર શેનાથી થાય? બામજીઃ ચા પીવાથી. અસ્તિઃ હું ચા પીતો જ નથી. બામજીઃ ન પીવાથીયે થાય. અસ્તિઃ મને કૅન્સર નથી. બામજીઃ થશે. અસ્તિઃ મને કૅન્સર નહીં થાય. બામજીઃ તને કૅન્સર થશે, થશે ને થશે. અસ્તિઃ મારા દાદાને થયું હતું. બામજીઃ તારા દાદા ચા પીતા હતા? અસ્તિઃ ના, દૂધ પીતા’તા. બામજીઃ દૂધથી પણ થાય. અસ્તિઃ મારા દાદાને તો … મારા દાદાને તો… બામજીઃ શું તારા દાદાને તો… બોલી નાખ ને. અસ્તિઃ મારા દાદાને તો બીજાય ઘણાં વ્યસનો હતાં. બામજીઃ દાખલા તરીકે… અસ્તિઃ ચલમ ફૂંકે, પાન ખાય, તંબાકુ ખાય. તંબાકુ દાંતે પણ ઘસે. બામજીઃ તારા દાદાને કૅન્સર થયું હતું? અસ્તિઃ ગળામાં, મારા દાદાને તો બીજીયે ઘણી બીમારીઓ થઈ હતી. બામજીઃ દાખલા તરીકે… અસ્તિઃ બ્લડપ્રેશર હતું. બામજીઃ હાઈ કે લો? અસ્તિઃ હાઈ – બામજીઃ મને પણ હાઈ જ છે. બીજું? અસ્તિઃ લકવો પણ થયો હતો. બામજીઃ પછી? અસ્તિઃ હરસમસા પણ નીકળ્યા હતા. બામજીઃ લીલા કે સૂકા? અસ્તિઃ સૂકા… બામજીઃ મને લીલા નીકળ્યા છે. પછી? અસ્તિઃ ખરજવું પણ થયું હતું. બામજીઃ હં… અસ્તિઃ છેલ્લે પાયોરિયા થયો. બામજીઃ તારા દાદાને મર્યે કેટલાં વર્ષ થયાં? અસ્તિઃ મરે તારા દાદા, મારા દાદા તો હજી જીવે છે. બામજીઃ હજુ જીવે છે? શું કરે છે? અસ્તિઃ ખેતી કરે છે. બામજીઃ એમની ઉંમર કેટલી થઈ? અસ્તિઃ એકસો વીસ વરસ. બામજીઃ મારે એમને મળવું છે. અસ્તિઃ એ કોઈને નથી મળતા, હવે એ મૃત્યુ સિવાય કોઈને મળવા નથી ઇચ્છતા, લોકોથી એમને નફરત થઈ ગઈ છે. બામજીઃ લાવ એક બીડી કાઢ ને. (અસ્તિ બીડી કાઢે છે. બામજી માચીસ માટે ખીસાં તપાસે છે.) બામજીઃ માચીસ? અસ્તિઃ માચીસ તેં ખોઈ નાખી છે, તારે શોધી આપવી પડશે. માચીસ આપણી નથી, એ તો પ્રેક્ષકોમાંથી એક ભાઈની છે. નાટક પૂરું થયા પછી એમને પાછી આપવી પડશે, પાછી નહીં આપીએ તો ઝઘડો થશે અને ઝઘડો થવાથી આપણી આબરૂના કાંકરા થઈ જશે. આપણને ઘર સુધી જવું ભારે પડી જશે. (બામજી રડમસ ચહેરે માચીસ શોધવા ફાંફાં મારે છે. બામજી કબરમાં જઈ, માચીસ લઈ બહાર આવે છે.) બામજીઃ મળી ગઈ. અસ્તિઃ મળી ગઈ? હાશ. (બંને જણા બીડીઓ સળગાવે છે.) અસ્તિઃ (બીડી પીતાં પીતાં) લાવ, માચીસ મને આપી દે. બામજીઃ ના, એ તારી નથી. અસ્તિઃ મારી નથી, પણ હું માગીને લાવ્યો છું ને મારે પાછી આપવી પડશે. બામજીઃ આજ સુધી કોઈએ માચીસ પાછી આપી નથી – મારી કેટલીય માચીસ આમ ને આમ ઊપડી ગઈ હશે. અસ્તિઃ પણ… બામજીઃ પણ… બણ… કાંઈ ના ચાલે, માચીસ પાછી નહીં મળે. અસ્તિઃ નહીં મળે? બામજીઃ થોડા ચણા આપે તો આપું. અસ્તિઃ ના, ચણા તો નહીં મળે, બીજું કશું માગ. બામજીઃ ચણા જ જોઈએ મારે તો. અસ્તિઃ (કમને મુઠ્ઠી ચણા આપી માચીસ લેતાં) કાળું કર તારું. (અસ્તિ કોદાળી ઉપાડી કબર ખોદવાનું શરૂ કરે છે.) બામજીઃ આ શું કરે છે? અસ્તિઃ કબર ખોદું છું. બામજીઃ પણ આ કબર તો મારી છે. અસ્તિઃ ના, આ કબર મારી છે. બામજીઃ હરગિજ નહીં, આ કબર મારી જ છે. અસ્તિઃ ભલે એ અત્યાર સુધી તારી રહી હોય પરંતુ હવે તો મારી જ છે. બામજીઃ એ કેવી રીતે બને? અસ્તિઃ તું કહે તો તને મારા ચોર્યાશી લાખ જનમનાં બધાંય પાપ આપી દઉં. પણ આ કબર મને આપી દે. બામજીઃ જો હું આ કબર તને આપી દઉં પછી તારા ચોર્યાશી લાખ જનમનાં પાપ લઈ હું શું કરું, એ બધાંને રાખું ક્યાં? અસ્તિઃ કબર વિના હું પણ ક્યાં રાખું? બામજીઃ આ બાબત બહુ મહત્ત્વની છે. આમ ઊભાં ઊભાં આવી ગંભીર બાબત અંગે નિર્ણય ન લઈ શકાય. અસ્તિઃ બીજા કોઈની સલાહ લઈએ. બામજીઃ અહીં બીજું કોઈ છે જ નહીં. અસ્તિઃ તું જ સલાહ આપ. બામજીઃ જરા નિરાંતે બેસીને વિચાર કરીએ. (બંને માટીના ઢગલા ઉપર બેસે છે.) બામજીઃ બીડી તો કાઢ. (અસ્તિ બે બીડી કાઢી સળગાવે છે. એક બામજીને આપે છે.) બામજીઃ (બીડી પીતાં પીતાં) એક ઉપાય છે. અસ્તિઃ કયો ઉપાય? બામજીઃ આપણે સિક્કો ઉછાળીએ. અસ્તિઃ વાઘ પડે તો મારો. બામજીઃ કાંટો પડે તો મારો. (બામજી ખીસામાંથી આઠ આની કાઢી ઉછાળે છે, સિક્કો માટીમાં ઊભો પડે છે.) અસ્તિઃ આ તો ઊભો પડ્યો, લાવ હું ઉછાળું. (અસ્તિ સિક્કો ઉછાળે છે, અને વાઘ પડે છે.) અસ્તિઃ (જોરથી બૂમ પાડે છે) વાઘ પડ્યો. કબર મારી… કબર મારી… કબર મારી… (બામજી એકદમ હતાશ થઈ જાય છે.) બામજીઃ થોડાક ચણા આપતો જા. અસ્તિઃ (મુઠ્ઠી ચણા આપતાં) સાચવીને ખાજે, એકેક દાણાનો હિસાબ આપવો પડશે. (બામજી ચણા લઈ ખાવા માંડે છે. એક દાણો અસ્તિના મોંમાં પણ મૂકે છે. દૂર મીણબત્તીના પ્રકાશમાં પેન્સિલ છોલતો વૃદ્ધ બે નવી મીણબત્તીઓ લઈ બીજા હાથમાં છોલેલી પેન્સિલ લઈ પોતાની બેઠક પરથી ઊભો થઈ અસ્તિની નજીક આવે છે અને પેન્સિલની અણી અસ્તિની પીઠમાં ઘોંચે છે. અસ્તિ ચમકી જઈ પાછળ જુએ છે.) અસ્તિઃ ઓહ… તું કોણ છે? વૃદ્ધઃ આ કબર મારી છે. અસ્તિઃ પણ… પણ… આ કબર તો મારી છે, મેં ખોદી છે. વૃદ્ધઃ ખોદી ભલે હોય, દૂર ખસી જા, કબર મારી છે. અસ્તિઃ તારી કેવી રીતે થઈ ગઈ? વૃદ્ધઃ આ કબર માટે યુગોથી હું પેન્સિલ છોલી રહ્યો છું. મારા વાળ પણ ધોળા થઈ ગયા, મારાં હાડકાં પણ ઓગળી ગયાં, મારી આંખે મોતિયો પણ બાઝી ગયો, મારું ચપ્પુ પણ બુઠ્ઠું થઈ ગયું, મારી પેન્સિલ પણ છોલાઈ ગઈ. આ કબર મારી છે. અસ્તિઃ મેં મહેનત કરી તેનું શું? વૃદ્ધઃ લે આ મીણબત્તી. બામજીઃ મને? વૃદ્ધઃ તું પણ… આ મીણબત્તી. (બંનેને એકએક સળગતી મીણબત્તી આપી, વૃદ્ધ પેન્સિલ લઈ કબરમાં ઊતરી જાય છે.) (પરદો પડે છે.) પ્રેક્ષક વર્ગમાંથી એક અવાજઃ મારી માચીસ તો આપતા જાવ, ભાઈ! (અસ્તિ હાથમાં મીણબત્તી પકડી, પરદા પાછળથી બહાર આવી માચીસ ફેંકી પાછો પરદા પાછળ ચાલ્યો જાય છે.) (પાંચ અદ્યતન એકાંકી)