સોરઠી બહારવટિયા ભાગ-1/4. ભીમો જત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 155: Line 155:
::::: ભલ ધોરાજી ભીમડા!
::::: ભલ ધોરાજી ભીમડા!
</poem>
</poem>
<center>''''''</center>
{{Poem2Open}}
પાનેલી ગામના લખમણ સોનીના દીકરાની જાન ઢાંક ગામે જાતી હતી. ભેળાં ત્રણ ગાડાં હતાં. ભાદર, માલણ અને ઓઝત નદીની ઊંડીઊંડી ભેખડોના પથ્થર પર ખડખડ અવાજે રડતાં ગાડાંની અંદર જાનૈયા ઝોકે જાતા હતા અને સરવા સાદવાળી સોનારણ જાનડીઓ કાઠિયાણીઓના જેવા મીઠા સૂર કાઢી,
{{Poem2Close}}
<poem>
::મોર જાજે ઉગમણે દેશ,
::મોર જાજે આથમણે દેશ,
::વળતો જાજે રે વેવાયુંને માંડવડે હો રાજ!
</poem>
{{Poem2Open}}
— એવાં લાંબા ઢાળનાં ગીતોને સૂરે સીમાડા છલોછલ ભરતી, ગાડું ચડીને પછડાય તેની સાથે જ ઊંચી ઊલળીને પાછી પટકાતી પટકાતી ગાતી જાય છે. વચ્ચે વચ્ચે પરજિયા ચારણોના નેસડા આવે છે, અને પદમણી-શી ભેંસો ચારતા ચારણો ડાંગોના ટેકા લઈ ઊભા ઊભા ટૌકા કરે છે : “એલા, આ ટાણે જાનું ક્યાં લઈ હાલ્યા? ભીમડો કાકો ભાળ્યો છે? તમારા ડિલની ચામડી સોતા ઉતારી લેશે.”
“એ…ભીમો કોઈ દી જાનુંને લૂંટે નહિ.”
એમ બોલીને ગાડાખેડુઓ ગાડાં ધણધણાવ્યે જાય છે.
એમાં બરાબર વાવડિયાળી વાવ દેખાણી ને સૂરજ આથમ્યો. અંધારાં ઘેરાવા લાગ્યાં. પાછળ અને મોઢા આગળ, બેય દિશામાં ગામડાં છેટાં રહી ગયાં. વગડો ખાવા ધાય એવી નિર્જનતા પથરાઈ ગઈ. જાનનાં ગાડાં ઉઘાડી સીમમાંથી નીકળી વાવડી વાવનાં ઝાડની ઘટામાં દાખલ થયાં કે તરત પાંચ બોકાનીદાર પડછંદ હથિયારધારીઓએ છલંગ મારીને વોળાવિયાની ગરદન પકડી. એના જ ફેંટા ઉતારીને એને જકડી લઈ વાવનાં પગથિયાં ઉપર બેસાર્યા અને પડકારો કર્યો કે “ઊભાં રાખો ગાડાં!”
ગાડાં ઊભાં રહ્યાં. માણસો ફફડી ઊઠ્યાં.
“નાખી દ્યો ઝટ ઘરેણાં, નીકર હમણાં વીંધી નાખીએ છીએ.” એટલું કહીને બંદૂકો લાંબી કરી.
વરરાજાના અંગ ઉપર એના બાપે માગીમાગીને ઘરેણાં ઠાંસ્યાં હતાં. ફાગણ મહિનાનો ખાખરો કેસૂડે ફાટી પડતો હોય એવાં લૂમઝૂમ ઘરેણાં વરરાજાએ પહેર્યાં હતાં. એ તમામ ઉતારીને વરનો બાપ થરથરતો સામે આવ્યો, કાંપતે અવાજે બોલ્યો : “ભાઈ, આ બીજો બા’રવટિયો વળી કોણ જાગ્યો?”
“ઓળખતો નથી? ભીમડો કાકો!”
“હેં! ભીમાબાપુના માણસો છો તમે! ભીમોબાપુ જાનુંને તો લૂંટતો નથી ને?”
“કોણ છે ઈ?” કરતો સામી ભેખડમાંથી સાવજની ડણક જેવો અવાજ ગાજ્યો. “આંહીં લાવો જે હોય એને.”
સોની જઈને પગમાં પડી ગયો. “એ બાપુ! આ પારકાં ઘરેણાં; માગીમાગીને આબરુ રાખવા લીધાં છે.”
“તો ભા, તારું હોય એટલું નોખું કાઢી લે. બાકી બીજાઓના દાગીના ઉપર તો તારા કરતાં મારો વધુ હક પહોંચે છે.”
“ભીમા બાપુ! મારી ઉમેદ ભાંગો મા. વેવાઈને માંડવે મારી આબરુ રાખવા દ્યો; વળતાં હું તમને કહેશો એટલું પાછું સોંપતો જઈશ.”
“આપી દ્યો એનાં ઘરેણાં પાછાં. અને, ભાઈ, તું પાછો વળીશ ત્યારે દીકરીને પે’રામણી અમારે દેવી છે. કે’દી વળશો?”
“પરમ દી બપોરે.”
જાન ક્ષેમકુશળ ચાલી ગઈ. ત્રીજે દિવસે પરણાવીને પાછા વળ્યા તે વખતે એ જ ભેખડે ભીમો વાટ જોતો હતો.
“આ લે આ દીકરીને માટે એક કાંઠલી.”
કાંઠલી લેતી વખતે સોનીનો હાથ અચકાયો; પણ મોંએથી બોલાયું નહિ.
“કેમ હાથ ચોર્યો?”
“બાપુ, આ કાંઠલી ચોરીની હશે તો હું માર્યો જઈશ.”
“સાચી વાત. આંહીં તો ચોરીની જ ચીજ છે, ભા. શાહુકારી વળી બા’રવટિયાને કેવી? આપો એને રૂપિયા રોકડા.” એમ બોલીને ભીમો હસ્યો.
બહારવટિયા પાસેથી પહેરામણી લઈને જાન પાનેલીને કેડે ચાલી ગઈ.
{{Poem2Close}}
<center>''''''</center>
{{Poem2Open}}
“બાપુ, દીકરી ઉંમરલાયક થઈ છે, એને કન્યાદાન દેવું છે.”
“તે મા’રાજ, તમે ઠેઠ પાનેલીથી પંથ કરીને અહીં આવ્યા એ શું? પાનેલીમાં એટલા પટલિયા ને શેઠિયા પડ્યા છે, એમાંથી કોઈએ શું એટલી ખેરાત ન કરી?”
પાનેલીના પટેલની પાસે હું ગયો’તો, બાપુ, અને એણે જ મને કહ્યું કે “તારા ભીમાકાકાની પાસે જા! એ બ્રાહ્મણ-બાવાને બહુ આપે છે!”
“એમ…! એવડું બધું કહી નાખ્યું?” એટલું બોલીને ભીમે કહ્યું : “અબુમિયાં! કાગળ લાવ. અને એમાં એટલું જ લખો કે ‘પાનેલીના પટેલ, તમારી સલાહ પ્રમાણે આ બ્રાહ્મણને રૂ. 1000 અમે દીધા છે, ને બાકીના એક હજાર આ ચિઠ્ઠી દેખત તમે ચૂકવી દેજો. નીકર અમે આજથી ત્રીજે દી પાનેલી ભાંગશું.’ ”
ચિઠ્ઠી લખીને બ્રાહ્મણને આપી. “લ્યો મા’રાજ, પટેલને દેજો, ને રૂપિયા ન આપે તો મને ખબર કરજો.”
“સારું, બાપુ!” કહીને બ્રાહ્મણ આશીર્વાદ દઈ ઊપડ્યો.
“ઊભા રો’, મા’રાજ.”
બ્રાહ્મણને પાછો બોલાવીને ભલામણ દીધી, “તમારી દીકરીને કન્યાદાન દેવાની તિથિ કઈ નીમી છે?”
“બાપુ, માગશર સુદ પાંચમ.”
<center>''''''</center>
બ્રાહ્મણ તો ચાલ્યો ગયો અને ભીમાએ પણ ગોંડળની ધરતી ઉપર ઘોડાં ફેરવવા માંડ્યાં. ઉજ્જડ થયેલા નદીના કિનારા ઉપર એક વાર ભીમાએ એક જુવાનજોધ સંધીને વડલાને છાંયડે મીઠી નીંદરમાં સૂતેલો દીઠો. નિર્દોષ, મધુર અને નમણી એ મુખમુદ્રા નિરાંતે જંપી ગઈ છે. જેને જગાડતાં પણ પાપ લાગે એવો રૂડો એ નૌજવાન છે. પાસે સંધીનાં વાછરડાં ચરી રહ્યાં છે. ભીમાએ અણસાર ઉપરથી જુવાનને ઓળખ્યો. ઘોડે બેઠાંબેઠાં ભાલાની અણી અડકાડી ઊંઘતા જુવાનને ઉઠાડ્યો.
“ઊઠ, એ ભા!”
ઝબકીને સંધી જાગ્યો.
“કેવો છો તું?”
“સંધી છું.”
સંધી નામ પડતાં જ ભીમાએ એ જુવાનને ભાલે વીંધ્યો. એના સાથીઓ આ ઘાતકીપણું જોઈને ‘અરર!’ ઉચ્ચારી ઊઠ્યા. ભીમાના બહારવટામાં એ ગજબ અધર્મ હતો.
“ભીમા મલેક! તું ઊઠીને આવો કાળો કેર કરછ?”
“બોલશો મા, બેલી!” ભીમાએ ડોળા ઘુરકાવીને ત્રાડ દીધી : “સંધીનો વંશ નહિ રહેવા દઉં. ડૂંડાં વાઢે એમ વાઢી નાખું. દીઠો ન મેલું. દગલબાજ તૈયબ ગામેતીનું મારે એની આખી જાત ઉપર વેર લેવું છે. ખૂટલ કોમ સંધીની!”
સંધીની ઘોર કતલ કરતો ભીમો આગળ વધ્યો. ત્રણસો સંધીને ઠાર માર્યા. સંધીઓને ગામડેગામડે હાહાકાર બોલી ગયો. પછી તો સંધીઓ દાઢી મૂંડાવીને પોતાની જાતને છુપાવવા લાગ્યા.
<center>''''''</center>
સંધીઓના વેરના મનસૂબામાં ગરક થઈ ગયેલ ભીમો એક દિવસ ભાદરની ખોપમાં થાકીને લોથપોથ પડ્યો છે. તે ટાણે એણે આઘેઆઘે જાનોનાં ગાડાંની ઘૂઘરમાળ સાંભળી અને એને કાને વિવાહના ગીતના સૂર પહોંચ્યા. કાંઈક સાંભર્યું હોય એમ ચમકીને ભીમે પૂછ્યું, “એલા, આજ કઈ તથ, ભા?”
“માગશર સુદ પાંચમ.”
“હેં, શું બોલો છો?”
“કાં ભા?”
“પાનેલીના બ્રાહ્મણની દીકરીને આજ કન્યાદાન દેવું છે.”
સાંજની રૂંઊ્યોકૂંઊ્યો વળી ગઈ હતી, તે ટાણે ભીમે ઘોડાં હાંક્યાં. રાતે બારને ટકોરે પાનેલીના દીધેલા દરવાજા માથે જઈને સાંકળ ખખડાવી.
“કોણ છો?” અંદરથી અવાજ આવ્યો.
“ખોલો. ગોંડળથી અસવારો આવ્યા છીએ.”
“શું કામ છે?”
“બા’રવટિયો ભીમો આ ગામ ભાંગવાનો છે, એટલે બંદોબસ્ત કરવા આવ્યા છીએ.”
ભીમા જતનું નામ પડતાં જ દરવાજા ઊઘડ્યા. એટલે ત્રણ બોકાનીદાર અસવારો દાખલ થયા. નામ પૂછીને બ્રાહ્મણને ઘેર પહોંચ્યા. ઘોડેથી ઊતરી પોતાના બેય અસવારોના હાથમાં ઘોડી સોંપી, બહારવટિયો એકલો ભાલો ઝળકાવતો માંડવા નીચે ગયો. માણસોએ આ વિકરાળ આદમીને ભાળ્યો, ભાળતાં જ તેઓનાં કલેજાં ફફડી ઊઠ્યાં. બ્રાહ્મણ દોડતો આવ્યો. પુકારી ઊઠ્યો : “કોણ, બાપુ?…”
“હા મહારાજ, દીકરીને કન્યાદાન દેવા,” એમ બોલીને ભીમે નાક પર આંગળી મેલી બ્રાહ્મણને ચૂપ રાખ્યો.
<center>''''''</center>
ઇસવરિયા ગામમાં સંધીઓ કારજને પ્રસંગે ભેગા થયા છે. ગામગામના સંધીઓ લમણે હાથ રાખીને એકબીજાની કરમાયલી સૂરત સામે જોઈ રહ્યા છે. દાયરામાં હૈયેહૈયું દળાય છે. એમાં સહુનું ધ્યાન એક બાઈ ઉપર ગયું. એક જુવાન સંધિયાણી પોતાનું ઓઢણું ખભે નાખીને ઉઘાડાં અંગે ચાલી આવે છે.
“આ કોણ છે પગલી?” કોઈએ પૂછ્યું.
“ઓ અલ્લા! આ તો હાસમની ઓરત.”
“એના ધણીના અફસોસમાં શું ચિત્તભ્રમ તો નથી ઊપડ્યો ને?”
મોટેરા બધા મોં ફેરવીને બેસી ગયા. બાઈના ભાઈઓએ દોડીને બાઈને ટપારી, “એ વંઠેલ! તારો દી કેમ ફર્યો છે? આ દાયરો બેઠો છે, ને તું ખુલ્લે મોંએ હાલી આવછ? તારો જુવાન ધણી હજી કાલ મરી ગયો તેની મરજાદ ચૂકી? માથે ઓઢી લે, કમજાત!”
“માથે ઓઢું? મોઢું ઢાંકું?” દાંત ભીંસીને બાઈ બોલી. એના ચહેરા ઉપર લાલ સુરખી છવાઈ ગઈ. આંખોમાંથી ધુમાડા નીકળી ગયા. એણે ડોળા ફાડ્યા. “આમાં હું કોની લાજ કરું?”
“કાં?”
“હું ભીમા જત વિના બીજો કોઈ મરદ જ ભાળતી નથી. ખરો મરદ! મારા ધણીને ઠાર મારી, ગામને ઝાંપે સહુ સંધી બચ્ચા ભાળે એમ એની લાશને ખીલા માથે બેસારી. શાબાશ, ભીમા જત! સંધીઓની તેં દાઢિયું બોડાવી, મલકમાં કોઈ મરદ ન રહેવા દીધો!”
એટલું બોલી ખભે ઓઢણું ઢળકતું મેલી, ઉઘાડે માથે પોતાનો ચોટલો પીંખતી અને ખડખડ દાંત કાઢતી સંધિયાણી ચાલી ગઈ. ઘરમાં જઈને પછી બાઈએ છાતીફાટ વિલાપ આદર્યો. બાઈના કલ્પાંતે તમામનાં કલેજાંમાં કાણાં પાડી દીધા.
ત્રણસો સંધીઓ કારજનું બટકું પણ ચાખ્યા વગર ચાલી નીકળ્યા અને ગોંડળના ગઢની દેવડીએ જઈ ઊભા રહ્યા. ભા કુંભાજીની પાસે સોગંદ લીધા કે “ભીમાને માર્યા વગર અમારે અમારાં ઘરનાં પાણી ન ખપે”, કુંભાજીએ એકસો મકરાણી તેઓની મદદમાં દીધા અને ચારસોની ગિસ્ત બબિયારાના ડુંગર ઉપર ચડવા લાગી.
<center>''''''</center>
પ્રભાતનો પહોર હતો. બબિયારાનો જે એક ભાગ ભેરવા ડુંગરને નામે ઓળખાય છે તેના ઉપર ભીમો બેઠોબેઠો તસબી કરતો હતો અને પડખે ડાડુકા ગામનો સૈયદ અબામિયાં બેઠો હતો. પડખે બીજા ત્રણ-ચાર રક્ષકો હતા. છેટે પા ગાઉ ઉપર એક ધારડી હતી, તેની ખોપમાં બીજા પચાસ માણસો તમામ હથિયાર અને દારૂગોળાની ચોકી કરતા બેઠા હતા. ભીમાની અને અબામિયાંની પાસે ફક્ત બબ્બે તરવારો જ હતી. કોઈને દુશ્મનોનો ખ્યાલ પણ નથી.
ત્યાં તો જેમ ઝાડવાં ને પથ્થરો સજીવન થાય તેમ ચારસો માનવી પ્રગટ થઈને ડુંગર ઉપર ચડી ગયા. ભીમો ઊભો થઈને પાછો હટવા જાય છે, ત્યાં એણે સામી ફોજમાંથી ગીગલા નામના મીરના પડકાર સાંભળ્યા : “હાં ભીમા! આજ પાછો પગ ભીમાનો ન હોય. પાછે પગલે થાતાં તો મૉત બગડે હો, ભીમા!”
{{Poem2Close}}
<poem>
::ભીમો ભાગી જાય,
::::: [જો] કરનર કી ઢોરી કરી,
::[તો તો] ધરતી ધાન ન થાય,
::::: કરણ્યું ઊગે કીં.
</poem>
{{Poem2Open}}
'''[જો ભીમો હાથ જોડીને ભાગી જાય તો તો પૃથ્વી પર ધાન ન નીપજે; અને સૂર્યનાં કિરણો કેમ ઊગે?]'''
સાંભળીને ભીમો થંભ્યો. અબામિયાંએ હાકલ કરી : “અરે ભીમા! ગાંડો મ થા. પાંચસે કદમ પર આપણું દારૂખાનું પડ્યું છે. હાલ્ય, હમણાં ત્યાં પહોંચીએ એટલી વાર છે. એકોએકને ફૂંકી નાખીએ.”
“બસ, મિયાંસાહેબ!” ભીમાએ શાંત અવાજે ઉત્તર દીધો : “મારા પગમાં સોનાની બેડી પડી ગઈ. હવે તો એક ડગલું પણ નહિ હટાય. જીવતર તો ખૂબ બગાડ્યું છે, પણ હવે આખરની ઘડી શીદ બગાડું?”
ફોજની મોખરે ભીમાએ સંધી બાવા ઝુણેજાને દીઠો અને ત્રાડ દીધી : “બાવા ઝુણેજા! અમે પાંચ જ જણ છીએ ને તમે ચારસો છો. હું કાંઈ તમને પહોંચવાનો નથી. ખુશીથી મને મારી નાખજો. પણ મરતાં મરતાંયે જો મરદના ઘા જોવા હોય તો આવી જાઓ તરવારની રમત રમવા.”
“ભલે, ભીમા!” કહીને બાવા ઝુણેજાએ તરવારનું ધીંગાણું કરવાનો હુકમ દીધો. ભીમો અને અબામિયાં બંને મંડાયા. ભીમા પાસે બે તરવારો હતી. હડી કાઢીને ભીમાએ શત્રુઓની ભેટમાં પગ દઈદઈને વાંસાના ચોકના ઘા કરવા માંડ્યા. એમ બોંતેર જણાને સુવાડ્યા, પણ પોતાને છોઈવઢ પણ ઘા થયો નહિ. બાવો ઝુણેજો ઊભો ઊભો પડકાર કરે છે, પણ જ્યારે ભીમાને હાથે એણે પોતાના માણસોનું ખળું થતું જોયું, ત્યાર પછી એણે ઇશારો કર્યો અને તરત જ મકરાણીઓની બંદૂકો ધાણી ફૂટતી હોય એમ ધડાધડ એકસામટી વછૂટી. ભીમો વીંધાઈને નવરાતના ગરબા જેવો થઈ ગયો.
પડતાં પડતાં ભીમે કહ્યું : “રંગ છે! છેવટે દગો!”
ભીમો પડ્યો, પણ ચત્તોપાટ પડ્યો. એની મૂછોની શેડ્યો ઊભી થઈને આંખોમાં ખૂંતી ગઈ.
{{Poem2Close}}
<poem>
::આભેથી અપસર ઊતરી,
::::: નર વરવાનું નીમ,
::અબોમિયાં અણવર થિયો,
::::: ભાલે પોંખાણો ભીમ.
</poem>
{{Poem2Open}}
બાર-બાર વરસના બહારવટાનો બબિયારાના ડુંગર માથે આવી રીતે અંત આવ્યો. ભીમાનું માથું કાપી લઈને ગિસ્ત ગોંડળ ચાલી. ધ્રાફા ગામને પાદર ગિસ્ત નીકળી છે. મોખરે ચાલનારા અસવારના ભાલાની અણીએ ભીમાનું માથું પરોવાયેલું છે. એ દેખાવ નજરે પડતાં જ ધ્રાફાનો રાજપૂત દાયરો ખળભળી ઊઠ્યો. પાંચસો રાજપૂતો તરવાર ખેંચી આડા ફર્યા.
“કેમ, ભાઈ?” ગિસ્તના સરદારે પૂછ્યું.
“જમાદાર, જરાક શરમ રાખો. મૂએલાની લાશને આમ બેહાલ નહિ કરાય. ભીમાનું માથું ધ્રાફાને પાદરથી તમે લઈ જઈ શકો નહિ. અને લઈ જાવું હોય તો ભેળાં અમારાં માથાં પણ સંગાથ કરશે.”
માથું ત્યાં જ મૂકવું પડ્યું અને ગિસ્ત ખાલી હાથે ચાલતી થઈ.
બબિયારાની નજીક સખપરની ડુંગરીમાં ગેબનશા પીરની જગ્યાએ જાળનાં ઝાડવાંની છાંયડીમાં ભીમાના સાથીઓ બેઠાબેઠા કસુંબા ઘૂંટે છે, ત્યાં અસવાર વિનાની બે ઘોડીઓ કારમી હાવળો દેતી, ડુંગરાના ગાળાને ગજવતી, જઈને ઊભી રહી. માથે પૂંછડાના ઝુંડા ઉપાડી લીધા છે. જાણે પોતાના ધણી વગર એના પગ નીચે લા બળતી હોય, તેવી રીતે ઘોડીઓ ડાબા પછાડી રહી છે.
“આ ઘોડિયું તો ભીમાની અને અબામિયાંની,” અભરામ મલેક બોલી ઊઠ્યો : “નક્કી એ બેયને કાંઈક આફત પડી.”
દોડીને અભરામની વાર બબિયારે ચડી. જઈને જુએ ત્યાં બંને લાશો પડેલી હતી. હજી અબામિયાંનો જીવ ગયો નહોતો. અભરામે એના મોંમાં પાણી મૂકીને કહ્યું : “તારા જીવને ગત કરજે. તારા અને ભીમાના મારનારને અમે મારશું.”
તમામ લાશોને દફનાવી અભરામે પણ બહારવટું ખેડ્યું અને બાવા ઝુણેજાને માર્યો.
ભીમાની કબર, બબિયારાના ભાગ ભેરવા ડુંગરની આથમણી ભીંતે, સાલરડાના ઝાડ નીચે આજ પણ મોજૂદ છે. લગભગ સને 1850ની આસપાસ ભીમો થઈ ગયો કહેવાય છે.
ભીમો કોઈનાં નાક-કાન નહોતો કાપતો. બાન નહોતો પકડતો. ગામ નહોતો બાળતો.
'''[આ કથાના પ્રસંગો કહેનાર ભાઈ રાણા આલા મલેક, ભીમાની દીકરીના જ દીકરા થાય છે. એમનું વર્ણવેલું વૃત્તાંત વિશ્વાસપાત્ર હોય એવું એ ભાઈની ખાનદાની પરથી સ્પષ્ટ જણાય છે.]'''
{{Poem2Close}}
----------------------------------------------------------
<br>
{{HeaderNav2
|previous = 3. બાવા વાળો
|next = 5. વાલો નામોરી
}}
<br>
26,604

edits