સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અનંતરાય મ. રાવળ/અંતરદીપનું દર્શન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પાત્રો, બનાવો, ભાષા, આલેખન અને જીવનસ્પર્શ એ સર્વમાં સોએ સો...")
 
(No difference)

Latest revision as of 12:53, 24 May 2021

          પાત્રો, બનાવો, ભાષા, આલેખન અને જીવનસ્પર્શ એ સર્વમાં સોએ સો ટકા જીવંતતાવાળી ‘માણસાઈના દીવા’માંની સોળેય વાર્તાઓ મૂંગા લોકસેવક રવિશંકર મહારાજને મોંયેથી મેઘાણીએ સાંભળેલી એમની અનુભવકથાઓ છે. પાત્રાલેખન, સંવાદો ને સમગ્ર કહેણી મહારાજની જ રાખી પોતાની શિલ્પકલાને વચ્ચે ન લાવવાની મેઘાણીએ કાળજી રાખી છે. મહારાજની કથનશૈલીની કાગળ પરની રજૂઆત અને સંકલના મેઘાણી સિવાય બીજાને હાથે આટલી સફળ થાત નહિ. ખરી શક્તિ તો એમણે બતાવી છે મહીકાંઠાના નીચલા લોકથરની ગ્રામયુવતીના જેવી ધીંગી ને હલેતી, જાડી છતાં મીઠી બોલીને તેના વાક્યવળોટ, ઉચ્ચારણ અને લહેકા સાથે રવિશંકર મહારાજની વાતમાંથી આબાદ પકડવામાં ને કથાઓમાં ઉતારવામાં. એ વાણીનાં બોલનારાં મહીનાં છોરુ ધારાળા, બારૈયા ને પાટણવાડિયા આ વાર્તાઓનાં મુખ્ય પાત્રો છે. રાજસત્તાએ ગુનેગાર કોમ તરીકે આંકેલાં એ ભોળાં, બરછટ માનવીઓનાં અણઘડ ખમીર ને ખાનદાની, નબળાઈઓ અને નાદાની, વીરતા ને કોમળતા એ સર્વનું તેમ જ એમના અંતરમાં ટમટમતા માણસાઈના દીવાનું આ કથાઓ દર્શન કરાવે છે. આ કથાઓનાં પાત્રો વચ્ચે, પોતાના વિશુદ્ધ-જ્યોત દીવાથી એમના અંતરદીપ પેટાવતા ઘૂમતા મહારાજનું ચિત્ર લોકસેવકોને ઘણું શીખવશે. મૂઠી ખીચડી વિના જેને ન કોઈ બીજી જરૂરત, ચોરીડાકુગીરી કરનાર પ્રત્યે જેને ન મળે કશો રોષ કે તિરસ્કાર, ‘બાળક જેવાં’ એ જ જેનું એમનાં સ્વભાવ-વર્તન પરનું વત્સલ ભાષ્ય, એવા આ સાત્ત્વિક બ્રાહ્મણે પાટણવાડિયાઓને ‘સ્વજન’ માની કેટલાયને ફાંસીને માચડેથી તથા લાંબી કેદની સજામાંથી છોડાવવા મથી, અનેકોના તનના અને મનના રોગની પ્રેમાળ સારવાર કરી, કેટલાયનું હૃદયપરિવર્તન સાધી સાચા માનવધર્મનો જીવતો આદર્શ પૂરો પાડયો છે. [‘પિસ્તાળીસનું ગ્રંથસ્થ વાઙ્મય’ પુસ્તક]