કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૧૯. સૂનાં સૂનાં સ્નેહધામ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. સૂનાં સૂનાં સ્નેહધામ|<br>(ઢાળ : આવેલ આશાભર્યાં રે)}} <poem> સૂન...") |
(No difference)
|
Revision as of 09:47, 13 June 2022
(ઢાળ : આવેલ આશાભર્યાં રે)
સૂનાં મન્દિર, સૂનાં માળિયાં,
ને મ્હારા સૂના હૈયાના મહેલ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે :
આઘી આશાઓ મ્હારા ઉરની,
ને કાંઈ આઘા આઘા અલબેલ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે. ૧.
સૂના સૂના તે મ્હારા ઓરડા,
ને એક સૂની અન્ધારી રાત રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે.
પાનાં પ્રારબ્ધનાં ફેરવું,
મહીં આવે વિયોગની વાત રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે. ૨
સૂની વસન્ત, સૂની વાડીઓ,
મ્હારાં સૂનાં સ્હવાર ને બપ્પોર રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે :
સહિયરને સંઘ હું બ્હાવરી,
મ્હારો ક્ય્હાં છે કળાયેલ મોર રે ?
સ્નેહધામ સૂનાં સૂનાં રે. ૩
સૂનું સૂનું આભઆંગણું,
ને વળી સૂની સંસારિયાની વાટ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે :
માથે લીધાં જલબેડલાં,
હું તો ભૂલી પડી રસઘાટ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે. ૪
સૂની સૂની મ્હારી આંખડી,
ને પેલો સૂનો આત્માનો આભ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે :
પ્રીતમ ! પ્રીત કેમ વીસર્યા ?
એવો દીઠો અપ્રીતમાં શો લાભ રે ?
સ્નેહધામ સૂનાં સૂનાં રે. ૫
સૂનાં સૂનાં ફૂલે ફૂલડાં,
મ્હારાં સૂનાં સિંહાસન, કાન્ત રે !
સ્નેહધામ સૂનાં સૂનાં રે;
આંબાની ડાળી મ્હોરે નમી,
મહીં કોયલ કરે કલ્પાંત રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે. ૬
સૂનો સૂનો મ્હારો માંડવો,
ને ચારુ સૂના આ ચન્દનીના ચોક રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે.
રસિયાને રંગમહેલ એકલી,
મ્હારે નિર્જન ચૌદે ય લોક રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે. ૭
સૂનો હિન્ડોલો મ્હારા સ્નેહનો,
ને કાંઈ સૂનો આ દેહનો હિન્ડોલ રે,
સ્નેહધામ સૂનાં સૂનાં રે :
વ્હાલાની વાગે દૂર વાંસળી,
નાથ ! આવો, બોલો એક બોલ રે :
સ્નેહધામ સૂનાં સૂનાં રે. ૮
(કવિ ન્હાનાલાલ ગ્રંથાવલિ : ૧, ખંડ-૧, પૃ. ૩૨૧-૩૨૨)