કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૦. ચારુવાટિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૦. ચારુવાટિકા|}} <poem> રત્નાકર રત્નઝૂલે, ઝીલી જલદલમાં, હિન્દ...")
(No difference)

Revision as of 10:21, 13 June 2022

૩૦. ચારુવાટિકા


રત્નાકર રત્નઝૂલે, ઝીલી જલદલમાં, હિન્દ દેવી ઝુલાવે,
વાળી મુઠ્ઠી ત્રિરત્ને જડી, કટિ ધરી શું, સ્હોય સૌરાષ્ટ્ર એવો;
લીલી નાઘેર છે ત્ય્હાં સુભગ ઢળકતી સાડીની કોર શી, ને
એ કોરે બુટ્ટીના કો લીલમ સરીખડું લીલું છે ચોરવાડ.

ત્ય્હાં દૃષ્ટિપ્રાંત ઘેરે વનવન ગીરનાં કેસરીથી ભરેલાં,
આઘે ગિરનાર બેઠો કંઈ યુગયુગના યોગી શો પૃથ્વીવૃદ્ધ;
ત્ય્હાં તો અમ્ભોધિ ઊછળે ભીષણ ગરજતો કાળનાં ઘોર ગીતો,
ને માથે મેઘ ડોલે : અતલ ગગનમાં ઊડતો પાંખ ખોલી.

દીવાદાંડી સરીખા જગઉદધિતટે દક્ષિણે સોમનાથ,
સહજાનન્દે પધારી પમરતું કીધ તે ઉત્તરે લોજ લીલું,
ગોરંભો ઘાલી ફેલ્યાં ગીરવન ગરવાં પૂર્વમાં પાણી ભરિયાં,
ઘેરું ઘેરું જ ગાતો, રતન ઊછળતો, પશ્ચિમે લક્ષ્મીતાત.

દેવોને અસ્થિ આપી દધીચિ ઋષિ ત્ય્હાં વિરમ્યા વિષ્ણુવેલે,
પોષેલી સોમદેવે વનની વિભૂતિ ત્ય્હાં ધામ ધન્વન્તરિનાં,
ચૉરી ત્ય્હાં રુક્મિણીની હજી ધ્રુવદિશના પાઠવે લગ્નધૂપ :
દક્ષિણ વાયુ વહે છે હજી ય ગરજતા ઘોર ત્ય્હાં યાદવીના.

ઊંચાં જાણે ચ્હડીને ગઢની ઉપરથી યાત્રી આમંત્રતા, ને
ઊજળાં જાણે જનોનાં હૃદયધન તણી પુણ્યજ્યોતે રસેલાં,
માથે ધરી અંજલિ શી અમૃત ગગનનાં ઝીલતી જ્ય્હાં અગાસી,
એવાં નભને અટારી ઉદધિ નીરખતાં ધામ આતિથ્યશોભ્યાં.

રૂપેરી ઝૂલ ધારી ઝૂલત કરિણી શી આમ્રની માળ મ્હોરે.
ડોલન્તી વસ્ત્ર ઊંચા કનકપગ ખૂલી નર્તકી જેવી કેળો,
પોપૈયાં ચોળીઢળતાં સ્તન સમ,
દૃગની કીકીશાં શ્યામ જાંબુ :
ટોળે જાણે મળી શું સહિયર રમવા, વાડીની એવી કુંજો.

બ્રહ્માએ સ્તંભ રોપ્યા અજબ લીલમના ચૉરી થંભો સમા, ત્ય્હાં
લીલા કિનખાબ કેરી હરિત લલિત કંઈ સાડીઓ પ્હેરી-ઓઢી,
ડોલે છેડા સુનેરી, કૂંપળ ફરકતી અંગઅંગે રસીલી,
ઉત્કંઠી ઉન્મુખી ત્ય્હાં મનહર મધુરી તન્વી શી પાનવેલો.

ઘાઘરના ઘેર જેવી ઊજળી ઊછળતી ફીણની ઝાલરો, ને
હૈયે પાલવ પડેલી કરચલી સરીખી ડોલતી ઊર્મિમાલા,
છુટ્ટી મેલી શું લાંબી મણિમય અલકો કાલિકા ઘોર નાચે,
માયાની મૂર્તિ શી, ત્ય્હાં જલનટડી રમે વ્યોમની છાંયડીમાં.

મદઘેલી મેગળે ત્ય્હાં અધીરી ધીરી પડી, પ્હોઢી સ્વામીની સ્હોડે.
વ્હાલાની વાટ જોતી વિરહિણી સખી શી દ્હેરીઓ દૂર ઊભી;
બ્હાદુરો જ્ય્હાંથી જાતા જલવન ઘૂમવા, વ્યાઘ્ર શા, તેહ ઝુંડે
આજે કુટુંબમેળા ભરી ભવવનના માર્ગ શોધે વિબુધો.

લજ્જાનમતી છટાથી ચપળ નજર ને વીજળી શી ઊડંતી,
ઊંચી બ્હાંયે છબીલા મણિમય કરની દાખતી તેજવેલો,
ભીને વાને, ભરેલે અવયવ, ઊજળી વાદળી શી રસાર્દ્ર,
સિંધુની લક્ષ્મી જેવી દ્યુતિભર, વિલસે ત્ય્હાંની અલબેલડીઓ.

ચારે ધામે પધારી, વિવિધ સુરભિઓ સંગ્રહી, પુણ્ય આણી,
વતને સત્કર્મ વાવી; ઘરઘર ઊગતો ફાલ સત્કર્મ કેરા,
સંસારે સ્વર્ગ રચતો, અજબ ઊછળતો પ્રાંતની પ્રેરણા શો,
નામે – ગુણે નિધિના અમૃત સરીખડો દૈવી પઢિયાર છે ત્ય્હાં.

સંકોરી ઇન્દ્રિયો સૌ, શરદનું સર શો, ગુણગભીરો ખુશાલ,
પંથે ભૂલ્યા પ્રવાસી સમ ભવ ભમતો, સિંહ શો, પૂર્વદેશી
વેદાન્તી, કર્મયોગી, કંઈક ભજનિકો, ભૂમિનો પુત્ર દેવો,
એવા અડબંગ ઊડે જગજલ ઘૂમતાં ત્ય્હાં, મહામચ્છ જેવા.

વેર્યાં જ્ય્હાં ઠામઠામે કનક નગરીનાં વૃદ્ધ ખંડેર ફરતાં,
વૃક્ષે વેલે ફૂલે જ્ય્હાં પ્રકૃતિ ઉર પરે કોકિલા મોર ઝૂલે,
મ્હોરે જ્ય્હાં ધામ ધામે જનની સુજનતા, સુંદરીના સુહાગો :
ઇતિહાસે બીજ વાવ્યાં, કુદરત-ઊછર્યાં, ફાલ લોકે લણ્યા તે.

પુણ્યો પુણ્યાળુનાં શી પૃથ્વી ભરી ભરી ખીલતી જ્ય્હાં વનશ્રી;
રસિકોનાં ઉર જેવી, સલિલ ઊભરતી, રસભરી જ્ય્હાં રસાળા,
રસની ને પુણ્યની જ્ય્હાં ભૂમિ ગણી ઊતરી આવી તે, ચારુ વાડી !
ખોળે લેજે પ્રીતે આ રસ અમરની મ્હેં ધૂળરોળી શી ગંગા.

ઝીલીને ભાનુનાં ભર્ગ આપે ચંદ્રે ય ચંદ્રિકા;
ચંદ્ર કય્હાં ? અલ્પ હું ક્ય્હાં ? ને ભાનુશા કાલિદાસ ક્ય્હાં ?
(ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો, પૃ. ૨૫-૨૭)