કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૪. હરિનાં દર્શન: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪. હરિનાં દર્શન|}} <poem> મ્હારાં નયણાંની આળસ રે, ન નીરખ્યા હરિ...") |
(No difference)
|
Revision as of 10:38, 13 June 2022
મ્હારાં નયણાંની આળસ રે,
ન નીરખ્યા હરિને જરી :
એક મટકું ન માંડ્યું રે, ન ઠરિયાં ઝાંખી કરી.
શોકમોહના અગ્નિ રે તપે, ત્હેમાં તપ્ત થયાં :
નથી દેવનાં દર્શન રે કીધાં, ત્હેમાં રક્ત રહ્યાં.
પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા :
નથી અણુ પણ ખાલી રે, ચરાચરમાં ઊભર્યા.
નાથ ગગનના જેવા રે, સદા મ્હને છાઈ રહે :
નાથ વાયુની પેઠે રે સદા મુજ ઉરમાં વહે.
જરા ઊઘડે આંખડલી રે, તો સન્મુખ તેહ તદા :
બ્રહ્મ બ્રહ્માંડ અળગાં રે ઘડી યે ન થાય કદા.
પણ પૃથ્વીનાં પડળો રે, શી ગમ ત્હેને ચેતનની ?
જીવે સો વર્ષ ઘુવડ રે, ન ગમ ત્હો યે કંઈ દિનની.
સ્વામી સાગર સરીખા રે, નજરમાં ન માય કદી :
જીભ થાકીને વિરમે રે ‘વિરાટ’ ‘વિરાટ’ વદી.
પેલાં દિવ્ય લોચનિયાં રે પ્રભુ ! ક્ય્હારે ઊઘડશે ?
આવાં ઘોર અંધારાં રે પ્રભુ ! ક્ય્હારે ઊતરશે ?
નાથ ! એટલી અરજી રે, ઉપાડો જડપડદા :
નેનાં ! નીરખો ઊંડેરું રે, હરિવર દરસે સદા.
આંખ ! આળસ છાંડો રે, ઠરો એક ઝાંખી કરી :
એક મટકું તો માંડો રે, હૃદય ભરી નીરખો હરિ.
(પ્રેમભક્તિ ભજનાવલિ, પૃ. ૧૨-૧૩)