કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૯.અસંખ્ય રાત્રિઓને અંતે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯.અસંખ્ય રાત્રિઓને અંતે|}} <poem> શિયાળની લાળીમાં સરકે સીમ, રા...")
(No difference)

Revision as of 07:07, 15 June 2022


૯.અસંખ્ય રાત્રિઓને અંતે

શિયાળની લાળીમાં સરકે સીમ,
રાત્રિઓ પીપળની ડાળી પર થથરે;
લબડે શુષ્ક ચંદ્રનું પાંદ.
અરે, મારે ક્યાં જોવું તારું ઘાસલ પગલું
ફરફરતું... ?
વંટોળ થઈને ચરણ ચડ્યા ચકરાવે,
પથના લીરા ચકવકર કંઈ ચડતા એની સાથે.
ક્યાં છે ભમ્મરિયાળા કેશ તમારા ?
દોડું-શોધું...
ઘાસ તણી નસમાં સૂતેલો સૂર્ય
ક્યાંક ક્યાં હડફેટાયો,
બળદ તણી તસતસતી મેઘલ ખાંખ સરીખો
પ્હાડ દબાયો,
વીંછણના અંકોડા જેવાં બિલ્ડિંગોથી
હરચક ભરચક શ્હેર દબાયાં,
જૂવા જેવું ગામ નદીને તટ ચોંટેલું, એ ચગદાયું.
હગડગ હગડગ ગર્ભ વિશ્વનો કંપે.
મારી આંગળીઓમાં સ્વાદ હજી સિસોટા મારે !
ક્યાં છે સ્પર્શ-ફણાળો
હજી સ્તનોના ચરુ સાચવી બેઠેલો
કેવડિયો ક્યાં છે ?
લાખ કરોડો વર્ષોથી
ચ્હેરો પથ્થરના ઘૂંઘટની પાછળ છૂપવી બેઠાં
માનવતી, ઓ ક્યાં છે ?
ક્યાં છો ?
નવા ચંદ્રની કૂંપળ જેવી નજર કરો.
(અંગત, પૃ. ૯)