ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇલા આરબ મહેતા/પરીકથા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Poem2Open}} ચોતરફ ફેલાયેલાં હતાં ગગનચુંબી મકાનો. ક્યાંક તો આ વિશાળ ઇમારત...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''પરીકથા'''}} | |||
---- | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચોતરફ ફેલાયેલાં હતાં ગગનચુંબી મકાનો. ક્યાંક તો આ વિશાળ ઇમારતો એકબીજા સાથે જોડાઈ માઈલો લગી વિસ્તરી હતી. તેમની છતો પર હેલિપેડો હતાં. જોકે એ સાથે એવી પણ સગવડ હતી કે મોટા ભાગના રહેવાસીઓને કામ માટે બહાર જવું પડતું ન હતું. તેઓની વિશાળ હાઈટેક આવાસ યોજનામાં જ તેઓ કામ કરતા હતા. ખરીદી, પૈસાની લેવડદેવડ, ડૉક્ટરી તપાસ, બૅન્કિંગ તો બધું કમ્પ્યૂટર અને વીડિયો કૉન્ફરન્સ દ્વારા પતતું હતું. રસ્તા પર ટ્રાફિકની ભીડની સમસ્યા નિવારવા સરકાર અંગત હેલિકૉપ્ટરો તથા નાની વિમાનિકાઓ વાપરવા લોકોને પ્રોત્સાહન આપતી હતી. જોકે તે માટે આકાશમાર્ગે થતા અકસ્માતો નિવારવા ઠેર ઠેર સ્કાય સ્ટેશનો તથા કન્ટ્રોલ રૂમ્સ બનાવવા સરકારને ખર્ચાળ આયોજન કરવું પડ્યું હતું. | ચોતરફ ફેલાયેલાં હતાં ગગનચુંબી મકાનો. ક્યાંક તો આ વિશાળ ઇમારતો એકબીજા સાથે જોડાઈ માઈલો લગી વિસ્તરી હતી. તેમની છતો પર હેલિપેડો હતાં. જોકે એ સાથે એવી પણ સગવડ હતી કે મોટા ભાગના રહેવાસીઓને કામ માટે બહાર જવું પડતું ન હતું. તેઓની વિશાળ હાઈટેક આવાસ યોજનામાં જ તેઓ કામ કરતા હતા. ખરીદી, પૈસાની લેવડદેવડ, ડૉક્ટરી તપાસ, બૅન્કિંગ તો બધું કમ્પ્યૂટર અને વીડિયો કૉન્ફરન્સ દ્વારા પતતું હતું. રસ્તા પર ટ્રાફિકની ભીડની સમસ્યા નિવારવા સરકાર અંગત હેલિકૉપ્ટરો તથા નાની વિમાનિકાઓ વાપરવા લોકોને પ્રોત્સાહન આપતી હતી. જોકે તે માટે આકાશમાર્ગે થતા અકસ્માતો નિવારવા ઠેર ઠેર સ્કાય સ્ટેશનો તથા કન્ટ્રોલ રૂમ્સ બનાવવા સરકારને ખર્ચાળ આયોજન કરવું પડ્યું હતું. |
Revision as of 08:54, 21 June 2021
પરીકથા
ચોતરફ ફેલાયેલાં હતાં ગગનચુંબી મકાનો. ક્યાંક તો આ વિશાળ ઇમારતો એકબીજા સાથે જોડાઈ માઈલો લગી વિસ્તરી હતી. તેમની છતો પર હેલિપેડો હતાં. જોકે એ સાથે એવી પણ સગવડ હતી કે મોટા ભાગના રહેવાસીઓને કામ માટે બહાર જવું પડતું ન હતું. તેઓની વિશાળ હાઈટેક આવાસ યોજનામાં જ તેઓ કામ કરતા હતા. ખરીદી, પૈસાની લેવડદેવડ, ડૉક્ટરી તપાસ, બૅન્કિંગ તો બધું કમ્પ્યૂટર અને વીડિયો કૉન્ફરન્સ દ્વારા પતતું હતું. રસ્તા પર ટ્રાફિકની ભીડની સમસ્યા નિવારવા સરકાર અંગત હેલિકૉપ્ટરો તથા નાની વિમાનિકાઓ વાપરવા લોકોને પ્રોત્સાહન આપતી હતી. જોકે તે માટે આકાશમાર્ગે થતા અકસ્માતો નિવારવા ઠેર ઠેર સ્કાય સ્ટેશનો તથા કન્ટ્રોલ રૂમ્સ બનાવવા સરકારને ખર્ચાળ આયોજન કરવું પડ્યું હતું.
બાળકો જે આવાસ સંકુલમાં જન્મતાં ત્યાંની જ શાળામાં ભણતાં. જોકે ઘણાં માતાપિતાઓ પોતાનાં બાળકોને પૃથ્વી વિશે ફક્ત કમ્પ્યૂટર દ્વારા એટલે કે, વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા માહિતી આપવાને બદલે તેમને પૃથ્વીનો પ્રત્યક્ષ પરિચય કરાવવા નીચે મોકલતાં હતાં અથવા શાળા તરફથી પર્યટન ગોઠવાતું. વૃક્ષ, ફૂલો, માટી વિશે તેમને વરિષ્ઠ નાગરિકો વાતો કહેતા, બતાવતા. જે વરિષ્ઠ નાગરિકોની ઉંમર દોઢસોની ઉપર હતી તેમણે તો લીલાં ખેતરો, ગાઢ જંગલો જોયાં પણ હતાં. બાળકો તેમને મળવા આવતાં.
આવા અગણ્ય આવાસ સંકુલ ધરાવતા રાજ્યમાં છેલ્લા બે દિવસથી એક તનાવ હતો. પોતપોતાના વ્યવસાયમાં પ્રવૃત્ત હોવા છતાં તેઓ બધા સતર્ક અને સાવધ બની ગયા હતા.
આમ તો યુદ્ધ માટેનાં સર્વ સાધનો તેમની પાસે મોજૂદ હતાં. અતિઆધુનિક શસ્ત્રો મોટે ભાગે રિમોટ કન્ટ્રોલથી વપરાતાં હતાં. મિસાઇલો, બૉમ્બ ફેંકનારાં વિમાનો, રોગના વિષાણુ ફેલાવનારાં — બાયૉલૉજિકલ — દુનિયાના વિનાશ માટેનાં શસ્ત્રો તેમણે ખડક્યાં હતાં. આ વખતે તો શસ્ત્રો સાથે તેમણે માનવસર્જિત રક્ષણ પણ રાખ્યું હતું.
બે દિવસ પહેલાં પડોશી રાજ્યની હિલચાલ પર ચોકી કરી રહેલા જાસૂસી સૅટેલાઇટ દ્વારા ખબર મળી હતી કે સરહદની પાર થોડા માણસો એકઠા થઈ રહ્યા છે. શા માટે આટલા માણસો ભેગા થતા હશે? યુદ્ધમાં તો તેની જરૂર નથી. રાજ્યતંત્ર એકદમ સાવધ બની ગયું. કોઈ રાષ્ટ્ર સરહદની પેલે પાર થતી હિલચાલ જાણ્યા પછી જરાય ગાફેલ રહી ન શકે. રૉબોટ અને માનવસૈન્યના સૈનિકો સાબદા થયા. રાષ્ટ્રીય અમૂલ્ય સંપત્તિની સુરક્ષા માટે સહુ સાવધ બન્યા. કમ્પ્યૂટર સ્ક્રીન, ઘડિયાળનાં ડાયલો, મોબાઇલ ફોનની સ્ક્રીન બધાં પર સ્પાય સૅટેલાઇટનાં ચિત્રો ઝબકતાં હતાં.
રાષ્ટ્રીય સંપત્તિ પાસે એક અતિસંવેદનશીલ કમ્પ્યૂટર સર્વ માહિતીઓ એકત્ર કરી તેના આંકડાઓ ઝબકાવ્યા કરતું હતું. પરંતુ ફક્ત રૉબોટ પર વિશ્વાસ ન રાખતાં ત્યાં રાજ્યના અનુભવી વરિષ્ઠ નાગરિકો વારાફરતી ફરજ બજાવતા હતા.
બપોર પછી કરણનાથ ફરજ પર હાજર થયા. સ્ક્રીન પરના આંકડાઓ જોયા. સૈનિકોની પોસ્ટિંગ જોઈ. હજુ સુધી કશુંય બનતું ન હતું. હા, સરહદપારના રાષ્ટ્રમાં એકત્રિત થતો સમુદાય થોડો વધ્યો હતો.
ત્યાં આકાશ આવ્યો. કરણનાથની સાથે તેની પણ સંપત્તિરક્ષક તરીકેની ખાસ નિમણૂક હતી.
‘શું લાગે છે, કરણ? શા માટે આટલો બધો માનવસમૂહ ત્યાં મળ્યો હશે?’
‘સૅટેલાઇટ પરથી હજુ વધારે તસવીરો આવી રહી છે. કદાચ કોઈ ધાર્મિક આયોજન પણ હોઈ શકે.’ કરણે જવાબ આપ્યો. તસવીરોમાં કોઈ રૉબોટ જણાતા ન હતા. આકાશ હસી પડ્યો. ધર્મના નામે, ઈશ્વરના નામે જેમ અહીંના બધા યુવાનો હસી પડતા હતા તેમ જ.
તે યુવાન હતો ચાળીસ જ વર્ષનો. કરણ તેના તરફ ઊંડા સ્નેહભાવથી જોઈ રહ્યો. તે કેટલો નાનો હતો! કેટલો કોમળ તેનો ચહેરો હતો! દુનિયાનો અનુભવ પણ તેનો સાવ થોડો!
કરણનાથની સાથે તેને ફરજ પર મૂકવામાં આવ્યો, ત્યારથી તે બંને વચ્ચે એક વિશિષ્ટ સંબંધ બંધાયેલો છે.
દોઢસો વર્ષની ઉંમરની અને ચાળીસ વર્ષની ઉંમરની બે વ્યક્તિઓ વચ્ચેના સંબંધને એક જ નામ આપી શકાય : સંબંધ. કોઈ પણ એક બંધન. આકાશે તેના જન્મ પહેલાં થયેલાં ઘોર વિનાશક ત્રીજા વિશ્વયુદ્ધની વાત સાંભળી હતી. તેથી અત્યારે તે થોડો ભયભીત લાગતો હતો. પણ કરણે જ્યારે ધાર્મિક મેળાવડાની વાત કરી, ત્યારે હસી પડ્યો. રિલૅક્સ થયો. કરણે આશ્વાસક અવાજે કહ્યું,
‘માણસો ઘણાં કારણસર એકઠા થઈ શકે. તેઓ હુમલો કરવા, આપણી સંપત્તિને લૂંટવા આવ્યા છે તેમ શા માટે માનવું?’
કરણે આકાશને કહ્યું, પણ છતાં કમ્પ્યૂટર પરના આંકડાઓ ફરી જોઈ લીધા. હવામાન થોડું વાદળિયું હોવાથી સૅટેલાઇટની તસવીરો ઝાંખી આવતી હતી.
થોડી વાર બંને શાંતિથી સ્ક્રીન જોતા રહ્યા. જમીન કરતાંય આકાશમાં વધુ વિસ્તરેલા આ શહેરમાં અત્યારે કરણનાથ અને આકાશની ફરજ જમીન પર હતી. તેઓ આજુબાજુ વિસ્તરેલી ક્ષિતિજ, ક્યાંક હરિયાળી લૉન — પણ બહુધા તો સિમેન્ટ-કૉંક્રીટના અફલાતૂન રસ્તાઓ જોતા, વાતો કરતા બેસી રહ્યા.
પછી કરણે આજુબાજુ જોઈ ખિસ્સામાંથી એક બાટલી કાઢી. ઝડપથી બે ઘૂંટ પી લઈ તેણે આકાશના હાથમાં આપી કહ્યું, ‘જલદી. બે ઘૂંટડા લઈ લે.’
આકાશે ઊંડો શ્વાસ લઈ બે ઘૂંટડા ભર્યા. ઘૂંટડા ગળા નીચે ઊતરતાં તો જાણે અમૃતઘૂંટ પીતાં હોય તેવી સંતૃપ્તિ અને સંતર્પકતાનો ભાવ આકાશના ચહેરા પર છવાઈ ગયો. કરણે હાથ લાંબો કર્યો. થોડી ગમગીની, આનાકાની પછી આકાશે બાટલી પાછી આપી. કરણના હાથમાંની બાટલીને તે પાંપણો વડે ભીતર ઉતારી રહ્યો.
અચાનક વિચાર આવતાં બોલ્યો, ‘એવું ન બને કે તે માણસો પાસે કોઈ હથિયારો ન હોય, હાહાકાર કરતા તેઓ આપણી સરહદમાં ઘૂસી આવે?’
‘તે માટે તો લૅન્ડ માઇન્સ ગોઠવી દીધા છે.’
‘હં…’ કહી આકાશ ચૂપ થઈ ગયો. કોને ખબર કેમ તેને આ લૅન્ડ માઇન્સ અને રિમોટ કન્ટ્રોલના મિસાઇલો અને મોબાઇલ ફોનમાં છુપાવાયેલી નાની શક્તિશાળી બંદૂકોની વાતો ગમતી ન હતી. તે તો પોતાના મોબાઇલ દ્વારા કેટલાક અજાણ્યા મિત્રોને એસએમએસ કરતો. ઈ-મેઇલ દ્વારા મૈત્રીનો સંદેશો મોકલતો. નવરો હોય તો કમ્પ્યૂટર પર પ્રાચીન કવિનાં કાવ્યો વાંચતો. આ કાવ્યોની કેટલીય વાતો તેને સમજાતી નહીં. તે વખતે તે કરણને પૂછવા આવતો. તેમના સમૂહમાં કરણનાથ સહુથી વધુ પ્રાચીન યુગ, પ્રાચીન પ્રાણીઓ, માણસો, રીતરિવાજ વિશે જાણતો હતો. હા, આ બધું જ્ઞાન-માહિતી કમ્પ્યૂટર પર ઉપલબ્ધ હતાં, પણ તોય કરણને મોઢેથી તે સાંભળતો ત્યારે તે સર્વ ભૂતકાળની દફનાવાયેલી દંતકથાઓ મટી જઈ સંસ્કૃતિના સાતત્યની સ્મરણકથાઓ બની જતી હતી.
એક વાર તે પોતાનું લૅપ-ટૉપ લઈ દોડતો આવેલો.
‘કરણ, જુઓ આ ચિત્ર. કોનું છે?’ ચિત્ર જોઈ કરણ હસી પડેલો.
‘આ તો ચકલી છે.’
‘આ બર્ડ છે ને? કેટલું સુંદર લાગે છે નહીં?’ આકાશે સ્ક્રીન પરની ચકલીને પંપાળતાં કહ્યું.
‘હા. એ નાનું પક્ષી છે. અમે તેને ચકલી કહેતાં. આકાશ, અમે બહુ નાનાં હતાં ત્યારે આ પક્ષીઓ અમારા ઘરમાં માળો બાંધતાં.’
‘શું? ઘરમાં?’
‘હા રે. મારી મા કહેતી હતી કે મૂઆં આ બધાં ચકલાં.’
બોલતાં બોલતાં કરણની આંખો આગળ એ ભૂતકાળ સજીવન થયો.
‘ઘરમાં ચકલીઓ માળો બાંધે પણ મારી મા પછી તે ફેંકવા ન દે. જ્યારે ઈંડાં ફૂટે અને નાનાં નાનાં બચ્ચાં આવે તે અમે છાનામાનાં ઉપર ચડી જોતાં. પછી જોઈએ તો માળો ખાલી.’
આકાશ સ્તબ્ધ બની આ રોમાંચક કથા સાંભળી રહેલો.
કમ્પ્યૂટર સ્ક્રીન પર સેટેલાઇટની તસવીરો ઝિલાવા માંડી. સાથે નોંધ પણ લખાઈ કે ભેગા થતા સમુદાય પાસે લશ્કરી સાજસરંજામ જણાતો નથી. આકાશે એકદમ ઉત્સાહમાં આવી જઈ કહ્યું,
‘કરણ! હું થોડો વખત માટે મીત્સુ પાસે જઈ આવું?’ આકાશે અધીરાઈથી પૂછ્યું.
કરણ જરા ખચકાયો. ફરજ — તેમાંય રાષ્ટ્રની સંપત્તિનું રક્ષણ કરવાની ફરજમાંથી એકાદ કલાક પણ તેને જવા દેવો તે યોગ્ય ન હતું, પણ યુવાન અધિકારીને પ્રિયતમાને મળવા જતોય કેમ અટકાવાય?
માતા-પિતાની મનાઈ પછીય તે અને સરમા કેટલીક વાર ગામ બહાર નદીકિનારે ભાગી જતાં! કરણની આંખો સામે સરમાનો ખૂબ ઝાંખો ચહેરો તરવરી રહ્યો.
‘જા. જલદી આવજે.’
આકાશ એકદમ કૂદ્યો. કરણને ગળે વળગ્યો ને કહ્યું, ‘આભાર. મને ખાતરી છે કે રાષ્ટ્રને કોઈ ખતરો નથી.’ કહી તે ઝડપથી ગયો. થોડે દૂર રાખેલી નાની વિમાનિકામાં બેસી તેણે ટેઇક ઑફ કરી.
કરણ તેને જતાં જોઈ રહ્યો. હૃદયમાં વિષાદ છવાઈ ગયો. સરમાની સ્મૃતિઓ તેને ઘેરી વળી.
ત્યાં તેને કાને કોલાહલ સંભળાયો. કોલાહલ કોમળ અવાજોનો હતો. કરણે જોયું કે ઘણાંબધાં બાળકો તેની તરફ દોડતાં આવતાં હતાં.
આહ! આજ કેટલે દિવસે નાનાં બાળકો જોયાં! તેનું હૃદય થોડા વખત પહેલાંની ઉદાસી ખંખેરી આનંદ અને ઉલ્લાસથી ભરાઈ ગયું.
બાળકો દોડતાં આવી તેની સામે ગોઠવાઈ બેસી ગયાં. તેમનાં નાનાં નાનાં લૅપટૉપ તેમણે બાજુ પર મૂકી દીધાં. તેઓ કરણને વીંટળાઈ ગયાં હતાં. એક સૂરે બોલવા લાગ્યાં, ‘ગ્રાન્ડપા! અમને પરીકથા કહો!’
‘ગ્રાન્ડપા કંઈ પરીકથા નથી કહેતા. મારી ગ્રાની કહે છે કે ગ્રાન્ડપા રિયલ સ્ટોરી કહે છે.’ નાનકડી સલોનીએ ડોકું હલાવી ગંભીરતાથી કહ્યું :
‘નો. નો. તે પરીકથા જ કહે છે.’ રોમીએ જોરથી કહ્યું.
‘પરીકથા કે રિયલ સ્ટોરી, ગ્રાન્ડપા કહે તો મને તો ગમે છે.’ અખિલે કહ્યું.
‘હા. હા. ગ્રાન્ડપા, પરીકથા કહો. સ્પીક.’
‘સ્પીક પ્લીઝ.’ સલોનીએ સુધાર્યું.
કરણનું હૈયું આ કોમળ કોમળ અવાજો સાંભળી આનંદથી છલકાઈ ગયું. સામેના આવાસ સંકુલનાં આ બાળકો ઘણી વાર આમ આવતાં. તેઓને પરીકથા સાંભળવી હતી — ગ્રાન્ડપાને મુખેથી. રૉબોટ માતા દ્વારા સંભાળપૂર્વક ઉછેરાતાં ઘણાં બાળકોને આ ગ્રાન્ડપા બહુ ગમતા.
‘હા, હા, જરૂર… ચાલો. બરાબર બેસી જાવ.’
જોકે આમ કહ્યા પછી કરણે પોતાની ફરજના ભાગરૂપ કમ્પ્યૂટર સ્ક્રીન ચેકિંગ કરી લીધો. સ્ક્રીન પરની છેલ્લી તસવીર અદૃશ્ય થઈ ગઈ હતી.
તેણે બાળકો તરફ જોયું અને કહ્યું, ‘આજ તમને એક ખાસ પરીકથા કહું. બહુ બહુ વર્ષો પહેલાંની વાત છે.’
‘બહુ બહુ એટલે? બહુ બધાં બહુ?’ સલોનીએ પૂછ્યું.
‘હા. હન્ડ્રેડ યર્સ.’ રોમીએ કહ્યું.
‘ના, તેનાથી પણ વધારે.’ કરણે કહ્યું.
‘તે સમય આજના સમયખંડ કરતાં જુદો હતો. વહાલાં બાળકો, લોકો તે વખતે જમીન પર રહેતાં. નાનાં નાનાં ઘરોમાં રહેતાં.’
બાળકોએ લૅપટૉપ ખોલી એક નાનું ઘર જોવા ટ્રાય કરી. ‘નાનું એટલે? ઑન્લી દસ માળનું?’
‘ના. એક પણ માળ વિનાનાં.’
બાળકો લૅપટૉપ બંધ કરી આવી અજાયબ વાત સાંભળવા લાગ્યાં.
કરણની આંખો આગળ દૂર, અતિદૂરનો એ ભૂતકાળ જીવતો થયો. ડૉક્ટર ખુરાનાની મદદથી તેના મગજમાંના તે કોષો જીવંત હતા. જ્યાં ભૂતકાળ સચવાઈ ગયો હતો. તે કાલખંડ અત્યારે જીવંત બન્યો અને શબ્દો દ્વારા આકાર ધરવા લાગ્યો.
‘વહાલાં બાળકો, દૂર દૂરના સમયની વાત છે. એક દેશ પૃથ્વી પર ફેલાયેલો હતો. ત્યાં નાનાં નાનાં ઘરો બંધાતાં. ઘરોની આજુબાજુ ખુલ્લી જમીન પર વૃક્ષો ઉગાડવામાં આવતાં. ક્યારેક વળી નાના બગીચાઓ બનાવવામાં આવતા.’
બાળકો આશ્ચર્યમાં ડૂબતાં આ અદ્ભુત પરીકથા સાંભળી રહ્યાં.
કરણની આંખો સામે તે ગામ, તે ઘર, તે સરમા હવે સાચાં બની ગયાં હતાં. તે બાળકોની વચ્ચે હતો અને તેના ગામમાં પણ હતો.
‘મારું પણ આવું એક ગામ હતું. નાનું ઘર હતું. અમે જમીન પર ઊભા રહી આકાશના તારા નિહાળતા. મારા દાદા ધોળી મૂછોવાળા પણ જબરા માણસ હતા. બળદ ન હોય તો તેઓ પોતે હળ ચલાવી સવારથી સાંજ ખેતર ખેડી નાખતા.’
કરણ અટક્યો.
‘અરે! આ વહાલુડાં બાવીસમી સદીનાં બાળકો આ ક્યાં સમજવાનાં?’
તે જરા અટક્યો. પછી કહ્યું, ‘તમારે પરીકથા સાંભળવી છે ને? તો તે જ કહું. એક ટીનેજર હતો. તે ટીનેજર રહેતો હતો પૃથ્વી પર. આજુબાજુ વૃક્ષો, બાગ, તેમનાં આવાસ સંકુલો પૂરાં થાય ત્યાં લીલાં લીલાં ખેતરો, ટીનેજરની શાળામાંથી પણ હરિયાળી દેખાતી.’
આકાશમાં વસતાં બાળકો પૃથ્વીની વાતોથી અચંબામાં પડી ગયાં.
‘અને બાળકો, તમે માનશો નહીં પણ તે વખતે તો પૃથ્વી પર મોટી મોટી નદીઓ હતી. તળાવો હતાં. કૂવાઓ હતા.’ કરણ અટક્યો.
તેની નજર આગળ તેનું ગામ, નદી, કૂવો બધુંય તાદૃશ્ય થયું.
‘એટલે કે પાણીનાં?’ બાળકોનાં મુખો પ્રચંડ અચંબામાં ખુલ્લાં થઈ ગયાં. ‘વ્હૉટ?’
બધાં ગામમાં નદી? તળાવ? ઇમ્પૉસિબલ. ‘ગ્રાન્ડપા પરીકથા તો કહે છે.’
‘ના, પરીકથા નહીં, હકીકત. મારાં વહાલાં બાળકો, ના. હું તમને ટીનેજરની વાત નથી કરતો. મારી જ વાત કરું છું. હા, તે વખતે પાણી હતું. ભરપૂર જળ હતું. વરસાદ વરસે તેનું અંતરીક્ષ જળ હતું. પર્વત પરથી દડદડ નીચે દડતાં ગાતાં ઝરણાં હતાં. નદીઓ બેઉ કાંઠે છલકાતી. તેનાં સરોવર બનતાં.’
‘તમે સાચું કહો છે? આ બધું ખરેખર હતું ગ્રાન્ડપા?’
‘હા, સલોની. અરે, વિશાળ જળાશયોમાંથી પાઇપલાઇનો દ્વારા ઘરેઘરે પાણી પહોંચાડાતું હતું!’
‘નો. નો. એવું તે હોય?’
‘ચૂપ. ગ્રાન્ડપા તો પરીકથા કહે છે. પરીકથામાં તો એવું જ હોય ને?’
‘રોમી, અખિલ, તમને કેમ સમજાવું? અરે અમારી નદીમાં તો ક્યારેક પૂર આવતાં ને એક વાર તો હું ને સરમા ત્રણ દિવસ ઘરને છાપરે બેસી રહેલાં!’
બાળકો કરણને પૂછવા લાગ્યાં :
‘પૂર? તમે પૂર જોયું હતું?’
‘મારી મમ્મી કહે છે કે તેની ગ્રેટ ગ્રેટ ગ્રાન્ડમાએ તો પાણીનો માઉન્ટન જોયો હતો. માઉન્ટન પર ખૂબ આઇસ હતો.’
‘પરીકથા…પરીકથા…’ પાણીના માઉન્ટનની કલ્પનાથી બાળકો ઉત્તેજિત થઈ ગયાં અને હસવાં લાગ્યાં.
‘પછી તમે પાછાં નીચે કેવી રીતે આવ્યાં? નદીમાં તો ખૂબ વૉટર હતું.’ મિન્ટુએ પૂછ્યું.
‘પછી ધીરે ધીરે પૂરનાં પાણી ઓછાં થયાં. પાણી જમીનમાં ઊતરી ગયું કે પાછું નદીમાં ગયું.’
‘આટલું બધું પાણી ચાલ્યું ગયું? કેટલું દિલગીરીભર્યું કહેવાય નહીં?’ સલોની થોડી દુ:ખી થતાં બોલી :
‘ગાંડી! આ તો પરીકથા છે. આટલું બધું પાણી શું ક્યારેય હોઈ શકે?’
‘પછી?’ મિન્ટુએ પૂછ્યું.
‘પછી?’ કરણ જરા ઉદાસ થતાં બોલ્યો, ‘સલોની સાચી છે. આ બધું દિલગીરીભર્યું જ બન્યું.’
કરણની આંખો સામે હવે વર્ષો — એક પછી એક વર્ષો પસાર થતાં રહ્યાં. પૃથ્વીનું હવામાન ગરમ થવું, વધુ ગરમ થવું, ધ્રુવપ્રદેશના બરફો ઓગળવા, વરસાદનું ઓછું ને ઓછું થવું અને પાણી પાણી… ગરમ પ્રદેશમાં પશુઓ અને લોકો પાણી ઝંખતાં મર્યાં. પક્ષીઓ તો ક્યારનાં નામશેષ થયાં હતાં. ધરતીને શોષી લીધી અમે. પેટાળનાં પાણી ખેંચી ફૅકટરીઓ ને હાઇરાઇઝ બનાવ્યાં. પેટ્રોલ તો ક્યારનું ખતમ થઈ ચૂક્યું હતું, પણ સૂર્યની ઊર્જામાંથી હવે ઊર્જા મેળવાતી હતી જોકે પાણીનો કોઈ વિકલ્પ શોધાયો ન હતો.
‘ગ્રાન્ડપા! સૂઈ ગયા?’ રોમીલે તેને ઢંઢોળીને પૂછ્યું.
‘ના. ના. જાગું છું, રોમીલ, હું તો ડ્યૂટી પર છું. જો, મારે રક્ષા કરવાની છે આ રાષ્ટ્રીય સંપત્તિની.’
જે રાષ્ટ્રની સંપત્તિની રક્ષા કરવા દેશે સૈનિકો ગોઠવ્યા હતા તે હતું એક જળાશય. આખાય રાષ્ટ્રમાં જે થોડાં જળાશયો બચેલાં તેમાંનું એક. સરહદની પેલેપારના રાષ્ટ્રની નજર આ સરોવર પર હતી. શરૂ શરૂમાં તેના સૈનિકો રાતે અણધાર્યો છાપો મારી પાણી ભરી જતા. પછી થયેલાં યુદ્ધો બાદ સંધિ થઈ હતી. સરહદ પાસેના બે કૂવાઓ માનવતાની રાહે તે રાષ્ટ્રને આપી દેવાયા હતા.
બાળકો ઊઠ્યાં. કરણદાદાનો હાથ પકડી તેઓ સરોવર જોવા ગયાં. સૈનિકો સાવધ બની ગયા, પણ કરણને જોતાં તેઓએ બાળકોને નજીક આવવા દીધાં. ખિસ્સામાંથી બાટલી કાઢી પાણીથી ભરી. પછી બાળકોને કહ્યું, ‘બધાં થોડું થોડું પી લો.’
‘પાણી! પાણી!’ કલશોર કરતાં બાળકો ઝૂંટાઝૂટ કરતાં પાણી પીવા લાગ્યાં. સાંજ પડતી હતી. બાળકોના મોબાઇલ રણકવા લાગ્યા. તેમનાં માતાપિતા કામ પરથી આવ્યાં હતાં ને તેમને બોલાવતાં હતાં. બાળકો ‘બાય ગ્રાન્ડપા!’ ‘ગ્રાન્ડપા! હજુ અમને પાણીની પરીકથા કહેજો.’ કહેતાં પોતપોતાનાં ઘર તરફ જવા લાગ્યાં.
આથમતો સૂરજ સરોવરનાં જળ ઉપર સોનેરી લીંપણ કરી રહ્યો હતો. વર્ષો વર્ષો વર્ષો પહેલાં ગંગાનાં નીર પર આથમતો હતો તેવો. તે અને સરમા ગંગાને કાંઠે બેઠાં હતાં. સરમાએ પૂછેલું, ‘શા માટે તારે આટલું જીવવું છે, કરણ? ડૉક્ટર ખુરાનાના સ્ટેમસેલ સંશોધન પછી માણસ બસો વર્ષ પણ જીવે. પણ શા માટે?’
તે ખૂબ ઉત્સાહમાં બોલેલો, ‘ગાંડી! બસો વર્ષ પછીની દુનિયા કેવી હશે તે મારે જોવી છે. તું પણ મને સાથ આપ.’
પછી તે ડૉક્ટર ખુરાનાના ક્લિનિકમાં જઈ ઇન્જેક્શનો લઈ આવેલો. સરમાને પોતે સમજાવી શકશે તેવી ખૂબ આશા હતી, પણ સરમા ન માની.
કરણની આંખોમાં હજુ ગંગા, સરમા અને હરીભરી પશુપક્ષીની માતા પૃથ્વી વસતાં હતાં. શું જોવા તે જીવતો રહેલો? પાણીકથા પરીકથા બની જાય તે?
ત્યાં તેની કાંડાઘડિયાળના સ્ક્રીન પર સંદેશો છપાયો. આકાશનો સંદેશ હતો. આકાશને ફોન કરવાનો. કરણે ફોન કર્યો. આકાશનો ઉલ્લાસિત અવાજ સંભળાયો.
‘કરણ, સરહદ પર જમા થયેલા લોકો સૈનિકો નથી. મને હમણાં ખબર આપવામાં આવ્યા છે કે ત્યાં સ્વેચ્છા-મૃત્યુનો કૅમ્પ થઈ રહ્યો છે. જે વરિષ્ઠ નાગરિકોને મૃત્યુ પામવું હોય તેને ડૉક્ટરો મદદ કરી રહ્યા છે! સૈનિકોને હવે આપણે ઘરે જવાનું કહી શકીએ.’
કરણે મોબાઇલ બંધ કર્યો. સરોવરની રક્ષા કરતા વધારાના સૈનિકોને જવાની છૂટ આપી. પોતાની રિવૉલ્વર ને મોબાઇલ ત્યાંના મુખ્ય રક્ષકને સોંપી દીધાં.
ટેઇક ઑફ કરતાં એક નાના વિમાનમાં બેસી તે સરહદ ભણી રવાના થયો.