લીલુડી ધરતી - ૨/મુંઢકણું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|મુંઢકણું|}} {{Poem2Open}} મોઢિયો દીવો આખી રાત ગમાણમાંથી ફળિયામાં ન...")
(No difference)

Revision as of 10:26, 4 July 2022


મુંઢકણું

મોઢિયો દીવો આખી રાત ગમાણમાંથી ફળિયામાં ને ફળિયામાંથી ગમાણમાં હરફર કરતો રહ્યો.

કાબરીને આવેલું મરેલું વાછરડું ધનિયો ગોવાળ લઈ ગયો અને જાણે કે કાબરીને આશ્વાસન આપવા ખાતર જ નિયમ મુજબ પોતાના ઘરમાંથી નવજાત વાછરડાના જ હૂબહૂ પ્રતીક જેવું ચીથરાં ભરેલું ચોપગું મુંઢકણું લાવીને કાબરીની સન્મુખ ગોઠવી દીધું.

અંધારી ગમાણને મોભારે મૂકેલા અજવાશિયામાંથી સૂરજનો તડકો સંતુના ખાટલા પર ઊતર્યો ત્યારે સંતુએ એની પહેલી જ વાર તંદ્રાવસ્થામાંથી આંખ ઉઘાડી.

એની નજર સામે કાબરી નિમાણી બનીને ઊભી હતી, અને એની નજીકમાં ચીંથરાં ભરેલું ચોપગું વાછરડું ગોઠવાયેલું હતું. માતા સમક્ષ એના સંતાનનો આભાસ ઊભો કરવામાં આવ્યો હતો; પણ માતાને એ સંતાનનો સ્વાંગ પ્રતીતિકર નહોતો લાગતો, તેથી જ તો કાબરી વારેવારે નિસાસા નાખ્યા કરતી હતી.

લાંબી તંદ્રાવસ્થામાંથી જાગેલી સંતુ હવે ધીમે ધીમે પોતાનાં વિતકોનો વિચાર કરી રહી હતી. પોતે સહેલી અસહ્ય યાતનાઓ અને યંત્રણાઓને યાદ કરી રહી હતી.

પુત્રીએ પૂરા ચાર પહોર પછી આંખ ઉઘાડી તેથી આનંદિત થઈને હરખ સંતુને શરીરે વહાલસોયો હાથ ફેરવી રહી.

હરખ અત્યારે બેવડા શોકમાં ગરકાવ થઈ ગઈ હતી. સંતુ ​ અને કાબરી બન્ને એને મન પુત્રીસમોવડી હતી, અને એ બન્નેને મરેલાં સંતાનો અવતર્યાં તેથી હરખ એ બન્ને મૃતવત્સાઓ તરફ વેદનાભરી નજરે વારાફરતી નિહાળી રહી હતી.

ધીમે ધીમે સંતુનો સ્મૃતિતંતુ સંધાઈ રહ્યો હતો. ધીમે ધીમે, છૂટકછૂટક ઘટનાઓના અંકોડાઓ મળી રહ્યા હતા.

સંતુએ આંખ ઉઘાડી છે એવી જાણ થતાં ઊજમ પણ હરખાઈ ઊઠી. બાળક તો નસીબમાં ન સમાયું, પણ સંતુ ઊગરી ગઈ એ ય એને મન મોટું આશ્વાસન હતું.

આંખ ઉઘાડ્યા છતાં સંતુ હજી કોઈને ઓળખી શકતી નહોતી. પોતે તંદ્રાવસ્થાની દુનિયામાંથી કોઈક સાવ અપરિચિત સૃષ્ટિમાં આવી પડી હોય એવો એને અનુભવ થતો હતો. આ અજાણી દુનિયા સાથે તાળો મેળવતાં એને અસાધારણ પરિશ્રમ પડતો હતો.

આ નવપરિચયનો પહેલો તાર ઊજમ કે હરખ જોડે નહિ પણ નજર સામે નિમાણી થઈને ઊભેલી કાબરી સાથે સંધાયો. પોતાની આ સહિયર સમી ગવતરી સામે સંતું ટગર ટગર તાકી રહી.

એવામાં ધનિયો ગોવાળ હાથમાં નાનકડું બોઘરણું લઈને આવી પહોંચ્યો. આવીને એણે ગાભા ભરેલા વાછરડાનું મુંઢકણું હાથમાં લીધું ને કાબરીની સન્મુખ એને રમાડી દેખાડ્યું.

સંતુ રસપૂર્વક આ તમાશો જોઈ રહી.

સારી વાર સુધી ગાભા ભરેલા વાછડા જોડે ગેલ કરીને ધનિયાએ એની કાબરીની બરાબર નજર સામે જ મૂક્યું અને પોતે બે ગોઠણ વચ્ચે બોઘરણું મૂકીને ગાયને દો’વા બેઠો.

અને બીજી જ ક્ષણે કાબરીએ પાછલા પગ વડે એવું તો જોરદાર પાટુ ઝીંક્યું કે ધનિયા જેવો ધનિયો પણ એક ગડથોલિયું ખાઈ ગયો અને એના હાથમાંનું બોઘરણું તો દડતું દડતું છેક ગમાણના બારણા સુધી પહોંચી ગયું.

‘સમજી ગઈ, સમજી ગઈ !’ કરતો ધનિયો ઊભો થયો અને ​હાથેપગે બાઝેલી ધૂળ ખંખેરતાં બોલ્યો : ‘કાબરી ભારે ચતુર ! હંધું ય સમજી ગઈ કે એનું વાછડું મરી ગ્યું છે, ને આ અમથું મુંઢકણું છે—’

ત્રણ ત્રણ સ્ત્રીઓનાં દેખતાં પોતાને એક ઢોરની, લાત ખાવી પડી, તેથી ધનિયો ખસિયાણો પડી ગયો. પોતાની એંટ જાળવવા એ બોલતો રહ્યો :

‘કળજગ તો જો આવ્યો છ, કળજગ ! મારા આવડા આયખામાં આવાં તો ઘણાં ય વિયાંતલ ઢોરની સામે મુંઢકણાં મેલીને દોઈ લીધાં, પણ કોઈએ મને પાટુ માર્યું નથી. ને હવે તો આ મૂંગાં પહુ ય હંધું ય સમજતાં થઈ ગ્યાં, ઈ કળજગનો જ પરતાપ કે બીજા કોઈનો ?’

‘અટાણે કાબરી ખિજાણી લાગે છે. ઘડીક રઈને રોટલા ટાણે આવ્ય તો વળી દો’વા દેશે.’ ઊજમે કહ્યું.

‘અરે, આવી તો કૈંક કાબરિયું જોઈ નાખી મારી જિંદગીમાં. હું કોણ ? ધનિયો ગોવાળ !’ આમ પોતાના શૌર્યનો ખ્યાલ આપીને ધનિયો વીલે મોઢે બહાર ગયો.

કાબરી નિરાધાર વદને સંતુ સામું જોઈને ભાંભરી ઊઠી.

આ અસહાય ભાંભરડું જ સંતુનો સ્મૃતિતંતુ સાધી રહ્યું. એની આંખ એકાએક ચમકી ઊઠી. એણે ઊજમ તરફ જોયું, હરખ ભણી નજર નોંધી, અને પછી એકાએક કશીક મૂલ્યવાન મત્તા ખોવાઈ ગઈ હોય એવી ગભરામણથી એ ખાલી ખાટલામાં આમતેમ હાથફેરો કરવા લાગી.

હરખને કે ઊજમને કોઈને સંતુનું આ વર્તન સમજાયું નહિ.

સંતુએ વધારે વિવશ બનીને પોતાની શોધક નજર આમતેમ ફેરવવા માંડી. ખાટલાને ખૂણેખૂણે ખાંખાંખોળાં કરવા માંડ્યાં અને આખરે હરખને ઉદ્દેશીને પૂછવા લાગી :

‘ક્યાં છે ? ક્યાં છે ?’ ​માતાએ પૂછ્યું : ‘શું ? શું ?’

‘મારી ઠેકડી કરશ ? બોલ્ય, ક્યાં સંતાડ્યું છે ?’

‘જરીક ઊંઘી જા. આંખ્ય વીંચી જા, તો ડિલને સુવાણ્ય થઈ જાશે—’

‘નહિ ઊંઘું. એનું મોઢું ભાળ્યા વિના નહિ ઊંઘું—’

સાંભળીને ઊજમે આંખો ઢાળી દીધી; હરખ પણ મૂંગી થઈ ગઈ, એટલે સંતુએ વધારે આગ્રહથી પૂછ્યું :

‘બોલ્યની, ક્યાં સુવરાવ્યું છે ?’

હરખથી સ્વાભાવિક જ પુછાઈ ગયું : ‘શું ?’

‘મારું છોકરું.’

અને ક્યારની નીચી મૂંડીએ રહેલી માતાની આંખમાંથી આખરે એક આંસુ ખર્યું.

ઊજમે એક ઊંડો નિ:શ્વાસ મૂક્યો.

‘લાવ્યની ઝટ ! ક્યાં સંતાડી દીધું છે ?’ સંતુએ વધારે ઉગ્રતાથી બોલવા માંડ્યું, ‘મારા છોકરાનું મોઢું મને જ નહિ દેખાડ્ય ?’

ઊજમને સમજાતાં વાર ન લાગી કે સંતુનાં આ વાક્યોમાં ભયંકર ઉન્માદ રહેલો છે. એણે દેરાણીની આંખો પર પોતાની હથેળી દાખી દીધી.

‘ઊંઘી જા ઘડીક વાર... મગજ તપી જાશે... થાકી ગઈ છો... બહુ બોલીશ તો સુવાણ્ય નહિ થાય—’

પણ માંડ કરીને ઊઘડેલી પોતાની આંખો આડેનું આવું આવરણ સંતુ સાંખી શકે એમ નહોતી. એણે જોર કરીને પોતાના કપાળ પરથી ઊજમની હથેળી ખેસવી નાખી.

ખુદ ઊજમને ય આશ્ચર્ય થયું : ‘આટલું જોર આ માંદલી સ્ત્રીમાં ક્યાંથી આવ્યું ?’

સંતુએ હવે તો રીતસર બૂમો જ પાડવા માંડી : ​‘લાવો મારું છોકરું ! મારે એનું મોઢું જોવું છે... બોલો કેમ મૂંગાં થઈ ગયાં ? બોલો, ક્યાં સંતાડ્યું છે ?’

હરખે ધીમે અવાજે કહ્યું : ‘આ શું છોકરમત માંડી છે, સંતુ ? તું સમજતી નથી હવે કાંઈ નાની ગીગલી છો ?’

પણ સંતુ અત્યારે પૂરેપૂરી શુદ્ધિમાં ક્યાં હતી કે આવી શાણી સલાહ–શિખામણ કાને ધરે ?

‘મારા પડખામાંથી કોણ ઉપાડી ગ્યું મારા છોકરાને ? લાવો ઝટ પાછું, મારે એને ધવરાવવું છે, ઘોડિયે સુવરાવીને હીંચકો નાખવો છે, એનાં હાલરડાં ગાવાં છે—’

‘સનેપાત જ ઊપડ્યો છે.’ ઊજમે હરખને કહ્યું, ‘એને માથે કાંઈક ઓઢાડી દિયો.’

હરખે પુત્રીના માથા ઉપર પછેડી નાખી, પણ સંતુએ એ દૂર ફંગોળી દીધી અને બમણા ઝનૂનથી બૂમો પાડવા માંડી.

આખરે ઊજમે એના મોંઢા ઉપર હથેળી દાબી, એટલે એણે ચીસાચીસ કરવાને બદલે મૂંગે મોઢે રડવા માંડ્યું. દબાયેલા મોઢામાંથી ઊઠતો રુદનસ્વર કોઈ ગાઢ જંગલમાં ઊંડે ઊંડેથી સંભળાતા અરણ્યરુદન જેવો કરુણ લાગતો હતો. ઊજમ એ કરુણ સ્વર જીરવી ન શકી. એણે મોઢા પરથી હાથ ઉઠાવી લીધો કે તુરત સંતુએ મોટેથી ઠૂઠવો મૂક્યો, મન મૂકીને એ રડી રહી. મોકળે મને, ઉત્તરોત્તર વધારે ઉગ્ર અવાજે રડી રહી, પેટ ભરીને રડી, પાગલપણાના ઉન્માદથી એ ૨ડી.

અને આખરે એ રુદનસ્વર એક એવી તો તીવ્ર પરાકાષ્ટાએ પહોંચ્યો કે એ આરોહ પર જઈને જ એકાએક અટકી ગયો. એનો અવરોહ આવ્યો જ નહિ. એકાએક શાંત થઈ જઈને એ જંપી ગઈ; શ્વાસની ધમણ ઝડપભેર ચાલતી રહી અને સંતુ જંપી ગઈ.


* * *


​ બપોરે ધનિયો ગોવાળ ફરી ખાલી બોઘરણું લઈને આવ્યો.

કાબરી સમક્ષ વાછડાનું મુંઢકણું ગોઠવીને એણે બોઘરામાં છમ્મ્ છમ્મ્ કરતી દૂધની સર્વપ્રથમ શેડ પાડી. એના અવાજથી સંતુ ઝબકી ગઈ. ઊજમ અને હરખના અદ્ધર શ્વાસ હવે હેઠા બેઠા.

પણ ત્યાં તો સંતુએ ખાટલા પર પડેલી પછેડીને ગોળમટોળ જેવો વીંટો વાળીને પોતાની છાતીએ લગાડી દીધો અને જાણે કે બાળકને ગોદમાં લઈને ધવરાવતી હોય એવા વિચિત્ર અવાજો કરવા લાગી.

આ કઢંગુ દૃશ્ય જોઈને હરખ હેબતાઈ ગઈ.

ઊજમે કહ્યું : ‘આ સનેપાતનો ચાળો નથી; આ તો સાચે જ ગાંડી થઈ ગઈ.’

‘માતાના રથ ફરી ગ્યા લાગે છે.’ હરખે કહ્યું, ‘મગજ ફટકી ગ્યું લાગે છે.’

*