લીલુડી ધરતી - ૨/પ્રયોગને અંતે: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|પ્રયોગને અંતે|}} {{Poem2Open}} કથાના છેલ્લા પ્રકરણ સુધી પહોંચી શકન...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 40: | Line 40: | ||
| | ||
{{Center|અગર જો આપ ચાહતા | |||
હો કે, ગુજરાતીમાં પ્રગટ | |||
થઈ રહેલાં નીતનવાં ઉત્કૃષ્ટ | |||
પુસ્તકો વિષે આપને નિય- | |||
મિત માહિતી મળતી રહે, | |||
તો એ તો આપને માટે | |||
ઘણું જ સરળ છે.}} | |||
અગર જો આપ ચાહતા | અગર જો આપ ચાહતા | ||
હો કે, ગુજરાતીમાં પ્રગટ | હો કે, ગુજરાતીમાં પ્રગટ |
Revision as of 05:02, 5 July 2022
કથાના છેલ્લા પ્રકરણ સુધી પહોંચી શકનાર વાચકોને અનુલક્ષીને બે શબ્દો લખવાનું મન થાય છે. પુસ્તકના બન્ને ભાગના છાપેલા ફરમા ઉપર ઊડતી નજર નાખતાં એક પ્રકારનું અકળાવનારું આશ્ચર્ય અનુભવી રહ્યો છું. નજર સામે આ છાપેલાં પૃષ્ઠો પડ્યાં છે; એકાદ વર્ષથી ગજવામાં સંઘરાતાં જતાં આ કથાના વસ્તુ અંગેનાં મેલાં ટાંચણપાનાંનો થોકડો પડ્યો છે. એમાં કેટલીક ઘટનાઓની સંકલના, પ્રસંગો, પાત્રોની નામાવલિ વગેરેની આજે સાવ અસંબદ્ધ જેવી લાગતી વિગતો ટપકાવેલી પડી છે. ભવિષ્યમાં આ કથાને કઈ દિશામાં આગળ વધારવી, કયાં નવાં પાત્રો દાખલ કરવાં, કયાં જૂનાં પાત્રોના અપૂર્ણ લાગતા જીવનપ્રવાહનું સમાપન કરવું, એની મને પોતાને જ અતિ મહત્ત્વાકાંક્ષી લાગતી ઝીણી ઝીણી વિગતો લખેલી પડી છે અને આ સામગ્રીની સામે જાણે કે કટાક્ષરૂપે, છેલ્લા એકાદ વર્ષથી વાચકો તરફથી આવ્યા કરતા પત્રોની ખાસ્સી થપ્પી પડી છે. પરિચિત અને અપરિચિત, નજીકનાં અને દૂરનાં, ‘ઉન્નત–ભ્રૂ’થી માંડીને ‘મધ્યમ–ભ્રૂ’ અને ‘નત–ભ્રૂ’ સુધીનાં શિક્ષિત–અર્ધશિક્ષિત, ગુજરાતી–બિનગુજરાતી, લેખકો, વેપારીઓ, ગુમાસ્તાઓ, શરાફો, ઇજનેરો, વગેરે વિધિ વ્યવસાયના વાચકોએ લખેલા, ભરપૂર પ્રશંસા અને અસીમ અહોભાવથી ભર્યા, નારાજી વ્યક્ત કરતા, કથામાંથી સૂક્ષ્માતિસૂક્ષ્મ ક્ષતિઓ બતાવતા, અમુક પ્રસંગાલેખન બદ્દલ ઉશ્કેરાટભર્યો રોષ વ્યક્ત કરતા, ‘તમને તો લખતાં જ નથી આવડતું’ એ મતલબનો ચુકાદો આપતા આ પત્રો આ નવલકથાથી એક સળંગ મલ્લિનાથી રૂપે આજે રસિક વાચન પૂરું પાડે છે. એમાં વ્યક્ત થયેલી પ્રશંસાથી અલબત્ત, કોઈ લેખકે પોરસાઈ જવાની જરૂર નથી. પણ એ અજાણ્યાં પત્રલેખકોએ ‘વિવેચક’ જેવું કશું ડોળઘાલુ નામ ધારણ કર્યા વિના કેવળ અંતઃસ્ફુરણાથી જ આ કૃતિ વિશે જે મનનીય અભિપ્રાયો વ્યક્ત કર્યા છે એનું મૂલ્ય મારે મન બહુ મોટું છે.
મારી પોતાની કાચી યાદદાશ્તની પૂર્તિરૂપે યોજાયેલાં ટાંચણપાનાં, એની નીપજ રૂપે તૈયાર થયેલી આ નવલકથા, અને એના ઉપર સળંગ ‘કોમેન્ટરી’ રૂપે સાંપડેલી અસંખ્ય સહૃદય વાચકોની કાલીઘેલી પણ અત્યંત પ્રામાણિક, નિખાલસ વિવેચના આજે સાચે જ એક રોમાંચક આશ્ચર્યનો અનુભવ કરાવે છે. કશી હૂડબડાઈ કર્યા વિના પણ એટલું તો વિનમ્રપણે પણ કહ્યા વિના રહેવાતું નથી કે આ નવલકથા આકાર પામી શકી એને હું એક સુખદ અકસ્માત જ ગણું છું. કોઈક અદૃષ્ટ અંગુલિ આ કથા લખાવી ગઈ, કે કોઈક ‘શક્તિ’ આવીને પીઠ પાછળથી ‘પ્રેરણાનાં ગુલાબો’ આપી ગઈ, એવી વાહિયાત વાતો કરીશ તો રખે ને કહેવાતા ‘પોંડિચેરિયા’ સાધકોની જમાતમાં ખપી જઈશ, એવા ભયથી આવી ઉક્તિઓ ટાળું છું. નિખાલસપણે એટલું જ કહું છું કે આ કૃતિ લખતાં લખાઈ ગઈ છે. એ માટેની કશી મોટી પૂર્વતયારી નહોતી. વાર્તાનું ફલક આટલું મોટું વિસ્તરશે એવી પણ કલ્પના નહોતી. મેં પસંદ કરેલ પશ્ચાદભૂ અને પાત્રસૃષ્ટિમાં આટલી શક્યતાઓ રહેલી છે એનો પણ આરંભમાં ખ્યાલ નહોતો. તેથી જ, આ કૃતિને એક કુદરતી ‘પ્રસાદી’ સમી સમજું છું. આ કૃતિની મારે મન ફલશ્રુતિ એ છે કે એના લેખનપ્રયોગે મને નવલકથામાં રહેલી અપરંપાર શક્યતાઓનો ખ્યાલ આપ્યો છે એની ગુંજાશની પ્રતીતિ કરાવી છે; પ્રસ્તુત કૃતિ કોઈ અસાધારણ ગુંજાશ ધરાવે છે એવું કહેવાનો આશય નથી. પણ આ સાહિત્યસ્વરૂપમાં હજી કેટલું બધું ખેડાણ થઈ શકે એમ છે, એની નવી નોખી દિશાઓ મને આ લેખન મારફત સૂઝી છે. અને એથી ય અદકો લાભ તો એ થયો છે કે મારી પોતાની લેખિનીમાં મને એક નવો વિશ્વાસ પેદા થયો છે. વાંચનારને આ કથન કદાચ વિચિત્ર લાગશે, પણ મારે માટે એ સર્વાંશે સાચું છે. ‘વ્યાજનો વારસ’ લખ્યા પછી નવલકથાના ક્ષેત્રમાં મને બહુ રસ રહ્યો નહોતો. ઘણાં ઘણાં કથાવસ્તુઓ વિચારી વિચારીને આખરે લખ્યા વિના છોડી દીધાં હતાં. વસ્તુ સૂઝે, મનનાં પ્રસંગગૂંથણી ગોઠવાય, પણ આખરે એ વસ્તુ જ અતિ સામાન્ય લાગવાથી એને કાગળ પર ઉતારવાનું માંડી વાળતો. બધાં જ કથાવસ્તુઓ ચીલાચાલ, સામાન્ય કવચિત્ તો બાલિશ જેવાં લાગતાં. અને એમાં લગભગ આકસ્મિક જ કહી શકાય એ રીતે આ કથાની રચના થઈ ગઈ અને આ સાહિત્યસ્વરૂપ અંગેની આખી મનોદશા જ બદલાઈ ગઈ.
આ પ્રક્રિયાનાં કારણો તો મને પોતાને ય બહુ સ્પષ્ટપણે સમજાતાં નથી. એમ લાગે છે કે ઢાંચાઢાળ કથાવસ્તુઓથી હું કંટાળ્યો હતો; એકનાં એક જ બીબાં જે અબખે પડી રહ્યાં હતાં એમાંથી કશુંક અ–રૂઢ આલેખવાની ઝંખના હતી. પણ એવા લેખનપ્રયોગની સફળતા વિશે મનમાં ઊંડેઊંડે થોડી અશ્રદ્ધા હતી. એ અશ્રદ્ધા આ કથાના લેખન મારફત અંશતઃ ઓસરી ગઈ, એ મારે મન બીજા કશા ય કરતાં અદકી મૂલ્યવાન સંપ્રાપ્તિ છે.
અને આવી શ્રદ્ધા પ્રેરવામાં, કથાના હપ્તાવાર પ્રકાશન દરમિયાન ઘણાં નામી–અનામી વાચકોએ આપેલા સથવારાનો હિસ્સો નાનોસૂનો નથી. કથાનું હપ્તાવાર લેખન ‘છાપાળવું’ ગણાય છે. ‘ઉન્નત-ભ્રૂ’ વિવેચકો એને ફરમાસુ માલ ગણીને વાંચવાનો ય ઈન્કાર કરે છે, એ હકીકત મારાથી અજાણ નથી. એકેક હપ્તા માટે યોજાયેલાં કથાનાં પ્રકરણો અને ખંડકોમાં એક પ્રકારની કૃત્રિમતા પ્રવેશી જાય છે. હપ્તાવાર નવલલેખનમાં અસાધારણ સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ ડિકન્સે ફરિયાદ કરેલી કે ‘દરેક હપ્તે મને Elbow space–ભરપૂર જગ્યા—નથી મળતી.’ ઘણી વાર એવું પણ બને કે કોઈ હપ્તો તૈયાર કરતી વેળા લેખક સાવ શૂન્યચિત્ત હોય છતાં તાણીતૂસીને પણ પ્રકરણ તો પૂરું કરવું જ પડે. "ડૅવિડ કોપરફિલ્ડ"માં એક સ્થળે ડિકન્સની આવી સખત કફોડી સ્થિતિ થયેલી એ વાત જાણીતી છે. પોતે સાવ શૂન્યચિત્ત હતો, અને કથાને શી રીતે આગળ ધપાવવી એ અંગે કશું જ સૂઝતું નહોતું. કથાનાયકને એક રાજમાર્ગની એક બાજુની પગથી પરથી સામી પગથી પર પહોંચાડવા સિવાય બીજી કોઈ ગતિ કે પ્રગતિ એ સાધી શકે એમ નહોતો. પણ એટલી નાની-શી ‘ગતિમાં પણ–એક વૃદ્ધાએ આવીને બાળનાયકનો હાથે ઝાલીને એને રસ્તો ઓળંગાવી દીધો—એટલા જ નાનકડા પ્રસંગમાં આખા હપ્તાની પેલી Elbow space શી રીતે પૂરી કરવી ? ડિકન્સે આખરે પેલી પરગજુ ડોસીનું જ વર્ણન કરીકરીને આખો હપ્તો કાંતી કાઢ્યો. અલબત્ત, કથામાં કલાદ્રષ્ટિએ આ એક ઊણપ હતી, કૃત્રિમતા હતી. પણ વિવેચકો કહે છે કે ડિકન્સે આલેખેલી પેલી ડોસીનું હૂબહૂ ચિત્રણ આંગ્લ સાહિત્યમાં ફરી વાર કદી જોવા મળ્યું નથી. કલામાત્ર કૃત્રિમ છે. પણ એ કૃત્રિમતા કેટલી કલાત્મક છે એના ઉપર જ એની જીવાદોરીનો આધાર છે. ડિકન્સની ધારાવાહી કથાનો એકેક હપ્તો વાંચી નાખવાની તાલાવેલિમાં ઇંગ્લેંડના ગ્રામવિસ્તારના વાચકો માઈલો સુધી પગપાળા ચાલીને પોસ્ટ-ઑફિસે જઈ બેસતાં એ ઉપરથી લાગે છે કે પેલી કૃત્રિમતા પણ કલાત્મક હોય તો એની રસનિષ્પાદકતામાં બાધ નથી આવતો.
‘લીલુડી ધરતી’ ના આલેખન દરમિયાન વાચકોએ આપેલો સથવારો મારે માટે તો પ્રોત્સાહક બનવા ઉપરાંત શિક્ષણાત્મક પણ બની રહ્યો છે. અલબત્ત, આવા પ્રોત્સાહનથી બેહદ પોરસાઈ જવાના ભયસ્થાન અંગે તો ઉપર નિર્દેશ કર્યો જ છે. અખબારી વાચકોના અભિપ્રાયો, એમના ગમા-અણગમા કે સલાહસૂચનોને વધારે પડતું મહત્વ આપી બેસીને એમાંથી માર્ગદર્શન મેળવવાની હદે જવાના કિસ્સાઓ પણ ભૂતકાળમાં આપણે ત્યાં નોંધાયા છે. મેં આ કથાનો દિશાદોર વાચકોના હાથમાં નથી સોંપ્યો, કે નથી એમની સલાહ સૂચના મુજબ કથાને વળાંક આપવાનો પ્રયત્ન કર્યો. ઘણા વાચકોની ઘણી ઘણી સૂચનાઓ અવગણીને કથાને મારી પોતાની સમજ અનુસાર જ આગળ ધપાવી છે અને પરિણામે કેટલાંક વાચકોને નિરાશ અને બીજા કેટલાંકને નારાજ કર્યાં છે એ બદલ મારે એમની માફી જ માગવાની રહી.
ઉદાહરણ તરીકે, કથાના પહેલાં જ પ્રકરણમાં ગિધા લુહાણા માટેનું ‘લુચ્ચો’ વિશેષણ વાંચીને એક વાચકનો અત્યંત રોષભર્યો પત્ર આવી પડ્યો અને એણે એ વિશેષણ રદ કરવાનું સૂચન જ નહિ, આગ્રહ કરેલો. આરંભિક ચારેક પ્રકરણો પ્રગટ્યા પછી કથાની ખેડુ જીવનની પશ્ચાદ્ભૂ જોયા પછી કેટલાક સાહિત્યરસિકોએ ખેડૂજીવન આલેખવાની મારી પાત્રતા અંગે શંકા વ્યક્ત કરેલી, અને ‘ખેડૂતોનું જીવન આલેખવાનો તમારો અનુભવ શો ? અધિકાર શો ?’ જેવા પ્રશ્નોથી માંડીને ‘હજી ય આ પ્રયત્ન છોડી દો’ જેવી શાણી સલાહ આપેલી; અને આખરે ‘આમાં તમે નિષ્ફળ જશો’, ‘આગલી પ્રતિષ્ઠા પણ ગુમાવી બેસશો’, એવી એવી આગાહી કરેલી.
આવી આગાહીઓને તબક્કે હું પોતે જરા વિચારમાં પડી ગયેલ. બલકે, આરંભેલી કથાની રસજમાવટ અંગે હું જરા સાશંક પણ બનેલો. ગ્રામજીવનની ઘણીખરી નવલકથાઓમાં પણ શહેરીજીવનની કથાઓ જેવો જ જે પ્રણયત્રિકોણ આલેખાય છે, એના ઉપર મેં બહુ મદાર બાંધેલો નહિ. ખેડુજીવનના આલેખનમાં પણ સિનેમાશાહી રોમાન્ચ ઠાંસીઠાંસીને ભરવાની જે ફેશન ચાલી છે એ ‘રોમાંચક રોમાન્સ’નો આ કથામાં છાંટો પણ નહોતો.. દિનરાત કાળી મજૂરીમાં જોતરાયેલાં અભણ શ્રમજીવીઓ કવિ જયદેવને ય ઝાંખો પાડે એવા છલબછલ શૃંગારની ભદ્રવર્ગી ભાષામાં સંવાદો કરે, સિનેમાની શૈલીએ સામસામા duet રચે, એ બધાં આકર્ષણોનો પણ આ કથામાં અંશ સરખો નહોતો. વળી, ગામડું એટલે તો નરી કવિતા જ, એવી બાલસુલભ–અથવા કેવળ કવિસુલભ–મુગ્ધ માન્યતાને તો આરંભથી જ પરહરી દીધી હતી. પ્રયત્ન હતો, નરી વાસ્તવિકતાને સચ્ચાઈપૂર્વક ને વફાદારીપૂર્વક આલેખવાનો. આવી નરી વાસ્તવિકતા નીરસ તો નહિ બની રહે ? અથવા તો, વાંચનારને એ વાસ્તવિકતા વસમી તો નહિ લાગે ? ગામડું એટલે તો કિચૂડકિચૂડ કોશ ચાલતા હોય, ગોવાળિયા પાવા વગાડતા હોય, ગ્રામજનો તો ઈશ્વરના અંશ સમા નિષ્કપટ ને પરોપજીવી હોય, નેકીનો ઈજારો તો ગામડામાં જ છે અને બદી બધી શહેરમાં જ જઈ પહોંચી છે, એવી એવી પરંપરિત ભાવુક માન્યતાઓથી સાવ વિપરિત સૃષ્ટિ જ આ કથામાં ૨જૂ થતી હતી. આવી સ્થિતિમાં, આ પ્રયોગ સરેરાશ વાચકવર્ગને કેટલે અંશે જચશે એ અંગે હું વિચાર કરતો થઈ ગયેલો. કથામાં આલેખાયેલી કેટલીક વિષમતાઓ જોઈને એક મુંબઈવાસી શિક્ષિત બહેને ટકોર કરેલી : આ વાર્તાનું નામ ‘લીલુડી ધરતી’ રાખ્યું છે, પણ એમાં લીલાશ જેવું તો કશું દેખાતું નથી. આ તે લીલુડી ધરતી છે કે સૂકી ધરતી ?
સદ્ભાગ્યે, આવા નિખાલસ વાચકોએ જ મને કથામાં વિશ્વાસ પ્રેર્યો. ધારાવાહી કથા લખવાના બીજા ઘણા ગેરલાભ હોવા છતાં એક મુખ્ય લાભ એ છે કે એમાં ક્રમેક્રમે, પ્રકરણે પ્રકરણે વાચકોના પ્રત્યાઘાતો નિયમિત જાણવા મળે છે. અને સભાન વાચકો લખનાર ઉપર પ્રશંસાનાં પુષ્પ વેરીને વારી જ જાય છે એવું નથી; તેઓ કથામાંથી ઝીણામાં ઝીણી ક્ષતિ, અસંગતતા કે અસંભવ્ય દોષ શોધી કાઢે છે અને લખનારાની કાનબૂટ આમળે છે. હપ્તાવાર પ્રકાશન વેળા માંડણનો એક હાથ કોણી સુધી કપાઈ ગયો એમ લખ્યા પછી કાસમ પસાયતાએ માંડણના બંને હાથનાં કાંડાં મુશ્કેરાટ બાંધી દીધાં, એમ લખાઈ ગયું ત્યારે વાચકોએ પસ્તાળ પાડેલી. મુંબઈથી શ્રી. મહાસુખ કામદારે ‘જન્મભૂમિ’ના તંત્રી ઉપર ફરિયાદ લખી મોકલેલી :
મહાશય........ દર ગુરુવારે આપના સુપ્રસિદ્ધ પત્રમાં પ્રગટ થતી ચુનીલાલ મડિયાની ‘લીલુડી ધરતી’નો હું regular વાચક છું. તા. રપ-૪-૧૭ના અંકમાં પ્રગટ થયેલ હપ્તામાં મને લેખકની એક મોટી ભૂલ જણાઈ આવેલ છે તો તેનો ખુલાસો મેળવી મને જવાબ આપવા મે. કરશોજી... ચાલુ વાર્તામાં ગોબરનો ભાઈ માંડણ છે, જેનો એક હાથ ગિરનાર ચડતાં ગોબરને બચાવવા જતાં છરી વાગતાં કાપી નાખવો પડે છે અને તે એક હાથે ઠૂંઠો થાય છે તેમ આવી ગયેલ. પાછા ગઈ કાલના જ પેપરમાં જ્યારે માંડણિયો ગોબરને કૂવામાં પોટાસ પેટવીને મારી નાખે છે, ત્યારે પોલિસ તેને પકડી જાય છે તે વખતે વાર્તામાં છાપેલ છે કે તેના બન્ને હાથનાં કાંડાં મજબૂત રીતે બાંધ્યાં. તો શું આ એક મોટી ભૂલ ન ગણાય ? આટલા પ્રખ્યાત લેખકની આ ભૂલ ચલાવી શકાય એમ લાગતું નથી... યોગ્ય ખુલાસો મળશે કે ? વાચકો તરફથી વધુમાં વધુ ઉગ્ર પ્રત્યાઘાતો ગોબરના મૃત્યુપ્રસંગે જાણવા મળેલા. આ વેળા તો, અખબારી બોલીમાં કહું તો વિરોધનો વંટોળ જ ઉઠેલો. અનેકવિધ આક્ષેપ થયેલા : ‘મડિયા તો પાત્રોને મારી નાખવામાં જ પાવરધા છે...’ ‘વ્યાજનો વારસ’માં પણ રિખવને કથાની શરૂઆતમાં જ મારી નાખેલો.’ વગેરે અભિપ્રાયોથી માંડીને, હવે નવલકથા નીરસ થઈ જશે એવી આગાહીઓ પણ થયેલી, સેમ્યુઅલ સ્ટ્રીટમાંથી એક લાલજીભાઈ નામના વાચકે લખેલું :
"…બીજું, તમે ગોબરને મારી નાખ્યો એ પણ વધુ પડતું છે, કારણ કે વાર્તાનું મુખ્ય પાત્ર મરી જાય એટલે વાર્તામાં ૨સ એાછો થઈ જાય છે. તમારે એને મારી નાખવો જોઈતો ન હતો. બિચારા હાદા પટેલ ત્રણત્રણ છોકરાં છતે નિર્વંશ થઈ ગયા અને આટલી મોટી ઉંમરે ગોબરનું આવું અકાળ અવસાન થતાં એમને કેટલો આઘાત લાગ્યો હશે તેની તો કલ્પના જ થઈ શકતી નથી. તમોએ ગોબરને બચાવી લીધો હોત તો વધુ સારું થાત. ખેર, છેલ્લાં બે પ્રકરણ વાંચીને મને એટલો આઘાત લાગેલ કે બન્ને ગુરુવારે કાંઈ કામ કરવાનું સૂઝતું ન હતું–મગજમાં એ જ બાબત ચક્કર લીધા કરતી હતી…’ વાર્તા–નવલકથા આખરે તો કલ્પક સાહિત્યપ્રકાર છે. બધું જ કલ્પિત, કૃત્રિમ હોય છે, છતાં એ કલ્પનાસૃષ્ટિની જે વાસ્તવિકતા અથવા તો કૃત્રિમતાની પણ જે સચ્ચાઈ–હોય છે એ એનાં પાત્રો સાથેની આત્મીયતા પ્રેરે છે. એવી આત્મીયતાનો એક રસિક અનુભવ શ્રી. નંદલાલ લક્ષ્મીચંદ નામના ભાઈએ કરાવેલો. એમણે લખેલું :
‘…આજથી વાર્તા વાંચી. આખરી અંજામ આજે ઘણો જ ખરાબ આવ્યો ગણાય. માંડણને વિલનનું કામ સોંપ્યું એ ભલે, પરંતુ આવતે અઠવાડિયે ગોબરને એ ખાડામાંથી ઘાયલ સ્થિતિમાં જીવતો કાઢશો. ભલે થોડો ટાઈમ મોટા શહેરના દવાખાના સુધી જવું પડે. પણ માંડણિયાની જે ખરાબ મુરાદ છે કે સંતુને ઘરમાં બેસાડવી–જેથી એણે આ કુકર્મ કર્યું — છતાં એને આ વખતે લાભ ન મળે અને સંતુનું અખંડ સૌભાગ્ય કાયમ રહે, એટલે કે ગોબર જીવતો રહે, એમ કરજો. જોકે તમે તેનો છુટ્ટો હાથ બહાર ફેંકાઈ ગયો એમ લખો છો, તેનો અર્થ એ થયો કે એ ઠૂંઠો થઈ ગયો. પણ હજુ જીવ હોય અને સારી ટ્રીટમેન્ટથી પાછો સાજો થઈ જાય તો આટલું કામ જરૂર કરશો. બાકી તમારી વાર્તા સૌ ભાઈયું હોંશથી વાંચીએ છીએ…’ આવા ‘હોંશથી વાંચનાર’ ભાઈબહેનોને વાર્તાના સુખાંત કે કરુણાંત અંગેના મારા ખ્યાલો કથાને મઝધારે સમજાવવા જેટલો એ વેળા આવકાશ નહોતો રહ્યો. પણ માની લઉં છું કે કથાનો ઉત્તરાર્ધ વાંચ્યા પછી એમના મનનું સમાધાન અંશતઃ પણ થઈ શક્યું હશે. એવું એવું ‘સમાધાન’ ન થઈ શક્યું હોય તો એટલી આ સરજતની કચાશ સમજવી.
ગોબરના મૃત્યુ પછી સંતુ ઉપર જે વીતકો વીત્યાં એમાં રહેલી વિધિવક્રતા કેટલાક વાચકોએ પ્રમાણેલી, ત્યારે કેટલાકને એ અસહ્ય લાગેલી. એક વયોવૃદ્ધ વેપારી મારી ઓફિસ શોધતાશોધતા આવી પહોંચ્યા અને રૂબરૂ ફરિયાદ કરી રહ્યા : ‘સંતુને આટલાં બધાં દુઃખ હોય ? હાદા પટેલ જેવા ધરમીને ઘેરે જ ધાડ જેવું કરો છો ? જરાક તો દયા રાખો !…’ એ વૃદ્ધની વેદના જોઈને મને દુઃખ થયું. એમના સાંત્વન ખાતર મેં શેષ કથાનો સાર કહી સંભળાવ્યો. કથા અંતે દેવશીનું પુનરાગમન થનાર છે એવી આગોતરી બાતમી પણ એમને આપી દીધી. પણ કોઈ રીતે એમનો ઉદ્વેગ ઓછો ન થયો. એ તો ફરિયાદ કરતા જ રહ્યા : ‘હવે દેવશી આવે તો ય શું અને ન આવે તો ય શું ! આટલું બધું બગાડી માર્યું. એ હવે કેમ કરીને સુધરે ? બધું બગાડી માર્યું, બધું બગાડી માર્યું…’
આવા આવા અનુભવો થયાં ત્યારે સ્વાભાવિક જ એરિસ્ટોટલે બાંધેલી સૌદર્યદૃષ્ટિની યાદ તાજી થતી રહેલી, કે કોઈ પાત્રને, બિલકુલ અનિવાર્ય હોય એથી વધારે પ્રમાણમાં દુષ્ટ, ખલ કે ખરાબ ન ચીતરવાં. કથાને આરંભે જે કહ્યું છે એ અહીં સ્પષ્ટ કરવા માગું છું કે આ કથામાં કોઈ જ પાત્ર મારે મન નિર્ભેળ ખલ કે નિર્ભેળ દુષ્ટ નથી. જીવો ખવાસ, ઠકરાણાં, માંડણ, નથુ સોની કે અજવાળીકાકી, કોઈ જ નહિ. જિદંગીની શતરંજ પર પોતાની ચાલ એ પાત્રોના હાથમાં નથી, સંજોગોના હાથમાં છે. સમરસેટ મોમના એક પુસ્તકનું શીર્ષક ‘Creatures of Circumstances’ સંજોગોનાં પ્યાદાં-જાણે કે દુનિયાભરની સમસ્ત વાર્તાસૃષ્ટિનાં પાત્રો માટે યોજાયું લાગે છે.
આ કથા 'હોંશભેર વાંચનાર ભાઈયું'એ આરંભથી અંત સુધી સથવારો પુરાવીને પ્રોત્સાહન સાથે કડક શિક્ષણ પણ આપ્યું છે એ બદલ હું એમનો ઋણી છું. એમણે કરેલી ભરપૂર પ્રશંસાની મારા પર કશી અસર નથી થઈ, એમ કહેવા જેટલી અનાસક્તિ હજી હું કેળવી શક્યો નથી. પ્રશંસાત્મક પત્રો વાંચીને મારો લેખનઉમંગ અને આત્મવિશ્વાસ વધતો રહ્યો છે, અને સાથે સાથે એક હકીકતનું ભાન પણ થતું રહ્યું છે, કે લખાણ જરાક જ સારું હોય તો વાચકો એને માથે ચડાવી લે એટલા ઉદાર હોય છે, કાવડિયાંની સરખામણી કદી રૂપિયાને લેખે કરતા હોય છે. આવો અનુભવ થાય ત્યારે લખનાર વિશેષ જવાબદારીનું ભાન કેળવે તો એ એના પોતાના જ લાભમાં છે. અને તેથી જ કથાને અંતે આ વાચકોને જે અસંતોષ રહી ગયો છે એમને અનુલક્ષીને થોડું નિવેદન કરવું આવશ્યક લાગે છે. છેલ્લા પ્રકરણને અંતે જે તે પાત્રોનાં જીવનનાં 'સમાપન' નથી થયાં એ અંગે સતત પૂછગાછ થઈ રહી છે. આવા વાચક મિત્રોના આશ્વાસન ખાતર એટલું સ્પષ્ટ કરવા માગું છું કે છેલ્લું પ્રકરણ લખી નાખ્યા પછી પણ આ કથાના પ્રવાહ મારા મનમાં સતત રમી રહ્યા છે, દૂર દૂર વિસ્તરી રહ્યા છે. કોણ જાણે કેમ પણ આ કથાની પાત્રસૃષ્ટિ હજી ચિત્તમાંથી ખસતી જ નથી. અત્યારે તો લાગે છે કે આવા બે-ચાર કે એથી વધારે ખંડોમાં હજી આ કથા વિસ્તરશે. પણ કયારે ? ન જાને !
ચુ. મ.
અગર જો આપ ચાહતા હો કે, ગુજરાતીમાં પ્રગટ થઈ રહેલાં નીતનવાં ઉત્કૃષ્ટ પુસ્તકો વિષે આપને નિય- મિત માહિતી મળતી રહે, તો એ તો આપને માટે ઘણું જ સરળ છે.
અગર જો આપ ચાહતા હો કે, ગુજરાતીમાં પ્રગટ થઈ રહેલાં નીતનવાં ઉત્કૃષ્ટ પુસ્તકો વિષે આપને નિય- મિત માહિતી મળતી રહે, તો એ તો આપને માટે ઘણું જ સરળ છે. ગુજરાતી ભાષામાં પ્રગટ થતાં છેલ્લામાં છેલ્લાં શિષ્ટ અને સુગંધદાર પુસ્તકોની સૂચિ અમે આપને પ્રતિ- માસ ઘરબેઠે પહોંચતી કરીશું........ બસ, આપ આપનું પૂરેપૂરું નામ– સરનામું અમને મોકલી આપો..............
નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ–૨. દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧ Liludi Dharti2.pdf