શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૩૨. નવ ક્ષારબિન્દુઓ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૨. નવ ક્ષારબિન્દુઓ|}} <poem> <center>'''૧'''</center> સ્તબ્ધ સમય, સ્થગિત નજર,...") |
(No difference)
|
Revision as of 14:03, 7 July 2022
સ્તબ્ધ સમય,
સ્થગિત નજર,
હાથ – એક ખાલીપો,
વાંસળીમાં રૂંધાય એક ફૂંક,
વરતાય શ્વાસોચ્છ્વાસે
પોતાના જ હોવાનો દબાવ :
આંખથી સ્રવે આસમાની ભીનાશ!
વેઠાતી નથી
આ સ્રવતી ભીનાશની ખલેલ
વેઠાતી નથી.
મુઠ્ઠી વાળું,
પોપચાં ઢાળું,
હોઠ પીસું,
હાથ ભીંસું,
આ તટે થરથરતી એક વાદળી;
ઓ તટે ગાજવીજ અંદરની!
આ આવે મોજાં.
ખડકે ખડકે ઊઠતાં, અમળાતાં, ધસમસતાં…
આ… આ… ટકરાય મારી હોડીના તળિયે…
સઢ પણે છે, કૂવાથંભ અહીં;
એક હલેસું પેલી ગમ, બીજું આ ગમ.
હવે તો ચિરાયેલી હોડીમાં ખડો છું – ખુલ્લી છાતીએ,
જોઉં છું : હું બાથમાં લઉં છું ખડકને
કે ખડક બાથમાં લે છે મને?
વર્ષોનો હિસાબ મસમોટા શૂન્યમાં.
શેની વાળતા’તા ભાઈ, ગાંઠો
ને શેની બાંધતા’તા ગાંસડીઓ?
કેટલાં વરસ ગબડી ગબડીને
ગોળ થઈ ગયાં તમારામાં?
હવે ગબડવું નથી વરસોના હિસાબે!
જલના નાના-શા ટીપાનેય પાંપણ લગી
ગબડવા દેવું નથી મારે.
ભલે, જલના અભાવે
તરડાયેલી માટીમાં હુંયે તૂટતો જાઉં.
શ્વાસ-ઉચ્છ્વાસે ઊતરે છે એક કરવત
અંદર
ઊંડે ને ઊંડે.
વહેરામણે ભરાય છે આંખો
ને ધૂંધળુંધૂસર થવા માંડે છે મારી આસપાસ અવકાશ!!
હવે તો મારી ડાળેડાળ પાનફૂલફળ વિનાની!
હવે તો જે રહ્યાંસહ્યાં પંખીઓ તેય ટહુકા વિનાનાં!
વેરણછેરણ નીડનાં તણખલાં ગદાયાં કરે છે મનને,
હાલતાં ને ચાલતાં…
થોડું થોડું લોહી ફૂટે,
થોડાં થોડાં આંસુ છૂટે,
તો થવાય તે કંઈક હળવા?
સંબંધોની શૃંખલા તૂટેલી,
લાલચોળ સળિયાઓની પાછળ હું!
કોઈક મુશ્કેટાટ બાંધવા કરે છે અવકાશને,
– ઉજાશને.
એકલતાની લાચાર દૃષ્ટિ!
નિઃસહાય અંદરની સૃષ્ટિ!
કશુંક અડે છે ક્યાંકથી
ને ઝાળ ઝાળ ઊઠે છે સર્વત્ર!
અવાજ ઊછળી શકતો નથી.
બિડાવા કરતાં પોપચાંમાં ઉજાગરાની આગ,
સૌ શાંત!
હું જ એક અશાંત!
પાતાળકૂવાને કાંઠડેય મારે તો જલ પીવાના દોષ!
મારે તો ઝાંઝવાં જોતાં જોતાં હસી દેવાનું.
– રહીસહી આંખની ભીનાશમાં.
ખતમ થવાનો ખેલ હવે કેટલોક લંબાશે?
આંખને હજુ શું જોવાનું હશે?
શું સાંભળવાનું હશે કાનને?
જ્યાં કશું જ નથી ત્યાં સ્પર્શવાનું કોને?
એક ભડભડાટ!
એક ફડફડાટ!
ગોળ ગોળ ઘૂમતું રહ્યું છે એક અલાતચક્ર
– અંદરથી બહાર, બહારથી અંદર.
કહે છે કે ઘાટ ઊતરવાનો છે…
તો તો આ નીંભાડોય બિલકુલ તૈયાર જ છે,
ઘાટ ઊતર્યાની જ વાર…!
પીઠ પર સતત લદાયા કરતો ભાર!
કરોડરજ્જુને ટટાર રાખવાનું કેમ બનશે?
ઠોકર લાગી કે પોટકું હેઠે!
ફસકેલા પોટકામાં ચીંથરાં વિના છેય શું?
સુક્કાં પાન ને તરડાયેલાં ગાન!
હવાનેય મજા આવતી નથી આ પાન ખડખડાવવામાં.
ચાલો, આપણે સમયસર હોલવાઈ જઈએ,
જેથી ગાન શોધવા આવનારને જડીએ જ નહીં!
ક્યાં રોકાયું છે કોઈ?
રસ્તાએ ચાલતી પકડી
ને પગલાં અહીં પડ્યાં પડ્યાં કણસે પારાવાર!
કેટકેટલું ફોગાઈ ચાલ્યું ભીતરના ભેજથી!
હવે તો સ્વપ્નાંય છેતરે છે ને દિશાઓ પણ!
આપણે હવે જ્યાં થોડુંક ઊભા રહી શક્યા,
ત્યાં જ મૂળ નાખીએ…
પણ… પ…ણ…
માટીના થર તળે તો લાવા ખળભળે છે!
થોડુંક થોભી જોઈએ…
પણ આ હાડચામનો તે શું ભરોસો?
આ લાવામાં ભળી જાય ને
આપણે એક જ ચીસમાં
એમ જ છૂટી પડીએ…
ઘણુંઘણું હતું ને આ ક્ષણે કશું જ નહીં!
નરી સ્તબ્ધતાનું શીતાગાર!
અંદર આગ, બહાર હિમ!
આટઆટલી ખારાશ એકસામટી ક્યાંથી ઊમટી મારામાં?!
આંખો કોરીકટ.
સમુદ્ર તો નાખી નજરમાં ક્યાંયે નહીં!
આપણે તો આ ઊખડેલી છત સામે તાકીએ છીએ :
એક વાદળી આવવામાં છે…
વાદળી તો આવતાં આવશે,
ધુમ્મસ આવી લાગ્યું છે…
ને મેં હળવેકથી આકાશ છોડીને
મૂકી દીધું છે એક રેતાળ હથેલીમાં.
(પડઘાની પેલે પાર, ૧૯૮૭, પૃ. ૪૭)