વ્યાજનો વારસ/બાળા, બોલ દે !: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|બાળા, બોલ દે !|}} {{Poem2Open}} સંગા સંગા ભોરણિયાં... ને કોટે બાંધ્યાં...")
(No difference)

Revision as of 08:11, 8 July 2022


બાળા, બોલ દે !

સંગા સંગા ભોરણિયાં... ને કોટે બાંધ્યાં તોરણિયાં...  તા... થૈ... થ... તા... થૈ… તાળીગર ટોળે મળ્યા, ભૂંગળિયાં બે જોડ; ભૂંગળિયાં બે જોડ કે પાસે રંગલો ઊભો રહ્યો...  ભોં... ભોં... ભોં ...ઓ... ઓ...

જસપરના પાદરમાં સમી સાંજથી તાળીગર લોકોને ભેગા કરવા માટે આવાં જોડકણાં ઉચ્ચારતા અને ભૂંગળ વગાડતા ભવાયાઓ પટ બાંધીને પડ્યા છે. ગામ આખાનાં છોકરાંની ભૂંજાર વાળુ કે કરીને તેમ જ વાળુ કર્યા વિના પણ ખડે પગે અહીંથી ખસતી નથી. પંથકભરમાં નામી બનેલ ભવાયાઓ આજે રમવાના છે. એ રમનારાઓની શક્તિઓ અને અનેક અત્યુક્તિભરી વાયકાઓ પ્રચલિત બની છે : પેટ વચ્ચોવચ કેરીની ગોટલી વાવીને આંખો ઉગાડી દિયે અને પ્રેક્ષકોને કેરીનાં ચીરિયાં કરી કરીને ચખાડે; એનો નાયક માતાનો ઉપાસક છે તેથી તલવાર વડે પોતાનું માથું ઉતારી લે છતાં એનું ધડ ચાલતું ચાલતું ફૂવેથી પાણીનો ઘડો સીંચી લાવી આપે... આવી રંગદર્શી વાતોથી આકર્ષાઈને ગામ આખું આજે વેશ જોવાને અધીરું બન્યું છે. પદ્મકાન્ત પાંચ વર્ષનો થયો હોવા છતાં હજી એને ઘડી વાર પણ રેઢો મૂકવામાં નથી આવતો. રઘી એની ધાવમાતા ઉપરાંત રખેવાળણ તરીકેની ​ ફરજ પણ અદા કરે છે. રિખવ કરતાં પણ પદ્મકાન્તની જિંદગીની વધારે કાળજી લેવાય છે, વધારે સાવચેતી અને તકેદારી રખાય છે; કારણ કે રિખવના સમયમાં કુટુમ્બના દુશ્મનોની જે સંખ્યા હતી, એમાં પદ્મકાન્તના સમયમાં વધારો થયો છે. આ સહુ દુશ્મનો સામે વ્યાજના વારસને ટકાવી રાખવા માટે નંદન ઈંડાંની જેમ પદ્મકાન્તનું સેવન કરી રહી છે.

તેથી જ, જ્યારે ભૂંગળિયાઓનાં ભૂંગળ, રંગલાનાં ટોળટીખળ અને છોકર–ભૂંજારની હસાહસ સાંભળીને પદ્મકાન્તે પાદર જવાની હઠ લીધી ત્યારે નંદને ના પાડી !

બીજી બાજુ ચતરભજ ધૂંધવાઈ રહ્યો હતો. અમરત આટલી હદે જઈને પોતાને છેહ દેશે એમ એણે નહોતું ધાર્યુ. ફૂલ ડુબાડીને પથ્થરને તરાવવા જેવું ભગીરથ કાર્ય પાર પાડવામાં પોતે મૌન જાળવીને અમરતને સહાય કરી હતી. પોતે મૌન ન જાળવ્યું હોત તો અમરતની બધી બાજી ઊંધી વળી હોત અને ફજેતીના ફાળકા થયા હોત, પણ આજે અમરત એ બધું ભૂલી ગઈ લાગે છે. એનું મગજ ફરી ગયું છે કે શું ? ઓધિયાને જાકારો આપીને આ સૂતેલા સિંહને એ કાં જગાડે છે ? આ ચત૨ભજ વીફરશે તો અમરતની ખાનાખરાબી કરી નાખશે. ગંજીપાનાં પાનાં ગોઠવીને ઊભા કરાયેલ એકદંડિયા મહેલને આ મુનીમ એક ફૂંક ભેગો ઉડાડી મૂકશે.

એ પદ્મકાન્ત શેઠ ! અમરતે ઊભું કરેલું બનાવટી ઢીંગલું ! દુનિયા પણ આંધળી જ છે ને ! ઊગતાને પૂજવા સિવાય કશી ગતાગમ એને નથી, પદ્મકાન્ત શેઠ આજે પાંચ વરસના થઇ શક્યા એ પણ મારા મૌનના પ્રતાપે. મેં ધાર્યું હોત તો તે દિવસે જ ‘પદ્મકાન્ત’નાં મોરપીંછ ખેંચી કાઢીને સાચા ‘પસિયા’ કે ‘પમલા’ને છતો કરી દીધો હોત ! પણ હું ઓધિયા સારું મુનીમપદું ​ મેળવવાના લોભમાં પડ્યો ને આજે આ સ્થિતિ આવીને ઊભી રહી. હવેલી લેવા જતાં ગુજરાત ખોવા જેવો ધંધો થઈ ગયો.

દલુને મોઢે ઓધિયાએ ઉચ્ચારેલ મર્મ વાક્યોએ અમરતને પણ ચિન્તાતુર કરી મૂકી હતી. જે હકીકત આ દુનિયામાં અમરત અને ચતરભજ સિવાય બીજું કોઈ નહોતું જાણતું એ ભેદ ઓધિયાને પણ જાણવા મળ્યો છે, એમ સમજાતાં અમરત ગભરાઈ ગઈ હતી : આજે તો ઓધિયાએ દલુને મોઢે એ મર્મ ખોલ્યો, પણ સવારે ઊઠીને કોઈ ત્રાહિત વ્યક્તિને કાને વાત જાય તો ?...

‘…હજુ પણ ઓધિયાને મનાવીને પાછી પેઢીને ઉંબર ચડાવી દઉં તો ? હજુય ચતરભજને રીઝવી લઉં તો ? એ પણ ભારે ભૂંડો છે. ભૂંડા માણસની પાનશેરી ભારે…’

અમરત આવી ગડમથલ અનુભવી રહી હતી ત્યારે જ પદ્મકાન્તે ભવાઈનાં ભૂંગળ સાંભળીને પાદર જવાનું વેન લીધું.

નંદને દીકરાને બહુ બહુ ફોસલાવ્યો, પટાવ્યો, વાર્યો, પણ પદ્મકાન્ત એકનો બે ન જ થયો. છેવટે, દીકરાને રડતો છાનો રાખવા માટે રઘીને સૂચના આપવામાં આવી કે પદ્મકાન્તનું વેન ભાંગવા માટે એને એકાદો વેશ દેખાડીને તરત પાછો તેડી આવે.

પાદરમાં હકડેઠઠ્ઠ પ્રેક્ષકોનો ડાયરો જામ્યો છે. સવારે સૂરજ મહારાજનાં દર્શન થયા પછી જ આટોપાનારી રમતના રસિયાઓએ ખાટલા ઢાળીને માથે ધડકીઓ પાથરી દીધી છે. ચારે બાજુના પંથકમાંથી માણસો ચાલતાં તેમ જ ગાડાં જોડીજોડીને આવી પહોંચ્યાં છે. જુવાનિયાઓ સારોસવાર જાગતા રહેવા માટે ગડાકુ – તમાકુના જોગ કરી રહ્યા છે. જુવાન વહુવારુઓ આજે વહેલાં વહેલાં કામ આટોપીને જૂઠણ ને સૂઘરીના વેશ જોવા આવી પહોંચી છે.

રઘી પણ રડતા પદ્મકાન્તને છાનો રાખવા માટે લોકોના ટોળા વચ્ચે આવી બેઠી ત્યારે દૂર પુરુષવર્ગમાં બેઠેલ એક આદમીની આંખો પદ્મકાન્ત તરફ ખેંચાઈ અને એક અનેરી ચમકથી ચમકી ઊઠી. ​ ઉગમણા ગોખવાળી અંબા માતાની સ્તુતિ અને ‘મારુજીની ઢોલા’ના ચાર પ્રહરના વર્ણનથી ભવાઈની શરૂઆત થઈ.

પહેલો વેશ દૂંદાળા ને સૂંઢાળા દુઃખભંજણા દેવનો આવ્યો અને ગયો. પછી ટીપણાને બદલે ‘પીટણા’માંથી રાતી રાતી ધીમેલો ને કાળા કાળા મકોડા વાંચીને જોષ જોનાર ભરમા બ્રાહ્મણનો વેશ આવ્યો. આજ દિવસ સુધી કોઈની કન્યા ન પામેલો આ ભટ્ટ ‘કુંવારો જ મરશે, તો મીંદડો થપ અવત૨શે’ એવી ધમકી આપીને ‘જેવા ઉનાળાના તડકા એવા ભટ્ટના મનમાં છે ભડકા.’ એવી કરુણ સ્થિતિનું બયાન આપ્યા પછી ડાયરાને આ ભડકા ઠારવાની આજીજી કરતો ગયો.

નટાવો આવ્યો અને સાવ ટૂંકા મહેનતાણાના બદલામાં ‘ગામનો રાગ, દોગ, તરિયો, ઉધરસ, ઉંટાટી, વા, વાગડ, સાથી, બાળધી તમામ જાજો દરિયાની પેલે પાર.’ એવો આશીર્વાદ આપતો ગયો. કેરબા આવીને નાચતા નાચતા સળી ઉપર થાળીઓ ફેરવવાનો કપરો કસબ બતાવતા ગયા.

પણ હજી પદ્મકાન્તને ઘરભેગો કરવાનું રઘીને યાદ આવતુ નથી.

‘ગોવાલિયર’ સહેરથી ખાસ ગુજરાત દેશ જોવા માટે માણેકચોકમાં આવેલ મિયાં – બીબીના વેશમાં ‘મિયાં, તેરી બાટડી દેખું’ને બદલે શામળિયાએ ‘મિયાં, તેરી ઠાઠડી દેખું’ એવી સસ્તી મજાક પણ કરી લીધી.

રઘીને રસ જામતો ગયો, પદ્મકાન્ત પણ ગેલમાં આવી ગયો.

‘અડેક નંદા, તડેક નંદા, આવે માજન મલપતા, જુવાડ સે, જુવાડ સે, એ માજન આવ્યું, ગામને ડહકો આવટો ઠીયો, જુવાડ સે !’ કરતોકને વાણિયાનો વેશ આવ્યો. રસ્તે જતાં, ફૂટેલ ઘડાનાં, ઠીકરાં ઉપરથી, પાણી ભરવા સંચરેલ પોતાની શેઠાણીનો ઘડો પારખી કાઢનાર આ ઠીકરી – પારેખે પોતાનાં ત્રણ અન્ય ઉપનામો – ​‘અડવો’ ‘તેજો’ ને ‘નાપલો’ની ત્રણે ભૂમિકાઓ ભજવી બતાવી પ્રેક્ષકોને ભારે હસાવ્યા.

રઘીને હવે ઊઠવાનું યાદ તો આવ્યું, પણ હવે એક ઝંડા – ઝૂલણનો વેશ જોઈને ઊઠીશ એમ કરીને બેઠી રહી.

પદ્મકાન્ત રમતો રમતો જરા આગળ નીકળી ગયો.

નંદન બારીએ ઊભી ઊભી વાટ જોતી હતી.

‘દલ્લી શેરથી નીસરી આવ્યા ઊંઝા ગામ, એ લીલુડી ભાંગના ભોગી, મારા છેલ ઝંડા !’ ઉપર તેજા વાણિયણ ઓળઘોળ કરી ગઈ.

પૂરબિયાના વેશમાં હજામને પરણવા તૈયાર થયેલી ગંગા પૂરબિયાણીને નટવાએ ગંગાના શરીરના સઘળા શણગારો દ્વિઅર્થી ભાષામાં પૂછી પૂછીને બીભત્સ રસની પરાકોટિ સાધી અને એ રસના ભોક્તાઓને બેહદ હસાવ્યા.

એ રસાનુભવ માટે જે લોકો આ વેશની જ વાટ જોઈને બેઠા હતા એ સહુ હવે ઊભા થઈ થઈને ચાલવા માંડ્યા.

પણ રઘી હજીય બેઠી રહી; અને આંખમાંથી આંસુ પડાવે એવો પાવૈ – પુરાણનો કરુણ વેશ જોવાનું મન હતું.

પદ્મકાન્તને પણ તોફાન કરવા માટે સંગાથીઓ મળી ગયા હતા. વાટ જોઈ જોઈને નંદન થાકી ત્યારે પદ્મકાન્તને તેડવા બહાવરી બનીને પાદર તરફ આવવા નીકળી.

રમવાવાળાઓએ ભારે રસ–જમાવટ કરી હતી.

રાત ભાંગતી જતી હતી.

પાટણવાડા પ્રગણાને ગાંગો નામે ધર્મશીલ રાજા એને ઘરે ગુણસુંદરી નામે નિઃસંતાન રાણી. એમને ત્યાં ગંગા નામે ગાય અને વછરાજ કરીને વાછડો. ગુણસુંદરી આ વાછરુ ઉપર પુત્રવત્ વાત્સલ્ય રાખીને રોજ ઊઠીને એને ચૂમી ભરે. એક દિવસ ગાંગો ગામેતી ચોરે ડાયરો ભરીને બેઠા છે. ખોબે કસુંબા ઊડી રહ્યા છે. એવામાં ગંગા તથા વછરાજને ડચકારતો ડચકારતો ગોવાળ નીકળ્યો. ​રાજાએ ડાયરાને પૂછ્યું કે વછરાજને વડાર્યો હોય તો ગોધલો કેવોક થાય ? સાંભળીને સભાજનોને અરેરાટી છૂટી : ‘બાપુ, તમારા દીકરા સમાણા વછરાજ માટે આવું ન બોલો !’……

પદ્મકાન્તને કાંઈક લાલચ આપીને એક વ્યકિત એને દૂર લઈ ગઈ.

…રાજાએ તો સભાજનોની પરવા કર્યા વિના વાઘરીઓને બોલાવીને, ભાંભરડું જરાય બહાર ન સંભળાય એમ છુપી રીતે વછરાજને વડરાવ્યો…

પદ્મકાન્ત પૂછતો હતો : ‘મામા, મને ક્યાં લઈ જાવ છો ? જવાબ મળતો હતો : ‘બેટા, તારે ઘેર લઈ જાઉં છું. તારી બા તને બોલાવે છે.’

રઘી એક ધ્યાને આ કરુણ રસનું પાન કરી રહી છે.

...વછરાજ તો પીડા સહન ન થવાથી ખીલા ઉપર માથાં પછાડી પછાડીને મા માટે ઝૂરતો ઝૂરતો મરી ગયો. સાંજ પડી ને ગો–ધણ પાછાં વળ્યાં. ગંગા ખીલે આવીને વછરાજને ધવડાવવા દોડે છે ત્યાં તો વછરાજને મૂએલો દેખીને પોતે પણ માથું પછાડી પછાડીને મરી ગઈ....

ધાવમાતા રઘીના હૃદયમાંથી એક આછી અરેરાટી નીકળી ગઈ.

સાંજે રોજને રાબેતે રાણી ગાય–વાછડાના દર્શને આવી ત્યાં તો મા–છોરુને મરેલાં દીઠાં......

નંદન પાદરમાં આવીને પદ્મકાન્તની ગોત કરવા લાગી.

થોડે દૂર અંધારામાં જઈને પદ્મકાન્તે કાળી ચીસ પાડી. પણ તરત એને મોઢે ચસચસાવી ફાળિયાનો ડૂચો દેવાઈ ગયો. ડૂચો દેનાર માણસે બાળકનો ટોટો પીસીને પ્રાણ લીધો.

...ગાય-વાછડાને મરેલાં દેખીને ગુણસુંદરી તો કપાત કરવા લાગી. મહેલમાંથી રાજાની કટાર લાવીને વછરાજ સન્મુખ રાણી બોલી : હે ભગવાન, જો મેં એકનિષ્ઠાથી પતિવ્રત પાળ્યું હોય ​અને વછરાજ પ્રત્યેનો મારો પ્રેમ શુદ્ધ હોય તો આવતે ભવ વછરાજ મારે પેટે પુત્ર થઈને અવતરજો !… એનો વધ કરનાર – કરાવનાર વાંઝિયો ને વળવળતો જાજો !.... ને એને દીકરીએય દીવો ન રેજો ! એની સાત પેઢીનું સત્યાનાશ થાજો !’ આમ શાપ આપીને ગુણસુંદરીએ પેટમાં કટારી ખોસીને પ્રાણઘાત કર્યો....

નંદને વ્યાકુળ બની બૂમ પાડી.

‘પદ્મકાન્ત ! પદ્મકાન્ત !’

રઘી ચમકી, પડખે જોયું તો પદમ શેઠ ન મળે ! એ તો બેબાકળી ઊભી થઈને પદ્મકાન્તની ગોતાગોત કરવા લાગી.

નંદન રઘવાઈ બની ગઈ.

વેશ વેશને ઠેકાણે રહ્યો. ભવાઈમાં ભંગાણ પડ્યું.

ઓળખીતા પારખીતા સહુ પદમ શેઠની શોધ કરવા મંડી પડ્યા.

અમરતને ખબર પહોંચતાં એ પણ દોડતી આવી પહોંચી અને આવતાવેંત રઘીને ચાર લાફા ચોડી કાઢ્યા. બોલી :

‘રાંડ લુચ્ચી, તેં જ પદમને ક્યાંક સંતાડ્યો છે ! ગોતી કાઢ, નહિતર રાઈ રાઈ જેવડા કટકા કરીને ભોંયમાં ભંડારી દઈશ !’

વેશ રમનારાઓ ઉપર લાકડીઓની રમઝટ બોલી, પોલીસે તરગાળાઓના ગાભેગાભા વીંખી નાખ્યા. એક એક કોથળા ને ગંધાતાં પોટલાં ચૂંથી જોયાં પણ ક્યાંયથી પદ્મકાન્તનો પત્તો ન લાગ્યો.

રઘવાઈ નંદનનું બાવરાપણું ગાંડપણમાં ફેરવાઈ ગયું.

સવારોસવાર ગોતાગોત ચાલી. મશાલો પેટાવી પેટાવીને ગામની એકેએક ગલીકૂંચી ને ગઢ–ગોખથી માંડીને ગમાણો સુધ્ધામાં શોધી વળ્યા.

‘છેવટે મોં–સૂઝણું થતાં, ઢોરને પહર ચરાવીને પાછા વળતા એક ભરવાડે સમાચાર આપ્યા કે ઉગમણી સીમના આડા સગડ ઉપર મોઢે ફાળિયાનો ડૂચો દીધેલ એક છોકરો સૂતો છે.

રાતે વેશમાં પડેલા ભંગાણને કારણે અધૂરા મૂકેલ ગીતની ​લીટીઓ ગાયકો સવારમાં ગણ ગણતા હતા :

તારી હથેળી ઝબૂકે હીરા હેમની રે.... બાળા, બોલ દે ! તારી માતા પૂછે કુશળ–ખેમની રે.... બાળા, બોલ દે ! રોજ ને રોજ માગતો તું સુખડી રે.... બાળા, બોલ દે ! આજે કેમ ન લાગી તુંને ભૂખડી રે.... બાળા, બોલ દે !

મરેલા દીકરાને મોંએ દીધેલો ડૂચો જોઈને નંદને ધડ, ધડ, ધડ, જમીન માથે માથાં પછાડ્યાં.

*