શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૯૩. તેં તો મને...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૯૩. તેં તો મને...|}} <poem> તેં તો મને હડસેલો દઈને ફંગોળ્યો આ ઊંડા...")
(No difference)

Revision as of 12:12, 11 July 2022

૯૩. તેં તો મને...


તેં તો મને
હડસેલો દઈને ફંગોળ્યો આ ઊંડા કૂવામાં
પણ પંડને તરતું રાખવા
જીવ પર આવીને
પાણી સામે ઝૂઝવું તો મારે જ પડે છે હવે.

તું ભલો તો ખરો જ,
મને ફંગોળતાં પહેલાં
મારી કૅડે મજબૂત દોરડું તો તેં જ બંધાવી રાખેલું.

પણ ક્યાં સુધી ડૂબકાં ખાતાં
આ કૂવાના પાણીમાં
મારે કર્યા કરવાની છબાછબ ને ધબાધબ?

મારી જાતને આમ તરતી રાખવાનોયે
થાક લાગે છે મને!
કાં તો તું હવે ખેંચી લે તારી કને ઉપર મને,
અથવા મને ડૂબવા દે અહીં ડુબાય એ રીતે…
તું મને દરિયાના મોજે ઉછાળ
કે મને વંટોળિયાના માથે ચડાવી ઉડાડ
પણ આમ મને રાખ નહીં
કૂવાના પાણીમાં છટપટાહટ કરતો…

જે દોરડે બાંધીને મને ફંગોળ્યો
એ જ દોરડે ખેંચીને બહાર કાઢવાનો છે મને;
તેં જો મને દાવ દીધો
તો હવે તારે નહીં લેવાનો?

૧૪-૭-૨૦૦૫

(ભીની હવા ભીના શ્વાસ, ૨૦૦૮, પૃ. ૨૪)