શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/ઝાંઝરભાઈને જડ્યા પગ…: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|ઝાંઝરભાઈને જડ્યા પગ…|}} {{Poem2Open}} સવારનો પહોર. મીઠી મીઠી હવા. બ...") |
(No difference)
|
Revision as of 15:48, 12 July 2022
સવારનો પહોર. મીઠી મીઠી હવા. બેબીબહેન તો સૂરજમુખીની જેમ ઊઠી ગયાં. ઊઠ્યાં એવાં દોડ્યાં બહાર, ફરવા. રસ્તો ધૂળિયો પણ ચાલવાની મજા પડે એવો. બેબીબહેન તો ધૂળમાં પગલીઓ પાડતાં જાય ને એ પગલીઓ જોઈ મનમાં રણઝણતાં જાય. ધૂળમાંની પગલીઓ કેવી સુંદર લાગે છે! જાણે પાનખરની ડાળી પર લીલાં લીલાં પાન! બેબીબહેનને તો ધૂળમાંની પગલીઓ ગણવામાં જ ભારે રસ પડ્યો. એવામાં એમને થયું: ‘ક્યાંક કોઈક છાનું છાનું રુએ છે! કોણ હશે એ?’
બેબીબહેને તો એમની આંખો ચારેય તરફ ફેરવી, પણ રોનારું દેખાયું જ નહીં. થયું: ‘આ તો અમસ્તું જ મને થયું. રોનારું કોઈ છે જ નહીં; ચાલ, પાછી વળું.’ ને એમ કરીને બેબીબહેને તો પાછાં વળવા પગ ઉપાડ્યા, ત્યાં જ ધૂળમાંનું કોઈ જાણે એમના પગને વળગી પડ્યું. તેમણે ઝીણી નજરે એકેએક પગલીઓ જોવા માંડી, તુરત પકડાયું. દૂરની એક પગલી પાસે ઝાંઝર પડેલું. અસ્સલ ચાંદીનું. ચમકારા કરતું. એની ઘૂઘરીઓય ઝાકળનાં ટીપાં જેવી ચમકતી — રૂપાળી! બેબીબહેને જોયું કે રોવાનો ઝીણો અવાજ પેલા ઝાંઝરમાંથી જ આવતો હતો. બેબીબહેન તો હળવે હળવે એ તરફ ગયાં; નીચાં વળ્યાં ને ઝાંઝરને રોતું જોઈ તેને નાજુક હથેળીથી પંપાળતાં કહેવા લાગ્યાં: ‘ઝાંઝરભાઈ! શા માટે રડો છો? રડો નહીં.’ ઝાંઝરભાઈ તો રોતાં રોતાં કહે: ‘મારે નાચવું છે.’
‘તે નાચો ને! કોણ રોકે છે તમને? જુઓ ને, પેલું ઝરણુંયે નાચે જ છે ને?!’
‘તે ઝરણું કંઈ એમ જ નાચતું નથી. પથ્થરો વચ્ચેથી વહે છે તેથી નાચે છે!’
‘તો કહું, ઊભા રહો! તમે પેલા થનગન થનગન મોરની જેમ નાચો તો? બહુ મજા પડશે.’
‘એ ખરું, પણ… પણ મોરને તો પગ છે તેથી એ નાચે છે!’
‘તો… હા… બરોબર, તમે એમ કરો, કોઈના પગમાં બંધાઈ જાઓ તો? પગ ચાલે ને તમે ઝણકો, પગ નાચે ને તમેય નાચો.’
‘વાહ! વાહ! બહુ મજાની વાત! પણ એવા પગ લાવવા ક્યાંથી? કહું, બેબીબહેન, મને તમારા પગે જ બંધાવા દો તો!’
‘તો… લો… આ રહ્યા મારા પગ!’
બેબીબહેને તો એમના નાજુક નાના પગ લંબાવ્યા, ઝાંઝરભાઈ તો ઝપ ઠેકડો મારતાક ને એમના પગમાં બંધાઈ ગયા.
બેબીબહેન તો ઠેકડા ભરતાં જાય. ઝાંઝર ઝણકાવતાં જાય ને ગાતાં જાય…
‘ઝાંઝરભાઈ, મારા ઝાંઝરભાઈ,
પગલીમાં રૂમઝૂમ ઝાંઝરભાઈ,
ઝાંઝરભાઈનો રૂડો હો સંગ,
ચાલવામાં ખૂબ ખૂબ આવે ઉમંગ!
ઝાંઝરભાઈ, મારા ઝાંઝરભાઈ!
પહાડો ચડશું ને ઊતરશું ખાઈ;
વીંધીશું વન, અને ભેદીશું રણ,
નાચીકૂદીને બસ, રહેશું પ્રસન્ન!’
બેબીબહેન તો પછી રૂમઝૂમ રૂમઝૂમ ત્યાંથી નીકળ્યાં ને રસ્તોય એમની પાછળ પાછળ ક્યાંય સુધી રૂમકતો-ઝૂમકતો રહ્યો.