સાહિત્યચર્યા/સર્જકની સ્વતંત્રતા: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સર્જકની સ્વતંત્રતા|}} {{Poem2Open}} સ્નેહી ભાઈશ્રી, ઉત્તર હિંદની ક...") |
(No difference)
|
Revision as of 09:08, 14 July 2022
સ્નેહી ભાઈશ્રી, ઉત્તર હિંદની કોઈ સાહિત્યસંસ્થાએ ‘સર્જકની સ્વતંત્રતા’ પર એક સંવિવાદ યોજ્યો છે. એમાં ઉપસ્થિત થવાનું તમને આમંત્રણ છે. એ જાણીને બહુ આનંદ થયો. પણ તમને અનુકૂળતા નથી એટલે તમે એનો અસ્વીકાર કરશો એ જાણીને સહેજ નિરાશ થયો. અલબત્ત, એક સર્જક તરીકે તમને એમ કરવાની સ્વતંત્રતા છે પણ તમને એનો સ્વીકાર કરવા જેટલી અનુકૂળતા સાંપડી રહો એવી મારી પ્રાર્થના છે. કારણ કે અત્યારે દુનિયામાં તેમ જ દેશમાં મનુષ્ય માત્રની અને તેમાંયે ખાસ તો સર્જક જેવા સૌ સાચા પ્રમાણિક બુદ્ધિજીવીઓની સ્વતંત્રતા જેટલી જોખમમાં છે એટલી જવલ્લે જ કોઈ જમાનામાં હતી. આશરે અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીસે સોક્રેટીસનો નાશ કર્યો હતો, એમના વિચારોનો નહિ. (મહત્ત્વ વિચારોનું છે, વ્યક્તિનું નહિ એવું એમનું મંતવ્ય હશે માટે જ સોક્રેટીસે વિષના પ્યાલાનો સાભાર અને સહર્ષ સ્વીકાર કર્યો હશે ને?) સોક્રેટીસ મર્યા, એમનો આત્મા જીવ્યો. ગ્રીસમાં એટલી લોકશાહી હતી. પછી કહે છે કે વચગાળાની વીસ પચીસ સદીઓમાં માનવજાતે મહાપ્રગતિ કરી છે. ૨૦મી સદીના આરંભે ઇંગ્લેન્ડમાં બેચાર શબ્દપ્રયોગોને કારણે જેઈમ્સ જોઈસનો પેલો પ્રસિદ્ધ વાર્તાસંગ્રહ ‘ડબ્લીનર્સ’ દસેક વર્ષ લગી પ્રકાશકોએ પ્રકટ કર્યો ન હતો. અમેરિકામાં ‘યુલીસીસ’ પર અશ્લિલતાના આરોપસર આરંભમાં પ્રતિબંધ હતો. વળી અમેરિકામાં હેન્રી મીલરની કેટલીક નવલકથાઓ પણ પ્રકાશકોએ પ્રગટ ન કરી એથી લોરેન્સની નવલકથાઓની જેમ પેરિસથી એમનું પ્રકાશન કરવું પડતું હતું. છેલ્લા દસકામાં પણ ઓરવેલની કટાક્ષકથાઓનો અમેરિકાના અનેક પ્રકાશકોએ અસ્વીકાર કર્યો હતો. આપણા યુગનું લાંબામાં લાંબું કાવ્ય ‘પીસાન કેન્ટોઝ’ રચનાર કવિ ઍઝ્રા પાઉન્ડને આજે પણ ત્યાં વોશીંગ્ટનમાં કેદ કર્યા છે. ૧૯૩૩ પછી જર્મની અને ઈટલીમાં હીટલર અને મુસોલીનીના આગમનથી ત્યાંના અનેક સર્જકોને જન્મભૂમિમાં જીવવું શક્ય જ ન હતું. ૧૯૩૫માં સ્પેઈનના આંતરવિગ્રહ સમયે ફ્રાંકોની સરમુખત્યારશાહીમાં લગભગ એકેએક સર્જકે સ્વેચ્છાએ દેશત્યાગ કર્યો હતો અને એટલેન્ટિકની પેલી પાર નવું વતન વસાવ્યું હતું. ૧૯૩૯ના વિશ્વયુદ્ધ સમયે ફ્રાન્સના પતન પછી ભૂગર્ભવાસી સર્જકોએ વીરતાભર્યો પ્રતિકાર કર્યો હતો એનો ભવ્ય ઇતિહાસ હવે જગજાહેર છે. સ્ટાલિનશાહી રશિયામાં સર્જકની સ્વતંત્રતાનો સંપૂર્ણ હ્રાસ થયો. ‘પાર્ટીઝન રિવ્યુ’ના છેલ્લા અંકમાં ‘હંગેરીના લેખકોનો બળવો’ નામનો એક લેખ પેરિસથી એક હંગેરીના લેખકે છપાવ્યો છે એમાં પ્રથમવાર જ આ કરુણતાની વિસ્તૃત વિગતો પ્રગટ થાય છે. (અલબત્ત અહીં સર્જક વિશે વિચારીએ છીએ; જેઓ ગુલામગીરીનો સ્વેચ્છાએ સ્વીકાર કરે છે, પ્રચારના ઢોલ પીટે છે, એવા ભાટ વિશે નહિ. જેઓ પોતાની સર્જકતાનો સ્વયં દ્રોહ કરે છે એ સાચો સર્જક જ નથી એવા ઢોંગી ઢોલપીટુ બિનસર્જક સ્વતંત્રતા વિશે કોઈએ દુ:ખી થવાનું ન હોય. સાચો સર્જક પરતંત્રતા ને પ્રચાર પસંદ કરશે કે મૌન ને મૃત્યુ? અહીં આના એકમેટોવા જેવા અપવાદરૂપ સર્જકની સ્વતંત્રતાનો વિચાર થાય છે. ‘ગ્રેટ એકસ્પેક્ટેશન્સ’માં માત્ર વાચકોનો જ વિચાર કરીને ડિકિન્સે એનો સાચો સ્વાભાવિક દુ:ખદ અંત સુખદ અંતમાં પાછળથી પલટ્યો અને પોતાની સર્જકતાનો દ્રોહ કર્યો એ માટે ડિકિન્સ પર જેમને અઢળક વહાલ છે એવા વિવેચકો અને વાચકોએ – શો જેવાઓએ પણ – એને હજુ માફ નથી કર્યા. તો વળી ‘ફીનીગન્સ વેઈક’માં જેઈમ્સ જોઈસ જે આત્યંતિક સ્વતંત્રતાનો આગ્રહ સેવે છે એ માટે પણ સમભાવ ન થાય એ સ્વાભાવિક છે.) આપણા દેશમાં ‘સર્જકની સ્વતંત્રતા’નો પ્રશ્ન હજુ હવે આપણને પરેશાન કરશે એવા એંધાણ છે. આપણી સમાજવ્યવસ્થા અને રાજ્યરચના સર્જકની સ્વતંત્રતાનો ઉપહાસ કે હ્રાસ કરશે એ વિશે કેટલાકને વહેમ છે, મને શ્રદ્ધા છે. આપણી સાહિત્યની લગભગ એકેએક સંસ્થામાં – જેમ શિક્ષણની લગભગ એકેએક સંસ્થામાં બિનશૈક્ષણિક તત્ત્વોનું છે તેમ – બિનસાહિત્યિક તત્ત્વોનું વર્ચસ્ છે એ આપણા અનુભવમાં છે. સમાજમાં આ પ્રકારે અવ્યવસ્થા અને અંધેર પ્રવર્તે છે. વળી રાજ્ય એની અનેક સંસ્થાઓનાં સાધનો દ્વારા સાહિત્યની જે ‘પ્રેમપૂર્વક’ પ્રવૃત્તિ કરે છે ને હજુ કરશે તેમાં સાહિત્યની સમજ કે સૂઝ છે? છે માત્ર લોકપ્રિયતાની લાલચ ને પ્રજાને પટાવવાનો, પંપાળવાનો પ્રપંચ, આ પરિસ્થિતિમાં સાહિત્યનાં ધોરણો અને મૂલ્યોનો અવશ્ય હ્રાસ થાય. વળી કોઈ કોઈ ખોપરીમાં તો કેન્દ્ર સરકારમાં સંસ્કારનું ખાસ ખાતું (Ministry of Culture) ખોલવાનો પણ ખતરનાક ખ્યાલ હશે! પરિણામે સાહિત્ય અને સંસ્કારની પ્રવૃત્તિ નાલાયક નોકરશાહીને પનારે પડે! પછી? સર્વનાશ! યાદ છે ને એક મિત્રે એમની વાર્તામાં એવું સૂચન કર્યું હતું કે આ દેશમાં ભવિષ્યમાં મોહનદાસ ગાંધીની ‘આત્મકથા’ પર પ્રતિબંધ ન આવે તો જ નવાઈ! આ પરિસ્થિતિમાં પત્રોમાં, પત્રિકાઓમાં, પરિષદોમાં અને સાહિત્યની આવી સંસ્થાઓનાં ખાસ સંવિવાદોમાં ‘સર્જકની સ્વતંત્રતા’ એ વિષય પર ગંભીર વિચારણા અને સચિંત ચર્ચાઓ ચાલે એ સ્વાભાવિક છે અને એમાં તમારા જેવા સર્જકનો અવાજ હોય એ આવશ્યક છે. સર્જકની આ સ્વતંત્રતા એટલે અન્ય બુદ્ધિજીવીઓની અને અંતે તો મનુષ્ય માત્રની સ્વતંત્રતા. સર્જકની સ્વતંત્રતાનો આ વિચાર સમાજ અને રાજ્યના સંદર્ભમાં થયો. પણ એથી નિરપેક્ષ એવી સૂક્ષ્મ કક્ષા પરની સર્જકની એક અન્ય પ્રકારની સ્વતંત્રતા વિશે પણ મને અત્યારે એક વિચાર સૂઝે છે તે પણ અહીં રજૂ કરું. સર્જક ક્યારેક સ્વેચ્છાએ કોઈ બાહ્ય નિયમનો કે નિયંત્રણનો સ્વીકાર કરે છે, સાહિત્યની કોઈ પરંપરાનો કે પ્રણાલિકાનો સ્વીકાર કરે છે, સમાજની કોઈ રૂઢિનો કે રીતરસમનો સ્વીકાર કરે છે અને પછી એની મર્યાદામાં રહીને પણ મુક્તિ માણે છે, સ્વતંત્રતા સિદ્ધ કરે છે. ઉદાહરણોથી સ્પષ્ટ કરું. શેક્સપિયર જેવા નાટ્યકાર સમકાલીન નાટ્યરચનાની પરંપરા અને પ્રણાલિનો નાટકે નાટકે સ્વીકાર કરે છે અને અંતે સાડત્રીસે નાટકમાં એની મૌલિકતા, વ્યક્તિતા, વિશિષ્ટતા, સ્વમુદ્રા, એક જ શબ્દમાં સ્વતંત્રતા સિદ્ધ કરે છે. રમણભાઈ ‘રાઈનો પર્વત’માં સમાજસુધારાની કોઈ રૂઢિનો કે રીતરસમનો સ્વીકાર કરે છે અને છતાં સર્જક તરીકે એની પરતંત્રતાથી પીડાતા નથી. કાંત જેવા કલાકાર કવિ ‘પ્રવીણ સાગર’ની છંદપલટાની પ્રણાલિ સાહસપૂર્વક સ્વીકારે છે પણ અનુકરણથી અટકતા નથી. અલૌકિક આગવું સૌંદર્ય સર્જે છે. ગોવર્ધનરામ લોકોપદેશ અને દેશોદ્ધાર અર્થે નિબંધો રચવા ધારે છે. પણ ‘સરસ્વતીચંદ્ર’ની અંગ્રેજી અને ગુજરાતી બન્ને પ્રસ્તાવનાઓમાં એમનો એકરાર છે કે નવલકથાની લોકપ્રિયતા એમનો આ નિર્ણય પલટાવે છે. આમ, ગોવર્ધનરામ સમાજના અને સાહિત્યના બન્નેના બાહ્ય નિયમને, નિયંત્રણને સ્વેચ્છાએ સ્વીકારે છે અને છતાં અંતિમ વિજય તો સર્જકનો જ થાય છે. ગોવર્ધનરામમાં સાચો સર્જક હતો અને એ જ સર્વોપરિ હતો એટલે ‘સરસ્વતીચંદ્ર’ એ એક સમાજસુધારાનો પ્રોગ્રામ કે દેશોદ્ધારનો પ્લેન નથી, પણ જગતની એક વિરલ કલાકૃતિ છે. આમ, સાચો સર્જક સ્વેચ્છાએ એક પ્રકારની પરતંત્રતાનો સ્વીકાર કરે છે અને પોતાની સ્વતંત્રતા સિદ્ધ કરે છે. સર્જકતાનું એ જ તો રહસ્ય છે, કલાનો એ જ તો કીમિયો છે. કવિ સ્વેચ્છાએ છંદનો સ્વીકાર કરે, નાટકકાર સ્વેચ્છાએ રંગભૂમિના ક્ષેત્રફળનો સ્વીકાર કરે અને નવલકથાકાર સ્વેચ્છાએ કાળ અને સ્થળ – Time and Space –નાં પરિબળોનો સ્વીકાર કરે અને એ સૌ મર્યાદાઓને સમજી સ્વીકારી એમાં રહી અને એને અતિક્રમીને, ઉલ્લંઘીને એનાથી પર થાય, એનાથી પાર જાય એ જ સ્તો સર્જકની સ્વતંત્રતા અને જો આ સ્વતંત્રતા સિદ્ધ ન થાય તો સર્જક કોને દોષ દેશે? સમાજને? રાજ્યને? સાહિત્યના સ્વયંવરમાં આ સ્વતંત્રતા તો વિરલ સર્જકને જ વરે છે. મુક્તિ! સ્વતંત્રતા! માથા સાટે મોંઘી વસ્તુ છે, સાંપડવી નહિ સ્હેલ જો!
લિ.
૧૦ એપ્રિલ ૧૯૫૭
સદાનો સ્નેહાધીન
નિo