અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વીરની વિદાય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મારા કેસરભીના કન્થ હો! {{space}}સિધાવો જી રણવાટ.<br> આભ ધ્રૂજે, ધરણી ધમધમ...")
(No difference)

Revision as of 13:42, 21 June 2021

મારા કેસરભીના કન્થ હો!
         સિધાવો જી રણવાટ.

આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ!
         ઘેરા ઘોરે શંખનાદ.
દુંદુભિ બોલે મહારાજનાં હો,
         સામંતના જયવાદ :
મારા કેસરભીના કન્થ હો!

આંગણ રણધ્વજ રોપિયો હો!
         કુંજર ડોલે દ્વાર :
બન્દીજનોની બિરદાવલિ હો
         ગાજે ગઢ મોઝાર :
મારા કેસરભીના કન્થ હો!

પુર પડે, દેશ ડૂલતા, હો!
         ડગમગતી મ્હોલાત :
કીર્તિ કેરી કારમી, રાજ!
         એક અખંડિત ભાત :
મ્હારા કેસરભીના કન્થ હો!

નાથ, ચડો રણઘોડલે રે,
         હું ઘેર રહી ગૂંથીશ :
બખ્તર વજ્રની સાંકળી હો!
         ભર રણમાં પાઠવીશ :
મ્હારા કેસરભીના કન્થ હો!

સંગ લેશો તો સાજ સજું, હો!
         માથે ધરું રણમ્હોડ :
ખડ્ગને માંડવ ખેલવાં,
         મારે રણલીલાના કોડ!
મારા કેસરભીના કન્થ હો!

આવતાં ઝીલીશ બાણને, હો!
         ઢાલે વાળીશ ઘાવ :
ઢાલ ફૂટ્યે, મારા ઉરમાં રાજ!
         ઝીલીશ દુશ્મનદાવ :
મારા કેસરભીના કન્થ હો!

એક વાટ રણવાસની રે,
         બીજી સિંહાસન વાટ :
ત્રીજી વાટ શોણિતની સરિતે
         હો! શૂરના સ્નાનનો ઘાટ :
મારા કેસરભીના કન્થ હો!

જયકલગીએ વળજો, પ્રીતમ,
         ભીંજશું ફાગે ચીર :
નહીં તો વીરને આશ્રમ મળશું
         હો! સુરગંગાને તીર :
મારા કેસરભીના કન્થ હો!

રાજમુગટ! રણરાજવી હો!
         રણઘેલા રણધીર :
અધીરો ઘોડલો થનગને, નાથ!
         વાધો, રણે મહાવીર!
મારા કેસરભીના કન્થ હો!
         સિધાવો જી રણવાટ!
(કેટલાંક કાવ્યો, ભા. ૨, ત્રીજી આ. ૧૯૯૬, પૃ. ૫૮-૬૦)