શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/૧૦૬. કવિ શ્રી ઉશનસ્ની પંચત્વપ્રાપ્તિ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૬. કવિ શ્રી ઉશનસ્ની પંચત્વપ્રાપ્તિ|}} <poem> બૃહત્તાના આર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 97: | Line 97: | ||
{{Right|(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૧૩૫)}} | {{Right|(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૧૩૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૧૦૫. વરસાદી રાતે | |||
|next = XII. કવિતા – હદમાં અનહદ (૨૦૧૭) | |||
}} |
Latest revision as of 10:31, 15 July 2022
બૃહત્તાના આરણ્યક કવિ ઉશનસ્ના
ચાલતા હતા છેલ્લા શ્વાસોચ્છ્વાસ.
એમની કવિચેતના જીવનના સૉનેટમાં છેલ્લે છેલ્લે
‘વિશ્વવ્યાપી ઘાસ’ સાથે બેસાડી રહી હતી ‘મૃણ્મય પ્રાસ’!
અને ત્યાં જ પ્રત્યક્ષ થઈ ધરિત્રી.
ઉશનસ્નો ‘તૃણનો ગ્રહ’ તે આ ધરિત્રી:
એ કહે:
“ઉશનસ્ નાં મૂળિયાં તો અમારી માટીમાં,
અમારાં પાન, ફૂલ, ફળનો રસ એમની બાનીમાં!
એમની તો હસ્તી જ હરિયાળી!
અમે પોંખીશું એમને રંગબેરંગી પતંગિયાંથી.
વનાંચલનાં ફૂલોના મઘમઘાટે
અમે એમનાં ભરી દઈશું ફેફસાં.
આદિવાસી ડુંગરા ને ધસમસતા ધોધવા
ખેલાવશે એમને ખડકોમાં ને ખીણોમાં.
તૃણની આંગળી એમને ખૂંદાવશે વનવગડા,
ઘુમાવશે એમને ઉંબરથી ડુંગર સુધી
અને ભોમથી બ્રહ્માંડ સુધી:
સોંપી દો અમને અમારા ઉશનસ્ !”
એટલામાં તો ફરકતું આસમાની અંબર લહેરાવતું
આવી લાગ્યું આકાશ!
એ કહે:
“ઉશનસ્ તો બ્રહ્મશિશુના છંદો છેડનારા!
તેઓ તો અમારું બીજ!
તેઓ તો પવનપાવડીએ ચડી
ગેબનાં ગહ્વરોમાં ગુંજનારા!
નભોમંડળના નક્ષત્રોમાં ઘૂમનારા!
તૃણ અને તારકોની બિચોબિચ રહીને,
તૃણ અને તારકોથી ખીચોખીચ થઈને
ખૂલનારા ને ખીલનારા!
અમારે તો એમને ઉઘાડવા છે તડકામાં,
અમારે તો એમને કરવા છે પંખાળા,
સાત સાત રંગોનાં ફરફરતાં પીંછાંથી!
અમને સોંપી દો અમારા ઉશનસ્!’
ત્યાં તો વાદળાંના વૃંદમાંથી
વીજળીના દોરે દોરે
ઊતરી આવી જલદેવતા હેઠે :
એ કહે :
“ઉશનસ્ તો અમારા આષાઢી દીકરા!
જીવનભર એમનો અંદરનો પહાડ દૂઝતો જ રહ્યો!
તેઓ ફોરે ફોરે ને ઝરમર ઝરમર
વરસતા જ રહ્યા, વરસતા જ રહ્યા વનોમાં ને પહાડોમાં!
ઝરણાં સાથે ઝણક્યા,
ધોધની સાથે ધૂબક્યા,
સરિતામાં સરક્યા,
સરોવરમાં મરક્યા,
દરિયાના મોજે મોજે ખડક્યા!
ને સ્વાતિની પલકે પલકે મોતીડાંમાં ટપક્યા!
જેને જેને અડ્યા, આર્દ્ર કરીને રહ્યા!
એમને તો અમારે ઉતારવા છે
મેઘદૂતની સાથે, અલકાની અટારીએ.
સોંપી દો અમારા ઉશનસ્ અમને!”
ત્યાં તો વાંસવનેથી ઊતરી આવ્યા પવનદેવતા :
એ કહે :
“ઉશનસ્ ની છાતીમાં તો
અમારા જ આવેગ ને ઉછાળ!
એમના સ્પંદ અને છંદને
સચેત કરતી ફૂંક અમારી!
ઉશનસ્ તો અમારી જ વાંસળી.
એમના પ્રાણને પ્રફુલ્લિત કરતા
વગડાના શ્વાસ તેય અમારા!
અરવલ્લીથી દાંડી ને દમણગંગા સુધી
એમનાં ફૂલોની ફોરમ લહેરાવી અમે.
તુલસી ને ડમરાની ગંધમાં
કેવડા ને ગુલાબની ગંધ એમણે ભેળવી
તેય અમે તો હોંશે હોંશે પ્રસરાવી!
હવે એમને હદથી અનહદ સુધી
ફોરમની જેમ લઈ જવા છે અમારે!
આવવા દો ઉશનસ્ ને અમારી સાથે.”
એટલામાં ત્યાં ભડભડ થતા આવી પૂગ્યા અગ્નિદેવતા :
એ કહે :
“ઉશનસ્ ના તો અમે જ થશું અંગનાં ઓશીકાં.
અંધારું એમને ઘેરી વળશે ત્યારે
અમે જ ઉડાવીશું એમની આસપાસ
ચંપાની કળીઓ જેવા આગિયા
અમે જ એમની અંદરના સોનેરી પંખીને
પાંજરામાંથી છોડાવીને
અતલ અવકાશમાં કલરવતું કરી દઈશું!
એમને જ વરેણ્ય ભર્ગની આંગળીએ
વળગાડીને અમે લઈ જઈશું ગેબની ગોદમાં.
હવે સોંપી દો ઉશનસ્ ને અમારે હવાલે!’
ઉશનસ્ તો આકાશ ઓઢીને
પૃથ્વી, જળ, વાયુ ને અગ્નિની કાંધે ચડીને,
નીકળી ગયા આપણા સૌની નજરની બહાર – પાર!
૧૨-૧૧-૨૦૧૧
(ચિદાકાશનાં ચાંદરણાં, ૨૦૧૨, પૃ. ૧૩૫)