અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પાર્થને કહો ચડાવે બાણ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ; કહો, કુંતાની છે એ આ...") |
(No difference)
|
Revision as of 13:47, 21 June 2021
પાર્થને કહો ચડાવે બાણ,
હવે તો યુદ્ધ એ જ કલ્યાણ;
કહો, કુંતાની છે એ આણ :
પાર્થને કહો ચડાવે બાણ.
ભીખ્યાં, ભટક્યાં, વિષ્ટિ, વિનવણી,
કીધાં સુજનનાં કર્મ;
આર્યસુજનતા દૈન્ય ગણી તો
યુદ્ધ એ જ યુગધર્મ :
સજીવન થાય પડ્યાયે પ્હાણ :
પાર્થને કહો ચડાવે બાણ.
દ્રૌપદીની હજી વેણ છૂટી છે,
રાજસભાના બોલ :
રણનોતરાંના ઉત્તર દેજો
રણધીરને રણઢોલ :
પાર્થની પ્રત્યંચાને વાણ :
પાર્થને કહો ચડાવે બાણ.
મેહુલો બોલે, વાયુ હુંકારે,
ત્યમ તલપો સિંહબાળ!
યુગપલટાના પદપડછન્દે
ગજવો ઘોર ત્રિકાળ :
સજો શિવ વીર! હવે શિરત્રાણ :
પાર્થને કહો ચડાવે બાણ.
નૃલોક જોશે, કાળ નીરખશે
રણરમતો મુજ વંશ;
સત્ય શીલ ને ધર્મયજ્ઞમાં
હજો વિશ્વવિધ્વંસ;
ઊગે જો! નવ નવયુગનો ભાણ :
પાર્થને કહો ચડાવે બાણ :
વિધિનાં એ જ મહાનિર્માણ :
પાર્થને કહો ચડાવે બાણ.
(નાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય મ. રાવળ, પૃ. ૯૩-૯૪)