અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/અનંતદર્શન: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો અંતમાં હો જી! {{space}}ગિરિવરને ઝરૂખે ર...") |
(No difference)
|
Revision as of 15:48, 21 June 2021
આવો, આવો, વીરા રે! આ આંખડી પરોવો અંતમાં હો જી!
ગિરિવરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ પાથર્યા જગતના પગથાર,
સાગરના સીમાડા રે, વનની ઝૂલતી વેલીઓ હો જી!
આથમતાં કંઈ જહાજો એ ક્ષિતિજની પાર. આવો આવો.
આભને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ નવલખ તારલિયાની માળ;
તેજ તેજના ગોળા રે, ગગનોમાં ઘૂમતા હો જી!
દીઠા મેં ત્યાં રૂમઝૂમતા દીનદયાળ : આવો આવો.
અંતરને ઝરૂખે રે, ઊભો’તો હું એકલો હો જી!
જોતો’તો એ ઊંડા ઊંડા વિશ્વનાં ઉર,
દિશ દિશ ભરતાં પ્રગટ્યાં રે કંઈ કિરણો આતમદેશમાં હો જી!
ભાસ્યાં મુજને સૂનાં બ્રહ્માંડો ભરપૂર : આવો આવો.
(નાનાલાલ-મધુકોષ, સંપા. અનંતરાય રાવળ, ૧૯૫૯, પૃ. ૧૧૨)