કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૩. સ્મૃતિસિંજારવ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. સ્મૃતિસિંજારવ|}} <poem> ધીમેધીમે વધે છે આ અંધારું આસપાસનું,...")
(No difference)

Revision as of 11:37, 18 July 2022

૩. સ્મૃતિસિંજારવ


ધીમેધીમે વધે છે આ અંધારું આસપાસનું,
ખૂલે છે બારણું મારી બરાકે બંદીવાસનું.
નથી કોઈ, નથી કોઈ, અરે એ તો સિપાઈ છે,
પહોરે ને પહોરે આ તુરંગે શી તવાઈ છે!
મેલું છે મોઢિયું જેનું, મોગરો વણકાપિયો,
વૃદ્ધને ખોળિયે જેવો જલે છે પ્રાણદીવડો—
ધ્રૂજે ને કંઈ ધરે સ્થૈર્ય, ફરી ધ્રૂજે, ફરી સ્થિરઃ
એવું કંડીલ લૈ બુઢ્ઢો અમારી ‘ગીનતી’ કરે.
જ્યારેજ્યારે સખી, મારું હૈયું અસ્વસ્થ થાય છે,
ત્યારે આ ફર્જને પંથે એને તું સ્પર્શી જાય છે.
સ્વભાવોક્તિ અલંકારે ઓપતા સ્મિતને નમું,
અને તારી ચેતનાના સખી, ચંડત્વને નમું.
મળ્યો છે પત્ર તારો હે સખી, ઉત્તર શો લખું?
માયાળુ સ્મૃતિઓ સંગે પડ્યું છે અહીં માળખું.
સ્વજનો! સ્વજનો! એવા મૂક ઉદ્ગારો ઉચ્ચરી,
પડ્યો છું જાગતો-સૂતો, લ્હેરાતી વ્રેહ-પામરી.
મૌનની મઝધારે ને દર્શનોહીન દર્શને
તને આજે લખુંયે શું? સ્મરું શું ને કહુંય શું?
છતી થાતી ઘડીમાં ને ઘડી સંતાઈ જાય છે,
કલ્પના ચિત્તસંક્ષોભે આજ વ્યાકુલ થાય છે.
સર્જનાનંદમાં જેવી રસસંવેદના રમે,
તેમ અવ્યક્ત સૌન્દર્યો અને અવ્યક્ત ઊર્મિઓ
કહે છે કે લખી લે કૈં, છતાંયે કૈં લખાય ના,
અશબ્દોના મુગ્ધ મૌને કશું શબ્દસ્થ થાય ના.
મેઘાડંબર ગાજે ને વર્ષતાં વારિબિન્દુઓ
ધરાને ભેટતાં પહેલાં જેવાં નિર્દોષ નિર્મળાં–
તેવું તું કંઈક વર્ષે છે, શું છે તે જાણતો નથી,
જાણું છું કે સખી, તેથી જિન્દગી છે હરીભરી.
લખુંયે ના, સ્મરુંયે ના, કહું ના, તોય અંતરે
દુઃખ ને સુખની મધ્યે ઝૂલતું દર્દ થાય છે.
ભલે આ વ્રેહ વીંધે છે, વીંધું છું હુંય વ્રેહને–
આપણો વ્રેહ ઝંખે છે ગુલામીના જ છેહને.
તારાં સૌ દર્શનોમાં હું તારાથીય વિશેષ કૈં
દર્શું છું, સ્પર્શું છું હૈયે, હે નિસર્ગમનોહરા!
મારી આ જિન્દગી કેરાં વનોની વૈજયંતી હે!
મોંઘી આ જખ્મથી જાગ્યા જમાનાની જયંતી છે.
અત્યાનંદ તણે મૌને માનવેતર ઊર્મિને
આકારોયે નથી, તોયે નિરાકાર નથી, નથી.
શબ્દ ને મૌનના આવા સીમાપ્રાંતે સુહાગિની!
એટલું આપજે કે હું પમરું સ્મૃત્યદર્શને.
(સિંજારવ, પૃ. ૩૧-૩૨)