પરિભ્રમણ ખંડ 2/રાણી રળકાદે: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાણી રળકાદે|}} '''સાત''' દેર–જેઠિયાં છે. {{Poem2Open}} છયેની વહુઓ રૂડી...") |
(No difference)
|
Revision as of 11:51, 20 July 2022
સાત દેર–જેઠિયાં છે.
છયેની વહુઓ રૂડી રીતે જમે, જૂઠે ને અમનચમન કરે. નાનેરી વહુને બહારનાં કામકાજ ખેંચવાનાં; છાણવાસીદાં કરવાનાં; ગારગોરમટી ખૂંદવાની. ઢસરડા કરીને નાનેરી વહુ જમવા બેસે. એટલે જેઠાણી આવીને એની થાળીમાં એક દેડકું મેલી જાય. હાથ ધોઈને નાનેરી તો ભાણા માથેથી ભૂખી ને ભૂખી ઊઠી જાય. દા’…ડી દા’ડી એની તો એ જ દશા. સુકાઈને એ તો સાંઠીકડું થઈ ગઈ છે. એક દા’ડો તો ધણીએ પૂછ્યું છે : ‘આ સૌ તો વરસી રિયાં છે, ને તું એક કાં ખોડસું થઈ ગઈ?’ કે’ “સ્વામીનાથ, કંઈ કે’વાની વાત નથી. એક દી રાતે રાંધણિયાના બારણા પાસે પથારી કરો, ને ઝીણી પછેડી ઓઢીને તમારી નજરે જોજો.” એક દી તો સ્વામી રાંધણિયાનાં બાર પાસે સૂતો છે, ને એણે તો ઝીણી પછેડી ઓઢી લીધી છે. નાનેરી ભાણે બેઠી ત્યાં તો એક જેઠાણીએ એની થાળીમાં દેડકું મૂક્યું છે. હાથ-મોં ધોઈ કરીને નાનેરી ઊઠી ગઈ છે. ધણીએ તો નજરોનજર દીઠું છે. ન કહ્યું જાય, ન સહ્યું જાય, એવું મૂંગું દુઃખ છે આ તો. આનો તો કોઈ પાર નહિ આવે. માટે, હે સતી, હું દેશાવર ખેડું. મારાં તકદીર અજમાવું. ભોળો ને ભોટ : ગભરુ ને ગરીબ : કાંધે કોથળો નાખીને એ તો હાલતો થયો છે. નાની વહુ ઘરની બહાર છાણના ગોળીટા કરતી કરતી બેઠી છે. જઈને એને પૂછ્યું છે : ‘તારે કાંઈ કે’વું છે?’ ‘કાંઈ કે’વું ને કાંઈ કારવવું! બસ, એક આટલીક એંધાણી લેતા જાવ.’ એમ કહીને બાઈએ તો આંગળીએથી કરડો કાઢ્યો છે. કરડો ધણીના માથાના ચોટલીમાં પરોવી દીધો છે. ધણીએ કહ્યું : ‘છાણના ગોળીટા તારે તો પાદર નાખવા જવા છે ને? લાવ ને ત્યારે તો હું જ જાતો જાતો એટલો ભાર તો હળવો કરતો જાઉં!’ છાણના ગોળીટા તો એણે કોથળામાં લીધા છે. લઈને એ તો ચાલી નીકળ્યો છે. વહુનો બોજ તો કે’દીય નહોતો ઉપાડ્યો. આજ છેલ્લી વાર, અરે રામ! આટલું જ થઈ શક્યું! ચાલતાં ચાલતાં પાદર બહાર પહોંચ્યો છે. કોથળો ઠાલવ્યો છે. ત્યાં તો છાણના ગોળીટાને સાટે સોનાનાં ઢીમ દીઠાં છે. આ તો મારી રળકાદેના પુણ્યપ્રતાપ. એને જ નામે આનાં ધરમ કરીશ. મારે એ કેમ ખપે? આગળ ચાલીને એણે તો માર્ગે પાણીનાં પરબ બંધાવ્યાં છે. પરબનાં પાણી પાનારાઓ! ભાઈઓ! તમે આમ પોકારજો હો! કે —
પાણીડાં પીજો…રે
રાણી રળકાદેને નામે!
તરસ્યાં વટેમાર્ગુઓને કાને સાદ પડે છે કે —
પાણીડાં પીજો…રે
રાણી રળકાદેને નામે!
પુરુષ તો આગળ ચાલ્યો છે. બળબળતી ધરતી માથે નગ્ન પગે ચાલતાં લોકો દીઠાં છે. ત્યાં પોતે જોડાનું પરબ બંધાવ્યું છે. સાદ પડાવ્યો છે કે —
પગરખાં પે’રજો…રે
રાણી રળકાદેને નામે!
વળી એ તો આગળ ચાલ્યો છે. ભૂખે મરતાં ગામ ભાળ્યાં છે, ભોજનનાં સદાવ્રત બંધાવ્યાં છે:
ભોજન જમજો…રે
રાણી રળકાદેને નામે!
આગળ હાલીને એ તો રૂડાં રાજમોલ બંધાવે છે ને સરોવર ગળાવે છે. દેશમાં તો દુકાળ પડ્યો છે. ગામેગામ એણે તો ચિઠ્ઠીઓ મોકલી છે કે કામ ન હોય તે સહુ આંહીં કમાવા આવજો.
આંહીં ભાઈઓને ઘેર તો બધું ધનોતપનોત થઈ ગયું છે. સાંભળ્યું છે કે ફલાણે ફલાણે ગામ તો કોઈ શેઠિયાનું મોટું કામ નીકળ્યું છે. ત્યાં હાલો ત્યાં આપણો ગુજારો થશે. છ જેઠ–જેઠાણી અને જોડે એકલી અણમાનેતી રળકાદે, સંધાં ચાલી નીકળ્યાં છે. આગળ જાય ત્યાં તો પાણીનાં પરબ આવ્યાં છે. સાદ પડી રિયાં છે કે —
પાણીડાં પીજો….રે
રાણી રળકાદેને નામે!
જેઠ–જેઠાણી તો નાનેરી વહુને માથે ટપલાં મારવા માંડ્યાં છે કે ‘ઓહોહો! જુઓ તો ખરા. પૂર્વે કોઈક પુણ્યશાળી રાણી રળકાદેવી થઈ ગઈ હશે ત્યારે જ એના નામનાં પરબ બેઠાં હશે ને! અને જુઓને આ આપણી રળકાદે! જાગી છે ને કુળમાં કો’ક કરમફૂટી!’
નાનેરી તો સાંભળી રહી છે. વળી સહુ આગળ ચાલ્યાં છે. ત્યાં તો પગરખાંનું પરબ આવ્યું છે. રોગા ટૌકાર મચ્યાં છે કે —
પગરખાં પે’રજો…રે
રાણી રળકાદેને નામે!
સૌએ ત્યાં પગરખાં પહેર્યાં છે. વળી પાછા નાનેરીને ટપલાં માર્યાં છે કે —
કો’ક મહાપ્રતાપી થઈ ગઈ હશે તયેં જ આ પગરખાંનાં પરબ બંધાવ્યાં હશે ને! અને જુઓને વાલામૂઈ આપણી રળકાદે! હતું તેય આપણું બળીને બુંધ થઈ ગયું.” નાનેરીએ તો એય મૂંગા મૂંગા સાંભળી લીધું છે. વળી આગળ ચાલ્યાં છે એટલે ભોજનનાં સદાવ્રત આવ્યાં છે. મીઠા સાદ પડે છે કે —
ભોજનિયાં જમજો…રે
રાણી રળકાદેને નામે!
જમીને સૌએ પેટ ઠાર્યાં છે, અને ફરી પાછા વહુને ટપલાં માર્યાં છે કે ‘થઈ ગઈ હશે ને કો’ક કુળઉજાળણ રળકાદે! અને આ જુઓ રઢિયાળી આપણી રળકાદે. કુળબોળામણ!’
એય નાનેરીએ સહી લીધું છે. નાનેરા ભાઈનાં મુકામ આવ્યાં છે. લાખમલાખ લોક કામે છે. નવાણો ગળાય છે. સડકો બંધાય છે. માળિયાં ચણાય છે. ભાઈએ તો સહુને ઓળખેલ છે. પોતાની વહુનેય પિછાણી છે. પણ ઓલ્યાં કોઈએ કળ્યું નથી કે આ કોણ છે. ભાઈએ તો ભાંડુને રહેવા માટે ઓરડા કાઢી દીધા છે. કહ્યું છે કે, છાશ-પાણી લઈ જજો. સૌએ દાડી કરવા માંડી છે, ખાવા ટાણે છાશ લઈ આવે છે. એક દા’ડો તો નાનેરીને છાશ લેવા મેલી છે. એને તો ધણીએ ઘાટી રેડિયા જેવી છાશનું દોણું ભરી દીધું છે. ખાતાં સહુનાં કાંઈ પેટ ઠર્યાં છે! કાંઈ પેટ ઠર્યાં છે! મોકલો ને રોજ એને જ છાશ લેવા! એને નભાઈને શેઠિયો રેડિયા જેવી છાશ ભરી આપે છે! એક દા’ડો નાનેરી છાશ લેવા ગઈ છે; ત્યારે ધણી નાવણ કરવા બેઠો છે. ઉઘાડી કાયાનાં એંધાણો કળ્યાં છે. માથે ચોટલીમાં વેઢ ઝબૂકતો જોયો છે. ડળક, ડળક, બાઈની તો આંખોમાંથી પાણીડાં દડ્યાં છે. ‘બાઈ બાઈ, તું રોવ છ શા સારુ?’ કે’ અમસ્થું એ તો! કે’ મને નવરાવીશ? બાઈને તો વિસ્મે થયું છે : અરે, આ સારું માણસ આમ કાં પૂછે છે? એટલે તો પુરુષે કહ્યું છે : ‘વિમાસણ કર મા હવે! હું બીજો કોઈ નથી. હું તો એનો એ જ છું. જો આ નિશાની!’ કરડો કાઢીને બતાવ્યો છે. બાઈને તો હૈયાનાં વહાલ વછૂટ્યાં છે. ‘હે અસ્ત્રી! તારાં પુણ્યે છાણનું સોનું થયું. તેના જ આ પ્રતાપ, તેમાંથી જ મેં તારા નામની પરબો બેસાડી.
પાણીડાં પીજો…રે
રાણી રળકાદેને નામે!
પગરખાં પે’રજો…રે
રાણી રળકાદેને નામે!
ભોજનિયાં કરજો….રે
રાણી રળકાદેને નામે!”
‘હે સ્વામી! મને તો ત્યાં ટપલાં મારતા’તાં સહુ.’
‘ભલે ને માર્યાં, તર્યાં તો છે સહુ તારે પુણ્યે ને! હવે તો તું અહીં જ રે’જે.’ કે’ પણ ઓલ્યા મારી વાત કરશે. કે’ ભલેને કરે! તું મારી અસ્ત્રી છે, ને હું તારો સ્વામી છું. બાઈ તો ત્યાં રહી છે. જેઠ–જેઠાણી જોઈ રિયાં છે કે એ તો વાલામૂઈ વંઠી ગઈ. એક દી તો એ સહુને નાને ભાઈએ જમવા તેડ્યાં છે. સૌની થાળીમાં સોનાનો ઘડાવેલો અક્કેક દેડકો મૂક્યો છે. બીજું કશું પીરસ્યું નથી. કહ્યું છે કે ‘લ્યો ખાવ!’ સહુ તો એકબીજાં સામે જોઈ રહે છે. ‘કાં કેમ નથી ખાતાં? આ તો સોનાનો દેડકો છે. વટાવીનેય ખાઈ શકશો. પણ ઓલ્યું જીવતું દેડકું જે દી પીરસતાં તે દી વિચાર આવ્યો’તો કે આ કેમ ખવાશે?’ સહુએ એને ઓળખ્યો : આ તો નાનેરો ભાઈ! સહુએ મૂંડ નીચી કરી. ‘પગ પૂજો આ તમારી અણમાનેતીના, કે એની ધીરજ ફળી.’