ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘અભિવન-ઊઝણું’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘અભિવન-ઊઝણું’ :''' </span> દેહલની આ કૃતિ (મુ.) કડવાબ...") |
(No difference)
|
Revision as of 07:57, 30 July 2022
‘અભિવન-ઊઝણું’ : દેહલની આ કૃતિ (મુ.) કડવાબંધના અભાવને કારણે તથા એના ભાષાસ્વરૂપને આધારે ગુજરાતીનાં અભિમન્યુવિષયક કાવ્યોમાં નાકર પૂર્વેનું અને સંભવત: સૌથી જૂનું આખ્યાન મનાયું છે. મહાભારતના મૂળ વૃત્તાંતમાં ગુજરાતી આખ્યાન-પરંપરા જે કેટલોક મહત્ત્વનો કથાભેદ બતાવે છે - અભિમન્યુનો અસુર અહિલોચન તરીકેનો પૂર્વાવતાર, અભિમન્યુ અસુરનો અવતાર હોવાથી એને ઉત્તરાથી વિમુખ કરવાની અને મરાવી નાખવાની કૃષ્ણની યુક્તિઓ વગેરે - તે દેહલમાંથી જ આપણને જોવા મળે છે. એથી આ લોકપ્રચલિત કથાઘટકો હોવાનું સમજાય છે. ચોપાઈ, ચરણાકુળ અને દોહરાની દેશીના પદબંધવાળા ૪૦૬ કડીના આ આખ્યાનમાં ઉત્તરાના આણા (‘ઊઝણું’)નો પ્રસંગ, કૃતિનામને સાર્થક કરે એવા વિસ્તારથી, ૨૦૦ ઉપરાંત કડીમાં આલેખાયો છે. એમાં કેટલાક રસપ્રદ અંશો છે તે ઉપરાંત, આ સઘળા ઉમેરા ને ફેરફારોથી મહાભારતની વીરસપ્રધાન અભિમન્યુકથા કરુણરસપ્રધાન બને છે. કેટલાંક પ્રસંગવર્ણનો ને પાત્રસંવાદોમાં કવિના કૌશલનો પરિચય થાય છે તેમ જ કર્મફળ, જ્યોતિષ, સ્વપ્ન, અપશુકન, પૂર્વજન્મ જેવી માન્યતાઓ અને ચમત્કારોના તથા સમકાલીન લોકાચારોના નિરૂપણે કૃતિને મનોરંજક બનાવી છે. પ્રસંગાલેખન પરત્વે પાછળની આખ્યાનકૃતિઓ પર આ કૃતિનો ઠીકઠીક પ્રભાવ પડેલો જણાય છે. [ર.સો.]