ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આણંદવર્ધન-૨: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''આણંદવર્ધન-૨'''</span> [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ...") |
(No difference)
|
Revision as of 05:32, 31 July 2022
આણંદવર્ધન-૨ [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં મહિમાસાગરના શિષ્ય. એમની ‘ચોવીસજિનગીત-ભાસ/ચોવીસી’ (ર. ઈ.૧૬૫૬; મુ.) ભક્તિની આર્દ્રતા પ્રગટ કરતાં તથા ભક્તિસ્નેહવિષયક સૂત્રાત્મક ઉદ્ગારોને ગૂંથી લેતાં ગીતોમાં રચાયેલી હોવાથી જુદી તરી આવે છે. એમાંનાં કેટલાંક પદો હિન્દીમાં છે. બાકીનાં પદો પર હિન્દીનો પ્રભાવ વર્તાય છે. હિન્દીમિશ્ર ગુજરાતી ભાષાની ૨૪ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’ (ર. ઈ.૧૬૬૦; મુ.) પણ ભાવાનુપ્રાણિત રચના છે અને પ્રકૃતિના સ્વચ્છસુંદર ચિત્રણથી તેમ જ ક્વચિત્ અલંકારવૈચિત્ર્યના આશ્રયથી ધ્યાનપાત્ર બને છે. ૮ ઢાળ અને ૯૪ કડીના ‘અરણિકમુનિ/અર્હન્નઋષિ-રાસ’ (૨. ઈ.૧૬૪૬/૧૬૪૮; મુ.)માં પણ કવિએ ભાવનિરૂપણની તક લીધી છે. બધી જ કૃતિઓ ભાષાનું માધુર્ય, રસિક ધ્રુવાઓ અને ગેય ઢાળોના વિનિયોગથી રસપ્રદ બનેલી છે. ૧૫૨ કડીની ‘સીમંધરસ્વામી આત્મનિંદાસ્વરૂપદોગ્ધક’ (ર. ઈ.૧૬૫૩), ૭ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’ (મુ.), ૯ કડીની ‘અંતરીક્ષપાર્શ્વનાથજિન-છંદ’ (મુ.) તથા સિદ્ધસેનસૂરિના ‘કલ્યાણમંદિર-સ્તોત્ર’ પર બાલાવબોધ - આ કવિની અન્ય કૃતિઓ છે. કૃતિ : ૧. અસસંગ્રહ; ૨. અસ્તમંજુષા; ૩. ચોવીસંગ્રહ; ૪. જૈસસંગ્રહ (ન); ૫.પ્રાછંદસંગ્રહ; ૬. પ્રામબાસંગ્રહ : ૧. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]