ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/‘ઇન્દ્રાવતી’-પ્રાણનાથ સ્વામી મહામતિ-મહેરાજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘ઇન્દ્રાવતી’/પ્રાણનાથ (સ્વામી)/મહામતિ/મહેર...")
(No difference)

Revision as of 06:02, 31 July 2022


‘ઇન્દ્રાવતી’/પ્રાણનાથ (સ્વામી)/મહામતિ/મહેરાજ [જ. ઈ.૧૬૧૯/સં. ૧૬૭૫, ભાદરવા વદ ૧૪, રવિવાર - અવ. ઈ.૧૬૯૫/સં. ૧૭૫૧, શ્રાવણ વદ ૪, શુક્રવાર] : ‘ઇન્દ્રાવતી’ને નામે કાવ્યરચના કરનાર પ્રાણનાથ-સ્વામી. જામનગરના કેશવ ઠક્કરના પુત્ર. માતા ધનબાઈ.જન્મનામ મહેરાજ. જ્ઞાતિ લોહાણા. પૂર્વાવસ્થાનું નામ દયાસાગર હોવાનું પણ કહેવાયું છે. પ્રણામી પંથ/નિજાનંદસંપ્રદાયના સંસ્થાપક દેવચંદ્ર પાસે ઈ.૧૬૩૧માં દીક્ષા લઈ પ્રાણનાથ નામ ધારણ કરેલું. સંપ્રદાયમાં તેઓ નિષ્કલંક બુદ્ધ એવા અવતારી નામે તથા શ્રીજી એવા આદરવાચક અભિધાનથી પણ ઓળખાય છે. આ કવિ બુંદેલખંડના રાજા છત્રસાલના ગુરુ હતા, દેશમાં વિવિધ સ્થળે તેમ જ અરબસ્તાન સુધી એમણે પ્રવાસ કરેલો, અરબી વગેરે વિવિધ ભાષાઓ એ જાણતા, ઇસ્લામ તેમ જ ખ્રિસ્તી વગેરે ધર્મોનો એમણે અભ્યાસ કરેલો તથા સામાજિક અને ધર્મસમન્વય અંગેની પ્રવૃત્તિઓ એમણે કરી હતી-એવી માહિતી મળે છે. બુંદેલખંડના પન્નામાં એમણે જીવતાં સમાધિ લીધેલી. ભૂલથી સ્ત્રીકવિ તરીકે ઓળખાયેલા આ કવિનું ‘ઇન્દ્રાવતી’ તથા કેટલાંક હિંદી પદોમાં મળતું ‘મહામત/મહામતિ’ - એ કવિનામ પ્રણામી પંથની, વિશિષ્ટ દાર્શનિક અવસ્થા દર્શાવતી, પારિભાષિક સંજ્ઞાઓ છે. ઉત્તરોત્તર આવી વિશિષ્ટ અવસ્થાઓમાંથી પસાર થતા પ્રાણનાથે એમના હિંદી પદસંગ્રહની પ્રારંભિક રચનાઓ પ્રાણનાથને નામે, મધ્યસમયની રચનાઓ ઇન્દ્રાવતીને નામે તથા ઉત્તરકાલીન રચનાઓ મહામતિને નામે કરી હોવાનો તર્ક પણ થયો છે. આ સંપ્રદાયનાં મંદિરોમાં પૂજાતો બૃહદ્ ગ્રંથ ‘તારતમસાગર/શ્રીજીમુખવાણી/કુલજમસરૂપ’ (મુ.) પ્રાણનાથની, કીર્તનોના સંચય સમેતની, ગુજરાતી ઉપરાંત હિંદી, ઉર્દૂ, સિંધી ને અરબીમાં રચાયેલી ૧૪ કૃતિઓનો સંગ્રહ છે. એમાં ૫ કૃતિઓ ગુજરાતીમાં છે. કેટલાંક કીર્તનોમાં ‘મહામત’, ‘મહેરાજ’ એવી નામછાપ મળે છે એ સિવાય આ કવિની સર્વ ગુજરાતી કૃતિઓ ‘ઇન્દ્રાવતી’ નામછાપ દર્શાવે છે. એમાં ૬ ઋતુઓ, અધિક માસને કલશના ૮ ખંડોમાં મલ્હાર, સામેરી, વસંત, ધુમાર, ધન્યાશ્રી આદિ વિભિન્ન રાગોને પ્રયોજતી ૧૭૬ કડીની ‘ષડ્ઋતુવર્ણન’ તથા સળંગ મલ્હારમાં ચાલતી ૧૧૯ કડીની ‘વિરહની બારમાસી’ એ, ‘ષડ્ઋતુ’ એવા એક જ શીર્ષક હેઠળ મુકાયેલી, ૨ કૃતિઓ (૨. ઈ.૧૬૫૯) સૌથી વધુ નોંધપાત્ર છે. સંપ્રદાયભક્તિના ઇંગિતો દર્શાવતી પહેલી કૃતિ કરતાં ગોપીના કૃષ્ણવિયોગને નિરૂપતી બીજી કૃતિ વિશેષ સઘન છે પરંતુ, પ્રત્યેક ઋતુના કલ્પનાપૂર્ણ વર્ણન સાથે ઘેરા વિપ્રલંભને આલેખતી બંને કૃતિઓ સંવેદનની ઉત્કટતાની દૃષ્ટિએ નોંધપાત્ર છે. આ ઉપરાંત ચોપાઈની ૯૧૩ કડીમાં કૃષ્ણની રસાલીલાને વર્ણવતો ‘રાસગ્રંથ’ (૨. ઈ.૧૬૫૯), આત્માને સન્માર્ગે લાવવાના ઉપાય વિશે પ્રબોધ કરતો ચોપાઈની ૧૦૬૪ કડીનો ‘પ્રકાશ’ (૨. ઈ.૧૬૫૯), પાખંડીઓના મતનું ખંડન તથા મોક્ષમાર્ગના ઉપદેશને વિષય કરતો ૫૦૬ કડીનો ‘કલશગ્રંથ’ (૨. ઈ.૧૬૬૩) એ એમની અન્ય દીર્ઘ કૃતિઓ છે. કવિએ વિવિધ સ્થળોની યાત્રા દરમ્યાન ઈ.૧૬૫૯થી ઈ.૧૬૯૨ના સમયગાળામાં રચેલાં ગણાતાં ગુજરાતી ઉપરાંત હિંદી-સિંધી ભાષામાંના કીર્તનોમાં પ્રેમ-ભક્તિનાં સંવેદનોનું તથા જ્ઞાન ને ભક્તિબોધનું આલેખન થયેલું છે. ‘તારતમસાગર’માં નથી એવા, ૧૯ કડીના ‘વૈરાટવર્ણન’(મુ.)માં વિરાટ સાથેના મિલન તથા લગ્નનું રૂપકાત્મક નિરૂપણ છે. આ ઉપરાંત ભાગવતની રાસપંચાધ્યાયીને અનુસરતી ૪૬૮ કડીની કૃતિ ‘શ્રીનાથજીનો શણગાર’ પણ આ કવિને નામે ગણાવાયેલી છે. કૃતિ : ૧. તારતમસાગર, સં. સંતમંડળ, ઈ.૧૯૭૩;  ૨. પ્રાકાસુધા : ૩(+સં.), ૪; ૩. બૃકાદોહન : ૮. સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુજૂકહકીકત; ૩. ગુસારસ્વતો; ૪. ગુસાપઅહેવાલ : ૨૦ - ‘છત્રસાલગુરુ પ્રાણનાથ અને તેમની ગુજરાતી કૃતિઓ’, અમૃત પંડ્યા; ૫. કલા ઔર સાહિત્ય, ગોવર્ધન શર્મા, ઈ.૧૯૫૯ - ‘સાહિત્યમેં ગહરાઈકા અભાવ’;  ઊર્મિ નવરચના, ઑક્ટો.-નવે. ૧૯૭૩ - ‘નિજાનંદ(પ્રણામી) સંપ્રદાય અને સંત પ્રાણનાથ’, પ્રવીણચંદ્ર પરીખ;  ૭. ગૂહાયાદી.[ર.સો.]