અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ત્રિભુવન ગૌ. વ્યાસ/ગીરનાં જગંલ: Difference between revisions
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ઘોર અતિ વંકી ધરતી ને વંકા પથરાયા બહુ પહાડ, વિકટ અને વંકા પગરસ્તા,...") |
(No difference)
|
Revision as of 18:07, 21 June 2021
ઘોર અતિ વંકી ધરતી ને વંકા પથરાયા બહુ પહાડ,
વિકટ અને વંકા પગરસ્તા, ગીચ ખીચોખીચ જામ્યાં ઝાડ;
ઝરે ઝરણ બહુ નીર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!
ઉતાવળી ને ઊંડી નદીયું સઘન ઘટાથી છાઈ રહે,
કાળાંભમ્મર પાણી એનાં ધસતાં ધમધોકાર વહે;
ઝૂક્યાં તરુવર તીર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!
શિયાળ સસલાં સાબર હરણાં મનગમતી સૌ મોજ કરે,
વાઘ વરુ ચિત્તા પારધી શિકારીઓની ફોજ ફરે;
જીવનસાટાં શિર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!
સિંહ સમા શૂરવીર નરોની દુર્ગમ ધરતી સાખ પૂરે,
ડુંગરની વિકરાળ કરાડ્યું ઊભી મિત્રવિજોગ ઝૂરે,
સ્મરી ધીંગાણાં ધીર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!
અજબ ખંજરી બજે ભયાનક, પ્રચંડ ધોધપછાડ તણી,
ઝીલે તેના પડછંદાઓ પ્રજા અડીખમ પહાડ તણી,
ભીષણ સૂર સમીર તણા; જો ગાજે જંગલ ગીર તણાં!
બહુરંગી વન વ્યાઘ્રચર્મ-શાં અંગ ધરી યોગી ગિરનાર,
બહુ યુગથી બેઠો દૃઢ આસન, પ્રેમભર્યો કરતો સત્કાર;
સાધુ સંત ફકીર તણા; જો ગાજે જંગલ ગીર તણાં!
પુષ્પિત તરુ વનવેલ વસંતે નવપલ્લવ ઘેઘૂર બને,
રૂંઢ ખાખરા ખીલે કેસૂડે, મધુર ગુંજન છાય વને;
કલરવ કોકિલ કીર તણા; જો ગાજે જંગલ ગીર તણાં!
સ્વતંત્રતા ને સ્વાભાવિકતા સુંદરતા સહ રાસ રમે,
ડુંગર ડુંગર દેવ વસે ને વિરાગીઓ અલમસ્ત ભમે,
વીસરી જતન શરીર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!
મોટી ગોળી સરખાં માથાં ઉપર સુંદર કૂંઢાં શીંગ,
કુંજરનાં બચ્ચાંઓ જેવી ભેંશુંની બહુ લઈને ઘીંઘ,
નેસ વસ્યા આહીર તણા; જો ગાજે જંગલ ગીર તણાં!
વર્ષાની ઘનઘટા ચડે નભ, ડુંગર વર વીજળી ઝબૂકે,
મેઘદુન્દુભિ ગડે ગગનમાં, મત્ત બની મોરા ટહુકે;
ત્રાડન કેસરી વીર તણાં; જો ગાજે જંગલ ગીર તણાં!
(ગીતિકા, સંપા. સુરેશ દલાલ, ૧૯૯૦, પૃ. ૮૨-૮૩)