ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કડવા-કડુઆ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કડવા/કડુઆ'''</span> [જ. ઈ.૧૪૩૯ - અવ. ઈ.૧૫૦૮] : કડવાગચ્છ...") |
(No difference)
|
Revision as of 13:07, 1 August 2022
કડવા/કડુઆ [જ. ઈ.૧૪૩૯ - અવ. ઈ.૧૫૦૮] : કડવાગચ્છના મૂલપુરુષ. નાડુલાઈના વીસા નગર. પિતા મહેતા ક્હાનજી. માતા કનકાદે. વૈષ્ણવધર્મી કુટુંબમાં જન્મેલા કડવાને બાળપણથી જૈન ધર્મનો રંગ લાગ્યો હતો અને ઈ.૧૪૫૮માં અમદાવાદ આવી ત્યાંના રૂપપુરમાં આગમગચ્છના પંન્યાસ હરિકીર્તિ આદિનું તેમણે નિરીક્ષણ કર્યું હતું. પંન્યાસ હરિકીર્તિ પાસે વિવિધ શાસ્ત્રોનું અધ્યયન કરી, એમના ઉપદેશથી વર્તમાનકાળે ખરા સાધુઓ છે અહીં એવી સમજણ સાથે સંવરી - ભાવસાધુપણે રહેવાનું શરૂ કર્યું અને પછીથી શિષ્યો પણ બનાવ્યા. ઈ.૧૪૬૮થી ઈ.૧૫૦૮ સુધી એમણે સૌરાષ્ટ્ર, ગુજરાત, મારવાડ અને છેક આગ્રા સુધી વિહાર કરી ઘણા લોકોને શ્રાવકો બનાવ્યા તે દરમ્યાન ઈ.૧૫૦૬માં કડવામતની સ્થાપના કરી. પાટણમાં અનશનપૂર્વક શાહ કલ્યાણે ઈ.૧૬૨૯માં રચેલી ‘કડુઆમત-પટ્ટાવલી’માં ઉલ્લેખાયા મુજબ એમની રચનાઓ ઈ.૧૪૫૮ પહેલાંથી ઈ.૧૫૦૭ સુધીની મળે છે, જેમાં ‘વીર-સ્તવન’ (૨.ઈ.૧૪૮૬), ‘વિમલગિરિ-સ્તવન’ (૨. ઈ.૧૪૮૯), ‘લુંપક્ચચ્ચરી-પૂજાસંવરરૂપસ્થાપના’ (૨.ઈ.૧૪૯૧), ‘પાર્શ્વ-સ્તવન’ (૨. ઈ.૧૪૯૨) ઉપરાંત ‘સાધુવંદના’, ‘શીલપાલનના એકસો ચાર બોલ’, ‘એક્સો તેર બોલ સ્ત્રી-શીલપાલનના’ તથા અન્ય કેટલાંક બોલ, પદો, સ્તવનો અને ગીતો તેમ જ ‘હરિહરાદિક પદ’ જેવી હિંદી રચનાઓનો પણ સમાવેશ થાય છે. ઉક્ત પટ્ટાવલીમાં કડવાએ ૬૦૦૦ જેટલી કૃતિઓ પાટણમાં રહીને રચી હોવાનો નિર્દેશ મળે છે. હરિહર વિશેનાં પદો એમની બાળપણની રચનાઓ હોવાનું પણ નોંધાયું છે. ઉપર્યુક્ત પટ્ટાવલીથી અતિરિક્ત, ‘જૈન ગૂર્જર કવિઓ’ ‘કડુઉ’ નામછાપ ધરાવતા, દુહા-ચોપાઈમાં રચાયેલ ‘લીલાવતીસુમતિવિલાસ-રાસ’ (લે. ઈ.૧૬૫૨)ને પ્રસ્તુત કર્તાની કૃતિ ગણાવે છે. સંદર્ભ : ૧. કડૂઆમતીગચ્છ પટ્ટાવલી સંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૯૭૯; ૨. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૩. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૩ - ‘કડુઆમત પટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચંદ નાહટા; ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨). [શ્ર.ત્રિ.]