સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમીતા મલ્લિક/કાનનદેવીની દુનિયા: Difference between revisions
(Created page with "{{Poem2Open}} {{space}} લાલ પટ્ટાવાળી સાડી, સિંદૂર ભરેલો સેંથો, હાથમાં શંખનાં કંગ...") |
(No difference)
|
Revision as of 04:41, 25 May 2021
લાલ પટ્ટાવાળી સાડી, સિંદૂર ભરેલો સેંથો, હાથમાં શંખનાં કંગણ : બંગાળી ગૃહિણીની લાક્ષણિક પરંપરાથી ૬૧ વરસનાં એ દાદીમા શોભાયમાન છે. દિલ્હીના વિજ્ઞાન ભવનના મંચ ભણી એ ધીમે ધીમે ડગલાં ભરી રહ્યાં છે. ભારતીય ચલચિત્રા જગતના સર્વોચ્ચ સન્માન સમું ૧૯૭૬નું દાદાસાહેબ ફાળકે પારિતોષિક હમણાં જ રાષ્ટ્રપતિના હાથે તેમને અર્પણ થવાનું છે. એ છે કાનનદેવી, સહુ કોઈનાં હૃદયેશ્વરી — ૧૯૨૬માં ૧૦ વર્ષની ઉંમરે મૂંગી ફિલ્મમાં એમણે પ્રવેશ કર્યો ત્યારથી હતાં તેવાં ને તેવાં આજે પાંચ દાયકા પછી પણ. એ કાળી કાળી પ્રવાહી આંખો હજી પણ ગળતી દેખાય છે, એ કોમળ કંઠ હજી પણ મોહિની લગાડે છે. ચલચિત્રાની દુનિયામાં એ દાખલ થયાં તે દિવસોનું વર્ણન કરતાં કરતાં એમના અવાજમાં ભૂતકાળ માટેની એક ઝંખના ઝણઝણી ઊઠે છે : “એ દિવસોમાં મારા પિતાનું અવસાન થયેલું. હું સાવ નાની હતી અને અમારું કુટુંબ સામાન્ય હતું. તે વખતે મારા કાકાબાબુ માદન થિયેટર્સની એક ફિલ્મમાં જયદેવનો પાઠ કરતા હતા. તે મને દિગ્દર્શક જ્યોતિષ બંદોપાધ્યાય પાસે લઈ ગયા. રાધાનો પાઠ કરવા માટે એમને એક ‘ભાલો ફુટફુટે મેયે’ (સરસ મજાની પ્રફુલ્લિત છોકરી)ની જરૂર હતી. લોકો કહેતા કે હું દેખાવડી હતી. એમણે મને પસંદ કરી. એ માટે મને પચ્ચીસ રૂપિયા આપ્યા, પણ મારા હાથમાં તો પાંચ જ આવ્યા; વચમાંથી દલાલે વીસ લઈ લીધા. “ત્યાંથી અમે રાધા ફિલ્મ્સમાં ગયાં. ત્યાં મહિને રૂ. ૩૫૦ મળતા. એ જમાનામાં આખી ફિલ્મની અમુક રકમના કરાર થતા નહીં. છેવટે ન્યૂ થિયેટર્સમાં માસિક હજાર રૂપિયાના પગારમાં હું પહોંચી. “૧૯૩૬માં ‘જોર બારાત’ નામની બોલતી ફિલ્મમાં મેં પહેલી વાર કામ કર્યું. પ્રમથેશ બરુઆની સાથે હું પણ ન્યૂ થિયેટર્સમાંથી છૂટી થઈને એમ. પી. પ્રોડક્શન્સમાં જોડાઈ. એ કંપનીમાં મેં ‘જવાબ’, ‘જોગાજોગ’ ને ‘હૉસ્પિટલ’માં કામ કર્યું. બંગાળી ને હિન્દી બેય ભાષામાં એ ચિત્રો સફળ નીવડયાં. પછી તો શરદબાબુની કથાઓ પરથી બનેલી સાત ફિલ્મોમાં મેં ભૂમિકા ભજવી. એમાંની છેલ્લી ‘ઇંદ્રનાથ-સુકાન્તા ઓ અન્નાદીદી’ મારા પતિ (હરિદાસ ભટ્ટાચારજી)ના દિગ્દર્શનવાળી હતી. એ મારી અંતિમ ફિલ્મ.” પોતાની કારકિર્દી, સાથી કલાકારો અને બંગાળના તથા એકંદરે ભારતના ફિલ્મ ઉદ્યોગ વિશે કાનનદેવીએ ઘણી વાતો કરી : “અમારા જમાનામાં ફિલ્મ ઉદ્યોગ એક પરિવાર જેવો હતો. અમારી પાસે ઘરની મોટરગાડીઓ નહોતી; સ્ટુડિયોનું વાહન રોજ સવારે અમને સહુને ભેગાં કરીને લઈ જતું. સ્ટુડિયો જાણે અમારી નિશાળ હતી. ત્યાં અમે હિન્દી ને ઉર્દૂ શીખતાં, સંગીત શીખતાં. રાયચંદ બોરાલ, પંકજ મલ્લિક અને શાસ્ત્રીય ગાયક બિશાજીત ચેટરજી પાસેથી મને સંગીતના પાઠ મળ્યા. રોજ સાંજે સ્ટુડિયોમાં અમે સાથે મળીને રમતો રમતાં અને પછી વાહન અમને ઘેર ઉતારી જતું. “અમને અભિનેત્રીઓને ફૅશનની એટલી બધી પરવા રહેતી નહીં, સાદાઈ અમને ગમતી. એ એક અનોખી જિંદગી હતી. એ દિવસોને સંભારતાં, જુઓ, મારા હાથનાં રુંવાડાં આજે પણ ખડાં થઈ જાય છે! પૈસો અમારે મન મોટી વાત નહોતી. એ જાતનું જીવન જીવવા મળે, તેનું જ મોટું સુખ અમે અનુભવતાં.” પોતાના જીવનની સંધ્યાએ પહોંચેલાં આ કલાકાર હજી પણ ચલચિત્રોની દુનિયામાં જ લીન રહે છે. એમના માર્દવ ભરેલા મુલાયમ સ્વરે, એમની મોહકતાએ અને પોતાના વ્યવસાય માટેની એમની મગરૂબીએ કાનનદેવીને ભારતીય સિનેસૃષ્ટિના એક ઉત્તુંગ શિખરે બિરાજમાન કરેલાં છે. એમનું સ્થાન હંમેશાં ત્યાં જ રહેશે. (અનુ. ગોપાલ મેઘાણી) [‘સ્ટેઇટ્સમન’ દૈનિક પરથી અનુવાદિત : ૧૯૭૮]