ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કુશલલાભ વાચક-૧: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કુશલલાભ(વાચક)-૧'''</span> [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખ...") |
(No difference)
|
Revision as of 07:26, 3 August 2022
કુશલલાભ(વાચક)-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ઉપાધ્યાય અભયધર્મના શિષ્ય. કવિની રાસાત્મક કૃતિઓમાં મુખ્યત્વે દુહા-ચોપાઈબદ્ધ, ૬૬૨ કડીની ‘માધવાનલકામકંદલા-ચોપાઈ’ (૨.ઈ.૧૫૬૦/સં. ૧૬૧૬, ફાગણ સુદ ૧૩, રવિવાર; મુ.)માં માધવાનલકામકંદલાની જાણીતી પ્રેમકથા આલેખાયેલી છે. ગણપતિની આ વિશેની કૃતિને મુકાબલે અહીં શૃંગારનિરૂપણ આછું છે અને કવિની સજ્જતા સમસ્યાઓ અને ગૂઢોક્તિઓ તેમ જ સંસ્કૃત-પ્રાકૃત તથા ગુજરાતી સુભાષિતોના પ્રચુરતાથી થયેલા વિનિયોગમાં દેખાય છે. આશરે ૪૦૦ કડીની ‘મારુઢોલાની ચોપાઈ’ (૨.ઈ.૧૫૬૧/સં.૧૬૧૭, વૈશાખ સુદ ૩, ગુરુવાર; મુ.) દુહા રૂપે મળતી રાજસ્થાનની અત્યંત લોકપ્રિય અને અદ્ભુતરસિક પ્રેમકથાનું ચોપાઈ અને ‘વાત’ નામક ગદ્ય વડે થયેલું, અનેક આનુષંગિક વીગતો અને પ્રસંગોની ગૂંથણી કરતું વિસ્તરણ છે. ૮૯ કડીની ‘જિનરક્ષિતજિનપાલિત-સંધિ’ (૨.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧, શ્રાવણ સુદ ૫), તપપૂજાનું માહાત્મ્ય દર્શાવતી ૪૧૫ કડીની ‘તેજસાર-ચોપાઈ’ (૨.ઈ.૧૫૬૬/૧૫૬૮), ૨૧૮ કડીની ‘અગડદત્ત-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૫૬૯/સં.૧૬૨૫, કારતક સુદ ૧૫, ગુરુવાર), ‘ભીમસેનરાજ-હંસરાજ-ચોપાઈ’, ૮૧૨ કડીની ‘શીલવતી-ચતુષ્પદિકા’ અને ‘દુર્ગા-સપ્તશતી’ એ આ કવિની અન્ય કથાત્મક કૃતિઓ છે. આ સિવાય આ કવિને નામે યુગપ્રધાન જિનચંદ્રસૂરિના ઈ.૧૫૬૨ના ખંભાતના ચાતુર્માસને કેન્દ્રમાં રાખી, એમને ભવસાગરમાંથી તારનાર ‘વાહણ’ (=નૌકા) ગણાવી એમની પ્રશસ્તિ કરતું ૬૭ કડીનું વિવિધ ઢાળબદ્ધ ‘પૂજ્યવાહણ-ગીત’ (મુ.) ૬૧ કડીનું ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૬૫), ૧૯ કડીનું ‘(સ્તંભન) પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.), દુહાબદ્ધ ૧૬/૧૯ કડીનો ‘નવકારમંત્રનો છંદ/રાસ’ (મુ.), ૧૭/૨૫ કડીનો ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ અને ‘ભવાની-છંદ’-એ કૃતિઓ નોંધાયેલ છે, પરંતુ એમાં કવિની ગુરુપરંપરાનો નિર્દેશ મળતો નથી. કુંવરરાજને નામે મળતા રામકથાના વિષયને લઈને વિવિધ છંદો ને અલંકારોની સમજૂતી તથા પર્યાયકોશને સમાવતા, પ્રસંગોપાત્ત ગદ્યનો ઉપયોગ કરતા ‘પિંગલશિરોમણિ’ (*મુ.)નું કર્તૃત્વ એના ગુરુ કુશલલાભનું હોવાનો તર્ક થયો છે પણ આ હકીકત હજી સંશોધન માગે છે. કૃતિ : ૧. માધવાનલકામકંદલાપ્રબંધ, સં. એમ. આર. મજમુદાર, ઈ.૧૯૪૨; ૨. આકામહોદધિ:૭(+સં.); ૩. ઐજૈકાસંગ્રહ; ૪. પ્રાછંદસંગ્રહ. સંદર્ભ : ૧. ગુલિટરેચર; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. યુજિનચંદ્રસૂરિ; ૪. હિસ્ટરી ઑવ રાજસ્થાની લિટરેચર, હીરાલાલ મહેશ્વરી, ઈ.૧૯૮૦; ૫. આલિસ્ટઑઇ:૨; ૬. જૈગુકવિઓ:૧, ૩(૧,૨); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ:૧.[ક.શે.]