ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવદાસ-૧: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેશવદાસ-૧'''</span> [ઈ.૧૫૩૬માં હયાત] : રાદે (હૃદયરામ...") |
(No difference)
|
Revision as of 11:17, 3 August 2022
કેશવદાસ-૧ [ઈ.૧૫૩૬માં હયાત] : રાદે (હૃદયરામ ? રાજદેવ ?)ના પુત્ર. અવટંકે મહેતા. પ્રભાસપાટણના વતની. જ્ઞાતિએ વાલમ (વાલ્મિક) કાયસ્થ. અંબાલાલ જાનીએ ‘શ્રીકૃષ્ણલીલાકાવ્ય’ એ શીર્ષકથી ‘કેશવરામ’ને નામે પ્રસિદ્ધ કરેલા એમના કાવ્યની અંદર સર્વત્ર કૃતિનામ ‘શ્રીકૃષ્ણક્રીડા’ અને કર્તાનામ ‘કેશવદાસ’ મળે છે. આ કૃતિની રચનાસંવતદર્શક પંક્તિનાં ૨ અર્થઘટન થઈ શકે છે. તેમાંથી સં.૧૫૨૯ કરતાં સં.૧૫૯૨ (આસો સુદ ૧૨ ગુરુવાર/ઈ.૧૫૩૬)નું અર્થઘટન વધુ આધારભૂત ગણાયું છે. ૪૦ સર્ગ અને આશરે ૭૦૦૦ પંક્તિની મુખ્યત્વે દશમસ્કંધ પર આધારિત ‘કૃષ્ણક્રીડા’ કૃષ્ણચરિત્રવિષયક સમગ્ર સાહિત્યિક પૂર્વપરંપરાનો લાભ લે છે ને રસાત્મકતાથી કૃષ્ણનું લીલાગાન કરે છે. વસંતલીલા જેવા સ્વતંત્ર રીતે આસ્વાદ્ય બનતા ખંડો ધરાવતી આ કૃતિમાં ભાવનિરૂપણ તથા પાત્ર-પ્રસંગચિત્રણની પ્રશસ્ય શક્તિ કવિ બતાવે છે. મુખ્યત્વે પૂર્વછાયા અને ચોપાઈબંધ અહીં પ્રયોજાયો છે પણ તે ઉપરાંત અપભ્રંશ, વ્રજ અને ચારણી પરંપરાના પણ ઘણા છંદોનો વિનિયોગ તથા પદ્યરચનાની ચાતુરી પણ ધયાન ખેંચે છે. ઉદ્ધૃત તેમ જ સ્વરચિત સંસ્કૃત શ્લોકોનો આશ્રય અને વ્રજભાષાની પદરચના કવિની તે ભાષાઓની અભિજ્ઞતા પ્રગટ કરે છે. આ રીતે દશમસ્કંધ પર આધારિત ગુજરાતી કાવ્યોમાં આ કૃતિ મહત્ત્વની ઠરે છે. કવિએ આ ઉપરાંત કેટલાંક પદો રચ્યાંની સંભાવના થઈ છે પણ એને માટે કોઈ પ્રમાણ નથી. કૃતિ : શ્રીકૃષ્ણલીલાકાવ્ય, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૩૩ (+સં.). સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. ગુસામધ્ય; ૪. ભીમ અને કેશવદાસ કાયસ્થ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧; પ.સ્વ. રામલાલ ચૂનીલાલ મોદી લેખસંગ્રહ:૨, રામલાલ ચૂ. મોદી, ઈ.૧૯૬૫ - ‘કવિ કેશવદાસનો સમય.’ [ચ.શે.]