અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનસુખલાલ ઝવેરી/અભિમન્યુનું મૃત્યુ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> {{space}}ચાપહીન થયે એને ઉરે ઉત્સાહ ઓસર્યો; {{space}}તે વાધી પલમાં પાછો ગદા...")
(No difference)

Revision as of 09:17, 22 June 2021

         ચાપહીન થયે એને ઉરે ઉત્સાહ ઓસર્યો;
         તે વાધી પલમાં પાછો ગદાથી એ કૂદી પડ્યો.
ઘૂમંતો કૌરવોના અતલ ગગનમાં મેઘ-શો ચંડમૂર્તિ,
ઝીલંતો શત્રુવર્ષ્યાં પરશુ, શર અને તોમરો અગ્નિતીખાં,
વીંઝંતો વેગથી એ, વિષમ વડી ગદા, કાળની શક્તિ જેવી,
કૂદી, ઉન્મત્ત, ઘેલો, કુરુકુલદળને છૂંદતો ઘાતઘાતે.

         જેવો કમલિની કેરી કુંજે કુંજર કૂદતો,
         એમ કૌરવકુંજોમાં, કૂદતો પાંડુકુંજર.
પ્રૌઢા પાદ-પ્રહારે, ધરણી ધમધમાવંત ભૂકંપ જેવો,
ગર્વીલા સિંહનાદે, ગહન ગગનના ગાભને ગાળનારો;
હારેલા તાત કેરા, તુમુલ થઈ ગદા, વૈરને વાળવાને,
તૂટ્યો દૌઃશાસની ત્યાં રણરમણ ચડ્યા શૂર સૌભદ્ર માથે.
         ભરયાં જેમ ઘનો ગર્જી, આથડે આભઆંગણે,
         તેમ જોબનઘેલા બે આથડ્યા સમરાંગણે.

ઝંઝાવાતો સમા એ, ઘૂમી ઘૂમી ઘૂમીને લોક કંપાવનારા,
તોળી તોળી ગદા એ, કડડડ કરતી ઝીંકતા સામસામા;
ગર્જીને દાખવંતા, નિજ કરબલ એ, મત્ત માતંગ જેવા,
ખેલંતા શૌર્ય કેરાં સમર, અમરને આંજતા, યૌવનાળા.
         મત્ત માતંગ-શા બંને, કરકૌશલ દાખવી,
         વિસ્મયે, ભયથી, હર્ષે, શૂરનાં ઉર પૂરતા.
                  સરર તોળી ગદા અભિમન્યુએ,
                  કડડ ઝીંકી જદા પ્રતિપક્ષી-શું,
                  ચરર ચિત્ત ચિરાઈ જતાં તહીં,
                  ‘અરર!’ ઘોષ થયો કુરુસૈન્યમાં.

પણ ત્યાં અંગચાપલ્યે, સરકી કુરુકુંજરે,
ઝીંકી ભીમ ગદા સામી, કરતાં ગર્વગર્જના.
         સ્વબલથી અભિભૂત જ એ થયો,
         ક્ષિતિતલે અભિમન્યુય ત્યાં પડ્યો;
         કડડ કંપ્યું અનંતનું આંગણું,
         ખળભળ્યા ક્ષિતિના સહુ સંધિઓ.

પડ્યા ભૂમિ પરે બંને વીરો ત્યાં નિજ વેગથી,
પણ ત્યાં પલમાં પાછો, દૌઃશાસની ઊભો થયો.
         ઊભો થતાં જ ઊઠતા અભિમન્યુ માથે,
         વિદ્યુત્ સમી નિજ ગદા પળમાં જ ઝીંકી :
         વ્યાયામશ્રાંત રણવીર રણે હણાતાં,
         ગાજી રહ્યો કુરુકુલાંકુર સિંહનાદે.
ગૌરક્ષા કાજ ચાલ્યા નિજ જનક તણી આમ કર્તવ્યપૂર્તિ
થાતાં, એના શરીરે અમર દીપી રહ્યો એક આનંદજ્યોતિ;
ઉત્કંઠી અપ્સરાઓ અમર કુસુમ ત્યાં વીરને અંગ વેરે
ડૂબંતા ભાનુયે ત્યાં કનક કિરણથી વીર્ય એનાં વધાવે.
         સૂર્યમંડળ ભેદીને, વીરનો જ્યોતિ આત્મનો,
         બ્રહ્મમાં ભળતાં, વિશ્વે શોકોદધિ ફરી વળ્યો.

(ફૂલદોલ, ૩જી આ. ૧૯૫૮, ‘અભિમન્યુ’માંથી, પૃ. ૧૬-૧૮)