ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ/ચૂડ વિજોગણ-અમિયલ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ચૂડ (વિજોગણ)/અમિયલ'''</span> [ ]: એક મત...") |
(No difference)
|
Revision as of 13:26, 9 August 2022
ચૂડ (વિજોગણ)/અમિયલ [ ]: એક મતે અમિયલ એવું અપરનામ ધરાવતી સિંધી કોમની બાળકુંવારી સ્ત્રી. બીજે મતે ‘ચૂડ’ શબ્દ એ વ્યક્તિનામનો નહીં પણ મૃત્યુ પછી પ્રેત રૂપે દેખાતા સ્ત્રીના વાસનાદેહનો નિર્દેશ કરે છે. એ અંગેની દંતકથા એવી છે કે સૌરાષ્ટ્રના કોઈ નગરની રાજકુમારીને નગરશેઠના દીકરા અમિયલ સાથે નાનપણથી જ સ્નેહની ગાંઠ બંધાઈ જાય છે. અન્ય રાજકુમાર સાથે પરણાવી દેવાયેલી રાજકુમારી વ્રતને બહાને એકાંતમાં રહી અમિયલ સાથેનો પ્રેમસંબંધ ચાલુ રાખે છે. રાજકુમારને એની જાણ થતાં એ રાજકુમારીની હત્યા કરે છે, પરંતુ ચુડેલ બનેલ રાજકુમારીની અમિયલ સાથેની મુલાકાત ચાલુ રહે છે. અમિયલને રાજકુમારીના પ્રેતસ્વરૂપની જાણ થતાં તે નાસી છૂટે છે. ચૂડદેહી રાજકુંવરી ગિરનાર પર એને શોધી કાઢે છે, પરંતુ એ ડરીને નાસી ગયો છે એમ જાણતાં એના પર ફિટકાર વરસાવે છે. એ નોંધપાત્ર છે કે પ્રાપ્ત દુહાઓમાં ‘ચૂડ’ની જેમ ક્વચિત્ ‘અમિયલ’ એ નામછાપ પણ મળે છે અને ‘એડા’ (=એવા) એ સિંધી ભાષાનો શબ્દ પણ વપરાયેલો મળે છે. વિષય અને અભિવ્યક્તિના અત્યંત મળતાપણાને કારણે સંધી મુસલમાન દુહાગીર તમાચી સુમરાની આ રચનાઓ હોય એવો સંભવ પણ દર્શાવાયો છે. આવી નામછાપથી કે નામછાપ વગર પણ એ જ વ્યક્તિએ રચેલા મનાતા ૧૦૦ જેટલા છકડિયા દુહાઓ (મુ.) મળે છે. જો કે, કેટલાક દુહાઓમાં ઓછાવત્તા ચરણ મળે છે, પણ એ ભ્રષ્ટ પાઠને કારણે હોઈ શકે. આ દુહામાંથી કેટલાક સ્નેહવિષયક સુભાષિત જેવા છે જેમાં સજણ કેવાં ધારવાં તેમ કોની પ્રીત ન કરવી એનું નિરૂપણ થયેલું છે. લોકજીવનમાંથી લીધેલી લાક્ષણિક ઉપમાઓ - કૂવાના કોસ લટિયર કેળ, બિલોરી કાચ, હિંડોળાખાટ, ટંકણખાર - ની મદદથી મૂર્ત કરેલું સજણનું ભાવચિત્ર ખાસ ધ્યાન ખેંચે છે. સ્વાગત, વિદાય, સ્વપ્ન જેવી પરિસ્થિતિઓનું અવલંબન લઈને વ્યક્ત થયેલા ઉત્કટ આર્દ્ર પ્રેમભાવમાં વેધક વિરહવેદનાનું પ્રાચુર્ય છે ને એમાંયે તળપદાં ચિત્રકલ્પનોથી હૃદયંગમ મૂર્તતા આવેલી છે. કૃતિ : ૧ કાઠિયાવાડી સાહિત્ય:૨, સં. કહાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩ (+સં.); ૨. ચંદર ઊગ્યે ચાલવું, સં. પુષ્કર ચંદરવાકર, સં. ૨૦૨૦(+સં.); ૩. પરકમ્મા, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૪૬ - ‘સજણાં’ (+સં.); ૪. પ્રીતના પાવા, સં. પુષ્કર ચંદરવાકર, ઈ.૧૯૮૩ - ‘સંશોધકના થેલામાંથી’માં ઉદ્ધૃત દુહા; ૫. લોકસાહિત્યનું સમાલોચન, ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૪૬, ઈ.૧૯૬૮ (બીજી આ.); ૬. ઊર્મિ નવરચના, જુલાઈથી ઑક્ટો. ૧૯૭૬ - ‘ચૂડ વિજોગણની કથાના છકડિયા’, સં. ગોવિંદભાઈ શિણોલ (+સં.); ૭. કવિલોક, માર્ચ-એપ્રિલ ૧૯૭૩થી જાન્યુ.-ફેબ્રુ. ૧૯૭૪ - ‘વિજોગણ ચૂડના દુહા’, સં. પુષ્કર ચંદરવાકર (+સં.). સંદર્ભ : ૧. ઊર્મિ નવરચના, મે ૧૯૭૬ - ‘અમિયલની ચૂડ’, ગોવિંદભાઈ શિણોલ; ૨. એજન, મે. ૧૯૭૬ - ‘બીજમાર્ગ ને સિંધુસંસ્કૃતિ : ચૂડ વિજોગના છકડિયા’, જયમલ્લ પરમાર; ૩. એજન, જૂન ૧૯૭૬ - ‘ચૂડ વિજોગણની કથા’, ગોવિંદભાઈ શિણોલ.[જ.કો.]