સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અમૃત ‘ઘાયલ’/ગમે છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે; કારણ નહીં જ આપું કારણ મને ગમે...")
(No difference)

Revision as of 05:44, 25 May 2021

કાજળભર્યાં નયનનાં કામણ મને ગમે છે;
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે....
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે;
જળ હોય ઝાંઝવાંનાં તોપણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગી તણું આ ડહાપણ મને ગમે છે....
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે....
આવ્યો છું
ભુલાતી પ્રેમમસ્તીની કહાની લઈને આવ્યો છું,
‘કલાપી’, ‘બાલ’ની અંતિમ નિશાની લઈને આવ્યો છું....
તમોને ભેટ ધરવા ભરજવાની લઈને આવ્યો છું,
મજાના દી અને રાતો મજાની લઈને આવ્યો છું....
સિતારા સાંભળે છે શાન્તચિત્તે રાતભર, ‘ઘાયલ’
ઉદાસ આંખો મહીં એવી કહાની લઈને આવ્યો છું.
દુ:ખી કેવા છીએ
...દુ:ખી કેવા છીએ એ વાત જગજાહેર છે સાકી!
છતાં કહેવું પડે છે કે પ્રભુની મ્હેર છે સાકી!...
ખબર નો’તી સમય આ રંગ પણ દેખાડશે અમને,
હતાં જેમાં અમી એ આંખડીમાં ઝેર છે સાકી!...
કરી દે અન્ય સાથોસાથ જીર્ણોદ્ધાર એનો પણ,
હૃદય ‘ઘાયલ’ તણું વર્ષો થયાં ખંડેર છે સાકી!