ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/ગોમટેશ્વરનાં દર્શન: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ગોમટેશ્વરનાં દર્શન'''}} ---- {{Poem2Open}} અમે જ્યારે બાહુબલીને દર્શને ગયા...") |
(No difference)
|
Revision as of 12:03, 22 June 2021
ગોમટેશ્વરનાં દર્શન
અમે જ્યારે બાહુબલીને દર્શને ગયા ત્યારે શાસ્ત્રની મર્યાદા ધ્યાનમાં રાખી મૂર્તિનું આપાદમસ્તક ફરી ફરી દર્શન કર્યું. ત્યાં મૂર્તિના ચરણની બે બાજુએ બે લેખ કોતરેલા છે. એક બાજુ જૂની નાગરી લિપિમાં, બીજી બાજુ જૂની કાનડી લિપિમાં. પણ બંને ઠેકાણે એક જ મરાઠી વાક્ય – “चामुंडराये करवियलें – ચામુંડરાયે બનાવરાવ્યું.” મરાઠી ભાષાના ઇતિહાસકારો કહે છે કે મરાઠી ભાષામાં લખાયેલી પોથીઓમાં અને શિલાલેખોમાં આ વાક્ય જૂનામાં જૂનું છે. આજની માહિતી પ્રમાણે મરાઠી ભાષા ફૂટી નીકળી તે આ જ વાક્ય સાથે. ચામુંડરાયના પિતા કોઈ દેવી ઉપાસક હશે, એટલે એણે પોતાના દીકરાનું નામ ચામુંડા માતા ઉપરથી પાડ્યું હોવું જોઈએ. કોઈ શક્તિનો દીકરો અહિંસામાર્ગી જૈન ધર્મનો ઉપાસક થયો એ પણ એ સમયનો ઇતિહાસ વ્યક્ત કરે છે. મરાઠી ભાષાના પ્રારંભમાં, લખવા માટે, બે લિપિઓ એકસાથે ચાલતી હશે. મરાઠી ભાષા અને કન્નડ ભાષા જ્યારે સગી બહેનો જેવી એકત્ર રહેતી હશે, ત્યારે જ એ શિલાલેખો આમ કોતરાયા હશે.
ચામુંડરાય રાજપૂત હતો. એની ભાષા મરાઠી હોવા છતાં પ્રજાની બંને લિપિનો એ પુરસ્કાર કરવા માગતો હતો. મારી મીઠી, ભોળી, મરાઠી ભાષાનું આ દ્વિવિધ દર્શન કરીને હું ગળગળો થયો. મરાઠી ભાષાનો ઉદ્ગમ અહીં છે, એ ખ્યાલથી જ મરાઠી ગિરાની આ ગંગોત્રીમાં નાહીને હું પાવન થયો.
પછી મારું ધ્યાન ગયું રાફડાઓમાંથી નીકળતા મોટા મોટા નાગો તરફ. ગજવેલની તલવારને પારસમણિનો સ્પર્શ થાય તોયે એ સોનાની થયેલી તલવાર આકારે તલવાર જ હોય છે. એ કોઈની હત્યા ન કરે. સોનાની તલવારથી પ્રહાર કરવા જાઓ તો સામા માણસને ઘા કરવાને બદલે એ પોતે જ ખંડિત થઈ જાય અને તે રીતે પોતાનું સોનાપણું જાહેર કરે. તેમ જ કારુણ્યમૂર્તિ અહિંસાધર્મી બાહુબલીના ચરણ આગળ સ્થાન મળવાથી આ મહાવ્યાલ પણ સાવ અહિંસક થયા છે અને પોતાની ફણા ફેલાવી જાણે દુનિયાને અભયવચન જ આપે છે.
નજર કંઈક આગળ ચડી ત્યાં બંને બાજુથી બે માધવીલતાઓ મહાપરાક્રમી બાહુબલીને આધારે પોતાનો ઉન્નતિક્રમ સાધતી દેખાઈ. ધીરોદાત્ત નાયકને કોમળ લતા સમી નાયિકા વળગે તેમ આ માધવીલતા આ સાધનાવીરને વળગેલી છે. એ લતાએ કહ્યું: “આ તપોવીરની હું શી સેવા કરું? મારું કામ કેવળ એની તપસ્યાની કઠોરતા ઢાંકીને એમાંથી દુનિયા માટે પ્રગટ થતી કોમળતા અને પ્રસન્નતા વ્યક્ત કરવાનું છે. બાહુબલીને હું વીંટળાઈ વળી છું એ ખરું, પણ હું કાંઈ એનું બંધન નથી. બંધનમુક્ત થયેલા એ મુક્તાત્માનું હૃદય કેટલું કોમળ છે એનો અંગુલિનિર્દેશ કરવા ખાતર હું એના પગથી માંડીને એના હૃદય સુધી ચડી છું.”
દુન્યવી શિષ્ટાચારમાં રચ્યાપચ્યા આપણે આ મૂર્તિ તરફ જોતાંવેંત મનમાં વિચાર આણીએ છીએ કે આ મૂર્તિ નગ્ન છે. આપણે મનમાં તેમ જ સમાજમાં જાતજાતની મેલી વસ્તુઓ સંઘરીએ છીએ. પણ આપણને એની નથી હોતી સૂગ અને નથી હોતી શરમ. પણ નગ્નતા જોઈને માત્ર ગભરાઈએ છીએ અને માનીએ છીએ કે નગ્નતામાં અશ્લીલતા છે; એમાં સદાચારનો દ્રોહ છે; એમાંનું બધું શરમાવા જેવું છે. પોતાની નગ્નતા ઉઘાડી પડતી ટાળવા માટે લોકોએ આત્મહત્યા પણ કરી છે. પણ શું નગ્નતા ખરેખર અભદ્ર છે? ખરેખર વિશ્રી છે? એમ હોત તો કુદરતને જ એની લજ્જા થા. ફૂલો નગ્ન રહે છે, પશુ-પક્ષીઓ નગ્ન જ રહે છે, કુદરત સાથે એકતા જેમણે ખોઈ નથી એવાં બાળકો પણ નાગાં જ ફરે છે. એમને એની શરમ જણાતી નથી અને એમની નિર્વ્યાજતાને કારણ આપણને પણ એમાં શરમ જેવું કશું લાગતું નથી. શરમની વાત જ જવા દઈએ. એમાં કશું અશ્લીલ, બીભત્સ, જુગુપ્સિત, વિશ્રી, અળખામણું આપણને લાગ્યું છે એવો કોઈ પણ માણસનો અનુભવ નથી. તેનું કારણ શું? કારણ એટલું જ કે નગ્નતા પ્રાકૃતિક સ્થિતિ હોઈ સ્વભાવ સુંદર છે. માણસે વિકૃત ધ્યાન કરી કરીને પોતાના મનના વિકારો એટલા બધા વધાર્યા છે અને એમને અવળે રસ્તો દોર્યાં છે કે સ્વભાવ સુંદર નગ્નતા એનાથી સહન નથી થતી. વાંક નગ્નતાનો નથી પણ આપણા કૃત્રિમ જીવનનો છે. માંદા માણસ આગળ પરિપક્વ ફળો, પૌષ્ટિક મેવો અને સાત્ત્વિક આહાર પણ છૂટથી રખાતાં નથી એ વાંક એ ખાદ્ય પદાર્થોનો નથી, પણ માણસના મંદવાડનો છે. નગ્નતા આપણે ઢાંકીએ છીએ તે નગ્નતાને વાંકે નહીં પણ માણસના માનસિક રોગને કારણે. નગ્નતા ઢાંકવામાં નગ્નતાની શરમ નથી પણ એના મૂળમાં વિકારી માણસ પ્રત્યે દયાભાવ છે, રક્ષણવૃત્તિ છે, અને તેમ કરવામાં જ્યાં આવી આર્યવૃત્તિ નથી હોતી ત્યાં નર્યો દંભ હોય છે.
પણ જેમ મુગ્ધ બાળક આગળ નરાધમ પણ સૌમ્ય અને નિર્મળ બને છે તેમ પુણ્ય-પુરુષો આગળ, વીતરાગ વિભૂતિઓ આગળ પણ એ શમાન્વિત થઈ જાય છે. જ્યાં ભવ્યતા છે, દિવ્યતા છે, ત્યાં પણ માણસ દબાઈને વિશુદ્ધ થાય છે. મૂર્તિકારો ધારત તો માધવીલતાની એક શાખા સાથળ ઉપર થઈને કેડ સુધી લઈ જાત અને એ રીતે નગ્નતા ઢાંકવી અશક્ય ન હતી, પણ પછી તો એમને પોતાની આખી ફિલસૂફીનો ઇન્કાર કર્યા જેવું થાત. બાળકો તમારી આગળ આવીને નાગાં ઊભાં રહે છે ત્યારે કાત્યાયની વ્રત કરતી મૂર્તિઓને પેઠે તેઓ પોતાના હાથ વતી પોતાની નગ્નતા ઢાંકતા નથી. બાળકોની નિર્લજ્જતા એમની નગ્નતાને પવિત્ર કરે છે. બીજું ઢાંકણું એમનો શા કામનું?
જ્યારે કારકળ પાસે ગોમટેશ્વરની મૂર્તિ જોવા હું ગયો હતો ત્યારે અમે સ્ત્રી, પુરુષ, બાળક અને વૃદ્ધ અનેક જણાં હતાં. અમને કોઈને એ મૂર્તિનું દર્શન કરતાં અસ્વસ્થ જેવું ન લાગ્યું. અજુગતું લાગવાનો સવાલ જ ન હતો. મેં અનેક નગ્ન મૂર્તિઓ જોઈ છે અને મન વિકારી થવાને બદલે ઊલટું એ દર્શનને કારણે જ તે નિર્વિકારી થયાનો અનુભવ કર્યો છે, અને મેં એવી પણ મૂર્તિઓ અને છબીઓ જોઈ છે કે જે વસ્ત્રાભૂષણથી ઢંકાયેલી હોવા છતાં કેવળ વિકારપ્રેરક અને ઉન્માદક જેવી લાગે છે. કેવળ એક ઉપચારથી લંગોટી પહેરનાર નાગા સાધુઓ આપણને વૈરાગ્યનું વાતાવરણ પૂરું પાડે છે, જ્યારે માથાથી પગ સુધી ઢંકાયેલી વ્યક્તિઓ આંખના એક પલકારાથી અથવા નખરાના જરાક સરખા ઇશારાથી માણસને અસ્વસ્થ કરી મૂકે છે, અને નીચે પાડે છે.
આપણી નગ્નતા પ્રત્યેની નજર અને આપણું વિકારો પ્રત્યેનું વલણ બંને બદલાવાં જોઈએ. સાચી વાત એ છે કે આપણે વિકારને પણ પોષવા માગીએ છીએ અને વિવેકને પણ સાચવવા માગીએ છીએ.
બાહુબલી બાહુબલી છે છતાં તેનું શરીર મલ્લ જેવું કસાયેલું બતાવ્યું નથી. એ હોંશ તો યવન મૂર્તિકારોની હતી. આપણા મૂર્તિકારો જડ દ્વારા ચૈતન્ય પ્રગટ કરવા માગતા હતા. માણસની પાશવી શક્તિ વ્યક્ત કરવાને બદલે, પાશવી વૃત્તિ ઉપર વિજય મેળવનાર વૈરાગ્ય અને પ્રશમની પ્રસન્નતા વ્યક્ત કરવા એ મથતા હતા. બાહુબલીની કેડમાં દૃઢતા છે, એની છાતી વિશાળ છે, એના ખભા પહોળા છે, આખી દુનિયાનો ભાર વહન કરવો એમને માટે રમત વાત છે. એ કમ્બુગ્રીવ હોત, ગૂઢજત્રુ હોય તો આખી મૂર્તિ વધારે શોભત એ ખરું, પણ આ ટૂંકું અને જાડું ગળું અનાયાસે કૉલરની શોભા આપે છે અને એ ગળા ઉપરના વિરાજમાન માથાનું કૌમાર્ય વધારે સારી રીતે વ્યક્ત કરે છે.
આખું શરીર ભરાવદાર, યૌવનપૂર્ણ, કોમળ અને કાન્તિમાન છે. આવડી મોટી મૂર્તિમાં પ્રમાણ સાચવવાનું ભાગ્યે જ બને છે. એક જ પથરામાંથી કોતરેલી આટલી ભવ્ય મૂર્તિ દુનિયામાં બીજી કોઈ નથી. મિસર દેશમાં મોટી મોટી મૂર્તિઓ છે પણ તે એવી તો અક્કડ થઈને બેઠી છે કે રાજત્વનાં બધાં લક્ષણો અને ચિહ્નો એમના ઉપર હોવા છતાં, પકડી આણીને બેસાડી હોય અને નછૂટકે બેસવા તૈયાર થઈ હોય એવી તે દેખાય છે. અહીં એવું નથી. આવડી મોટી મૂર્તિ એટલી તો સુંવાળી છે કે ભક્તિ સાથે કંઈક વહાલની એ અધિકારી બની છે.
ઘણી વાર મૂર્તિકારો આખી મૂર્તિ મજાની બનાવી દે છે. પણ જેની મારફતે વ્યક્તિત્વ ઉઠાવદાર કરી શકાય છે, તે ચહેરો બનાવવામાં જ હારી જાય છે. એટલે હું તો કોઈ મૂર્તિ જોતી વખતે એની મુખમુદ્રા તરફ નિરાશાની અપેક્ષાથી બીતો બીતો જ જોઉં છું. સારી મૂર્તિઓમાં પણ ક્યાંક તો બગાડ રહે જ છે, અને દૂધસાકરમાં મીઠાનો કાંકરો ભળી જ જાય છે. આ મૂર્તિનો સહેજ આગળ આવેલો અધરોષ્ઠ જોઈ મારા મનમાં બીક પેસી ગઈ કે અહીં આપણો ઉત્સાહભંગ થવાનો છે કે શું? એટલે વિશેષ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. આગળથી જોયું, બાજુએથી જોયું, ચિકિત્સાની નજરે જોયું અને ભક્તિની નજરે જોયું, કાંઈ પણ નિર્ણય ઉપર આવ્યા વગર છુટકો જ ન હતો. જ્યાં સુધી મૂર્તિના સૌંદર્ય તરફ હું જોતો હતો ત્યાં સુધી હું કંઈ નિર્ણય કરી શક્યો નહીં. ચિત્તમાં અનિશ્ચિતતાની અસ્વસ્થતા જ ફેલાવા લાગી, પણ તરત જ હું ભાન ઉપર આવ્યો. મેં ઘેલા મનને કહ્યું, “સૌંદર્યનો તો અહીં ઢગલો છે, પણ સૌંદર્ય શોધવાનું આ સ્થાન નથી. મુખમંડલ પર જ રૂપલાવણ્ય હોય અને ભાવ ન હોય તો આ પૂજામૂર્તિ થઈ જ ન શકે. કશી પ્રેરણા આપી જ ન શકે. આ મૂર્તિ અહીં દુનિયાદારીની દીક્ષા આપવા માટે ઊભી થઈ નથી. પૂછ એ મૂર્તિને! એ પોતે જ તને બધું કહી દેશે.”
નજર બદલાઈ અને એ મૂર્તિના ભાવ તરફ ધ્યાન ગયું. પછી પૂછવું જ શું? એક ક્ષણમાં વૈરાગ્ય ને કારુણ્યના પ્રવાહ ઝરવા લાગ્યા; ના, ના, વૈરાગ્ય ને કારુણ્યના ધોધ પડવા લાગ્યા અને ચિત્ત એ ધોધમાં નાહીને ક્ષણે ક્ષણે એ ભવ્યતાની ઊંચાઈ સુધી ચડવા લાગ્યું. એક આચાર્યે આવી જ કોઈ ભવ્ય મૂર્તિનું વર્ણન કરતાં ગાયું છે કે “यत्कारुण्य-कटाक्ष-कान्तिलहरी प्रक्षालपत्याशयम्।। — જેવા કારુણ્યપૂર્ણ કૃપાદૃષ્ટિનો ચળકતો પ્રવાહ ભાવોને ધોઈ શુદ્ધ કરે છે.” આ વર્ણનની યથાર્થતાનો અહીં અમને પૂરેપૂરો અનુભવ થઈ રહ્યો. મૂર્તિના મોઢા ઉપર સહેજ વિષાદ છે. માણસની દુર્બળતા, એની પામરતા, નિઃસાર જીવન પ્રત્યેની એની ઘેલછા વગેરે બધું દીર્ઘકાળ સુધી જોઈને માણસજાતિ વિશેનું પારાવાર દુઃખ એ આંખોમાં અને એ હોઠોમાં સમાયેલું છે. આટલું હોવા છતાં નિરાશા અથવા ચીડ જરાયે દેખાતી નથી. દુનિયા તો આવી જ હોય, આવી છે એટલા માટે તો એના ઉદ્ધારનો સવાલ ઊભો થાય છે. માણસની પાપપ્રવણતા વધારે જોરાવર છે કે મહાપુરુષોની, બોધિસત્ત્વોની, તીર્થંકરોની અને અવતારોની ક્ષમાવૃત્તિ અને કારુણ્યવૃત્તિ વધારે અસરકારક છે, એ સવાલનો જવાબ માણસને હંમેશ એક જ રીતે મળ્યો છે અને એ જ જવાબ આ મૂર્તિની મુખમુદ્રા પરથી આપણને મળે છે.
નીચે ઊતરતા કાન જોકે શરીરરચનાનું પ્રમાણ સાચવતા નથી, પણ મૂર્તિની પ્રતિષ્ઠા વધારે છે. એટલું જ નહીં, પણ આપણને સૌંદર્ય-સિદ્ધિનું પ્રમાણ શીખવે છે. મને તો આ મૂર્તિની આંખો, એના હોઠ, એની હનુ, આંખ ઉપરની ભમ્મર, એના હોઠ ઉપરનું કારુણ્ય – બધું જ અસાધારણ સુંદર દેખાય છે. આકાશના તારાઓ જેમ લાખો વર્ષ સુધી ચળકતા છતાં તાજાના તાજા જ રહે છે, ઉષા જેમ વેદકાળથી આજ સુધી પોતાનું લાવણ્ય અને પોતાની તાજગી અખંડ સાચવતી આવી છે, તેવી જ રીતે આ મૂર્તિ પણ લગભગ એક હજાર વર્ષથી અહીં ઊભી રહ્યા છતાં એટલી ને એટલી જ તાજી, એટલી ને એટલી જ દ્યુતિમાન અને સુભગ છે. તડકો, હવા અને પાણીની અસરથી પાછળની બાજુએ ઝીણા ઝીણા પોપડા ખરી પડ્યા છે ખરા; પણ એટલાથી એ મૂર્તિનું લાવણ્ય ખંડિત થયું નથી. કહેવાય છે કે અમેરિકાના કોઈ ફંડના ટ્રસ્ટીઓ આ મૂર્તિનો પથ્થર વધારે જીર્ણ ન થઈ જાય એટલા માટે એના પર એક જાતની દવાનો પુટ ચડાવવા મથતા હતા, પણ જૈન લોકોએ તેમ કરવા દેવાની ના પાડી. હજાર વર્ષ સુધી જે મૂર્તિ એમ ને એમ ટકી છે તે ભગવાનની કૃપા હશે તો બીજાં હજાર વર્ષ સુધી એમ ને એમ રહેશે અને ન રહી તોયે જેવી સ્થિતિમાં હશે તેવી જ એની પૂજા કરીશું એમ એમનું કહેવું છે. સામી બાજુએ રક્ષણવાદી લોકો કહે છે કે, “આ મૂર્તિ ઉપર માલેકી ભલે જૈન લોકોની હોય પણ એ આખા જગતનું અલૌકિક ધન છે, શિલ્પકળાનું અજોડ રત્ન છે, અશેષ માણસજાતિનો એ અમૂલ્ય વારસો છે. હજાર વર્ષ સુધી એ ટક્યો એ ઈશ્વરની કૃપા, પણ કુદરતની અસરથી એને બચાવી હજાર નહીં પણ હજારો અને લાખો વર્ષો સુધી એને ટકાવવો જોઈએ અને ભવિષ્યકાળના અગણ્ય કોટિ માનવીઓને એ પ્રેરણા આપી શકે એ હાલતમાં એને રાખવો જોઈએ એ આપણો ધર્મ છે. વાર્નિશ ચડાવી એ મૂર્તિને બગાડી નાખવાનું નિંદ્ય કર્મ અમે ન કરીએ. મૂર્તિ છે તેવી ને તેવી જ દેખાય, એની અસરમાં જરા સરખી ઊણપ ન આવે, એમાં જરા પણ પરિવર્તન ન થાય, એટલું સાચવીને જ અમે એની આવરદા વધારવા માગીએ છીએ. વિજ્ઞાનની શોધખોળ જ્યાં સુધી આફણને લઈ જઈ શકે ત્યાં સુધી જઈ, આવી અલૌકિક કૃતિનું રક્ષણ કરવું જોઈએ. નહીં તો બુદ્ધિદાતા જગત્પ્રભુએ આપણને વિજ્ઞાન શા માટે આપ્યું? એક વાર તો વિજ્ઞાનનો સદુપયોગ થવા દો!”
બંને બાજુએ કહેવા જેવું ઘણું છે. બંને બાજુની દલીલો મનમાં ઘોળાતાં ઘોળાતાં નજર ફરી ગોમટેશ્વર તરફ ગઈ અને ત્યાં જોઉં તો મૂર્ત મૂર્તિ રૂપે રહી જ નહીં. ગોમટેશ્વર પોતે જ મૂક વાણીમાં બોલવા લાગ્યા, “કેવા પામર માનવીઓ છો! મેં વૈરાગ્યનું તપ આદર્યું અને તમે મારી આ મૂર્તિને કૃપાની નજરે નિહાળો છો અને એના લાવણ્ય પર વારી જાઓ છો. આખી દુનિયાનું ચક્રવર્તીપણું એક ક્ષણમાં મેં છોડી દીધું અને તમે આ પથરાની દોલતનો વારસો ભવિષ્યની પેઢી માટે સુરક્ષિત કરવા મથો છો? તમે જડવાદી આધુનિકો આ પથરાના રૂપલાવણ્યની ઉપાસના કરો છો અને પેલા સનાતની જૈનો મારી જીવનકથાના અદ્ભુત રસ ઉપર જ વારી જાય છે અને એમને માટે રચાયેલાં શાસ્ત્રવચનોના શબ્દાર્થને વળગી રહે છે. મારા જીવનનો બોધ એમને બહુ ઊંચો લાગે છે એટલે પૂજાની લાલચ આપી મને પોતાને જ પોતાના જેટલો નીચે આણવા મથે છે. બંને સરખા જ છો. રાખો કોરે તમારી એ ચર્ચા. વૈરાગ્યનો સંદેશો આપતો, પ્રશમનો સંદેશો બોધતો, નવસો એકવીસ વર્ષ સુધી અહીં ઊભો ઊભો તપશ્ચર્યા કરું છું એની તમારા ઉપર કશી જ અસર થતી નથી અને દહાડે દહાડે તમે તમારા કલ્યાણથી દૂર દૂર જાઓ છો એ કારણે મારા મુખ ઉપર વિષાદનો ભાવ વધતો જાય છે એ તમે નથી દેખતા? ટાઢ, તડકો, હવા અને વરસાદથી મારું રક્ષણ કરવા માગો છો. પણ તમારી મૂર્છાની અને ઘેલછાની વધતી માત્રા જોઈ મારી મુખ-કાન્તિ ઉપર જે દુઃખ, ગ્લાનિ અને વિષાદ વધુ ને વધુ ફેલાવા લાગ્યાં છે, એમાંથી મારું રક્ષણ કરવા માટે તમે શું કરવા તૈયાર છો? એની ચર્ચા કરો, એની ચિંતા કરો, એનું મનન કરો. પથરાના કોક દિવસે ચૂરા થવાના જ છે. જે મૂર્તિ છે, તે કોક વખતે અમૂર્તિ થવાની જ છે; પણ તમને અત્યાર સુધી તક મળી તેનો તમોએ શો ઉપયોગ કર્યો? આ પથરાની મૂર્તિને સાચવવી હોય તો ભલે સાચવો; એને ઘડનાર પ્રાચીન કલાકારો પ્રત્યેનો તમારો એ ધર્મ છે, પણ મુખ્ય ધર્મ તો જે બોધ મને મળ્યો અને જેને લીધે મારું જીવન સફળ થયું એ બોધની પરંપરા તમે અબાધિત રાખો અને હજારો અને લાખો વરસ સુધી જો તમારી માનવીજીવનની પરંપરા ચાલે તો તે બધાને — અશેષ સત્ત્વોને — કલ્યાણનો બોધ અને કલ્યાણની સાધના પ્રાપ્ત થાય એવી પરંપરા ચલાવો. એમ થતાં જરૂર દરેકનું જીવન કળામય, લાવણ્યમય અને આશીર્વાદરૂપ થઈ જશે. સપ્ટેમ્બર, ’૩૯