અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ ‘ગની' દહીંવાળા/ખોવાણં રે સપનું: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> મારું ખોવાણું રે સપનું, ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું, {...") |
(No difference)
|
Revision as of 12:58, 22 June 2021
મારું ખોવાણું રે સપનું,
ક્યાંક જડે તો દઈ દેજો એ બીજાને ના ખપનું,
મારું ખોવાણું રે સપનું.
પૂર્વ કહે છે પશ્ચિમ તસ્કર, દક્ષિણ કે’છે ઉત્તર,
વગડા કે’છે ચોર આ વસતિ, પર્વત કે’છે સાગર,
ધરતીને પૂછું તો દે છે નામ ગગનમંડપનું,
મારું ખોવાણું રે સપનું.
વ્હારે ધાજો જડ ને ચેતન મારી પીડ પિછાની,
અણુ અણુ સાંભળજો મારાં શમણાંની એંધાણી,
તેજ તણો અંબાર ભર્યો છે, નામ નથી ઝાંખપનું,
મારું ખોવાણું રે સપનું.
ખોળે મસ્તક લૈ બેઠી’તી એક દી રજની કાળી,
જીવનની જંજાળો સઘળી સૂતી પાંપણ ઢાળી,
નીંદરના પગથારે કોઈ આવ્યું છાનુંછપનું,
મારું તે દિવસનું સપનું.