અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ભોમિયા વિના: Difference between revisions
Jump to navigation
Jump to search
HardikSoni (talk | contribs) (Created page with "<poem> ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા, જંગલની કુંજ કુંજ જોવી હતી; જોવી...") |
(No difference)
|
Revision as of 15:13, 22 June 2021
ભોમિયા વિના મારે ભમવા'તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી તી કોતરો ને જોવી'તી કંદરા,
રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો, અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજ કુંજ જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.