zoom in zoom out toggle zoom 

< ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧

ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ/‘દશમસ્કંધ’ ૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘દશમસ્કંધ’ (૧)'''</span> : પ્રેમાનંદની આ પ્રબંધરચન...")
 
No edit summary
 
Line 22: Line 22:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = દલ્હ
|next =  
|next = દશરથ_મુનિ
}}
}}

Latest revision as of 12:29, 17 August 2022


‘દશમસ્કંધ’ (૧) : પ્રેમાનંદની આ પ્રબંધરચના (મુ.) ભાગવત દશમસ્કંધના ૯૦ અધ્યાયમાંથી ૫૩માં અધ્યાયની વચ્ચેથી ૧૬૫ કડવાંએ અધૂરી રહેલી છે અને સુંદર મેવાડાએ પૂરી કરેલી છે. આ કૃતિ, એની રચનાશૈલીની સહજ પ્રૌઢિ ઉપરથી, પ્રેમાનંદના જીવનનાં છેલ્લાં વર્ષોનું સર્જન હોય એમ પ્રતીત થાય છે.

મૂળ ભાગવતની સંસ્કૃત અધ્યાય-શ્લોકબદ્ધ રચનાની સામે પોતાની પ્રાકૃત એટલે લોકભાષાની કડવાં-ચોપાઈબંધની કૃતિને મૂક્તા કવિની નેમ એક સમોવડિયો ગ્રંથ આપવાની છે, પરંતુ એ ક્યાંક-ક્યાંક મૂળથી દૂર ચાતરે છે અને ઉમેરણો પણ કરે છે. જેમ કે, યશોદાને પડખે બાળક કૃષ્ણને મૂકતી વખતે વસુદેવે રાખેલી દીપકની સાક્ષી, વ્રજની સીમમાં કૃષ્ણનાં હાથનો પ્રસાદ મેળવવા માટેની બ્રહ્માની યુક્તિઓ, કાલિય નાગના ઝેરી ફૂંફાડાથી કદંબવૃક્ષ બચવા અંગેનો પ્રશ્નોત્તર, ગોવર્ધનધારણ વખતે કૃષ્ણના ક્રોધાગ્નિથી અતિવૃષ્ટિનું જળ શોષાઈ ગયા અંગેનો ખુલાસો વગેરે.

“કથાપ્રસંગ એકુ નવ પડે”, એવી ખાતરી ઉચ્ચારતા કવિની નજર વિશેષે કરીને કથાપ્રસંગ ઉપર છે. કથાપ્રસંગને ઉઠાવ આપવો, મલાવીને શ્રોતા અગળ મૂકવો એમાં એમની વિશેષતા છે. પૂતનાવધથી શરૂ કરીને બાળકૃષ્ણનું એકેએક ચરિત્ર એ આપે છે ને ચરિત્ર પૂરું થતાં આંક પણ આપે છે. જેમ કે, વહ્નિભક્ષણ તે ‘દ્વાદશમુંચરિત્ર’ છે (કડવું ૫૯), નાગદમણ, રાસ પંચાધ્યાયી, રુક્મિણીવિવાહ જેવાં પ્રસંગાલેખનો લઘુ આખ્યાનકો તરીકે કલ્પાયાં હોય એવી છાપ પડે છે. એમાં કોઈ વાર અલગ સરસ્વતીસ્તવન પણ મુકાયેલ છે.

કથાનકોને કવિની સુરેખ ચિત્રણની શક્તિને લીધે, સ્વભાવોક્તિને લીધે, કટાક્ષ અને નાદમાધુર્યને લીધે રૂડો ઉઠાવ મળે છે. “મુખે દશ આંગળી”થી પ્રત્યક્ષ થતું ત્રસ્ત દેવકીનું, “સૂતા ચંચલ શ્વાન”થી દર્શાવાતું રાત્રિની શાંતિનું, “વાંસે વહે જલધાર”થી મૂર્ત થતું નંદ-વસુદેવના હૃદયસ્પર્શી મિલનનું અને “પૂછ ચડાવ્યાં શીશ”થી વ્યક્ત થતું દોડતાં વાછરડાનું ચિત્ર જુઓ. યજ્ઞશાળામાં ખાવાનું માગવા ગયેલા ગોપબાલોને તરછોડનાર બ્રાહ્મણો પ્રત્યેનો કટાક્ષ “આચાર્ય બોલ્યા કર્મશુચિ, ગોપને યજ્ઞઅન્નની રુચિ” એમાં દાઢમાં બોલાયેલા ‘કર્મશુચિ’ શબ્દ દ્વારા અને ‘શુચિ’ - ‘રુચિ’ પ્રાસ દ્વારા વ્યક્ત થાય છે. પૂતનાની અરમાનભરી ગતિને નાદ-મધુર પદાવલિ અને ચરણાન્તર્ગત પ્રાસરચનાથી ઉઠાવ મળ્યો છે, તો “કો ન શકે કુંભમાં ભરી” જેવી પંક્તિમાં ઘડો ભરાવાનો બુડબુડ અવાજ શબ્દસંકલના દ્વારા ઝિલાયો છે.

‘દશામસ્કંધ’નું ભાષાકર્મ અનાયાસ રચનાકૌશલના નિદર્શનરૂપ છે. સંસ્કૃત શબ્દો પણ પ્રેમાનંદ રચનામાં છૂટથી આવવા દે છે. કવચિત્ ‘ચતુર્થમો’, ‘ષષ્ઠમો’ એવાં ખોટાં અતિ-સંસ્કૃત રૂપો પણ એ વાપરે છે. “ગોપે પર મસ્તક પર કીધાં”માં “પીંછા” માટેનો ફારસી શબ્દ “પર” રચનાવૈચિત્ર્યના લાભાર્થે યોજતાં એ અચકાતા નથી. એ સાથે જ “એકુ” “કેમો” જેવા બોલચાલના શબ્દો અને “છોડ-ભલાઈ” (છોડાવવાની ભલાઈ) જેવા નવ-સમાસો પણ ખરા જ. પાત્રોદ્ગારોમાં “તમને શું બાંધ્યાં ઊખળે ?” જેવી બોલચાલની, ઘરાળુ વાગ્ભંગિઓ કથારસને પોષક બને છે.

કથાપ્રસંગને તાદૃશ ખીલવતા પ્રેમાનંદના પાત્રનિરૂપણમાં કોઈ વાર કોઈ ઊણપ કે મર્યાદા પ્રવેશતી જણાય છે. એમને હાથે પાત્રો માનવીય બને છે - પાત્રોને માનવલાગણીથી રસવાના નામે કવિ ક્યારેક ઔચિત્ય ચૂકે છે એવું પણ જોવા મળે છે. કંસ જોગમાયાનો કબજો લે છે ત્યારે “વસુદેવ ત્રાહે ત્રાહે કરી કર ઘસે, મુખે રુએ પણ મનમાં હસે. કુશળક્ષેમ જોઈએ છોકરો, ગોપસુતા આઘેરી મરો.” - એવા આલેખનમાં કવિ વસુદેવને માનવીય કરવા જતાં અ-માનુષી ચીતરે છે. કૃષ્ણના પાત્રાલેખનમાં “ચોરી કરે ઘર માંહે, નવ બોલે સાચું” (૩૧-૧૩) એ વર્ણન કર્યા પછી “થયા વરસ દિવસના નાથ રે” (૩૫-૪) અને “બોલે બોબડું” (૩૫-૫) એવી અસંગતિઓ થઈ ગઈ છે. તે ઉપરાંત ૪ વરસના બાળક માટે “બાઈ-એનાં નયન છે ખોટાં” એ ગોપીઓનો ઉદ્ગાર પુરાણીઓના કામુક કૃષ્ણને પ્રેમાનંદ પણ વર્ણવી રહ્યા છે એમ સૂચવે. ભાગવત ભક્તિનો ગ્રંથ હોઈ એનાં પાત્રો દિવ્યતાની છાલકથી ભીંજાયેલાં છે, ત્યારે પ્રેમાનંદમાં નારદ જેવાં દેવર્ષિ કંસ આગળ નારાતળ જૂઠો મૈત્રી-એકરાર કરે છે અને બ્રહ્મા પણ કૃષ્ણના હાથનો પ્રસાદકણ પામવા ભિક્ષુક કરતાંય નિકૃષ્ટ રીતે વર્તે છે. પરિણામે પ્રેમાનંદનો ‘દશમસ્કંધ’ માનવભાવથી રસેલાં, ઓછેવત્તે અંશે રસપ્રદ એવાં કથાનકોની માલારૂપ બની રહે છે, મૂળ ભાગવત પેઠે દિવ્યભાવની આર્દ્રતા વડે-ભક્તિ વડે એકસૂત્ર થયેલી કૃતિ બનતો નથી.

ભિન્ન ભિન્ન રસોની ખિલવણી અત્રતત્ર-સર્વત્ર થતી રહેલી જ છે. મરી રહેલી બૃહત્કાય પૂતના ઉપર “જેમ પર્વત ઉપર પોપટો” એમ કૃષ્ણ કહે છે ત્યારે એને બચાવવા “ઉન્મત્ત જોવનની મદમાતી પ્રેમભરી ગોવાળી, તત્પર થઈ પૂતના પર ચડવા, કટિ કછી, કાછડો વાળી. નિસરણી માંડી ચડી બાળા, પગ ધરતાં પડે પડછંદ, કુચ-અગ્ર વદનમાં, કરે ક્રીડા, ધાવે બાળમુકુંદ” - એ એક ચિત્રમાં શૃંગાર, વીર, બીભત્સ, રૌદ્રની લકીરો છે અને અદ્ભુતમાં અનુભવ શમે છે. અદ્ભુત સાથે કરુણની સરસાઈ છે. દેવકીનું ક્રંદન એ કરુણનો તો જશોદાના “મારું માણેકડું રિસાવ્યું રે” એ હૈયાફાટ વલોપાતમાં વાત્સલ્ય-કરુણનો પ્રગાઢ અનુભવ થાય છે. લગભગ બધાં કડવાંને અંતે રામસ્મરણ કરતાં પ્રેમાનંદ વારંવાર ભક્તિમહિમા ગાય છે, તો કોઈ વાર એમની ભક્તિનો પ્રસ્પંદ “સંસારહિંડોળો બાંધ્યો રે બ્રહ્મે” જેવા હૃદ્ય કલ્પનમાં વરતાય છે.

પ્રેમાનંદ મુખ્યત્વે સંસારજીવનના કવિ છે. “ધન્ય સ્ત્રી, પુરુષ ધિક્કાર” કે ઋષિઓને કૃષ્ણે કહેલા “તરશો સ્ત્રી વડે” જેવાં વચનોમાં પ્રતીત થતાં નારીની મૂલગત મોટાઈને જોવાના વલણને લીધે કવિનું સંસારદર્શન મોટા ભાગના મધ્યકાલીન કવિઓ કરતાં વધુ સમુદાર જોવા મળે છે.

ભાલણે મુખ્યત્વે પદોમાં ‘દશમસ્કંધ’ આપેલો. પ્રેમાનંદ પદો એટલે કે ગીતો તક મળે ત્યાં જરૂર મૂકવા કરે છે. પણ ગીતોમાં સ્પંદ નથી, પ્રેમનાંદનું પોતીકું વાગ્બળ નથી. એકે હજારાં જેવું, પરમ હૃદયસ્પર્શી, માતૃહદયનાં પાતળ ભેદી ઊછળતું “મારું માણેકડું રિસાવ્યું રે, શામળિયા” છે, જે નરસિંહ-દયારામ-નાનાલાલ જેવા મહાન ગુજરાતી ગીતકવિઓ સાથે પ્રેમાનંદને એકાસને સ્થાપે છે.

‘દશમસ્કંધ’ ભલે મૂળ ભાગવતનો સમોવડિયો ગ્રંથ ન બની શક્યો, પણ એકંદરે રસસિકત કથાનકોની માલારૂપે અવશ્ય એનું સ્થાન પ્રેમાનંદના સમગ્ર કૃતિસંગ્રહમાં ‘નળાખ્યાન’, ‘મામેરું’, ‘સુદામા-ચરિત્ર’ જેવી રચનાઓ પછી આવે.[ઉ.જો.]

(૨) ભાલણની આ કૃતિ(મુ.) ભાગવતના દશમસ્કંધની કૃષ્ણકથાને નિરૂપે છે તથા વિવિધ રાગોના નિર્દેશ ધરાવતાં અને કેટલેક સ્થાને મુખબંધની પંક્તિઓ તથા ઢાળ એ અંગોને કારણે કડવાબંધમાં સરી જતાં, દોહરા, ચોપાઈ, પ્લવંગમ્, ઝૂલણા આદિની દેશીઓનાં ૪૯૭ પદો રૂપે મળે છે. એ રીતે આ આખ્યાનના કડવાબંધના પ્રારંભનું સૂચન કરતી કૃતિ છે. કવિએ પોતે સ્વતંત્ર રીતે રચેલા ‘રુક્મિણીવિવાહ’ અને ‘સત્યભામાવિવાહ’ને આમાં જોડી દીધા હોય એવું, એ ભાગોમાં સ્વતંત્ર મંગલાચરણ ને ફલશ્રુતિ છે તે જોતાં સમજાય છે, તે ઉપરાંત કૃતિમાં અન્યત્રથી પણ પ્રક્ષેપ થયા હોય એવું લાગે છે. જેમ કે ભાલણના રાસલીલાના સંક્ષિપ્ત વર્ણન પછી લક્ષ્મીદાસના રાસલીલાનાં ૧૧ જેટલાં પદો આમેજ થયાં છે, ૧ પદ નરસિંહની નામછાપવાળું છે, ભાલણની નામછાપ સાથેનાં થોડાંક પદો વિશ્વનાથ જાનીની ‘પ્રેમપચીસી’માં મળે છે. વ્રજભાષાનાં કેટલાંક પદો છે તે પ્રક્ષિપ્ત ન હોય તો એ ભાષામાં રચના કરનાર ભાલણ પહેલા ગુજરાતી કવિ ઠરે.

આ કૃતિમાં કથાનક ભાગવત-આધારિત છે ને સંક્ષેપમાં થયું છે, એમાં ભાલણની ખાસ કશી વિશેષતા નથી, પરંતુ વાત્સલ્ય, શૃંગાર અને કરુણનાં ભાલણનાં આલેખનો એના ઊંચી કોટિના કવિત્વની પ્રતીતિ કરાવે એવાં છે. કૃષ્ણની બાળચેષ્ટાઓને કૃષ્ણને અનુલક્ષીને યશોદા-દેવકી ઉપરાંત નંદના પણ મનોભાવો અહીં વાત્સલ્યરસની સામગ્રી બને છે. કૃષ્ણની રમણીય બાળચેષ્ટાઓનું આલેખન ભાલણની ઝીણી સૂઝને કારણે માર્મિક બન્યું છે. તે ઉપરાંત એક બાજુથી ગોપબાલના વાસ્તવિક જીવનસંદર્ભને લક્ષમાં લેતું હોઈ એ ઔચિત્યનો ગુણ ધરાવે છે તો બીજી બાજુથી અવતારલીલાનો ખ્યાલ અનુસ્યૂત થતો હોવાથી એ અદ્ભુતને પણ અવકાશ આપે છે. કવચિત્ ભાલણને સહજ એવો મર્માળો વિનોદ પણ એમાં ગૂંથાય છે, જેમ કે કૃષ્ણનું મુખ જોઈને માતા રોમાંચિત થાય છે ત્યારે કૃષ્ણ માતાને કહે છે કે એ મુખ મને બતાવો. માતા જવાબ આપે છે કે તેં એવાં પુણ્ય ક્યાં કર્યાં છે ? માતાના હૃદયનાં ઉમળકા, રીસ, રોષ, ચિંતા, વિયોગવેદના વગેરેનું પ્રસંગ પરિસ્થિતિના આલંબનપૂર્વક મૂર્ત રીતે ને ધારદાર ઉદ્ગારોથી નિરૂપણ થયું છે, તો નંદના કલ્પાંતમાં પણ વેધક હૃદયસ્પર્શી ઉક્તિઓ વણાયેલી છે. યશોદા કૃષ્ણને “માતા નહીં થાઉં તમારી, ધાવ કહીને જાણો રે” એમ કહી ગોકુળમાં પધારવા વીનવે એમાં વ્યક્ત થતી વેદનાભરી પ્રીતિપરવશતા જુઓ અને યશોદા દેવકીને કહેવરાવે કે તમે કૃષ્ણની માતા થશો પણ કૃષ્ણ આંખ આંજતાં નાસી જતો ને ગોપીની ફરિયાદ આવે ત્યારે ખોટુંખોટું રોતો અને બાળક્રીડાનું સુખ તમને ક્યાંથી મળશે ? - એમાં વ્યક્ત થતી ધન્યતાની ખુમારીભરી લાગણી જુઓ.

ભાલણના શૃંગારમાં પ્રગલ્ભ વિલાસચિત્રણ નથી, સંભોગશૃંગાર પણ એમાં “ના-ના, મા-મા, રહો-રહો કરતાં હૃદયાશું લઈ ચાંપી રે” એવા માર્મિક વ્યંજનાયુક્ત ઉદ્ગારથી આલેખાય છે. વિશેષ તો અહીં આલેખાઈ છે ગોપીની અનન્ય, ઉત્કટ, સમર્પણભાવયુક્ત કૃષ્ણપ્રીતિ. એમાં સુકુમારતા, માધુર્ય અને મૂર્તતા છે. ગોપીને મુગ્ધ કરતા કૃષ્ણનાં પાંપણના ચાળા, અંગની ચાલ, રૂડું કાળું રૂપ તેમાં નિર્દેશાય છે અને કૃષ્ણને જોવા માટે શેરીમાં મોતી વેરીને વીણવા બેસવાની ને “મીટ તણા મેલાવા” માટે પ્રભુને હાથે વેચાવાની ગોપીની તૈયારી દર્શાવાય છે. કૃષ્ણ-ગોપીનું રસરિકચાતુર્ય પ્રગટ કરતાં પદો પણ અહીં છે. ભાલણનાં દાણલીલા, માનલીલા અને ભ્રમરગીત પ્રેમાનંદ કરતાં તો સારાં છે જ, પણ નરસિંહ અને દયારામથીયે ઊતરે એવાં નથી એવા રામલાલ ચૂ. મોદીના અભિપ્રાયમાં તથ્ય જણાય છે. ભ્રમરગીતના તેમ જ અન્ય પ્રસંગે ભાલણે માતા-પિતા, ગોપગોપીઓ ને વ્રજ વિશેના અતૂટ સ્નેહબંધનના ને અત્મીયતાના કૃષ્ણના મનોભાવોને પણ નિરૂપવાની તક લીધી છે.[શ્ર.ત્રિ.]