ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/ધૂસરતાવૃત્ત પૃથ્વી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''ધૂસરતાવૃત્ત પૃથ્વી'''}} ---- {{Poem2Open}} ધૂંધળા ધુમ્મસનું આછું પરિવેષ્ટ...")
(No difference)

Revision as of 05:48, 23 June 2021

ધૂસરતાવૃત્ત પૃથ્વી


ધૂંધળા ધુમ્મસનું આછું પરિવેષ્ટન પૃથ્વીના મુખને ઢાંકે છે. વાતાવરણમાં જ અન્યમનસ્કતા છે. ગમે તે લાગણી કે વિચારને વળગીને સ્થિર રહેવાનો પ્રયત્ન કરીએ ત્યાં આપણે જાતે જ કશાક દ્રાવણમાં ઓગળીને બાષ્પરૂપ થઈને આ ચારે બાજુની ધૂસરતામાં ખોવાઈ જઈએ છીએ. પછી હિંમત કરીને સૂર્ય બહાર આવે છે, એનાં કિરણો ખન્તપૂર્વક ધૂસરતામાં લુપ્ત થયેલા આપણા નકશાની બધી રેખા શોધી આપે છે, ને આપણે ફરી વ્યવસ્થિત થઈ જઈએ છીએ. સૂર્યને હાથે આમ ફરીથી આકાર પામવાની મજા માણવા જેવી છે. પણ કોઈ વાર રાત્રિના દ્રાવણમાં આપણે નિ:શેષ ઓગળી જઈએ, આપણી ટેવના અસ્થિની આજુબાજુ ફરીથી આપણને ગોઠવી દેવાનું સૂર્યથી પણ નહીં બને ત્યારે? ધૂસરતામાં જ આપણું નિર્વાણ? ધૂસરતાને ખોળે જ સૂર્ય જન્મે છે એવું આશ્વાસન લેવાની સગવડ વિજ્ઞાન કદાચ ભવિષ્યમાં કરી આપે તો નવાઈ નહીં.

પણ એ દિવસે સૃષ્ટિનું એવું રૂપ જોઈને શકુન્તલા યાદ આવી. દુષ્યન્ત એ દિવસે ગયો છે, ને નમતે પહોરે એ અન્યમનસ્ક, દિશાઓના છેડા તરફ જોતી છતાં કશું ન જોતી, બેઠી છે. આંખ પર, નહીં સારેલાં છતાં જામેલાં આંસુની આછી ઝાંય છે ને ત્યાં ‘અયમહં ભો: દ્વ’ – આ હું આવ્યો છું, કોઈ છે કે? કરીને ક્રોધની ઝાળ જેવા દુર્વાસા આવી પહોંચે છે શાપ લઈને. શિશિરને છેડે પહોંચ્યા પછી દૂરથી આવતા પેલા દુર્વાસા જેવા ઉનાળાના ભણકારા હવામાં સંભળાય છે, પણ પૃથ્વી આજે કશું સાંભળતી નથી, જોતી નથી. એ અન્તર્મુખ થઈને બેઠી છે. નક્ષત્રમંડળના પિયરની કશીક સ્મૃતિ સળવળી ઊઠી છે. ને હવે દઝાડતા ગ્રીષ્મનો શાપ આવ્યો જ જાણે! પણ એ તાપ વેઠતાં વેઠતાં જ જેમ શકુન્તલાએ ચક્રવર્તી ભરતને પોતાની કૂખમાં સેવ્યો તેમ એ ગ્રીષ્મમાં જ આંબાડાળે આમ્રફળમાં મધુરતાનો સંચય થાય છે, વર્ષાનાં વાદળ બંધાય છે ને આખરે ધનધાન્યથી પૃથ્વીનો ખોળો ભર્યો ભર્યો થઈ રહે છે. પણ અત્યારે તો ‘અરે એ તે ક્યારે?’ એવો જ પ્રશ્ન મનમાં થાય છે.

પણ ગ્રીષ્મ પહેલાં છે વસન્ત. કવિઓ બિચારા મુશ્કેલીમાં છે. આ વસન્તે શું લખવું? ને નહીં લખીએ તો લોકો ભૂંડા એમ કહેવાના કે વસન્ત જેવી વસન્ત આવી ને અમારા જેવાને કંઈકનું કંઈક થઈ જાય છે ને તમને કશું થતું નથી, તો તમે તે કવિ છો કે પછી… ચાલો, પ્રયત્ન તો કરી જુઓ : ગીત સહેલાં થઈ પડશે. ફાગણ, કેસૂડાં, કોઈ ગોરી, એની લાલ ચૂંદડી, થોડા પ્રાસ, રાધાકૃષ્ણ તો બિચારાં તૈયાર બેઠાં છે, એમને લાવો. ગીતો પૂરતી સંખ્યામાં તૈયાર થઈ જશે. આ વસન્ત પૂરતું તો કામ ઊકલી જશે. પછી વળી જોયું જશે!

કાલિદાસ જેવો વિલાસી કવિ કહેશે કે રતિક્રીડામાં પ્રિયતમના ગાઢ પરિરમ્ભણથી નખક્ષત અને દન્તક્ષતને કારણે પૃથ્વીને અંગે જે ટશર ફૂટી છે તે જ આ કેસૂડાં! વાલ્મીકિ, રામાયણના વસ્તુસન્દર્ભને ધ્યાનમાં રાખીને, કહેશે કે સુગ્રીવ અને વાલી જેવા બે બળિયા યુદ્ધમાં લડતાં ઘવાય ને એમનાં અંગોમાં જે લોહીની ટશર ફૂટે તેના જેવાં આ કેસૂડાં છે. કવિઓ જ્યારે રીઢા થાય છે, કુતૂહલ અને આશ્ચર્યની માત્રા ઘટતી જાય છે ને ડહાપણ વધતું જાય છે ત્યારે એમની ઉત્પ્રેક્ષા અર્થાન્તરન્યાસ તરફ વળે છે. કાલિદાસનો દુષ્યન્ત પ્રેમ કરતાં કરતાંય કેવી ગણતરી કરે છે, કેટલા ડહાપણભર્યા અર્થાન્તરન્યાસ બોલ્યે જાય છે! કદાચ એને માટે આ રતિ તે નવાનુરાગ નથી, એ હંસપદિકા અને વસુમતીનો સ્વામી છે. સ્વામી બની ચૂક્યા પછી પ્રિયતમ બનવાનું શક્ય હશે જ, પણ…

સાચું કહું, આજે કાલિદાસ મનનો કબજો લઈ બેઠો છે. એ માણસ જરા છે જ ખરાબ. ને ખરાબને દુનિયા જલદી ભૂલતી નથી. કાલિદાસ ઇન્દ્રિયનું લાલનપાલન કરનારો કવિ છે. સ્પર્શેન્દ્રિયનું સુખ ચોખલિયા સમાજનો કવિ વર્ણવવાની હિંમત ન કરે. આપણા સાહિત્યમાં તો એ ઇન્દ્રિય સાવ જૂઠી જ થઈ ગઈ છે એમ કહીએ તો ખોટું નથી, પણ ભવિષ્યમાં દુષ્યન્તની નિષ્ઠુરતાને કારણે (રાજદરબારના કવિએ રાજાને બચાવવા શાપની યોજના ભલે ને કરી! ને ડાહ્યાઓ ને પણ્ડિતો શકુન્તલાને દુર્વાસાની જેમ ભલે ને શાપે, નિષ્ઠુરતા તે નિષ્ઠુરતા) શકુન્તલા પર જે વીતવાનું છે તેનું સંવિધાન કાલિદાસે કુશળતાથી કર્યું છે. શકુન્તલાના ભાવી દુ:ખની યોજના ભારે કાળજીપૂર્વક કરી છે. પ્રથમ પ્રણયનિવેદન કરવાને પત્રલેખનની તૈયારી ચાલે છે. પત્ર શેના પર લખવો? શુકોદરસુકુમાર નલિનીપત્ર પર લખવો એમ પ્રિયંવદા સૂચવે છે. પોપટના પેટની સુંવાળપ કાલિદાસ જાણે છે. એવા સુકુમાર પત્ર પર જે એથીય સુકુમાર પ્રણયની લાગણીનું નિવેદન કર્યું તેનું કેવું કઠોર ને નિષ્ઠુર પ્રત્યાખ્યાન! વળી ચોથા અંકમાં જે પ્રભાત પ્રકટ્યું – શકુન્તલાના વિદાયના દિવસોનું પ્રભાત – તે સૌ પ્રથમ બોરડી પર ઝિલાયેલા ઝાકળબિન્દુ તરફ આંગળી ચીંધીને કાલિદાસ બતાવે છે. પ્રકૃતિ આપણા અન્તરમાં હવે આટલો પ્રવેશ પામતી નથી.

ને ‘કુમારસમ્ભવ’માંની પેલી પંક્તિ ‘શૈલાધિરાજ તનયા ન યયૌ ન તસ્થૌ’ – એ જે ચિત્ર આંકી દે છે તે આંખ સામેથી ભૂંસાય એવું નથી. કવિતાના સ્વરૂપનો ખ્યાલ કરું છું ત્યારે મારાં મન:ચક્ષુ આગળ કવિતાની પણ આવી જ છબિ ખડી થાય છે. મહાદેવને જ મુખે મહાદેવની નિન્દા સાંભળતી પાર્વતી, એમને સાચે રૂપે ઓળખતી ન હોવાથી, ભાવી વરની નિન્દાને સહી ન શકવાથી રોષમાં છણકો કરીને ચાલી જવા ઊભી થઈ છે, એક પગ ઊંચક્યો પણ છે, ત્યાં મહાદેવ પોતાનું સાચું રૂપ પ્રકટ કરે છે ને એ ન તો ગઈ કે ન તો ઊભી રહી! કવિતા પણ જાણે ભાવનો છદ્મવેશ સરી જતાં આમ જ ‘ન યયૌ ન તસ્થૌ’ની મુદ્રામાં જ આપણને દેખાય છે. એમાં ગતિ નથી ને છતાં ગતિ છે – આવા બિન્દુની જ્યારે ઉપલબ્ધિ થાય ત્યારે ભાવમાં કાર્યક્ષમતા પ્રગટ થઈ ગણાય, દૈનન્દિનીય વ્યવહારમાં ઢંકાયેલી ભાવના રહસ્યની કાન્તિ આમ એકાએક પ્રકટ થઈને ચકિત કરી દે તેનો વિસ્મય, તેનો ‘ન યયૌ ન તસ્થૌ’ છન્દ, કવિતામાં રણકી ઊઠે. ભાવને પ્રથમ વાર સાક્ષાત્ કર્યાનો વિસ્મય અને તેથી પ્રગટતી કાલી કાલી વાણીની નિર્વ્યાજ મધુરતા એ ઊંચા પ્રકારની કવિતાનું અનિવાર્ય લક્ષણ છે. રૉબર્ટ ફ્રૉસ્ટ જેવો કવિ વૃદ્ધાવસ્થાને આરે ઊભો રહીનેય શિશુસહજ વિસ્મયની કાલી કાલી વાણી બોલી શકે છે. વધારે પડતું સોફિસ્ટિકેશન, ચટુલ વિદગ્ધતા, કુશાગ્ર બુદ્ધિના તર્કના બુટ્ટા કવિતાની આ નૈસર્ગિક કાન્તિને ઝાંખી પાડી નાંખે છે. પણ સહજ ઉદ્રેકનું સ્થાન કૃત્રિમ આયાસ લે ત્યારે કરામત જ નવીનતાનો પર્યાય બની રહે. પ્રસ્તુત અને અપ્રસ્તુત, પ્રકૃત અને સમ, ઉપમેય અને ઉપમાન વચ્ચેનો સમ્બન્ધ દુરાકૃષ્ટ ને ઉચિત સન્દર્ભયોજનાથી પરિપોષ પામ્યા વિનાનો, આકસ્મિક, રચીને ચોંકાવી દે એવી બૌદ્ધિક ચમત્કૃતિની યોજના કરવી – આટલામાં જ નવીનતા સમાઈ જતી હોય તો આપણી કવિતા વિશે ચિન્તા કરવા જેવી સ્થિતિ ઊભી થાય.

કોઈ વાર ઉશ્કેરાઈને આવી ઉત્પ્રેક્ષાઓનો ગંજ ખડકી દેવાનું મન થાય છે – એમ બતાવવા કે એમાં સાચું કવિકર્મ રહ્યું જ નથી!

જુઓ, થોડા નમૂના કરી આપું : એનો હાથ – રેફ્રિજરેટરમાંથી કાઢેલા આઇસક્રીમના જેવો ઠંડો, સ્નિગ્ધ ને સ્વાદુ; વાચાળ પ્રિયાના મુખમાંથી નીકળતા શબ્દો – સ્લોટ મશીનમાંથી નીકળતી ટિકિટ જેવા; હું તને જોયા કરીશ, નિનિર્નિએ – રાતે તું સૂતી હોય છે ત્યારે તારી પાસેના ટેબલ પરના અલાર્મ ક્લોકના રેડિયમટિપ્ડ કાંટાઓ તને જુએ છે તેમ; વાદળાં ખસતાં સવારનું ફિક્કું આકાશ આછું દેખાયું – મીણબત્તી પર ઉંદરે પાડેલા નખના આંકા જેવું; શિશિરનો વિવર્ણ તડકો – મસળીને ફેંકી દીધેલા મસોતાના જેવો; ફૂલ – કોઈ અભિનવ આઇન્સ્ટાઇનના મગજમાં સ્ફુરેલી વિશ્વરહસ્યની નવી ફૉર્મ્યુલા જેવાં; અમારા બેનું મિલન – પાણીના ટીપામાંના પ્રાણવાયુ અને આર્દ્રવાયુના સંયોગ જેવું; પાનખરનાં ખરતાં પાંદડાં – મહાકાવ્યના છેલ્લા શ્લોકો જેવાં; શ્રાવણની આછી ઝરમર – અમદાવાદની કોઈ મિલમાં વણાતી શરબતી મલમલના તાણાવાણા જેવી; વૈશાખની બપોરનો તડકો – સંસ્કૃત નાટકના પ્રણયી ધીરોદ્ધત નાયકના પ્રલાપ જેવો; હેમન્તની સુરખીભરી સવાર – કાલિદાસની કાવ્યપંક્તિના જેવી; નીરસ દિવસ – દળદાર પુસ્તકની વચ્ચે દબાઈને ચપટ થઈ ગયેલી કીડીના જેવો; અમાસની રાતે તારાખચિત આકાશ – યતિ વિનાની છન્દોરચના જેવું… બોલો, ક્યાં સુધી આગળ વધવું છે? વિજ્ઞાનની પણ અસર ઉત્પ્રેક્ષામાં છે, અત્યાધુનિકતા છે, કહો તો થોડી કૌંસમાં મૂકી આપું, પછી છે કાંઈ?