ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ધ/‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’'''</span> [ર. ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪,...") |
(No difference)
|
Revision as of 07:19, 18 August 2022
‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ [ર. ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, કારતક સુદ ૧૫ કે માગસર-૧૦] : જયસોમશિષ્ય ગુણવિનયની ૬૧ ઢાળ અને ૧૨૨૬ કડીની આ કૃતિ મુખ્યત્વે દેશીબદ્ધ છે અને દુહાનો ક્વચિત જ ઉપયોગ કરે છે. એમાં, જૈન સંપ્રદાયમાં અત્યંત લોકપ્રિય, રિદ્ધિમત્તા અને વૈરાગ્યના દૃષ્ટાંત રૂપ શાલિભદ્ર અને ધન્ના-સાળા બનેવી-નું વૃત્તાંત ગૂંથાયેલું છે ને ધન્નાએ પોતાના ભાઈઓની અદેખાઈ છતાં પોતાના બુદ્ધિચાતુર્ય અને ઉદારતાથી ઉત્તરોત્તર કેવી રીતે ધનસમૃદ્ધિ ને પત્નીઓ મેળવી તેની રસિક કથા કહેવાયેલી છે. જિનકીર્તિસૂરિવિરચિત ‘દાનકલ્પદ્રુમ’ તથા જ્ઞાનસાગરગણિવિરચિત ‘ધન્યકુમારચરિત્ર’ના આધારે રચાયેલી આ કૃતિમાં કવિએ ‘દાનકલ્પદ્રુમ’ના દરેક પલ્લવની કથા પૂરી થતાં એનો સ્પષ્ટ નામનિર્દેશ કર્યો છે. ‘દાનકલ્પદ્રુમ’થી સવિસ્તર જણાતી આ કૃતિ ‘ધન્યચરિત્ર’ને મુકાબલે સંક્ષિપ્ત છે, કેમકે અહીં પૂર્વભવોની કથાઓ તથા આડકથાઓ ને અન્ય કેટલાક કથાંશો પણ છોડી દેવામાં આવ્યાં છે, વર્ણનોમાં સંક્ષેપનો આશ્રય લેવામાં આવ્યો છે અને કથાનિરૂપણમાં પણ ત્વરિતતા છે. આમ છતાં આ કૃતિમાં ગુણવિનયના કવિત્વનો ઉત્તમ પરિચય થાય છે. એમાં ગંગાદેવીનું શૃંગારરસિક ચિત્ર, કંજૂસ શેઠ અને મદોન્મત્ત હાથીનાં વર્ણનો જેવાં રસસ્થાનો છે, મૌલિક અલંકારરચનાઓ છે, વર્ણવિન્યાસ,પ્રાસ વગેરેનું ચાતુર્ય છે, હિંદી-રાજસ્થાનીનો પ્રભાવ દર્શાવતી, સંસ્કૃત પદાવલિનો વિનિયોગ કરતી, કોઈકોઈ વાર ફારસી શબ્દોને વણી લેતી (ને એ રીતે કવિનો મોગલ દરબાર સાથેનો સંપર્ક સૂચવતી) અને તળપદાં રૂઢિપ્રયોગો-કહેવતોથી અસરકારક બનતી સમૃદ્ધ બાની છે. તથા સમાસરચનાઓને કારણે આવેલી અભિવ્યક્તિની સઘનતા છે. આધારભૂત કૃતિઓમાંથી પોતે લીધેલાં સંસ્કૃત-પ્રાકૃત સુભાષિતોના કવિએ ગુજરાતી અનુવાદો આપ્યા છે, તે ઉપરાંત તેમની પાસેથી પણ કેટલાંક સુભાષિતો આપણને મળે છે. આટલી લાંબી કૃતિમાં કોઈ પણ દેશી ભાગ્યે જ બે વાર પ્રયોજાયેલી મળે છે, તે રીતે આ કૃતિ ગેયતાની દૃષ્ટિએ ઘણી સમૃદ્ધ પ્રતીત થાય છે. કવિ ધર્મતત્ત્વનું સીધું નિરૂપણ ઓછું કરે છે એ પણ એક નોંધપાત્ર બાબત છે. આ કૃતિને કવિના પાંડિત્યનો પાસ લાગેલો હોવાથી તે થોડી કઠિન બની છે ને તેથી એ ખાસ લોકપ્રિય બનેલી નથી, પરંતુ ગુણવિનયની સર્વ રાસકૃતિઓમાં આ સૌથી સમર્થ રાસકૃતિ છે. કવિએ કારતક ૧૫ને દિવસે “લિખીયઉ પુસ્તકિ સ્વસ્તિ કરઉ તે” ને માગશર ૧૦ના દિવસે “પરકાસ્યઉ સુંદર શ્રી ખરતર સંઘ આગઇજી” એવો નિર્દેશ કર્યો છે તેથી કૃતિ કારતક સુદ ૧૫ના દિવસે પૂરી કરી માગસર ૧૦ના દિવસે સંઘ આગળ મૂકી એવો અર્થ થાય તેમ જ કારતક ૧૫ને દિવસે ગ્રંથલેખનનો આરંભ કર્યો અને માગશર ૧૦ના રોજ એ પૂરું કર્યું એવો અર્થ પણ થાય. [જ.કો.]