ગુજરાતી નિબંધ-સંપદા/સુરેશ જોશી/જાગીને જોઉં તો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''જાગીને જોઉં તો'''}} ---- {{Poem2Open}} સવારે ઊઠીને આંખ ખોલતાંની સાથે એક પ્રબ...")
(No difference)

Revision as of 06:21, 23 June 2021

જાગીને જોઉં તો


સવારે ઊઠીને આંખ ખોલતાંની સાથે એક પ્રબળ પ્રલોભન મારા મનનો કબજો લઈ બેસે છે. નિદ્રા દરમિયાન ચેતનાના સાતમા પાતાળમાં જઈને જે જોયું હોય છે તેને સવારના આપણા સચ્ચાઈભર્યા વાસ્તવિક સૂર્ય પાસે પ્રમાણિત કરાવી લેવાનું મન થાય છે. એ સાતમા પાતાળમાં નથી કોઈ પાતાળકન્યા કે નથી બલિરાજા. રત્નો કે મોતીનો ભંડાર પણ નથી. ત્યાં થીજેલાં આંસુનો એક બિલોરી મહેલ છે. એ મહેલમાં જે વસે છે તે તો એક પ્રકારનો અગ્નિ, પણ આપણને પરિચિત અગ્નિનો જે વર્ણ છે તે એનો નથી, માટે હું એને અગ્નિ કહેતાં સહેજ ખચકાઉં છું. વળી એ અગ્નિ હોવા છતાં થીજેલાં આંસુને પિગળાવતો નથી. છતાં પોતાની જિહ્વા ફેલાવીને અણુએ અણુમાં વ્યાપી જવાની એની પ્રવૃત્તિ અગ્નિના જેવી જ છે. એ અગ્નિને તેજ નથી. આથી જ તો એ સૃષ્ટિની રૂપરેખા હું જોઈ શકતો નથી. આથી જ તો સૂર્ય એને વાસ્તવિક રૂપ આપે એવો મને લોભ છે.

હું જાણું છું કે આવું પ્રલોભન ભયાવહ છે. પાતાળની ગુફામાં નાગકન્યા જ નથી હોતી, અસુરો પણ હોય છે. વળી બે વિશ્વને સમાવવા જેટલો વ્યાપ આપણી પાસે ક્યાં હોય છે? ઘણી વાર આ આકાશની વિશાળતા પણ રૂંધી નાખે એવી સાંકડી લાગે છે. આંખ એવી તો ફેલાઈ જાય છે કે આ પરિચિત વિશ્વ તો નાનું ટપકું બનીને ક્યાંનું ક્યાં દૂર સરી જાય છે. બધાં પરિમાણો અસ્તવ્યસ્ત થઈ જાય છે. આપણને વિશ્વસ્ત કરનારા આધારો ખસી જતા લાગે છે.

આથી સવારે જાગતાંની સાથે જ જાણે સફાળો કૂદકો મારીને આ પરિચિત વાસ્તવિકતાની સીમામાં આવી પડું છું. મને એવું લાગે છે કે જો ક્ષણાર્ધનો પણ વિલમ્બ થાય તો કદાચ કોઈ અજાણ્યા શૂન્યાવકાશમાં ફેંકાઈ જાઉં. પછી આ સૃષ્ટિનું કશું ગુરુત્વાકર્ષણ મને અહીં ખેંચી લાવી શકે નહીં. આથી જાગતાંની સાથે જ મારા ખાટલાની પાસે પડેલી વૃદ્ધ જર્જરિત ખુરશીના હાથા પર હાથ ટેકવું છું. પછી બેઠો થઈને બારીના સળિયાનો આધાર લઉં છું, ત્યાં સુધીમાં તો મારું ઘર પૂરો આકાર લઈ લે છે. દીવાલને એની નક્કરતા પ્રાપ્ત થાય છે. દર્પણ દેખતું થાય છે. દેવો પણ પૂરો દેહ ધારણ કરીને તરભાણામાં સ્નાનોત્સુક થઈને બેસી જાય છે.

ધીમે ધીમે ટેબલ પરનાં પુસ્તકો વચ્ચે પોઢેલો પવન જાગે છે. કેલેન્ડર જીવતું થાય છે. ઘડિયાળ જાગીને કોઈ ગભરુ બાળકની જેમ ભુલાઈ ગયેલા આંક એકીશ્વાસે બોલી જાય છે. માટલામાંનું પાણી આળસ મરડીને જાગે છે ને જળપરીઓ બુદ્બુદ બનીને સંતાઈ જાય છે. પછી અગ્નિ જાગે છે ને નિયમિત કામ કરનારા વફાદાર કામગરાની જેમ કામે ચઢી જાય છે. માળિયા પરના અનાજના ડબ્બાઓમાં ચોખા-દાળ એકબીજાને સાદ દઈને જાગે છે. ઘઉંનો લોટ ઘીના ડબ્બા તરફ નજર નાખે છે. મરચાંની તીવ્રતા નાકને ઉશ્કેરે છે.

ત્યાં સુધીમાં તો સૂર્ય પૂર્વ તરફના બંને ઓરડામાં બધે ફરી વળ્યો હોય છે. શિરીષ માથું હલાવીને પ્રાત:કાળનું અભિવાદન જણાવે છે. કરેણ પોતાની પાંખડી વચ્ચેના રહ્યાસહ્યા અન્ધકારને ખંખેરી નાખે છે. કાંટાસેરિયાનો સુવર્ણપુંજ સૂર્યની પગલીનાં ચિહ્ન ઝીલી રહે છે.

મેદાનમાંનું કીટજગત ઝાકળથી ભીની માટીની નીચે લપાઈ જવાને એના અનેક પગે ચાલી નીકળે છે. પંખીઓની પાંખમાંથી હજી ગઈ કાલના સાંજના આકાશની ગન્ધ આવ છે. કીટ મટીને જે પતંગિયું થયું છે તે હજી તો પોતાની પાંખો પર સૂર્યના હસ્તાક્ષર લેવા ઊડે ન ઊડે ત્યાં પતરંગો એને ઝડપી લે છે. ગઈ રાતના ચન્દ્રને તળાવમાં તળિયે સંતાડી આવીને બગલો અધબીડી આંખે જગતની માયાનું ચિન્તન કરી રહ્યો છે.

અનેક પ્રકારના અવાજોનાં ટોળાં ને ટોળાં ધસ્યાં આવે છે. એમાંના કેટલાક ખોડંગાતા ચાલે છે, કેટલાક ઝાડની ડાળી વચ્ચે ખૂંપાઈ ગયેલા પવનની જેમ ધ્રૂજ્યા કરે છે. કેટલાક મારા ઉમ્બર ઓળંગીને અંદર આવીને કબાટની પાછળ લપાઈ જાય છે.

સવાર થતાંની સાથે જ થોડા આંકડાઓ મારી આંગળીને ટેરવે બેસી જાય છે. પછી દસ આંકડાની કૂદાકૂદ શરૂ થાય છે. એકબીજામાં ગૂંથાઈ જતી આંગળીઓનો ગુણાકાર, આંગળીઓનાં પોલાણ વચ્ચેથી થતી બાદબાકી, આંગળીના કાપા પરથી ચઢતીઊતરતી રકમો – આ બધું હું જોયા કરું છું.

માથું અંદર ખેંચી લઈને ચિન્તનમગ્ન બનેલા કે આત્મવિલોપનની સુખદ ભ્રાન્તિમાં રાચતા કાચબાના જેવા મારા પગ જાગે છે. અંગૂઠો બહાર આવે છે, આદિકાળના કોઈ ભૂચર પ્રાણીની જેમ એ ચાલવા માંડે છે. પણ એને ખબર નથી કે હજી મારું માથું તો મેં ધડ પર બરાબર ગોઠવ્યું નથી. હજી આંખોના ઊંડાણમાં ઠેઠ સુધી સૂર્ય પ્રવેશ્યો નથી.

ક્યાંક જર્જરિત ભિખારણના જેવી અનેક છિદ્રોવાળી કન્થા ધારણ કરનારી આ નગરની શાન્તિને કોઈ ઉપાડી લઈ જઈ રહ્યું છે. કોઈ ઘરડા નક્ષત્રની કરચલિયાળ પાંપણ પર હવે એ જઈને આરામ લેશે. દરેક વૃક્ષની ઘટામાં એની ફાટેલી કન્થાની ચીંદરડી લટકે છે. દરેક કૂવાના કાનમાં એનો વિદાય વેળાનો શબ્દ રણકી રહે છે.

નકશામાંની સંકળાયેલી પોતાની કાયાને ઉકેલીને નદી અંગ પ્રસારે છે. પાસે જ અખાડાબાજની જેમ ખભા ઊંચા કરીને પર્વત ઊભો છે. એની ટોચ પર બેઠેલાં અમ્બા માતા ઘીના દીવાની વાટ સંકોરે છે. તળેટીમાંની નાની નાની કેડીઓ ફરીથી દોડતી થઈ ગઈ છે. બાજુમાંથી બાળકની દીવાસળીનાં ખોખાંની બનાવેલી આગગાડી સરી રહી છે. મસ્જિદના ખંડેરમાં સૈકાઓ પહેલાં કોઈ મુલ્લાએ પુકારેલી બાંગ ઘૂમી રહી છે. ભોગળ વગરના તોતિંગ દરવાજા પોતાનું પોલાણ સાચવતા એમના એમ અડીખમ ઊભા રહ્યા છે.

મારી આંગળીના નખના ગુલાબી આકાશમાં પણ અર્ધચન્દ્ર ઊગ્યો છે. એના નીચેના વેઢામાં સુવર્ણમુદ્રાની પ્રદક્ષિણા ચાલ્યા કરે છે. અનામિકા ધૂર્ત બનીને પોતાનું નામ કોઈને કહેતી નથી, તર્જનીની તોછડાઈથી બધા ચીંધાયા કરે છે. અંગૂઠા પરનાં ચક્ર ફર્યા જ કરે છે. એક નખમાં કોઈના કેશનો એક તન્તુ ભેરવાઈ રહ્યો છે. એને તાંતણે તો કેટલી બધી પરીકથાઓએ આશ્રય લીધો છે!

આ દરમિયાન ક્યારનોય મારો પડછાયો મારી પાછળ આવીને ઊભો રહી ગયો છે. એ ભારે ચાલાક છે. એનો ધકેલેલો હું ચાલું છું છતાં દુનિયાને એ એમ બતાવે છે કે એ જાણે મારો અનુચર છે. એ સૂર્યની સાથે કાવતરું કરીને આખો દિવસ મારાં પરિમાણોની અદલબદલ કર્યા કરે છે. આથી કાંઈક હું પોતે જ ભુલાવામાં પડીને મારી જાતને ખોઈ બેઠાની ભ્રાન્તિથી વ્યાકુળ બની જાઉં છું.

પાંદડાંઓના ઘુમ્મટમાંથી આઝાનનો અવાજ સંભળાય છે. ગયા જનમનો કોઈ ફિરસ્તો સાપ થઈને એ સાંભળે છે. પવનની કિનાર એનાં આંદોલનથી હાલે છે. પવનથી ચિરાયેલા વહાણના શઢ જેવી મારી છાતી હલબલે છે. બારીબહારનું જગત ડોલતા વહાણના જેવું અસ્થિર બની જાય છે. હું મારી નાની દીકરીના ભાર ઝીલવા નહીં ટેવાયેલા ખભાનો આધાર લઈને સ્થિર થાઉં છું.

મરેલી ભાષામાં ઢબુરાઈને પડેલા મરેલા યુગોને એક અંધારા ઓરડામાં હું પૂરીને આવ્યો છું. ત્યાં ડહાપણભરી એક કીડી એ મરેલી ભાષાનાં ખોખાંને ખોતરતી એ યુગોને ઢંઢોળી આવે છે. કીડીની કેડ પર કાંઈ એક સૂર્યનો ભાર શી રીતે લાદી શકાય? છતાં એ પુસ્તકોમાંથી ધીમે ધીમે એક કિરણસેર પ્રસરે છે, યુગો જાગીને આળસ મરડે છે.

મારી દીવાલોના કાનમાં મન્ત્ર ફૂંકીને હું એમને પાંખો પસારીને ઊડી જવાને ઉશ્કેરું છું. એ સાંભળીને ત્યાં બેઠેલા ગણપતિ અસ્થિર થઈને એમની સૂંઢ ડાબી બાજુથી જમણી બાજુએ ફેરવે છે. ખીંટી પરના ખમીસમાં સૂતેલું કોઈ પ્રેત સળવળે છે. એકાએક દીવાલો ઘટા વિસ્તારીને નિબિડ અરણ્યમાં ફેરવાઈ જાય છે.

સૂર્યને હું થોડીક સીધી રેખાઓનું ચોક્કસ માપ આપી જવાને વિનવું છું. પણ બહારના લીમડા અને શિરીષ પોતાના શાખાપલ્લવનું નકશીકામ મારા ઓરડામાં આંકી દેવા સૂર્યને લલચાવે છે. સૂર્યનાં શતાબ્દીકુશળ ટેરવાં જોતજોતાંમાં કાંઈ કેટલીય ભાત મારી દૃષ્ટિ સમક્ષ ઉપસાવી આપે છે.

આ દરમિયાન ઘરના નળને વાચા ફૂટે છે. એના કણ્ઠ્ય સ્વરોનો ઘુરઘુરાટ હું સાંભળું છું. એ સ્વરોની ધારામાં ભીંજાતી એક ચકલી જાણે એનો મર્મ સમજતી હોય તેવો ઢોંગ કરતી બેઠી છે. થોડાં તડકાનાં ફોરાં પણ અહીંતહીં ઊડે છે. બુલબુલની આંખમાં એનું આશ્ચર્ય છે, પણ પચનક તો જાણે સદીઓનું ડહાપણ સંઘરીને બેઠું હોય તેમ સહેજ પણ હાલતુંચાલતું નથી.

દિવસની ગતિ બદલાય છે. સૂર્ય જરાક ત્રાંસો થાય છે. એ તિર્યકતા સૃષ્ટિને પણ જરાક ત્રાંસી કરે છે. આથી કબાટની ભગવદ્ગીતામાંના સોળમા અધ્યાયમાં જુદી જુદી રાખેલી આસુરી અને દૈવી સંપત્તિ અવળસવળ થઈ જાય છે. હૉસ્પિટલનો મુમુર્ષુ દર્દી આખરી પડખું બદલે છે. ધોળા ધોળા પડદાને પવનની આંગળીએ હડસેલીને ધોળું ધોળું મરણ અંદર પ્રવેશે છે. આ નગરમાં ક્યાંય કોઈ એ મરણના પડછાયાનો અણસાર પામતું નથી.