ગુજરાતી નિબંધ-સંપદા/દિગીશ મહેતા/મેળો: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''મેળો'''}} ---- {{Poem2Open}} અમારા ગામને મન દિવાળી કરતાં કારતકનું મહત્ત્વ વ...") |
(No difference)
|
Revision as of 06:28, 23 June 2021
મેળો
અમારા ગામને મન દિવાળી કરતાં કારતકનું મહત્ત્વ વધારે, કેમ કે કારતકમાં મેળો આવે. એમ તો ઠેઠ અગિયારસ-બારસથી મેળાનાં મંડાણ થઈ જાય. કારતકી પૂનમ એટલે જ સાચી દિવાળી કહો ને. ત્યાં સુધી ન ખૂલે બાપુજીની બ્રીફ કે ન ખૂલે એ ખીંટીએ લટકતું, હવે જરા રજભર્યું — તેની આછી ફિલ્મમઢ્યું મારું પેલું દફતર. ચામડાનું, રૂપેરી રંગની કડી ભરાવીએ એટલે, બંધ થઈ જાય તેવું ઢાંકણવાળું, એ દફતર મામાએ અપાવેલું. ખભે ટીંગાવવાનું તને બદલે ખીંટીએ, બારી પાસેની, ત્યાં ઝૂલતું રહે. પવન આવે એટલે સહેજ હાલે, એટલું જ. પણ મેળો પૂરો ન થઈ જાય, ત્યાં સુધી એ ત્યાંથી ન ખસે.
એક રંગમાં હોય પેલા દુકાનદારો — કાપડના, વાસણના, મીઠાઈના, એ તેજ થઈ જાય. ધોળી, કડકડતી, ઇસ્ત્રીબંધ, ધારદાર ટોપી; સહેજ જાડા, ધોળા કપડાની એટલી જ કડક કફની; ઉપર સોનાનાં બટણનો અછોડો; પગમાં ચમચમ, પૉલિશ કરેલાં સ્લીપર્સ; કપાળમાં આછી, પીળી ટીલડી. એ ભાવસાર. — તો કાનમાં તેવી જપીળી ટીલડીઓ, કાંઈક ઝાંખી પડી ગયેલી, સોનાની — રાત્રિના ગાલ પર ચમકતા તારા જેવી કરતાં હબસીના કામ ઉપર ચમકતા — ભલે જરા ઝાંખા, પણ — હીરા જેવી વધારે; બીડીથી કાળા પડી ગયેલા હોઠ; તેલ પીધેલી, ગોળ થઈ ગયેલી, માથા પર ચપટ બેસી પડી એનો ઘાટ ખોઈ બેઠેલી અને છતાંય ત્યાં જ ઊગી નીકળી હોય, માથા સાથે એવી જ બંધબેસતી ટોપી; મેલુંમેલું તેલનાં ધાબાંભર્યું ધોતિયું; ધોતિયા પર ડાઘ: પીળા અને કાળા — કાળા તે કઢાઈના ને પીળા તે વેસણના — એવું એ ધોતિયું; એને જ મળતું — એને શું કહીશું — કેડિયું, બંડી, કોટ, કફની — એ ઘાટનું — ભૈયાજી પોતે જ જાણે કે એક જામે તેમનો દરજી — તેવું તેમનું ઉપરણું; બેસી ગયેલા ગાલ; તાપ પાસે બેસી તરડાઈ ગયેલી, ગરમીમાં રસાયેલી, કાળી, કથ્થાઈ ચામડીમાં જરા કઠ્ઠણ-બરડ, ઘા પર વળેલી ખપોતરી જેવી, કપાળ પરની ત્રણ રેખાઓ; ધોળી, નાળિયેરનાં છોતરાં જેવી તીખી, મૂછોની મોં પર છાજલી; સહેજ ફાટેલો સાદ; વળેલું શરીર — એવા એ ભૈયાજી એ દિવસોમાં બહુ જ પ્રવૃત્તિશીલ રહે. દુકાનથી ઘેર અને ઘેરથી દુકાન. એમની સાથે એમની બે પત્નીઓ — કંઈક કૃષ્ણની જેમ જીવતા એ — અને છોકરો. જાડો. ગોળમટોળ, એ જ ઘાટે ઘડાતો; ભૂરી ચડ્ડી, હાથમાં પડીકાં લઈ દોડતો, વચમાં! વચમાં ભૈયાજીની જ હાકેમીથી ઘરાકોને હાંકતો. એ છોકરાની આંખમાં બેફિકરાઈ. એમની દુકાને પિત્તળનો તાટ તે ભરાય અને ઠલવાય. લીલા રંગેલા કાચ ખોસેલા ડબા, જૂના કાળા પડી ગયેલા તાંબાના તાટ, એ બધા આજ ભરતી થઈ ગયા હોય.
ને એમ લોખંડના ને તાંબાપિત્તળના ને કટલરીના એ વેપારીઓ, વર્ષ આખું સુસ્ત બેસી રહેતા. બપોરે મોં પર પેપર રાખી, ગલ્લે પગ લંબાવી, હાથમાં ઝાપટિયો રાખી, અંડરવેરભેર આડા પડી રહેતા એ વેપારીઓને કોઈ વાંસળીવાળાએ જગાડ્યા હોય તેમ જાગે. મંડીબજારથી માંડીને તે ગામની નસેનસમાં એક ગુંજન શરૂ થઈ જાય જે વધતું જ ચાલે — માટે તો કહું છું ને કે અમારે દિવાળી આવ્યા કરતાં ગયાનો ઉદ્યમ વધારે — કેમ કે પછી આવે કારતકી પૂનમ…
…પણ આ તો થઈ સ્વાર્થની વાત, અમારી, ગામલોકોની. અમારે તો ખસી જવાનું હોય. ગામ સોંપી દેવાનું — પેલાં આવનારાંને ટોળેટોળાં ઊતરે — ભાગોળને દરવાજેથી, સ્ટેશનથી, નદી ઊતરી ચાલતા, ઢાળેથી. એકધારો પ્રવાહ ચાલ્યા જ કરે, છોળ ઉપર છોળ, બારીએથી જોઈએ તો આવીને વીંઝાતી દેખાય. અવિરત. અમે એ છોળે છોળે — પેલા ઓવારાને પાવડિયે તેમ — મન ધોવાતું જાય. એક પછી એક, સ્વત્વના વ્યૂહ ભેદાતા જાય. બારીએ ઊભા રહી જોવાની એ જ મજા. અમારે કરવાનું એ — મન મોકળું મૂકી દેવાનું. હાથ ઉઠાવી લેવાનો. દ્વાર ખુલ્લાં મૂકી દેવાનાં. હક્સ્લીએ, બ્લૅકમાંથી લઈ, કહ્યાં તે doors of perception-ચક્ષુ — તે cleanse કરી દેવાનાં, ચોખ્ખાં… અને એવો તો છુટકારો થાય, જેવો છુટકારો ટૉલ્સ્ટૉયની epic world જોવાથી થાય.
…એ બધાં પાત્રો આમાં ભટકતાં જ હશે ને? ભૂમિ તો એક જ ને? એનો લૅવિન. લૅવિન તો — આ નીચે પસાર થતો ખેડૂત. એનો કસાયેલો ચહેરો, એની ભોળી, ખુલ્લી આંખ ઊંચી કરે તો હમણાં તેમાંનો લૅવિન છતો થાય. એ જ ધરતીમાં લાંગર્યું ખમીર, એ જ બહોળી, મોકળી, નિર્ભીક માનવતા. એમાં આટાપાટા, આંટીઘૂંટી કાંઈ જ ન મળે. એ ગરમી એની ભારે બંડીની અંદર રહી રહી પણ એડી જાય. શહેર તરફ ઝૂકતા આપણને એ ઢંઢોળી જાય, જગાડી જાય, પવનની લહેરની જેમ તાજા કરી જાય… એવા એ…
…પણ એ બધાં આવે ક્યાંથી? ગામડેથી રસ્તો. મધુકોષ સમાં કેવાં નાજુક, નમણાં એ ગામડાં. અમારું તો શહેર ગણાય. ભાગોળનો રસ્તો. એ રસ્તે વળાંક વળતાં, ગામ ફરતા કોટના એક ફાટેલા ભાગમાંથી નાટકના પડદાની જેમ દૂરનું એ દૃશ્ય ઊઘડી જાય. ક્યાંય સુધી, કોટની તૂટેલી દીવાલોની રહીસહી ઈંટોને ઢગલે દાઢી ટેકવી — દરિયાના મોજે દાઢી ટેકવી બેઠેલા, મિલ્ટનના સૂર્યની જેમ — નદીનો એ આખોય રળિયામણો પટ ફોળાઈ ન પડ્યો હોય, એ દેખાય. જેમ ઈંટે ઈંટે બંધાયો હશે, તેમજ ઈંટે ઈંટે, કાંગરે કાંગરે એ કોટને તોડતો એ પ્રવાહ… ત્યાં જ ગબડી પડી, ઢગલો વળી ગયેલી, એ ઈંટો, જેના ઉપર આડોશ-પાડોશનાં છોકરાંએ બેસી, તો કાંઈક બાકીના, આજુબાજુના લોકોએ — સહેજ નીચા નમી, છેટા રહી, છૂટે હાથે કચરો નાખી એવો ડેરો બનાવ્યો હોય જેમાંથી ધીમી કહોવાટની વાસ આવે. પાસેથી પસાર થાઓ એટલે એ બાજુથી પવનની લહેરખી આવે તો રંજાડી જાય…
અને ભાગોળનો તે વળાંક વળતો રસ્તો, તે પરનાં ઘરો – ઘરો પણ કેવાં? કાળાં, જૂનાં, ખુલ્લાં, છજા જેવાં. છાપરું હતું — ન હતું. દીવાલો લચકાઈ ગયેલી. ક્યાંક રોગિષ્ઠ પેટ જેવી ફૂલી ગયેલી, તૂટું તૂટું થઈ તંગ બની ઊભી રહી ગયેલી. એ દીવાલોમાંથી માંડ ઢંકાતી એવી એ ઘરવખરી પણ આ દેખાય — એક કાથીની કિચૂડાટ કરતી ખાટલી, તે પરની ફાટેલ-તૂટેલ, સુઘડ-ગંદી ગોદડી, તેની પાસે ઊંચી-નીચી ભોંયમાંના એક ટોડલે — જે લીંપીગૂંપી ચોખ્ખો કર્યો છે તે પર મૂકેલી માટલી. તે પરના — ઠીકરા પરનો પ્યાલો. પેલે ખૂણે ચૂલો, અને સહુથી વધુ તો વચમાં, સામી ભીંતે ગોખલા. તેની ડાબી-જમણી બાજુએ સ્વસ્તિક ચીતર્યા હોય, ઉપર કંકુમાં આંગળી બોળી, એ વંકાતી ભીંતની ખડબચડી ઈંટો પર, હાથ બને તેટલો સ્થિર રાખી અક્ષરો ઉપસાવ્યા હોય. એ આ મહોલાતનો અધિષ્ઠાતા. જૂના થઈ જઈ ગળી ગયેલા, જળી ગયેલા, રૂપેરી લેસ મૂકેલા, લાલ રેશમી કટકા પાછળ ઢાંકેલું એ ગોખલામાંનું રહસ્ય — શું હશે? ઘણી વાર ઉઘાડવાનું મન થાય, પણ હાથ ન ઊપડે. અધીરાઈ થાય. આ બધાંને ભેગું કરી રાખતું એ સત્ ચાલ્યું તો નહિ જાય?
તો વળી આ બીજું — માલિકની ઊતરતી કળાએ જાણે તૂટતું મૂકી દઈ, છોડી દેવાયેલું, હવે કોઈક બીજાએ કબજે લઈ લીધેલું, નિર્વારસી — નધણિયાતું, વીલું પડેલું, પડતાં પડતાં કોઈ ગોવર્ધનધારીને ટેકે જ અત્યાર સુધી તોળાઈ રહેલું, ત્રાંસી થઈ ગયેલી જાળીવાળું, ફાટી ગયેલા છાપરામાંથી આકાશ સાથે તાળી લેતું, એક લિયર — Lear — જ જે અર્થમાં આનંદવિભોર — gay — હોઈ શકે. તે અર્થમાં gaietyવાળું… એ ઘર.
એથી ત્રીજું સામેનું હંમેશાં બંધ રહેતું. જરા ઊંચાણ પર બાંધેલું, તૂટી ગયેલી એક વખતની ઇમારતના અવશેષોને ખીલે વસાવેલું, જૂના-નવાના સંમિશ્રણવાળું, સમજૂતી પર આવતું — એમ એક વધુ મકાન… એ મકાનોમાં વચ્ચે વચ્ચે ઝબકતી ગલીઓ. જેમાંથી અંદર ઊંડે ગમાણો દેખાય, છાપરીઓ, ભેંસોની સ્થિર નિષ્પલક આંખો, વચમાં વચમાં કમ્પતી સ્નિગ્ધ-કાળી રુવાંટીભરી, લીલી ચામડી નીચેની પાછળની પહોળી કાઠી પર આવી આળશી પડતા પૂંછડાના ધીમા વળો…
એવાં એ ઘરો ઓળંગીને, રસ્તાને છેડે ઊભેલા દરવાજા નીચેના એક વખતના પથ્થરજડ્યા ઉંબરાને પણ ઓળંગી, એવા જ પથ્થરબંધ ઢોળાવની નીચે ઊતરી નદી સરસા થઈ જઈએ. સાંજ પડી ગઈ હોય. સીમ સૂમસામ હોય. એ રસ્તો નદીની ધારે ધારે વહેવા માંડે. તેની ભીની રેત ચંપલમાંથી અંદર ઊતરી પગને ચૂમવા માંડે. તે કણમાંથી આપણામાં કાંઈક સંચાર થાય. પાછળ જોઈએ તો હમણાં જ જોયેલાં ઘરોની પછીત દેખાય. ગામનો જથ્થો આથમતા સૂર્યના પ્રકાશ આગળ sitlhoutte થઈ ઊપસી આવે, એકાદ ચિતારાની રાહ જોતો… એ આકારોના અર્ધવર્તુળાકારમાંથી બહાર આવતાં આપણે આપણી જાતમાંથી બહાર આવ્યા હોઈએ — કાંઈક કહેવાનું મન થાય… એ lumpsમાં એક અર્થ ઘૂંટાતો હોય… તેને વાચા અપાય તો? તે એક કરુણ ચહેરો!
તેને પાછળ મૂકી હવે આપણે ખુલ્લામાં ચાલતા થઈએ. ડાબી બાજુ પર ઊભેલી દેરીનો પૂજારી હવે આરતીની તૈયારીમાં પડ્યો હોય તેને મૂકી દઈ, આગળ સામાન ઉતારવા માટેની ઓટલી આવે તેને પણ પાછળ મૂકી દઈ — એ ટેકરીઓ, બોરડીઓ-એમ મુક્ત થઈ જઈએ અને આંખ મીંચીન ઉઘાડીએ ત્યાં તો આપણે આવીને ઊભા રહ્યા હોઈએ ગામને ગોંદરે જ ડેરા નાખીને પડેલું પેલું બીજું ગામડું-તેની સીમમાં. એવાં એ ગામડાં, અમારા ગામની આંગળીએ રમતાં કારતકી પૂનમને અજવાળે ઠલવાય અમારે આંગણે.
એ ગામડું એટલે બે-પાંચ ઘરોનું ઝૂમખું. અમારે ગામથી બીજે ગામ જતાં રસ્તાની કાંધે બસ ચઢે ને તરત સામે ખોબા જેવી ખીણમાં એ ઝળકવા માંડે. બસમાં જરા સળવળાટ થાય. ઊતરનારા પોતાનાં કાળાં પડી પયેલાં, બુંદેબુંદ મેલ પી જાડા થઈ ગયેલા ભારે કપડે વીંટેલાં પોટલાં સાથે મસલત કરી લે. બસ ઊભી રહે. નીચે ઊતરીએ, પગ છૂટો કરવા-ઉપર ભૂરું આકાશ, તેની નીચે લાલ-કાળાં નળિયાં, કૂબા પર સુકાયેલા ઘાસમાંનાં સોનેરી પાસાં, વચમાં વચમાં વળી લીલી ઘટાઓ… ઘડીભર રંગરંગ થઈ જઈએ…
…અને બસની જ કેમ, સૃજન-જૂની અકડાઈ મૂકી આળસ મરડીએ, સભાનતાની પકડ ઢીલી થાય, મન ખૂલે, જેમ હાથમાં ચીમળાઈ ગયેલું પાંદડું મુઠ્ઠી ખૂલતાં ખૂલે. દૂર ખેંચાતાં ખેતરો-ધરતી. તેને ઘા માર્યા વગર, તેની છાતીને મિલોની ચીમનીથી વિદાર્યા વગર, તેનું જ બની રહી, તેમાંથી જ ઊગતું, તેમાં જ શમી જઈ, તેને જ ખોળે રમતું — ગામડું. ટી. એસ. એલિયટ કદાચ કહે છે કે એક મોજું અને બીજું મોજું — a wave and a wave — એની વચ્ચેની ગુફતેગો — whisper — જેવું. એના જ વિશ્વમાં રહી કહીએ તોઃ એવું એ દૃશ્ય જોઈ કાટ ખવાઈ ગયેલું. જૂનું થઈ ગયેલું. વર્ષોથી વાસેલું તાળું ખોલવા જેમ કોઈએ અંદર ચાવી નાખી હોય અને પહેલાં એક-બે આંટે સાંધા કકડે, ખસે અને પહેલી જ વાર એ કળ દબાય… એ પ્રાણવાયુનો ઊંડો દમ ભરાય ને અંતર ખૂલે…
પણ સામે પેલી દેખાય ઘેઘૂર વડલા કે ઊંચી કણઝીની નીચેની એ પરબની છાપરી… પાણી છાંટી ઠારેલી, એ રીતે હક્ક બેસાડી દીધેલી, લીંપેલી એની જમની. એ જ એની પાળ. એ સિવાય એની વાડ નહિ. એની હવા એ જ એની વાડ — જેમ કેટલાકના વ્યક્તિત્ત્વનું હોય છે. તેમાં પ્રવેશો, તેના ક્ષેત્રમાં, એટલે ફરફર ઠંડી હવા આવવા માંડે.
…અને એટલામાં તો એ છાપરીમાંથી પેલો ચકચકાટ લોટો ને અડધું ગોળ કાનાવાળું — હજી જીભ ઉપર, દાંત વચ્ચે, હોઠ ઉપર એની મીઠાશ છે — એવું એ પ્યાલું, એ ફરતાં થાય. અને આપણે ઝૂમખાની ધાર પર અટવાતા હોઈએ ત્યાં તો થડકાર ઊઠે: લે દીકરા!
એની એ સરહદમાં એ સમ્રાજ્ઞી. અહીં Love is the law. અહીં જોડા ઉતારવા પડે એટલે ઉતારવા જ પડે. એના કરચલીવાળા સુક્કા હાથ, એના કાનનાં ચપટ લાખનાં લાલ-કાળાં પડી ગયેલાં દોયણાં, એના હાથ પરનો ચાર આંગળનો મોટો ભારે ચૂડો જે વચમાં ખખડે, એ એનો કાળાં ટપકાંવાળો ભારે કાપડાનો સાડલો, એની ચોળી જેના ખુલ્લા આગળના ભાગમાંથી હાંસડીનાં હાડકાં ઉપરની ચામડી ઊપસી આવતી હોય નીચે માટીના રંગની જ, અને એમાંથી એવી જ મીઠાશભરી મમતા ઊઠતી હોય — એવી એ મા સાથે પૈસાનો વ્યવહાર કેમ થાય? જાણે કહેતી હોય કે ભૂલાં પડ્યાં છો, ભટક્યાં છો પણ હું તો એની એ જ છું… એવી એ ગ્રામમાતા — નીચે નમી, ખોબો ધરી પામી પીએ, બાંય ભીની થઈ જાય, કોણી ભીંજાય, મોં પર પાણી પળભર રહેવા દઈએ. એ જેમ અંદર ઊતરે તેમ રૂઝ આવે.
પણ એટલામાં પાછો વખત થઈ જાય. મોટરમાં બેસીએ. આપણે આવ્યા એ જ ઢાળે ચડીને એકાદ ગાલ્લું આવતું હોય. તેના બળદનાં માથાં આમથી તેમ ઊંચાં-નીચાં થતાં હોય. મોટરની ઘૂમટી swingની સાથે દૂરથી, તેનું પેલું Mysterious પોટકું માથે મૂકી, હાથમાં દાતરડું લઈ ચાલ્યો આવતો ખેડૂત કે આ બાજુ લાકડીને બગલમાં ગોઠવી, તેને ટેકે ખાંગો ઊભો રહી, મૂછ આંબળતો ભરવાડ તેનું બાંય વિનાનું જાકીટ; ભારે, બરછટ, ધોતિયું; તેના માંસલ હાથનાં છૂંદણાં, તેના પગનાં કડાં — એક ચઢાણ ચડીઊતરી પાછળ જોઈએ, ત્યારે ગામની ધજા ફરકતી હોય, ગામના દેરાની ધજા પણ દેખાતી બંધ થાય…
એવાં એ ગામડાં…
એમાંથી એ આવે. બારીમાંથી જોઈએ તો નીચે ફાળિયામાંથી ઢંકાયેલાં એ માથાંનો એકધારો પ્રવાહ. એક હાથ કાને દીધેલો હોય. બીજો સાથીના ગળામાં હોય. એમની આંખમાં ઘેન નીતરતાં હોય, એમની ચાલમાં નશો, અને વારે વારે એમના હલકારા ઊઠે. દૂરથી શરૂ થઈ, એમના એ હલકારાના ઘોડા ચડે, ઠેઠ આપણા પગ પાસે બારી નીચે આવી પછડાય, આઘે સુધી ખેંચાતા જઈ વિસમે વળી ઊઠે — એ હલકારા અંતરનાં પડળેપડળ ભેદી, શમવિશમના ધુમ્મસ-ધુમાડા વીંધી અંદર ઊતરે, તેમાં કોઈ ડી. એચ. લૉરેન્સ જેવાની, કેન્દ્રમાંથી જીવવાની, ઝંખના સંભળાય…
…એમની સાથે આવે એમની સાહેલીઓ. તસતસ થતી ચોળી, ઝળક ઝળક આભલાં, ચાંદી-ચોઢ્યા લાલ ચૂડા. ઘેરભર્યા ઘાઘરા — એ જગજ્જનની — ચાલી આવે. ઊભરાય એ મંડી નીચે, ને ગંજમાં, ને ચકલે ને ચોરે ને ચૌટે. ઓવારે ને પાદરે, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ આ માધવ પાવડિયાને ઢાળે ઊભા રહી જોઈએ તો પેલે છેડે આ ઠઠ્ઠુ નદીમાં ઊતરતી દેખાય. એ ચીંદરડા જેવા શામળા, મલિન પ્રવાહમાં આજ અનન્ય ચૈતન્ય ઊભરાય — પલાશમાં અંગૂઠો ચૂસતું એ બાલસ્વરૂપ…
ત્યાં ઊભે ઊભે આંખ એક બીજા ચિત્ર પર મંડાય છે. ખુલ્લો દરિયો હતો. સાંજ. દૂર નાવડાંના ધોળા સઢ વેફર જેવા, ચંદ્રકલા જેવા આજુબાજુ પીગળતા પ્રકાશમાં તરતા હતા. પગ પાસે અમળાટ હતો. ભરતી. એકધારાં, એક જ લયમાં આવી આવીને પછડાતાં, ફીણ ચઢતાં, મોજાં પોતાની આ ગતિમાં લીન હતાં. આ ગતિમાં જ, આ જ રીતે, તેમની અંદર ઊઠતા ક્ષોભને અનુસરવામાં જ, તેમની વિશ્રાન્તિ હતી. પાસેનું તોફાન અને દૂરની શાન્તિ એકબીજામાં સમાઈ ગયાં હતાં — એ સાથે જોયેલું એક ધક્કા પરનું વહાણ. યુલિસિસ, હેલનનો ચહેરો, નોહાનો તરાપો કેપછી શૅલીએ જે નાવડા તરફ આંગળી ચીંધી કહ્યું હશે કે: એમિલિ! ચાલ… a boat is floating in the harbour now…
એવો જ એક બીજો દરિયાનો પટ. એનાં શાંત પાણી — ઉપર ધીમેથી જતું પ્લેન કાળું. મનના landscape જેવું એ દૃશ્ય. જમીનનો એક ખૂણો અંદર ધસી ગયો હતો. એ કરાડ પાછળ દરિયામાં ડૂબતો સૂર્ય. એ કાળો ખડક, એ ઊતરતાં અંધારાં, ને અંધારાને ખોતરતા પ્લેનનો ઘરઘરાટ, ઘરભણી ઊડતાં પક્ષીઓ સી-ગલ્સ — કાંઈક આવા જ એકાન્તમાં સત્યવાન-સાવિત્રી, વિશ્વામિત્ર-મેનકા એવી myths પ્રસંગરૂપે ભજવાઈ ચૂકી હશે ને? એવો એ ખડક — અત્યારે પણ કોતરાયેલો છે અંતરની આંખ પર. નિરુષ્માનો ચહેરો. અદૃશ્ય અનુભવ્યું એવું કેટલુંય હૃદયની ગુહામાં સંઘરીએ. એ જ આપણું આત્મતત્ત્વ? એ ઊજળાં પાણી, કાળા કિનારા વચ્ચે—
માનવમેળા વચ્ચે હોઈએ ત્યારે એ સાંભરે…