સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/અરુણ શૌરી/અંધારી રાતેહવે પછીનો જુલમગાર નહીં ભૂલે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} કટોકટી દરમિયાન જે જંગલનો કાયદો ચાલ્યો તે માટે ઇંદિરા ગાં...")
 
(No difference)

Latest revision as of 06:35, 25 May 2021

          કટોકટી દરમિયાન જે જંગલનો કાયદો ચાલ્યો તે માટે ઇંદિરા ગાંધીને તકસીરવાન ઠરાવવાની ઘાઈમાં એક મહત્ત્વનો મુદ્દો આપણે ભૂલીએ નહિ. એમની જવાબદારી ને એમની ગુનેગારી તો, અલબત્ત છે જ. પણ તે એકલી એમની નથી. સેંકડો ને હજારો તેમાં ભાગીદાર છે. એક જ વ્યક્તિ પર બધો વાંક લાદવો, એ તો આપણા ભવિષ્ય માટે જોખમકારક નીવડશે. કારણ કે જે કાંઈ બની ગયું તેમાં પોતાની જવાબદારી વિશે એકંદર સરકારી નોકરોને, પોલીસને અને સરેરાશ નાગરિકને સુધ્ધાં સભાન બનાવવામાં નહિ આવે, તો પછી આપણે કશો પાઠ ભણ્યા નહિ હોઈએ. હવે પછીના સિતમગરને પણ કશી મુશ્કેલી પડશે નહિ. ૧૯૭૫ ના ૨૫મી જૂનની એ કાળરાત્રીએ દિલ્લીમાં માત્ર ૬૭ માણસોની ‘મિસા’ હેઠળ ધરપકડ થયેલી, હરિયાણામાં ફક્ત ૭૦ની, આખા આંધ્ર રાજ્યમાં ૧૧ની જ. અને છતાં એ રાજધાની ને એ રાજ્યો શબવત્ બની ગયાં. કેટલું બધું સહેલું હતું એ! હવે પછીનો જુલમગાર એ પાઠ નહિ ચૂકે. અને આપણી પ્રજા નવાં મૂલ્યો ને નવી સંસ્થાઓ વડે જો એવી સશક્ત બનશે નહિ કે માત્ર ૬૭ કે ૭૦ કે ૧૧ જણને ઝડપી લેવાથી લાખો ને કરોડો લોકો મડદાં જેવાં બની જાય નહિ, તો પછી સ્વાધીનતા સલામત નહિ રહે. [‘ઇન્ડિયન એક્સપ્રેસ’ દૈનિક : ૧૯૭૮]