ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ બોરીસાગર/પાકીટની અદલાબદલી: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''પાકીટની અદલાબદલી'''}} ---- {{Poem2Open}} નોકરી માટે મારે રોજ અમદાવાદ-ગાંધીન...") |
(No difference)
|
Revision as of 11:09, 23 June 2021
પાકીટની અદલાબદલી
નોકરી માટે મારે રોજ અમદાવાદ-ગાંધીનગર વચ્ચે અપડાઉન કરવાનું હોય છે. આમ તો, દરરોજ બૅગ લઈને ઑફિસે જવાનો ક્રમ રહેતો, પણ હૃદય ભારે થવા માંડ્યું તે પછી હળવું પાકીટ લીધું છે. (આમેય હૃદય ભારે થવાને કારણે મારું પાકીટ ઘણું હળવું થઈ ગયું છે!) આ પાકીટને કારણે સર્જાયેલી દુર્ઘટના વર્ણવવાનો આજે ઉપક્રમ છે.
રોજની જેમ જૂના વિધાનસભાગૃહને દરવાજે ઊતરી ઑફિસના પ્રાંગણમાં પ્રવેશ્યો કે તરત જ મારાં સહપ્રવાસિની મીરાંબહેને પૂછ્યું, ‘આ પાકીટ તમારું છે?’ પાકીટ સામે જોતાં જ હું ગભરાયો. મારા પાકીટને બદલે હું બીજા કોઈનું પાકીટ ઉઠાવી લાવ્યો હતો! પાકીટનાં રંગરૂપમાં કશું સામ્ય નહોતું. મારા પાકીટમાં ઑફિસની ચાવી ને ઑફિસની લઈ લઈને લીધેલા ફ્લૅટના વીમાની પૉલિસી સિવાય કશું નહોતું, જ્યારે આ પાકીટ તો ખાસ્સું વજનદાર હતું. પણ ઊતરી ગયો ત્યાં સુધી મને કે જેનું પાકીટ લઈને ઊતરી ગયો તેને કાંઈ ખ્યાલ આવ્યો નહીં. અપડાઉનમાં ચાળીસ ટકા લોકો ઊંઘતાં હોય છે; પંદર ટકા લોકો વાંચતાં હોય છે; પાંચ ટકા પૂજાપાઠમાં પરોવાયેલાં હોય છે. પચ્ચીસ ટકા લોકો વિચારમગ્ન હોય છે. તેઓ થોડી વાર ઑફિસ-સમય દરમિયાન ઘરનાં કયાં કયાં કામો પતાવવાનાં છે તેનું આયોજન કરે છે, કેટલાંક ઑફિસે ગયા પછી તરત ચા પીવા જવું કે અર્ધા કલાક પછી જવું એવા મનોમંથનમાં ડૂબેલાં હોય છે, કેટલાક આજે સાહેબ આવવાના નથી એ ખ્યાલે આનંદમગ્ન હોય છે. કેટલાંક આ જિંદગી આખરે તો અપડાઉન જ છે ને, એવી આધ્યાત્મિક ભૂમિકાએ હોય છે; પાંચ ટકા લોકો પાનાં રમે છે; પાંચ ટકા લોકો વાતોમાં મગ્ન હોય છે; સાડાચાર ટકા લોકો કાં તો રજા પર હોવાને કારણે, કાં તો બસ ચૂકી જવાને કારણે કે મોડા આવવાના આયોજનને કારણે આવ્યાં હોતાં નથી, અર્ધો ટકો ભરતગૂંથણનું કામ કરે છે. આ ટકાવારી પારસ્પરિક વિનિમયને પાત્ર છે. ઊંઘનારાં લોકો કોઈક દિવસ વાંચનારાં પણ બને છે, (વાંચતાં વાંચતાં ઊંઘી જનારાં કે ઊંઘતાં ઊંઘતાં વાંચવાનો પ્રયત્ન કરનારાંઓનો આમાં સમાવેશ થઈ જાય છે.) વાંચનારાં કોઈક દિવસ વાતો કરે છે, ભરતગૂંથણ કરનારાં ભરતગૂંથણ ઉપરાંત વાતો પણ કરે છે એ રીતે પણ ટકાવારીની સરેરાશ એકંદરે જળવાઈ રહે છે. આમ નિજ પ્રવૃત્તિમાં મગ્ન જનો કોણ ક્યાં ક્યારે ઊતર્યું એની ફિકર કરતાં નથી. આ વિવેચન એટલા માટે કર્યું કે, હું જેનું પાકીટ લઈને ઊતરી ગયો તેને પણ ખ્યાલ કેમ ન આવ્યો એનો તમને ખ્યાલ આવે.
હા, તો ઑફિસના પ્રાંગણમાં પ્રવેશતાં જ પાકીટ બદલાઈ ગયાની દુર્ઘટનાનો ખ્યાલ આવ્યો. ટાગોરની નવલકથા ‘નૌકાડૂબી’માં અને એના પરથી ઊતરેલી હિન્દી ફિલ્મ ‘ઘૂંઘટ’માં નવવધૂની અદલાબદલી થઈ જાય છે એને મળતી આ ઘટના હતી. મારા આવા સ્વભાવને કારણે મિત્રો માને છે કે મારાં લગ્ન વખતે પ્રાચીન જમાનો હોત ને કન્યાનું મોઢું લગ્ન પહેલાં જોવાનું બન્યું ન હોત ને ટ્રેનના ડબ્બામાં બીજી પણ જાન હોત તો હું કદાચ બીજી કન્યા લઈને ઊતરી ગયો હોત. (આમ બન્યું હોત તો મૂળ કન્યાને લાભ થાત એવું મિત્રો માને છે ને હવે પત્ની પણ માનવા માંડી છે.)
મારી વસ્તુ મૂકી કોઈની વસ્તુ ઉઠાવી લાવ્યો હોઉં એવો આ પહેલો પ્રસંગ હતો. બાકી કોઈકની વસ્તુ — ખાસ કરીને પેન-બૉલપેન ઉઠાવી લાવવા માટે મારા વર્તુળમાં હું નામચીન છું. ઑફિસમાં કે અન્યત્ર લખવાની કે સહી કરવાની જરૂ પડે ત્યારે હું બેધડક સંનિકટ ઊભેલી/બેઠેલી વ્યક્તિની પેન લઈ લઉં છું ને પછી એ પેન મારી પાસે, એ રાખી પાડવાની મારી કોઈ દાનત ન હોવા છતાં, રહી જાય છે. પછી કોની પાસેથી પેન લીધી હતી તે ભૂલી જાઉં છું. મૂળ માલિકને ખ્યાલ આવે છે તો તરત પાછી પણ આપી દઉં છું. પણ મૂળ માલિકને ખ્યાલ નથી આવતો તે એની પાસેથી મારી લીધેલી પેન મારી બની જાય છે. આ રીતે મળેલી ત્રણ બિનવારસી પેનો આજે પણ મારી પાસે છે. મળી તો ઘણી વધારે હતી પણ ત્રણ હજુ સચવાઈ છે. પેનહરણની મારી પ્રકૃતિ ને પ્રવૃત્તિને કારણે ઑફિસમાં કોઈની પેન ખોવાય છે કે તરત જ મારી પાસે દોડી આવે છે. મોટા ભાગનાને નિરાશ થવાનો વખત આવતો નથી પણ કોઈ વાર મેં પેન ન લીધી હોય તોય કોઈ માનવા તૈયાર થતું નથી. પેન ન જડે ત્યાં સુધી મારા પરનો વહેમ નિર્મૂળ થતો નથી.
મારી વસ્તુ મૂકીને કોઈકની વસ્તુ ઉઠાવી લાવ્યાનો મારો પહેલો પ્રસંગ હતો (છેલ્લો હતો એમ તો કહી શકતો નથી). અગાઉ કોઈ પોતાની વસ્તુ મૂકી મારી ઉઠાવી ગયા હોય તેવા પ્રસંગો બન્યા છે. જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટને ત્યાં એક પ્રસંગે ભેગા થયેલા આપણા જાણીતા કવિ ચંદ્રકાન્ત શેઠ એમની ચંપલ મૂકી મારાં સૅન્ડલ પહેરી ગયા હતા. (આ પછી જ ચંદ્રકાન્ત શેઠે હાસ્યલેખો લખવા શરૂ કર્યા છે.) આમ તો આની ખબર ન પડત, પણ ચંદ્રકાન્તભાઈ મારા પીએચ.ડી.ના ગાઇડ એટલે એ દિવસોમાં એમના ઘેર જવાનું વધુ બનતું. એક વાર મેં એમના ઘરે બે જોડી સૅન્ડલ એકસરખાં જોયાં અને મારા ચિત્તમાં ઝબકારો થયો. મેં પૂછ્યું, ‘આ બન્ને જોડી સૅન્ડલ તમારાં છે?’
‘ના, હું ચંપલ પહેરીને ક્યાંક ગયેલો. મારે આવાં જ સૅન્ડલ એટલે ચંપલ પહેરીને આવ્યો છું એ યાદ ન રહ્યું અને કોઈકનાં સૅન્ડલ પહેરીને આવતો રહ્યો — પણ ઘેર આવીને બન્ને જોડી ભેગાં કર્યાં પછી ખ્યાલ નથી આવતો કે મારાં કયાં ને બીજાનાં કયાં? કોઈકનાં સૅન્ડલ બગડે નહીં એ માટે બેમાંથી એકેય જોડી વાપરતો નથી — નવી ચંપલ લઈને વાપરું છું.’
‘આમાંથી એક જોડી મારાં છે. વિનોદ ભટ્ટને ત્યાંથી તમે લઈ આવ્યા છો!’
સૅન્ડલ મળી તો ગયાં, પણ મનેય મારાં સૅન્ડલ કયાં તેનો ખ્યાલ ન આવ્યો. આખરે ચિઠ્ઠી નાખીને અમે સૅન્ડલની માલિકી વિશે નિર્ણય કર્યો!
શ્રી રઘુવીર ચૌધરીને ત્યાં એક પ્રસંગે ભેગા થયેલા, શ્રી બકુલ ત્રિપાઠી એમનાં સૅન્ડલ મૂકી મારાં સૅન્ડલ પહેરી ગયા હતા. (શ્રી બકુલ ત્રિપાઠી તો પહેલેથી મારા કરતાં સારા લેખો લખે છે એટલે મારાં સૅન્ડલ પહેરી ગયા પછી મારા કરતાં સારા હાસ્યલેખો લખે છે એમ કહી શકાય તેમ નથી.) શ્રી બકુલ ત્રિપાઠીનાં ને મારાં સૅન્ડલમાં રંગ, રૂપ, માપ કશામાં સામ્ય નહોતું તોય આમ બનેલું.
— પણ આજે પહેલી વાર મારી વસ્તુ મૂકીને હું કોઈકની વસ્તુ લઈ આવ્યો હતો.
બસ જૂના વિધાનસભાગૃહથી નવા સચિવાલય થઈને જૂના સચિવાલય જાય છે. ઑફિસે પહોંચી એક મિત્રની સાઇકલ લઈ મેં જૂના સચિવાલય તરફ હંકારી મૂકી, પણ અર્ધે રસ્તે પહોંચ્યો ત્યાં મેં બસને પાછી વળતી જોઈ એટલે મેં સાઇકલને પાછી વાળી. પણ એક તો હાર્ટ ટ્રબલને કારણે સાઇકલ ઝડપથી ચલાવી શકું તેમ નહોતો એટલે બસ છેક એસ.ટી. ડિપો પહોંચી ત્યારે હું પકડી શક્યો. ડ્રાઇવર-કંડક્ટર સારી રીતે ઓળખે. એમને મેં મારા પુનરાગમનનું પ્રયોજન કહ્યું. તે અને હું બસમાં ચડ્યા. જોયું તો છાજલી પર પાકીટ નહોતું. જેનું પાકીટ લઈ હું ઊતરી ગયો હતો એણે જ મારું પાકીટ લીધું હશે એમ લાગ્યું. પણ આ આખા વિશ્વમાં એમને શોધવા કેવી રીતે એ પ્રશ્ન હતો. ડરતાં ડરતાં મેં પાકીટ ખોલ્યું તો અંદરથી બીડીની ઝૂડી નીકળી. કંડક્ટરે કહ્યું, ‘તમારી પાછળ બેઠા હતા તે ભાઈ બીડી પીએ છે. હું એમને ઓળખું છું. સાંજે મળશે.’ પણ મારી ઑફિસની ચાવી પાકીટમાં હતી એટલે આ મનુષ્ય અત્યારે જ મળી આવે એ જરૂરી હતું. પાકીટમાં ઘણા કાગળ હતા. આમતેમ જોતાં ડ્રાઇવિંગ લાઇસન્સ મળી આવ્યું. લાઇસન્સમાં ફોટો જોતાં જ મને ખ્યાલ આવ્યો કે આમને મેં અગાઉ બે-ત્રણ વાર ઉચ્ચશિક્ષણ કમિશનરશ્રીની કચેરીમાં જોયા છે. સાઇકલ લઈ હું ફરી ઊપડ્યો. જૂના સચિવાલય પહોંચી સાઇકલ મૂકી હું ઝડપભેર ઉપર ગયો — જે કૅબિનમાં એ ભાઈને જોયા હતા ત્યાં ગયો પણ એમને જોયા નહીં. ત્યાં બેઠેલા ભાઈને લાઇસન્સમાંનો ફોટો બતાવીને પૂછ્યું, ‘આ ભાઈ ક્યાં છે?’ પોતાના સહકાર્યકરની ધરપકડ કરવા આવેલો હું કોઈ સી.આઈ.ડી.નો કે સી.બી.આઈ.નો માણસ હોઉં એમ ઘડીભર એ મારી સામે જોઈ રહ્યા પછી પૂછ્યું, ‘શું કામ છે?’ મેં કહ્યું, ‘હું પાઠ્યપુસ્તક મંડળમાં ઑફિસર છું. બસમાંથી એમનું પાકીટ મારી પાસે આવી ગયું છે. મારું પાકીટ કદાચ એમની પાસે હશે.’ મારા ચહેરા પરથી હું સાદો ઑફિસર છું એમ માનવાનું પણ એના માટે અઘરું હતું — એટલે હું સી.આઈ.ડી. કે સી.બી.આઈ.નો ઑફિસર હોઉં એવી બીક રાખવાનું કારણ નહોતું એમ તેને ખાતરી થઈ એટલે કહ્યું, ‘ચાલો, પટેલભાઈ ‘ચ’ બ્રાન્ચમાં મળશે.’
અમે ‘ચ’ બ્રાન્ચમાં ગયા. પટેલભાઈ એમની જગ્યાએ નહોતા, પણ મારું પાકીટ હતું એટલે મારા જીવને નિરાંત થઈ. થોડી જ વારમાં પટેલભાઈ આવ્યા. ‘પાકીટમાંથી તમારી ઑફિસનું સરનામું મળ્યું એટલે તમને ફોન કરવા જ ગયો હતો પણ કહ્યું કે સાહેબ હજુ આવ્યા નથી.’
અમે હાસ્યનો ને પાકીટનો વિનિમય કર્યો.
વિશ્વવિજેતા સિકંદરની ખુમારી ધારણ કરી હું ઑફિસે પાછો આવ્યો. જેમની સાઇકલ લઈને ગયો હતો તે મિત્ર સામે મળ્યા. મેં કહ્યું, ‘તમારી સાઇકલ શુકનિયાળ છે. એની મદદથી હું પાકીટ પાછું મેળવી શક્યો.’
‘હા, પણ આ સાઇકલ મારી નથી. મારી સાઇકલ ક્યાંક મૂકી તમે કોઈકની સાઇકલ લઈ આવ્યા છો!’