ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ નિરાંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ(નિરાંત)'''</span> : નિરાંતકૃત ૨૦૦ ઉપરાંત પદો(મુ.)માંથી કેટલાંક હિંદીમાં છે તો કેટલાંક હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં પણ છે. આ પદો ધોળ, કાફી, ઝૂલણા વગેરે નામભેદો ધરાવે...")
(No difference)

Revision as of 06:31, 29 August 2022


પદ(નિરાંત) : નિરાંતકૃત ૨૦૦ ઉપરાંત પદો(મુ.)માંથી કેટલાંક હિંદીમાં છે તો કેટલાંક હિંદીમિશ્ર ગુજરાતી ભાષામાં પણ છે. આ પદો ધોળ, કાફી, ઝૂલણા વગેરે નામભેદો ધરાવે છે. ગણતર પદો ગોકુળ, વલ્લભકુળ, વિઠ્ઠલજીના નિર્દેશો ધરાવતાં મળે છે ને ગોપીભાવનાં-પ્રિયતમાભાવનાં, કૃષ્ણપ્રશસ્તિનાં, એના રૂપવર્ણનનાં, હરિકૃપાના વર્ણનનાં ને ‘થાળ’ જેવા પ્રકારનાં કેટલાંક પદો પણ મળે છે. જેમાં વૈષ્ણવી પ્રેમલક્ષણા ભક્તિનું અનુસરણ ને સાંપ્રદાયિક પ્રભાવ જોઈ શકાય. પરંતુ વલ્લભકુળને વિઠ્ઠલજીનો મહિમા કરતી વખતે કવિ એમને “વર્ણાશ્રમથી વિશેષ, વર્ણાશ્રમથી ન્યારા” કહીને ઓળખાવે છે, “વંકા વનમાળી”ને “નિર્ગુણ નામ તમારું” એમ કહે છે, વિઠ્ઠલ (શ્રીકૃષ્ણ)નું રૂપવર્ણન કરતી વખતે એમને સુમતિનારી અને નિવૃત્તિનારીના વર તરીકે ઉલ્લેખે છે અને મોરલીને “મરમની” કહી એના “જ્ઞાનઘન નૌતમનાદ”નો નિર્દેશ કરે છે - એ બધું કવિ સગુણ ભક્તિમાં નિર્ગુણ જ્ઞાનવિચારની ગૂંથણી કરી રહ્યા હોવાનું ને સાંપ્રદાયિક પ્રભાવને ઓગાળી નાખતા હોવાનું બતાવે છે. કવિનાં મોટા ભાગનાં પદો તો શુદ્ધ જ્ઞાનવિચારનાં જ છે, જેમાં એમની ભૂમિકા અદ્વૈત વેદાંતની હોવાનું પ્રતીત થાય છે. એ અદ્વૈત બ્રહ્મનું, માયાનું, સંસારના મિથ્યાત્વનું વર્ણન કરે છે અને શુભ-અશુભ બન્ને પ્રકારનાં કર્મોને જાળ તરીકે ઓળખાવે છે. કવિની દાર્શનિક ભૂમિકામાં યોગમાર્ગનો પણ થોડો વણાટ છે, પણ વિશેષે એમાં મધ્યકાલીન સંતપરંપરાનું અનુસંધાન વરતાય છે. સદ્ગુરુમહિમા, સંત-સંગતનો મહિમા, ગુરુ તે બ્રહ્મ ને બ્રહ્મ તે ગુરુ એવો મનોભાવ, નામ એટલે કે આત્મસ્વરૂપનો મહિમા, શાસ્ત્રજ્ઞાનપંડિતાઈને સ્થાને સમજણ કે અનુભવનું મહત્ત્વ, વેશ, પંથ વગેરેનો તિરસ્કાર-આ એનાં લાક્ષણિક તત્ત્વો છે. નિરાંત કવચિત્ રૂપકાદિનો આશ્રય લે છે-સંસારને મૂળ વગરના વૃક્ષ તરીકે, કાયાને રેંટિયા તરીકે ને મનને વાણિયા તરીકે વર્ણવે છે, પરંતુ સામાન્ય રીતે એમણે સીધા કથનનો આશ્રય લીધો છે. એમની વાણીમાં સરળતા, પ્રવાહિતા અને પ્રાસાદિકતા છે ને તળપદી અભિવ્યક્તિની એમને ફાવટ છે. દંભી ગુરુઓ વગેરે પરના પ્રહારમાં એમની વાણી બળકટ બને છે.[જ.કો.]