ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પદ બ્રહ્માનંદ: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પદ(બ્રહ્માનંદ)'''</span> : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ બ્રહ્માનંદે ૮૦૦૦ પદ રચ્યાં હોવાનું મનાય છે, પરંતુ એમાંથી અત્યારે ૨૬૦૦ જેટલાં પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. ‘ભક...") |
(No difference)
|
Revision as of 06:51, 29 August 2022
પદ(બ્રહ્માનંદ) : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ બ્રહ્માનંદે ૮૦૦૦ પદ રચ્યાં હોવાનું મનાય છે, પરંતુ એમાંથી અત્યારે ૨૬૦૦ જેટલાં પદ મુદ્રિત સ્વરૂપે મળે છે. ‘ભક્તિવિલાસ’, ‘પ્રભાતસંગ્રહ’, ‘થાળસંગ્રહ’, ‘આરતીસંગ્રહ’, ‘શયનપદસંગ્રહ’, ‘ઉત્સવપદસંગ્રહ’, ‘હિંડોળા’, ‘શૃંગારવિલાસ’, ‘લીલાવર્ણન’, ‘વિરહવર્ણન’ ને ‘જ્ઞાનવિલાસ’ એ શીર્ષકો નીચે વહેંચાયેલાં; ગુજરાતી, કચ્છી, હિંદી ચારણી જેવી વિવિધ ભાષાઓમાં ગરબી, થાળ, આરતી, ભજન સ્વરૂપે મળતાં; ઝૂલણા, ચોપાઈ, હરિગીત, કુંડળિયા, રેણકી વગેરે છંદોની દેશીઓમાં રચાયેલાં ને અનેક સંગીતના રાગના નિર્દેશવાળાં કવિનાં પદો પર ભૂજની કાવ્યશાળામાં લીધેલી તાલીમનો પૂરો પ્રભાવ વરતાય છે. કૃષ્ણલીલાનાં અનેક પદોમાં એમની પ્રસાદમધુર અભિવ્યક્તિ, પ્રાસની સહજશક્તિ, સફાઈદાર શબ્દરચનાનો જેમ અનુભવ થાય છે તેમ કેટલાંક ભક્તિનાં પદોમાં બલિષ્ઠતા ને જોમનો અનુભવ પણ થાય છે. સૌરાષ્ટ્રની તળપદી ભાષાના અનેક પ્રયોગોથી એમની વાણીમાં વિશિષ્ટ પ્રકારની બળકટતા આવે છે. લવવૈવિધ્યવાળી ધ્રુવપંક્તિઓ એમનાં પદોનું આકર્ષક અંગ છે. ધ્રુવપંક્તિ, શબ્દપસંદગી કે વિચારની અંદર ક્યારેક એમનાં પદો નરસિંહ-મીરાંનાં પદોની અસર ઝીલતાં જોઈ શકાય. સાંપ્રદાયિક અસરને વિશેષ રૂપે ઝીલી કવિએ મંગળા, રાજભોગ, શયન વગેરે જુદે જુદે સમયે મંદિરોમાં થતાં દર્શન કે દિવાળી, અન્નકૂટ, શરદપૂર્ણિમા, એકાદશી હોળી વગેરે ધાર્મિક ઉત્સવોને વિષય બનાવી ઘણાં ચોસર પદો રચ્યાં છે. રણછોડજી દ્વારિકાથી વડતાલ પધાર્યા એ પ્રસંગને આલેખતાં પણ કેટલાંક પદ એમણે રચ્યાં છે. એ સિવાય પ્રેમલક્ષણા ભક્તિની પરંપરાને અનુસરી કૃષ્ણલીલા સાથે સંકળાયેલાં કૃષ્ણજન્મઉત્સવ ને બાળલીલાવિષયક વાત્સલ્યપ્રીતિનાં અને દાણલીલા, રાસ, ઇજન, ગોપીવિરહ, ઉદ્ધવસંદેશ, કૃષ્ણરૂપવર્ણન વગેરેનાં શૃંગારપ્રીતિનાં પદો પણ એમણે રચ્યાં છે. તેમાં દાણલીલા અને ગોપીઉપાલંભનાં ઘણાં પદો એમાંના વિનોદને લીધે વિશેષ ધ્યાન ખેંચે છે. સહજાનંદસ્તુતિનાંય કેટલાંક પદ કવિ પાસેથી મળે છે, જેમાંના ઘણાં સહજાનંદ સ્વામીના જીવનમાં બનેલા પ્રસંગો સાથે સંબંધ ધરાવે છે એવું મનાય છે. કવિનાં બોધાત્મક પદોમાં ભક્તિ પરની અડગ નિષ્ઠા પ્રગટ કરતાં “શિર સાટે નટવરને વરીએ” જેવાં પદ એમાંની શૌર્યની દીપ્તિથી અસરકારક બન્યાં છે. અન્ય વૈરાગ્યબોધનાં પદોમાં સંતસમાગમ,સીતધર્મ, સદાચાર વગેરેનો દૃષ્ટાંતોથી મહિમા કર્યો છે તો વિષયલોલુપ ને વિકારી જીવને કટાક્ષના ચાબખા પણ માર્યા છે. “આ તન રંગ પતંગ સરીખો, જાતાં વાર ન લાગે જી” જેવું સુંદર પદ એમાંથી મળે છે.[ચ.મ.]