ગુજરાતી નિબંધ-સંપદા/રતિલાલ ‘અનિલ’/પવન કરે જોર!: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''પવન કરે જોર!'''}} ---- {{Poem2Open}} નજીકમાં ધૂળિયું, ખોદાયેલી માટીનું વિશાળ...") |
(No difference)
|
Revision as of 11:38, 23 June 2021
પવન કરે જોર!
નજીકમાં ધૂળિયું, ખોદાયેલી માટીનું વિશાળ મેદાન. મારો ઓરડો ગોમુખો, સિંહમુખો નહીં પણ ધૂળમુખો છે! વળી એને પાછલું બારણું એટલે પ્રકાશ, ધૂળ, ચકલી અને ચોર જ ઓરડે આવી શકે! ધૂળને દોડવાનું, ક્યાંક મહેમાન થવાનું મન થયું અને ઝંઝાવાત આવ્યો! મારે પણ એક ઘર હોય એવી ઇચ્છા સરનામા વગરના માણસને થાય તો ખુલ્લા મેદાનમાં રહેતી ધૂળને કેમ ન થાય! આમ તો એ દોડતી દોડતી ચાલી જવા માટે બ્હાવરી બ્હાવરી નીકળી હોય પણ ઉનાળુ તાપને કારણે અડધું ડિલ ખુલ્લું એટલે વાંસે ને માથે બેસી જાય. ધૂળના પ્રમાણ જેટલી ખુલ્લા ડિલની પાત્રતા નહીં, એટલે બાકીની આગળ નીકળી જાય ને થોડીઘણી ઓરડામાં બેઠક જમાવે! ‘પગલીનો પાડનાર દ્યોને રન્નાદે!’ એવી પ્રાર્થના તો હું જન્મ્યો તે પહેલાં થઈ હશે પણ મેં આ ઉંમરે ઓરડે ધૂળમાં પગલાં પાડ્યાં. પેલા કવિશ્રી કહે છે: ‘ધૂળિયે મારગ હાલ!’ પણ આ તો ધૂળ પોતે જ હાલે ને સૌને માટે ધૂળિયો મારગ બનાવે અને ધૂળ પોતે જ જોમભેર આગળ ને આગળ હાલતી પણ જાય. મહેમાન પણ થાય અને આગળ પણ જાય, માણસ એવો સદ્ભાગી નહીં, મહેમાન થાય તો યજમાનના ઘરમાં રહીને એ ઘરની બહાર પણ જઈ શકે નહીં! પવન હાલ્યો જાય તોયે તે ઓરડે મહેમાન હોવાનું પણ અનુભવાય. એ તો પરબારો હુ ડુ ડુ ડુ… કરતો હાલ્યો જાય, એને તો બારણું અને બારી શું, વેન્ટિલેશન પણ મારગ! એને રાષ્ટ્રીયતા વળગી છે કે નહીં, તે હું જાણતો નથી એટલે નૅશનલ હાઇ-વેનું નામ લેતો નથી.
આ વખતે તો પવન આકળો, અધીરો થઈને ઉઘરાણીએ નીકળ્યો હોય એવું લાગ્યું. બેલીફ હાથે ચઢી તે જપ્ત કરે એમ ધૂળ, કચરો, એણે પોતે ખેરવેલાં પાંદડાં ઉઘરાવતો આગળ જાય ને માર્ગમાં મોકળા મને દાન કરતો જાય. ઓરડો સંયુક્ત કુટુંબ જેવો ભર્યોભર્યો લાગે. પણ પેલા સંત કહી ગયા છે કે નાવમાં પાણી ભરાય ત્યારે ‘દોનો હાથ ઉલેચીએ, યહી સયાનો કામ’ એમ અડધો ઉપદેશ સ્વીકારી એક હાથમાં ઝાડુ લઈને ભર્યું ભર્યું હોય તે ઉલેચું!
આમ તો હાથમાં ઝાડુ લેવાનું નહીં, બારણાં બંધ કરી ઝાડુ લઈને થેઈ થેઈ નાચવાનું ગમે! માતાના નોરતાના દિવસો આવે ત્યારે માંડવીના જંગલના આદિવાસી ઘેરૈયા એમના ભાતીગળ વેશે અને આદિમ આવેગે ગરબા ગાવા, નાચવા, કૂદવા, ઘૂમવા માટે ગાતાં ગાતાં શહેરમાં આવે. ગરબો માંડે, ગરબાના કૂંડાળાની વચમાં ગરબો ગવડાવનાર હાથમાં મોરપિચ્છ–ઝાડુ લઈને નાચે, પીંછીને ઠેકા ને ઠમકા મારે એ એટલું બધું રોચક રોમઉત્તેજક કે ઓરડામાં બંધ બારણે મોરપિચ્છને બદલે ઝાડુ-પીંછી લઈને ઓરડાની વચ્ચોવચ નાચવાનો આદિમ ઉમળકો થાય. પણ તેને બદલે ધૂળને પ્રગતિશીલ બનાવવા ફર્શ પર માથે હાથ ફેરવતો હોઉં એમ ઝાડુથી ધૂળને પસવારીને આગળ લઈ જાઉં તોયે પવન તાજી ધૂળ મૂકતો મોકળા મને દાન કરતો વહ્યે જ જાય.
પવન જો બીજો ઈશ્વર છે, એ દેખાતો નથી પણ અનુભવાય છે. પવનનું શરીર ન દેખાય પણ એનાં અદૃશ્ય પગલાં દેખાય! ખેતરના ઊભા લીલાછમ મોલ પરથી પસાર થાય છે ત્યારે મોલ પવનના પગ પડતાં નમે છે અને આગળ જાય એટલે ફરી ટટાર થઈ જાય છે. એનાં આગળ પડતાં પગલાં નીચા, ઊંચા થતા મોલમાં દેખાય. લીલું ખેતર જાણે સરોવર પણ હોય છે, મોલને નમાવતો, ઉન્નત થવા માટે આગળ જતા પવનને પાણીનાં મોજાં જેવા પગ હોય છે. મોજાંને તો માત્ર હાથ હોય છે, એ હાથ મારી કિનારે પહોંચીને ફસડાઈ પડીને ફીણ ફીણ થઈ જાય છે…
પાગલ પવન મેદાનની ધૂળમાત્ર ઉસેટતો નહોતો, એ એના માર્ગમાં વળી પાથરતોય જતો હતો. મને તો હજી બ્રહ્મમય જગત દેખાયું નથી, પણ ધૂળમય ઓરડો તો જોયો! મેદાનની ધૂળ ઉસેટી જાય છે તેમ મારા ઓરડે એણે જ પાથરેલી ધૂળ એ કેમ ઉસેટી જતો નથી? પવન એના પ્રચંડ શોરમાં મારો પ્રશ્ન સાંભળવા ક્યાં નવરો કે ફુરસદિયો હતો? એ તો જાણે દિવાળીના મુહૂર્તના સોદા પતાવવા નીકળ્યો હતો. નામ ટિપૉય પણ લંબચોરસ! આમેય હું ક્યાં ‘રતિ’નો લાલ છું અને ક્યાં મારું રતિભાર વજન છે? આ નામ સાળું સાપની જૂઠી પડેલી કાંચળી જેવું છે, પણ માણસ ક્યાં સાપ જેવો સદ્ભાગી અને સ્વાવલમ્બી છે કે સાપ કાંચળી દૂર કરે એમ નામને પોતાથી દૂર કરે!
લંબચોરસ ટિપૉય પર, એની સનમાયકાની લીસી સપાટી પર ધૂળ એવી પથરાઈ ગઈ કે એ ધૂળિયા નિશાળની પાટી બની ગઈ. આંગળીના ટેરવે ચળ ઊપડી. મૂળે જ એ આદિમ. કોઈ રમણીય બેલને સ્પર્શ કરતાં ક્ષોભ પામે. ગઝિલયો મૂઓ પણ બીજા ગઝલકારોની આંગળીનું ટેરવું વારંવાર બેલને સ્પર્શે એવી રંગદર્શી શાલીનતાથી એ જોજનો છેટું. એટલે તક મળી ત્યારે ટિપૉયની ધૂળિયા પાટી પર આંગળીના ટેરવાએ નક્કર નહીં, પોલું મીંડું પાડ્યું. પણ શૂન્યને વળી આકાર હોય! વહેતા પવને ઝાપટ મારી એને ચે’રી નાખ્યું. જોકે એ પહેલાં એણે મને ઝાપટ મારી હતી કારણ કે ખોટું કામ કરનાર હું હતો. પવન ક્યારેક જૂની પેઢીના પ્રભાવશાળી વડીલ જેવો પણ હોય છે! એ પવન કોઈ ગોત્રના માનપત્રીય કે સાંસ્કૃતિક નશામાં રહેવા દે એવો ન હતો. બહાર વૃક્ષો, આજના ધંધાદારી ભૂવાની જેમ નહીં, આદિમ ભૂવાની જેમ ધૂણતાં હતાં. ઘડીક લાગે કે આ આસોપાલવ હડી કાઢતો આગળ ચાલ્યો જશે કે શું! પણ એય મુત્સદ્દીની જેમ આગળ જવાનો ડોળ કરે, નમે, ઝૂકે, પણ આગળ જાય નહીં. નમે તે ભગવાનને ગમે પણ અમે તો નકરાં માણસ. આ આસોપાલવ સ્વસ્થ ભગતની જેમ નમેલો છે પણ ઘેલા ભગતની જેમ દંડવત્ પ્રણામ કરે તો…! નાનપણમાં ડોસી ગણિતના અધ્યાપકની જેમ પૂછતી: કેટલી વીસે સો થાય છે? હું છોભીલો પડી જતો. આ આસોપાલવ કેટલા મહિને પગભર થયો! ચાલો, આપણે નહીં તો આસોપાલવ તો પગભર થયો એવું આશ્વાસન હતું, પણ ભૂરાંટો થયેલો પવન એને ઘેલો ભગત બનાવીને દંડવત્ પ્રણામ કરાવે તો? વૃક્ષને પગભર થયા પછી જીવનભર પગભર જ રહેવું પડે છે.
હવે ધૂળની રમત જોવાનું ચોઘડિયું વીતી ગયું. મીરાં કહે છે: ‘અબ તો બાત ફેલ ગઈ’ તેમ સહુ જાણી ગયા, આ પવન નથી, વાવાઝોડું છે. હવે ઘરમાં ધૂળ શું, પવને પાંખ આપી હોય તે બધું જ ઘરમાં ઊડતું આવે! બહાર, રવેશમાં રાખેલો ડબ્બો કદાચ રક્ષણ શોધવા માટે ઓરડામાં આવ્યો, ખરેલાં પાંદડાં, ડાળખી ને કંઈ કંઈ આવ્યું. ઝાડની ટોચ બારણા તરફ વળીને પૂછતી હતી: આવું કે? મીરાં નસીબદાર કે એણે ‘સૂણી હરિ આવનકી આવાઝ!’ પણ અમે તો ડબ્બા-આવનકી આવાઝ સૂણી! ભીંતે કૅલેન્ડર ટાંગેલું નહીં એટલે એ ફફડ્યું નહીં. પવન મને દોડવાના ઉત્સાહમાં પાંખ આપવાનું ભૂલી ગયો એટલે હું ઊડ્યો નહીં…
શિષ્યા સંગીત શીખે છે, ગાય છે: ‘પવન કરે શોર!’ ઉસ્તાદ ઘાંટો પાડે છે, ‘બાબા, શોર નહીં, સોર! પવન કરે સોર!’ પણ અમે તો ઉસ્તાદની ભૂલ પણ સુધારી: ‘બાબા! શોર નહીં, જોર! પવન કરે જોર!’ અને પવને એવું તો જોર કર્યું કે, મારું ‘અનિલ’ તખલ્લુસ પણ ઊડી જશે અને ક્યાં જઈને પટકાશે તે હું જાણી શકવાનો નથી!
ધૂળ એ ધૂળ જ રહી, બધા સુસવાટા સૂકા જ રહ્યા… સૂકા સ્વભાવના માણસમાં વાવાઝોડાં જેવું જોર હોય છે, ભીનપ હોય તો એ જોર લચીલું બને… સૂકું જોર કલાકો સુધી સ્ટેશન નહીં કરતી એક્સપ્રેસ ટ્રેન જેવું એકધારું ચાલ્યું. પવન મારગે જાય નહીં, દોડે અને ધૂળિયો મારગ રચતો જાય અને પોતે જ જાય. માણસ એની જુગલબંધી કરવા જાય. પ્રથમ નૃત્યની અંગભંગી અને અંગમરોડો તો પામે પણ એને જોનાર પણ માર્ગેથી હટી જાય. લહરને મોજાં થવાનું મન થયું ત્યારે વૃક્ષો હીજરાયેલાં ન હતાં, અતિહર્ષથી કદાચ હચમચી ગયાં હતાં. હજી એક દિશામાં તાણ અનુભવતાં હતાં.
પવન ભીનો ન હતો એટલે પવનની ચરણરજ (રજોટી) ધોવા ત્રણેક વાર સ્નાન કર્યું એનું પુણ્ય પણ એના ખાતે જ જમા થયું હશે! ચોપડા અને બિછાનાંઓએ તો કશો ગુનો કર્યો નહોતો તોયે પૂરા શૂરાતનથી એમને ઝાપટ્યાં… પાંસઠ વર્ષ પૂર્વેના અમારા બીજા વર્ગના પહેલવાન સોટીદાર કાલિદાસ માસ્તરે જાણે પરકાયાપ્રવેશ કર્યો… આદિ શંકરાચાર્યની એ સિદ્ધિ હજી ખંડિત થઈ નથી… સુધારકના આવેશ અને જુસ્સામાં સાવરણી લઈને સુધારો કર્યો. એક વાર તો શરીર પરનાં કપડાં પર વળગેલી ધૂળ કાઢવા એના પર પણ ફેરવી. અમારા માથામાં હજી ધોળા વાળની બે તૃતીયાંશ બહુમતી નથી, એની માથામાં ધૂળ પડી તોયે અમને કશો ક્ષોભ ન થયો, ન કોઈએ અમને ઇલકાબની નવાજેશ કરી. અંતર હજી ગાયા કરે છે: ‘બાબા! સોર નહીં જોર! પવન કરે જોર…’ જૂન, ૧૯૯૮ના વાવાઝોડાની સ્મૃતિમાં