ગુજરાતી નિબંધ-સંપદા/પ્રીતિ સેનગુપ્તા/ફક્ત વરસાદ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Center|'''ફક્ત વરસાદ'''}} ---- {{Poem2Open}} વર્ષ દરમિયાન ઋતુ-ઋતુની નિયત કાળરેખા આપણન...")
(No difference)

Revision as of 11:48, 23 June 2021

ફક્ત વરસાદ


વર્ષ દરમિયાન ઋતુ-ઋતુની નિયત કાળરેખા આપણને અપેક્ષિત રહેતી આવી છે. ઉનાળો, શિયાળો, વસંત, વર્ષા વગેરેની પોતપોતાની સીમા હોય છે, એમ આપણે માનતાં રહ્યાં છીએ.

એક સમય એવો હતો જ્યારે ઋતુનાં આગમન અને વિદાય ઉપર આપણે આધાર રાખી શકતાં. એ સમય તો જાણે ક્યારનો જતો રહ્યો લાગે છે. હવે તો ક્યારેક જાણે ઋતુઓ એકમેકમાં ભળી જાય છે, ક્યાં તો સાવ છૂટી પડી જાય છે. અત્યારે તો એક ચંદ્ર જ ધાર્યા પ્રમાણે પૂર્ણ થાય છે ને ક્ષીણ થતો જાય છે, પણ સૂર્યનું વર્તન ક્યાં વિશ્વસનીય રહ્યું છે? ક્યારેક લાગે કે એનું જોર અકારણ, કસમયે બહુ વધી ગયું છે, તો ક્યારેક એ એવી જ રીતે સાવ નબળો બની જતો લાગે.

એની નબળાઈનું પ્રમાણ તો અમને હમણાં ખાતરીપૂર્વક મળી ગયું. હું જ્યાં રહું છું ત્યાં — એટલે કે ન્યૂયૉર્ક શહેરની આસપાસ, તેમજ અમેરિકાના સમગ્ર ઈશાન પ્રદેશમાં ત્રણથી ચાર અઠવાડિયાં સતત વરસાદ પડતો રહ્યો. બે-ત્રણ દિવસે એક વાર જરા વાર કે થોડા કલાક ઝાંખો-પાંખો સૂર્ય બહાર આવ્યો હોય. કાળાં વાદળ અને આકાશી વારિની સામે એનું કાંઈ ચાલે નહીં, એટલે પાછો એ દૂર સરી જાય. અહીં મે મહિનામાં ઘણો વરસાદ પડતો હોય છે, એ વાત સાચી. વીજળી ચમકે, વાદળ ગગડે, આકાશમાં મોટા કડાકા ને ભડાકા થતા દેખાય ને સંભળાય. મે મહિનામાં વરસાદ સાથે આવા ઝંઝાવાત પણ થાય જ. ને છતાં, મે ગયા પછી જૂનના વીસ દિવસ પણ પાણી પડતું અટકે જ નહીં, એવું બનતું જોયું નથી.

વળી, અમારી તરફ પૂરની ભીતિ રહેલી છે, તો અત્યંત વિશાળ આ દેશના અન્ય પ્રદેશોમાં પાણીનો દુકાળ ચાલે છે. કુદરતનું વર્તન કેવું વિચિત્ર હોય છે અને અગમ્ય.

ભારતમાં તો વર્ષાઋતુ સમયબદ્ધ હોય છે. હા, વરસાદ ક્યારેક મોડો થાય ને ક્યારેક સાવ ના પણ પડે, પરંતુ જો કુદરતની કૃપા પ્રમાણે થાય તો પહેલા વરસાદનો તો દિવસ પણ જાણે નક્કી ગણાય. પછી ખેતરોમાં લીલો રંગ લહેરાય, ને માટીની સુગંધ ફેલાય; જીવો ને જીવી મેળામાં મ્હાલે, ચરર ચરર ચકડોળ ચાલે; નાના છોકરા નાગાફૂગા થઈ વરસાદમાં નહાય, ને પ્રેમીઓ વરસાદનાં ગીતો ગાય. કોઈ મેઘને સંદેશાવાદક દૂત બનાવવા પ્રેરાય. તો કોઈનો પ્રયત્ન એવો હોય કે કેમ કરીને કોરા રહેવાય.

ગામડાંમાં ફરી છું, પણ ત્યાં ઊછરી કે રહી નથી, તેથી શેઢો કે ચાસમાં ભરાયેલાં પાણી, ને એમાં તરતું આકાશ, કે મોરની ગહેક, ને વહુવારુનો ઘૂમટો વગેરે જેવાં લલિત શૈલીમાં વપરાતાં જોવા મળતાં, અનેક પ્રતીકોનો ઉલ્લેખ કરવાનો હક મને ક્યારેય જાણે મળ્યો નથી. પણ વાતાવરણની તાજગી અનુભવી છે, માટીની મહેક જાણું છું, અને ઘરના આગલ વરંડામાંના હીંચકે બેસીને વરસાદને માણવાના આનંદને યાદ કરીને પરદેશમાં ઘણુંયે ઝૂરી છું. મારી આંખોના આકાશમાંથી પાણી દસ-દસ વરસ સુધી નીતરતાં રહ્યાં હતાં. ઘર-ઝૂરાપા ઉપર કેટલાંક કાવ્યો પણ લખાયાં, ને ન્યૂયૉર્કમાં જેવું, ને જેટલી વાર આકાશ ગોરંભાયું તેટલી વાર સ્વદેશને સ્મરતી રહી.

હજી સ્મરું છું — પ્રત્યેક દિવસે. એ મારા દરેક શ્વાસમાં ફરકે છે, ને મારા લોહીના દરેક ટીપામાં વસે છે. પરંતુ વર્ષાઋતુમાં માત્ર દેશના સંદર્ભ સંકોરતી રહું, એવું નથી. છેલ્લા બે દસકાઓથી વિશ્વભરના વરસાદને જોતી, ને માણતી આવી છું. એના એ વરસાદને જુદી જુદી રીતે પામતી, ને આસ્વાદતી રહી છું. વરસાદ તે કાંઈ ફક્ત વરસાદ હોય છે? કોઈ પણ સ્થાનની એ જીવાદોરી હોય છે, ત્યાંનાં સુખ-દુઃખનું એ કારણ હોય છે, ત્યાંના જીવનને મલેલો એ આકાર હોય છે.

પ્રવાસે નીકળી હોઉં ત્યારે વરસાદ નડતરરૂપ પણ બને. ખાસ કરીને યુરોપના દેશોમાં. એક તો ત્યાં સૂર્ય આમેય નરમ જેવો હોય, ને પછી વાદળો કોરાય એટલે હવામાં ઠંડક વધી જાય. હું એકલી હોઉં, સ્થળોમાં ચાલ્યા જ કરવાનું હોય. વરસાદને કારણે ઠંડી, ભીનાશ, ને વહેલું અંધારું. આવે વખતે પ્રવાસી હોવું આકરું બને. દક્ષિણ અમેરિકાના ચીલી દેશમાં પણ એક વાર એવું બન્યું હતું. સરોવરના સુંદર પરિસરને જોવા હું નીકળી એ દિવસે આકાશ ઘેરાયેલું રહ્યું, ને વરસાદ પણ આવતો-જતો રહ્યો. બહુ ઠંડી નહોતી થઈ, પણ હું ફોટા નહોતી લઈ શકી, ને એ બહુ ખૂંચ્યું હતું.

ઉષ્ણકટિબંધના દેશોનો વરસાદ બહુ સરસ. ઠંડક તો ના જ વધે, બલકે ગરમી ને ભેજ વધે. બહુ અકળામણ ના થાય, ને પ્રકૃતિ આખી હસતી લાગે. ધોધમાર હોય ત્યારે કદાચ છત્રી જોઈએ, બાકી છાંટણાંમાં થઈને તો નિરાંતે હરતાં-ફરતાં રહેવાય. ફિલિપ્પિનમાં, હવ્વાઈમાં વગેરે જગ્યાઓએ એવું બન્યું છે. ત્યારે હું પણ સાથે હસતી રહેલી.

આપણા મણિપુરના ઇમ્ફાલમાં રહી તેટલા દિવસ લગભગ રોજ વરસાદ પડે. અને એવો ભારે કે રિક્ષામાં બેઠાં બેઠાં પણ બીનાં થઈ જવાય. રિક્ષાવાળો તો તદ્દન પલળી જાય. એક વાર હું ‘ઈમા માર્કેટ’ કહેવાતા બજારમાં જવા નીકળેલી. એ માર્કેટને અસાધારણ કહી શકાય, કારણ કે એમાં વેચાણ કરનાર ફક્ત સ્ત્રીઓ હોય છે, તેમજ ખરીદનાર પર કેવળ સ્ત્રીઓ જ હોય છે. જોરથી વરસાદ પડતો હતો. રસ્તાઓ પણ પાણી ભરાઈ ગયેલાં. છેડે ચાલવા જઈએ તો કાદવમાં પગ મૂકવા પડે. છતાં, સારું થયું કે પાછી ના વળી ગઈ. આવું બજાર, ઊંચા અંબોડા તથા કપાળે ચંદન લગાડેલી વૈષ્ણવ સ્ત્રીઓ, તેમજ મણિપુરના હાથવણાટનાં અદ્ભુત કાપડ ફરી ક્યાં જોવા મળત?

ઇન્ડોનેશિયાના બાલી ટાપુ પર લગભગ એક મહિનો રહેલી, ત્યારે વરસાદને બહુ જ માણેલો. રોજ સવારે ઊઠીને આકાશ સામે જોઉં; જાતને પૂછું ને અનુમાન કરું કે એ દિવસે ક્યારે વરસાદ પડશે. પછી એની રાહ જોઉં, ને એને આવકારવા, માણવા ઓરડાની બહારના વરંડામાં અથવા કોઈ કાફેમાં બેસી જાઉં. બાલીનો વરસાદ સરસ ટપ ટપ કરતો પડે છે. ત્યાં એટલી બધી લીલોતરી, ઝાડ-પાન-ફૂલો હોય છે, ને પાંદડે પાંદડેથી ધ્વનિ ઉત્પન્ન થતો જતો સંભળાય છે.

ભારતમાં આવી રીતે વરસાદ માણવા માટે એક વાર ખાસ યોજના કરીને જુલાઈમાં અમદાવાદ ગઈ હતી. ત્યાં પણ સવાર પડે ને આકાશ તરફ જોઉં, આખો દિવસ રાહ જોતી રહું, પણ એ વર્ષે વરસાદ પડ્યો જ નહોતો. દેશમાં પાણીની તંગી વધતી ગઈ છે. બધું જ અનિચ્છનીય વધતું ગયું છે — વસ્તી, વાહનો, બાંધકામો, પ્રદૂષણ, દેશના વરસાદને ઝંખનાર જીવ હવે બળતો વધારે રહે છે — સૂકા થઈ ગયેલા વનમાં જેમ વારંવાર દવ લાગતો રહે તેમ.

અમેરિકામાં ભાગ્યે જ વરસાદની અછત લાગે. દેશના મોટા ભાગમાં શિયાળુ બરફ ઓગળીને થયેલા પાણીથી નદીઓ, તળાવો અને પીવાના પાણીનાં મોટાં તળાવ જેવાં ટાંકાં ભરાઈ જતાં હોય છે. પૂરતો બરફ ના પડ્યો હોય, તોયે બહુ ચિંતા રહેતી નથી, કારણ કે વરસાદ આખું વર્ષ પડ્યા કરે. શિયાળે, ઉનાળે, વસંતમાં ને પાનખરમાં — આકાશ સ્નેહાર્દ્ર, જલાર્દ્ર થતું જ રહે. વર્ષોના વસવાટ દરમિયાન મેં એ નોંધ કરી લીધી છે કે કયા મહિનાઓ ખરેખર વરસાદિયા ગણાય. એ મુજબ — શિયાળુ વરસાદ થાય જાન્યુઆરીમાં. ફેબ્રુઆરી ને માર્ચમાં બરફ પડવાની વકી વધારે. વાસંતી ફોરાં માટે તો એપ્રિલ વખણાતો આવ્યો છે, પરંતુ મે મહિનામાં ગાજવીજ સાથેનો વરસાદ અપેક્ષિત છે. જૂન ને જુલાઈ બરાબર ગરમીના મહિના, તેથી છાંટણાં થાય તો રાહત મળે.

વર્ષનો સૌથી ભીનો મહિનો ઑગસ્ટ છે, તે ક્યાલ મોટા ભાગનાંને હોતો નથી. સપ્ટેમ્બર ને ઑક્ટોબરમાં પાનખર બેસવા માંડે. વળી, દેશના તથા દુનિયાના અમુક પ્રદેશોમાં એ ચક્રવાતની ઋતુ ગણાય છે. છેલ્લે, નવેમ્બરમાં સારી ઝરમર થવાની. ડિસેમ્બરમાં ઠંડી ઠરીને સ્થાન ગ્રહણ કરવા લાગી હોય, અને ક્રિસમસ ઉપર બરફ પડે, ને પ્રકૃતિ શ્વેત-સુંદર બને એવી આશા દરેકના મનમાં હોય.

સાધારણ નિયમ તો આ પ્રકારનો જોવા મળેલો છે, પણ ઘણી વાર ધારેલું ના થાય અથવા અણધાર્યું પણ બની જાય — જેમ કે ૨૦૦૩ના મે-જૂનમાં આવી પડેલા આટલા બધા સળંગ ભીના દિવસો. શિયાળો લાંબો ને આકરો રહેલો. બરફ ને ઠંડી ખૂબ પડ્યાં. એ પછી તેજવાળી, તાજી વસંત હોય — એને બદલે આ શ્યામ ગગન. બધાંને બહુ અકળાઈ ગયેલાં સાંભળું છું. મને, જોકે, બહુ મઝા આવી છે આ સામટાં વરસાદની. પણ હું શિયાળામાં ભારતમાં હતી, ને અમદાવાદના માર્ચ-એપ્રિલની ઉષ્મા માણતી હતી; તેથી અહીં જો મે-જૂનમાં અઠવાડિયાં સૂર્ય વગરનાં હોય તો મને વાંધો નથી!

અહીંનો — એટલે કે અમેરિકાનો — વરસાદ ઘેર બેસીને જોવો અને સાંભળવો બહુ ગમે છે. ઘણાં ચા અને પકોડાંને યાદ કરે. મને એવી જરૂર નથી હોતી. કેવળ એનો રવ પર્યાપ્ત હોય છે. ચિત્ત થોડું ઝૂરે છે ને ઝંખે છે — કશુંક અદૃશ્ય, અભૌતિક, કદાચ કશુંક કલ્પનોત્થ; અને સાથે જ, ચિત્ત તુષ્ટ હોય છે, ને તોષ પણ પામતું હોય છે. એનું કારણ પણ અગમ્ય! છતાં, પ્રેમના કાંટા વાગતા હોય તેવો અનુભવ ફરીથી થાય, ને હૃદય એ આવકારી રહે!

વરસાદનું મનસ્વીપણું આટલા મોટા આ દેશને નચાવતું રહેતું હોય છે. ઓછો પડે તો એવો કે પાક બળી જાય, ખેતરોનાં ખેતરો નકામાં થઈ જાય. વધારે પડે તો એવો કે નદી-નાળાં ઊભરાય, ઘરો ને ગાડીઓ તણાય, ને રસ્તાઓ પર હોડીઓ ફરતી થઈ જાય. અચાનક કરા પડવા માંડે તો વાહનોના કાચ તોડી નાખે, ને વંટોળ બનીને આવે તો ક્ષણોમાં તારાજી કરી દે. એનાં નાનાવિધ વિકળ ને વિકરાળ સ્વરૂપોથી જે વાસ્તવિકતા બને છે તે જ અહીંના જીવનનો મહદ્ અંશ હોય છે.

પેલો ચાંચલ્યપ્રદ રોમાંચ તો અંગત તથા મનની માદક અવસ્થા કેવળ નિજી સંવેદન હોય છે. વ્યાપક પરિપ્રેક્ષ્યથી જોતાં વરસાદના સ્વભાવમાંની મૃદુતા આશાશ્વત હોય છે, વધારે તો એ જીવિતો તરફથી ભય તથા આદર-પ્રાપ્તિની યોગ્યતા ધરાવે છે — ભલેને પછી એનું પોતાનું સમયપત્રક કોઈ મનમોજી આવારા જેવું હોય.